મારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ

  1. પ્રાસ્તાવિક:

’પ્રતિલિપિ’ માઈક્રોફિક્શન વાર્તાસ્પર્ધામાં મુકાયેલી મારી આ વાર્તાઓને મારા ‘વલદાનો વાર્તાવૈભવ’ બ્લોગ ઉપર મૂકતાં હું અત્યંદ આનંદની લાગણી અનુભવું છું. સદરહુ વાર્તાઓની શબ્દમર્યાદા ૪ થી ૧૫૦ શબ્દોની હતી. વાચકોને નવાઈ લાગશે કે આવા સાવ મર્યાદિત શબ્દોમાં તો વળી વાર્તા લખી શકાય ખરી! મારા સુજ્ઞ વાચકોએ નવાઈ પામવાની જરાય જરૂર નથી. થોડાક આગળ વધો :

એક અંગ્રેજી પ્રયોગશીલ વાર્તા છે, અધ..ધ.ધ એટલી બધી લાંબી કે તેના વાંચનનો સમય માપવા ઓલિમ્પિક રમતોમાં દોડનો સમય માપતા કોઈક નિર્ણાયક પાસેથી તેની સેકંડનો પણ એકસોમો ભાગ માપી શકે તેવી ઘડિયાળ મંગાવવી પડે ! એ વાર્તા હતી, એર્નેસ્ટ હેમિન્ગવે (Ernest Hemingway) દ્વારા લિખિત પૂરા છ શબ્દોની વાર્તા, જેના શબ્દો વચ્ચેની જગ્યા અને વિરામચિહ્નોને ન ગણીએ તો તેના કુલ અક્ષરો પચીસ (બે ડઝન પૂરા અને બોનસમાં એક) થાય ! વધારે નહિ લટકાવું, હોં કે ! જો પૂરતો સમય (!)  હોય તો વાંચી જ લો :

“For Sale : Baby Shoes, never worn !”. !!!

-વલીભાઈ મુસા

* * *

(૧) લોહીના તરસ્યાઓ!

ઐતિહાસિક ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય છે, બસ તેમ જ આજે ટોપીઓના ફેરિયાએ બપોરની નિંદરમાંથી જાગીને જોયું તો વાંદરાં બધી જ ટોપીઓ ઉપાડી ગયાં હતાં. ફેરિયાએ વિચાર્યું કે ભૂતકાળના તેના જ જેવા ફેરિયા ભાઈએ જે યુક્તિ અજમાવી હતી તેમ કરવાથી ટપોટપ ટોપીઓ નીચે આવી જશે. પરંતુ ધારણા ખોટી પડી અને પોતાના માથા ઉપરથી નીચે નંખાયેલી છેલ્લી ટોપી પણ એક વાંદરું ઝડપથી દોડી આવીને ઉપાડી ગયું.

’અલ્યાં, અલ્યાં આમ કેમ કર્યું?’, ફેરિયાએ પૂછ્યું.

‘જાતને પૂછી જુઓ. અમારાથી ઉત્ક્રાંતિ પામીને માનવી થયેલા તમે લોકોએ માનવીપણું જાળવ્યું છે ખરું? તમારા પૂર્વજ તરીકે ઓળખાવતાં અમને શરમ આવે છે, એકબીજાના લોહીના તરસ્યાઓ!’

ફેરિયો કાનબુટ્ટી પકડીને ચાદરને ખભે નાખીને જેવો ચાલવા માંડે છે, ત્યાં તો બધી જ ટોપીઓ ટપોટપ નીચે પડી.

વાંદરાંના મુખિયાએ ટોણો મારતાં કહ્યું, ‘અમે સાવ તમારા જેવા તો નહિ જ થઈએ. તમારા જાતભાઈઓને તમારો આ અનુભવ અચૂક જણાવજો, જેથી કદાચ ને બધાની સાન ઠકાણે આવે!’

ફેરિયો વીલા મોંએ ચાલતો થયો.

-વલીભાઈ મુસા

* * *

(૨) પૂંછડી!

વનપ્રવેશના પહેલા જ દિવસે પર્ણકુટિની બહાર બેઠેલાં રામસીતાની પ્રત્યેક હિલચાલ ઝાડ ઉપર બેઠેલા વાંદરાઓ અવલોકી રહ્યા હતા. અગમ્ય ટેલિપથીની જેમ બધાના મનમાં એક સરખો વિચાર આવ્યો કે સીતામાતા કેવાં પતિભક્ત છે અને રામજીની કેવી સેવા કરી રહ્યાં છે! બધાએ વિચાર્યું કે તેઓ વાંદરીઓને જાતઅનુભવ કરવા અહીં આવવાનું જણાવે કે જેથી તેઓ સીતાજીની પતિભક્તિમાંથી કંઈક સારગ્રહણ કરે અને રામજીની જેમ તેમની પણ સેવા થતી રહે.

વાંદરાઓની વાત માનીને વાંદરીઓ ટોળાબંધ પર્ણકુટિની બહાર ઊતરી પડી. સીતાજી પર્ણકુટિમાંથી બહાર પ્રાંગણમાં આવ્યાં, ત્યારે બધી જ વાંદરીઓએ તેમની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું. સીતામાતા એમને કંઈક પૂછે તે પહેલાં તો બધી જ વાંદરીઓ વનરાજિ તરફ દોડી ગઈ.

જલ્દી પાછી ફરેલી વાંદરીઓને જોઈને વાંદરાઓને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, ‘તમને લોકોને સીતામાતાની પતિસેવામાંથી કંઈ શીખવા મળ્યું ખરું?’

‘શીખવાની વાત તો બાજુએ રહી, પણ અમારે જે જાણવું હતું તે જાણી લીધું. તમારાં સીતામાતાને પૂંછડી તો છે જ નહિ!’

-વલીભાઈ મુસા

* * *

(૩) નાચનિષેધ

ઢબુકતા ઢોલે સઘળી સખીઓ મન મૂકીને નાચી રહી છે. ફક્ત માયરામાં બેઠેલી એ કન્યાએ જ તો  તેની પલાંઠીને સખત ભીડી દેવી પડે છે.

-વલીભાઈ મુસા

* * *

(૪) વિધિની વક્રતા

શ્વાનમાદાએ હોસ્પિટલના હડકવાની સારવાર માટેના વોર્ડની ઓસરીમાં જ બચ્ચાં પ્રસવ્યાં.

-વલીભાઈ મુસા

* * *

(૫) મજાક!    

હલાવી જોયાં, લાગ્યું ગયાં; ધ્રાસ્કે હસી પડતાં! મધુરજનીએ આવી ક્રૂર મજાક!

-વલીભાઈ મુસા

* * *

(૬) તલાક

‘ત્રણ તલાક’ને ત્રણ તલાક!

-વલીભાઈ મુસા

* * *

(૭) નવી સગલી!

સમીસાંજે ઉદ્યાનના ખૂણાના બાંકડે મારી રાહ જોતી પ્રિયા એવી અદાથી બેઠી હતી  કે એની સમીપ જઈને  વક્રોક્તિમાં એક હાઈકુ  ઠપકારી દીધું  : ‘ગાલે હથેલી!  પ્રિયે, અતીત ખ્યાલે, કે દાઢ કળે?’

‘ડેન્ટિસ્ટને બીજું તો શું દેખાય? હવે મારા ખ્યાલનો જવાબ સાંભળી લે. અતીતને તો કોણ સંભારે! વર્તમાનનું જ વિચારું છું કે જીવનભર તને વેંઢારવા કરતાં હાલ  જ તને અલવિદા કહી દઉં, તો એક નન્નો સો દુ:ખ ન હણે!’

‘વાત તારી સાચી. લે, ત્યારે બાય બાય!’ કહી જેવો હું પાછો ફર્યો કે ત્વરિત સણસણતું એક ચપ્પલ મારી પીઠને ઘા કરી ગયું. મેં પાછળ  ફર્યા સિવાય જ  કહી દીધું, ‘બીજું પણ આવવા દે, નવીને કામ લાગશે!’

‘ઊભો રહે અને કહી દે કે મારી સ્ટેન્ડ બાય નવી સગલી એ વળી  કોણ છે?’

‘છેવટે ઠેકાણે આવી ખરી!  હવે વધારે ટટળાવીશ નહિ; કહી જ દઉં કે એ તું જ તો, એ તુ જ તો! જમના, તું હી હૈ તું હી મેરી મોહિની!’

પ્રિયા હરખભેર દોડી આવીને મને બાઝી પડી.

-વલીભાઈ મુસા  

નોંધ:-લાલ અક્ષરોવાળું લખાણ પાછળથી ઉમેર્યું છે, જે વ્હી. શાન્તારામ નિર્મિત ‘નવરંગ’ ચલચિત્રના ગીતની પંક્તિ છે.

* * *

(૮) અરર…

અરર! આ મે શું કર્યું? માનવજાતે ઈસુને ખીલા ઠોકીને વદ્યસ્તંભ ઉપર જડી દીધા છતાંય, જાણે કે  હજુ સુધી પરિતૃપ્તિ થઈ ન હોય તેમ તેમની છબિને દિવાલે  ટિંગાડવા માટે મેં પણ ખીલા ઠોકી દીધા!

-વલીભાઈ મુસા   

* * *

(૯)નાના બાળકની રમત!

દિવાલે લટકતા ગાંધીજીના ફોટા સામે એ માસુમ ભૂલકું ટોયગનથી નિશાન તાકી રહ્યું હતું. હું તેને અટકાવવા જાઉં તે પહેલાં  તો તેણે ત્રણ નકલી બુલેટ છોડી! હું વિચારી રહ્યો: ‘પ્રભુના પયગંબર સમી ગાંધીજી જેવી મહાન વિભૂતિને સાચી પિસ્તોલ વડે સાચી ગોળીઓ ધરબી દઈને મારી નાખવામાં આવી. આવા ઘાતકી કૃત્યને શું આપણે નાના બાળકની રમત ગણી શકીશું?’

-વલીભાઈ મુસા   

Posted in માઈક્રોફિક્શન વાર્તા | Tagged , , , , , , , , | Leave a comment

વચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)

ધાર્મિક અને ઉદાર ગણેશકાકાને બહોળી ખેતી હતી. ખળામાં અનાજટાણે જરૂરિયાતમંદોને સુડલે સુડલે અનાજ આપતા. ગૌશાળાઓ માટે ગાડાં ભરીભરીને ઘાસ મોકલતા. મંદિરના પૂજારી નીલકંઠગીરી ઉપર તો એમના ચાર હાથ રહેતા. મંદિર માટે જરૂરી ખાદ્યસામગ્રીના ભંડાર ભરી આપતા.

તેઓશ્રી કદીય મંદિરમાં પ્રવેશતા ન હતા. દ્વાર આગળ જ ઊભા રહીને દેવમૂર્તિને વંદન કરી લેતા. તેઓ નીલકંઠગીરી મહારાજને કહેતા, ‘દેવ અને મારી વચ્ચે તમે વચેટિયા. મારા કલ્યાણ માટેની દેવને ભલામણ તમારા શિરે.’

એ દિવસે ખેતસાથી માંદો પડતાં તેઓ ખાતર ખેંચતા હતા. એ ઉકરડાનો છેલ્લો ફેરો હતો અને તેમણે થોડોક વધારે ભાર ભર્યો હતો. રસ્તામાં ચઢાવ આવતાં ગાડું પાછું પડવા માંડ્યું. ગણેશકાકાને લાગ્યું કે ચારેય બળદ ટૂંપાઈ જશે. તેમણે ગાડામાંથી કૂદકો મારીને પૈડું આપવા માંડ્યું કે જેથી ચારેય બળદોને મદદ મળે. પરંતુ કમભાગ્યે તેમનો જમણો હાથ ગાડાના પૈડા નીચે ચગદાઈ ગયો. ધુઆંપુઆં થતા પોતાના લોહીલુહાણ તુટેલા હાથે બળદોને તેમની હાલત ઉપર છોડીને તેમણે ગામના મંદિર તરફ દોટ લગાવી.

સાધુવૃંદ લાડુ જમીને ઘોરતું હતું. ગણેશકાકાએ ડાબા હાથે પગમાંનો જોડો નીલકંઠગીરી ઉપર ઝીંક્યો. ખૂણામાં પડેલી લાકડી લઈને તમામ ઉપર તૂટી પડ્યા. બધા ગણેશકાકાના આક્રોશને પામીને ભાગ્યા. ગણેશકાકાએ ભાગતા નીલકંઠગીરી મહારાજને ચેતવણી આપી કે તેઓ બિસ્તરાંપોટલાં બાંધવા માંડે.

છેલ્લે ગણેશકાકા મંદિરના દ્વાર સામે ગળગળા અવાજે એટલું જ બોલી શક્યા, ‘હવેથી આપણી વચ્ચે કોઈ વચેટિયો નહિ!’

-વલીભાઈ મુસા 

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged , | 2 Comments

ચાર્લી ચેપ્લીન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)

સંક્ષિપ્તમાં  KDR તરીકે ઓળખાતા અને સાલભર વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા આ નગરની એક સંસ્થાએ આ વર્ષે હજારોની મેદની વચ્ચે અનોખો કાર્યક્રમ પેશ કર્યો હતો. નગરનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંની અવનવી પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિભાઓને નગરપિતા, નગરમાતા કે નગરસેવક જેવાં બિરૂદો આપવા ઉપરાંત કેટલાંક રમૂજી બિરૂદો પણ અપાયાં હતાં. એ બિરૂદો હતાં : ચાર્લી ચેપ્લીન ઓફ KDR, સ્માઈલીંગ મેન ઓફ ધ ટાઉન, એન્ગ્રી મેન ઓફ ધ વિલેજ વગેરે.

અન્ય બિરૂદધારીઓની ઓળખ સભાસંચાલક દ્વારા અપાઈ હતી, પરંતુ સભાના આગ્રહથી ‘ચાર્લી ચેપ્લીન ઓફ KDR’ એવા બિરૂદધારી ઈસ્માઈલ જુનેજાએ સ્વમુખે પોતાનાં કેટલાંક પરાક્રમો વર્ણવ્યાં હતાં. તેમણે  ઉનાળાની રાત્રિઓમાં મહેલ્લાઓનાં આંગણાંમાં હારબંધ સૂતેલાં લોકો પૈકીની પોતાનાં નાનાં બાળકો સાથે સૂતેલી માતાઓનાં બાળકોને અદલબદલ કરી દેવાં, એક કાકા ખુલ્લા બદને આંગણાના ઢોલિયામાં એક પડખે સુતેલા હતા તેમની બાજુમાં પોદળો મૂકી દેવો, બહારગામનો એક ફેરિયો જે રેંકડીમાં ટૂંટિયું વાળીને ઘસઘસાટ ઊંઘતો હતો તેની રેંકડીને ધીમે ધીમે ચલાવીને ગામના સ્મશાનમાં મૂકી આવવી, લગ્નસરા ટાણે રાત્રિના વરઘોડા માટે વરધી અપાયેલા ઘોડાને સાંજે ગામના પાદરેથી જ પ્રસંગ મુલતવી રહ્યાના બહાનાસર આગામી વારે આવવાનું જણાવીને ઘોડાવાળાને પાછો વાળવો વગેરે.

આ પરાક્રમો સાંભળતાં મેદનીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. છેલ્લે જુવાનિયાઓની માંગ થતાં ઈસ્માઈલભાઈએ ચાર્લી ચેપ્લીનની અદાએ સ્ટેજ ઉપર રાંટા પગે ચાલી બતાવ્યું.

વલીભાઈ મુસા 

 

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged | Leave a comment

અપવાદ – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)

ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી.  સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી.

ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, બીજા પક્ષે મારા સિવાય બધાં જ હતાં. નવાઈની વાત હતી કે પ્રોફેસર ગુજરાતી માધ્યમના હિમાયતી હતા. તેઓશ્રી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, પણ અંગ્રેજીમાં એક વિષય તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું. તેમનાં સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યાં હતાં. પોતાની નોકરીના સમય સિવાયના પોતાના દૈનિક જીવનમાં પોતે ચુસ્ત રીતે માતૃભાષાને જ પ્રાધાન્ય આપતા હતા.

સામેના પક્ષે બધાંયની હૈયાવરાળ એ હતી કે ઉચ્ચતમ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીભાષી ઉમેદવારો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ  આદિ રાજ્યોના ઉમેદવારો સામે શરમજનક રીતે પરાજય પામતા હોય છે. વળી આજકાલ વૈશ્વિકરણના માહોલમાં પશ્ચિમના દેશોમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી.

ચર્ચા અધૂરી હતી અને પ્રોફેસરશ્રીનું સ્ટેશન આવી જતાં તેઓ પોતાની હેન્ડબેગ લઈને દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઓચિંતી મારી નજર તેમની બેગ ઉપરના લખાણ P.G.L. ઉપર પડી. મેં મારું મૌન તોડતાં તેમને કહ્યું, ‘મિ. પ્રોફેસર, હાથીની જેમ બે જાતના દાંત ન રખાય! આ શું છે?’

પ્રોફેસરે સ્મિતસહ કહ્યું, ’મારા માટે આ જ અપવાદ છે. મારું નામ પાર્થ ગણેશ લખતરિયા છે.’

વલીભાઈ મુસા 

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged | Leave a comment

પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું ? એમનું દૂધ લઈ લો ને.’

‘મને ખબર નથી. એમ કર, બૂમ પાડ. અંદર છોકરાં સૂતેલાં જ હશે.’ મેં જવાબ વાળ્યો.

મને બધી ખબર હતી તોય મારે જૂઠું બોલવું પડ્યું; એમ જ કરવું પડે તેમ હતું, કેમ કે કારણ જ કંઈક એવું હતું.

‘અનુબહેન, આજે રવિવાર હોઈ એ બિચારાંને ઊંઘવા દીધાં હોત તો!’

‘મેના, મેં એકવાર કહ્યું ને. મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે, હમણાં આવશે.’  મારે ફરી જૂઠ ઉપર જૂઠ બોલ્યે જવું પડ્યું.

દાતણ ચાવતાં ચાવતાં ઓસરીમાં લટાર મારતા મારા પતિમહાશયે મને પૂછ્યું, ‘કેમ, કેમ; આજે કેમ સાવ આવું શુષ્ક વર્તન? બંને સાહેલીઓ વચ્ચે કોઈ રિસામણાં છે કે શું?’

‘ના, એવું બિલકુલ નથી; જે છે તે હું પછી કહીશ, મનિષ.’ મેં ધીમેથી કહ્યું.

પરંતુ મારે મનિષને ‘પછી કહેવા’ની નોબત જ ન આવી. બાજુના મહેલ્લામાં જ રહેતાં છોકરાંનાં દાદા-દાદી, અને બે કાકા-કાકી આવી ગયાં. ‘મા ક્યાં ગઈ, મા ક્યાં ગઈ?’ એવું રટણ કરતાં છોકરાંઓને દાદીએ બાથમાં લીધાં અને મહાપરાણે ફોસલાવી પટાવીને તેમના ઘરે લઈ ગયાં.

વહેલી સવારે વાયુવેગે વાત ગામમાં પ્રસરી ગઈ. એ લોકોના ગયા પછી ટોળાબંધ સ્ત્રીઓ અમારાં આંગણે આવીને તરેહતરેહની વાતો કહેવા માંડી. કોઈએ કહ્યું, ‘માજિયારી બહોળી ખેતીમાંનો જમીનના ભાગે આવતો  આવકનો એક મોટો હિસ્સો તેને ઘેર બેઠાં મળતો હતો. વારસામાં ભાગે આવેલું મેડીબંધ પોતીકું ઘર હતું. જોતજોતાંમાં છોકરાં મોટાં થઈ જતાં અને આમ મુઈને ઘર માંડવાની શી જરૂર પડી?’

તો વળી કોઈએ અનુમાન કરતાં કહ્યું, ‘નક્કી કોઈને કહી ન શકે તેવું કંઈક દુ:ખ હોવું જોઈએ, નહિ તો આવું પગલું ભરે નહિ. આજકાલ ક્યાં કોઈ વિધવા નાતરું કરે છે? બિચારીને છોકરાં છોડીને જતાં કેટલું બધું દુ:ખ થયું હશે?’

‘ગામ આખું એકી અવાજે કહેતું કે મરનાર રાવજી અને એની વચ્ચે એવો મનમેળ અને પ્રેમ હતો કે સૌ કોઈને ઈર્ષા થાય. ઝેરી એરુ આભડતાં તત્કાળ અવસાન પામેલા એ બિચારાના આત્માને આ જાણીને કેટલી વ્યથા પહોંચી હશે! વળી વિધવા તરીકે ખૂણો જાળવવાની સમયાવધિ પૂરી થયાને માંડ ત્રણેક મહિનાય નહિ થયા હોય અને તેને આ શી કુબુદ્ધિ સૂઝી!’ એક ડોશીએ પોતાનો બળાપો કાઢ્યો.

અમારી જમણી તરફના સમજદાર પાડોશી બેચરકાકાએ એકદમ વ્યવહારુ વાત કરી, ‘છોકરી ભણેલી, ડાહી અને સંસ્કારી છે તે અમે આડોશીપાડોશી જાણીએ છીએ. મારા મતે ભરયુવાનીમાં વિધવા થયેલી સ્ત્રી પુનર્લગ્ન કરી દે એમાં જરાય ખોટું નથી. મરનારના નામે બેસી રહેવાનો દંભ કરીને ચારિત્ર્યહીન જીવન જીવવા કરતાં આવું હિંમતભર્યું પગલું ભરી લેવું વધારે ઉત્તમ છે. લોકો ચાર દિવસ વાતો કરીને આવી ઘટનાને ભૂલી જવાનાં અને તેથી કોઈએ શા માટે જીવનભર દુ:ખી થવું? આ કો’કની છોકરી છે માટે નથી કહેતો, મારી દીકરી હોય તો પણ હું આમ જ કહું.’

બેચરકાકાનાં ધર્મપત્ની જીવી ડોશીએ વાતાવરણ હળવું બનાવવા આકાશમાંની વીજળી પછીના કાટકાની જેમ ચાળા પાડતાં બોલી પડ્યાં, ‘દીકરી નથી એટલે બોલ્યા કે માલી દીકલી હોય તો પણ હું આમ જ કહું. લ્યો, હું તમારી ડોશી છું અને મારા વિષે કહો તો ખરા!’

‘લે, તારા માટે પણ કહું. મને ડાગટરિયાઓ ખાત્રીબંધ કહે કે બેચરકાકા તમે દસ કે પંદર દિવસમાં ઉકલી જવાના છો, તો હું જીવતાં મારી જાતે જ તને નાતરે વળાવીને પછી સુખેથી મરું!’ સૌ ખડખડાટ હસી પડ્યાં.
પેલી તરફ ઘટનાને અનુલક્ષીને વિવિધ મંતવ્યો અને ટોળટપ્પા ચાલી રહ્યાં હતાં, તો આ તરફ વળી હલકા વિચારો ધરાવતી એક બેશરમ ઓરત નામે ઝમકુડીએ તો હું જ સાંભળું તે રીતે દબાતા અવાજે મારા કાનમાં કહી લીધું, ‘તું પાડોશમાં છે એટલે તને ખબર હશે જ કે એણે કાળું મોંઢું તો નથી કર્યું? વળી રૂપનો કટકો હતી એટલે રાવજીના જીવતાં જ એના બાળગોઠિયા જાલમડા સાથે તમે ભણેલાં કંઈક ‘ઈલુ … ઈલુ’ કહો છો એવું તો કંઈ નહિ હોય ને! આ તો મુઈ જાલમડાના ત્યાં જ ગઈ એટલે શંકા થાય તો ખરી ને! જો એનાથી જ ભારે પગે થઈ હોય તો સારું થયું કે ઘીના ઠામમાં ઘી ગયું!’

‘અરરર ઝમકુ, તું કપોલ કલ્પિત વાત ક્યાંની ક્યાં લઈ જાય છે? કોઈની ઈજ્જત ઉપર કાદવ ઉછાળવું એ આપણને શોભા આપે નહિ. બીજી એક વાત સાંભળી લે કે હવે પછી તું એ બિચારી મીનાક્ષી અંગેની કોઈ ગંદી વાત મારા આગળ કરતી નહિ. મારા ઘરવાળા તમારા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી અમે મીનાક્ષીના પાડોશમાં ભાડુઆત તરીકે રહીએ છીએ. મરનાર રાવજી અને મીનાક્ષીનો પ્રેમ કોઈથી અજાણ્યો નથી. રાવજીનો મિત્ર જાલમ પણ ભલો માણસ છે. એ વિધુર હતો અને બંને સમદુ:ખિયાં ભેગાં થયાં એમાં શું ખાટુંમોળું થઈ ગયું? હવે તું ગામની છે, એટલે મારું એક કામ કર; બધાંને મારા ઘર આગળથી રવાના કરી દે અને તું પણ ઘર ભેગી થઈ જા. મારા પતિને પરનિંદા ગમતી નથી અને મને બીક લાગે છે કે તું નાહકની અપમાનિત થઈ જઈશ.’

ઝમકુ મારી વાતનો ઈશારો પામી ગઈ અને મોટા અવાજે કહી દીધું, ‘ચાલો, ચાલો; હવે બધાં પોતપોતાનાં ઘરે જાઓ. દરેક સમાજમાં આવું તો બનતું આવ્યું છે અને બીજું કે ઘર માંડવું કોઈ પાપ નથી.’

સૌ વિખરાતાં હું ઘરમાં ગઈ અને મનિષને બાઝી પડીને રડવા માંડી.

‘અરે, અરે! પણ તું કેમ રડે છે? હું પણ માનું છું કે મીનાક્ષી ભલી અને સંસ્કારી બાઈ હતી, પરંતુ એણે બેઉ છોકરાં ખાતર પણ આવું કઠોર પગલું ભરવું જોઈતું ન હતું. વળી જાલમ સાથેના જોડાણથી લોકોને અનાપ-સનાપ ગોઠવી કાઢવાનું કારણ મળ્યું. ખેર, હવે આપણે એ બધી વાત જવા દઈએ; પણ તને પૂછું છું કે તું તો એની ખાસ બહેનપણી હતી અને તને તો તેના આ પગલાની અગાઉથી જાણ હશે જ.’

‘હા, મનિષ; જાણતી તો હતી જ, પણ આ અંગે મને વધુ ન પૂછો તો સારું. તેણે મને પુનર્લગ્ન કરવાનું કારણ તો જણાવ્યું છે; પણ કોઈનેય કહેવાની ના પાડી છે, તમને પણ નહિ!’

‘તો જા, હું પણ તે જાણવાનો આગ્રહ રાખીશ નહિ; પણ સવાલ રાવજીનાં બંને છોકરાંના યોગ્ય ઉછેરનો છે.’

‘જાલમે એ પોતાનાં જ છોકરાં હોવાના ઉમદા ખ્યાલ સાથે તેમની જવાબદારી માથે લેવાનું સ્વીકાર્યું છે, પણ એક શરતે કે કોર્ટકચેરીની ઝંઝટ વગર એમને બાળકોનો કબજો મળે તો!’

‘એ તો જ્ઞાતિના સમજદાર આગેવાનો બંને છોકરાં મીનાક્ષીને સોંપાવશે. પરંતુ અનુ, હું વિચાર કરું છું કે આ તે કેવું નારીજીવનનું દુર્ભાગ્ય! વિધવા સ્ત્રી યેનકેન પ્રકારેણ જીવન તો જીવી જાય, પણ ઘરમાં અને ઘરબહાર થતું તેનું શોષણ હૃદય હલાવી નાખે તેવું હોય છે. ધાર્મિક અને અધાર્મિક એવા ઉભય પ્રકારના લોકો પોતપોતાની રીતે વિધવાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર છોડતા નથી હોતા. કહેવાય છે કે અધર્મ કરતાં ધર્મે વિધવાને વધુ પરેશાન કરી છે અને તેથી જ તો સ્વામી વિવેકાનંદને પણ કહેવું પડ્યું છે કે વિધવાનાં આંસું લૂછી ન શકે તે ધર્મ નકામો ગણાય. ખેર, જવા દે એ વાત; પણ બીજું  એ સારું થયું કે નાતાલના વેકેશનના કારણે આપણાં છોકરાં મોસાળે ગયાં છે, નહિ તો આ મહિલા મંડળની આવી ગંદી વાતોની તેમનાં કુમળાં માનસો ઉપર કેવી ખરાબ અસર પડત? એમાંય આપણી કૌશલ્યા તો તીખા મરચા જેવી તેજ! એની બહેનપણીની મમ્મી વિષે આવું બધું ઘસાતું બોલાતું તો એ હરગિજ સહન ન કરત!’

આટલું કહીને મનિષ બાથરૂમ ગયા અને મારો મોબાઈલ રણક્યો. મીનાક્ષીનો જ ફોન હતો. તેણે રડમસ અવાજે પૂછ્યું, ‘મારાં છોકરાંના શા સમાચાર છે, અનુ?’

‘વડીલો આવીને તેમને લઈ ગયાં છે. મનિષ તેમના યોગ્ય ઉછેરની ચિંતા કરતા હતા. તેમને વિશ્વાસ છે કે કોર્ટકચેરીના ચક્કરમાં પડ્યા વગર જ્ઞાતિના આગેવાનો તારાં બાળકો તને સોંપાવશે. ’

‘આ સઘળા અનિષ્ટના મૂળ જેવો એ આવ્યો હતો ખરો?’

‘હા, એ અને એની ઘરવાળી આવ્યાં હતાં. રડ્યે જતી એ બિચારીને તો એના ધણીના પરાક્રમની ખબર ક્યાંથી હોય, પણ એ ખલનાયકનું મોંઢું પડી ગયેલું હતું. તારા પુનર્લગ્ન પાછળના કારણને આપણે બે જ જાણીએ છીએ અને કદાચ તેં જાલમને કહ્યું પણ હશે, પરંતુ તારી રજા હોય તો હું મનિષને એ કહેવા માગું છું, કેમ કે અમારી વચ્ચે કોઈ વાત અંગત કે ખાનગી હોતી નથી. જો કે મેં એમને ચોખ્ખી ના પાડી છે કે તારા આ પગલા પાછળનું કારણ તેમને નહિ જણાવું અને તેમણે એ સ્વીકારી પણ લીધું છે, પરંતુ હું પોતે જ માનસિક બોજ મહેસુસ કરું છું. તું એ વાતની ખાત્રી રાખજે કે અમારા બે પાસેથી એ રહસ્ય ત્રીજી કોઈ જગ્યાએ નહિ જાય, સિવાય કે અન્ય કોઈ સ્રોતેથી એવું બને.’

”જા, તું મોટાભાઈને કહી શકે છે. મને ખબર છે કે તેઓ મારા સંસ્કાર અને ચારિત્ર્ય વિષે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે અને મારા જીવનની બનેલી આ અનીચ્છનીય ઘટનાને માનવા તેમનું મન ના પાડતું હશે. વળી તેમને પારાવાર દુ:ખ પણ થયું હશે. મારા માનવા પ્રમાણે તું હકીકત  જણાવશે તો એમને સંતોષ થશે. બીજું મેં સ્વાતિને ગોળગોળ કહી દીધું છે કે, ‘હું જાલમકાકાના ત્યાં કાયમ માટે જાઉં છું, પણ તમને ભાઈબહેનને હાલ સાથે નહિ લઈ જઈ શકું. તમારે મારી પાસે વહેલાં આવવું હોય તો તમારે ખાવાપીવાનું છોડી દઈને રડ્યે જતાં મારી પાસે આવી જવાની જીદ પકડી રાખવાની. દાદી દયાળુ અને જીવાળ છે, એટલે તમને વધુ રડવા ન દેતાં મારી પાસે મોકલી આપશે. કુટુંબમાં એમનો એવો પ્રભાવ છે કે બધાંને એમનું કહ્યું કરવું જ પડે.’”

‘તો.. તો મને લાગે છે કે સાંજ સુધીમાં છોકરાં તારી પાસે આવી જ જશે. બોલ, બીજું કંઈ મારા લાયક કામકાજ હોય તો જણાવ. બાકી અમે પરવતની હોઈ તથા સ્થાનિક સંસ્થામાં મનિષની નોકરી હોઈ એક મર્યાદાથી વધારે પ્રત્યક્ષ રીતે તને મદદરૂપ નહિ થઈ શકીએ.’

‘તારા અને જીજુ પરત્વેના મારા ગળા સુધીના વિશ્વાસ અને હૈયાધારણના સહારે મેં જોખમી પગલું ભર્યું છે, નહિ તો એ ખલનાયકના માનસિક ત્રાસથી કાં તો મેં મારું જીવન ટુંકાવી નાખ્યું હોત અથવા તો એની ઘરવાળી બિચારીને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડત.’

મીનાક્ષી સાથેની વાત પૂરી થઈ. મનિષ સ્નાન પતાવીને મારી સામે બેઠા. મેં પૂછ્યું, ‘મનિષ, મારો નાસ્તો કરવાનો મુડ નથી. તમારા એકલા માટે જે કહો તે બનાવી આપું.’

‘મારી પણ મુદ્દલેય ઇચ્છા નથી. ચાલ, આપણે છોકરાંને ફોન કરીએ.’

‘પછી ફોન કરીશું, હાલ હું વ્યથિત છું. બીજું મનિષ, તમે બાથરૂમમાં હતા ત્યારે મીનાક્ષીનો ફોન આવ્યો હતો. છોકરાં અંગે પૂછતી હતી. બીજી ખાસ વાત કે તેણે તેના પુનર્લગ્ન પાછળના કારણને તમને એકલાને જણાવવાની મને રજા આપી દીધી છે. મેં તેને ખાત્રી આપી છે કે એ રહસ્ય આપણા બે પૂરતું સીમિત જ રહેશે, આગળ નહિ વધે.’

‘તેં જ રજા મેળવી હશે. હું જાણું ને કે તું મારાથી કશું જ છુપાવી ન શકે. તો કહી જ દે કે જેથી મારા મનનું સમાધાન થાય.’

‘હમણાં જ તમે નહોતું કહ્યું કે વિધવા સ્ત્રીનું શોષણ ઘરમાં અને ઘર બહાર થતું હોય છે. આપણા સમાજે વિધવા સ્ત્રીને ભલે ગંગાસ્વરૂપનું બહુમાન આપ્યું હોય, પણ લોકોનો તેની સાથેનો વ્યવહાર તો અભદ્ર જ હોય છે. એમાંય વળી વિધવા સમાજને તો પહોંચી વળી શકે, પણ કુટુંબીજનો કે આપ્તજનો આગળ એ લાચારી અનુભવતી હોય છે. ઘરવાળાં તરફથી થતું શોષણ કે માનસિક ત્રાસ એવાં હોય છે કે જે કહ્યાં પણ ન જાય અને સહ્યાં પણ ન જાય. મીનાક્ષીના કિસ્સામાં પણ વાડ જ ચીભડાં ગળે જેવી સ્થિતિ થઈ હતી. તેની સુંદરતા તેની દુશ્મન બની હતી. તેનો દિયર મુકેશ રાવજીની હયાતીમાં પણ ઘણીવાર તેને અડપલાં કરતો, પણ એક દિવસે તેણે રાવજીને કહી દેવાની ધમકી આપી હતી ત્યારથી તે માપમાં આવી ગયો હતો. પછી તો મુકેશ પરણી ગયો અને તેનામાં થોડું થોડું પરિવર્તન આવવા માંડ્યું, આમ છતાંય તે મોકો મળતાં મીનાક્ષીને લોલૂપ નજરે જોયા વગર રહી શકતો ન હતો.’

‘આનો મતલબ તો એ થયો કે મીનાક્ષી પરણીને આવી ત્યારથી જ તેના દિયર તરફથી તેને માનસિક ત્રાસ હતો. વળી બિચારીને વિધવા થયા પછી તો તેના તરફથી ઘણી હરકતો સહન કરવી પડી હશે, ખરું કે નહિ?’

‘મીનાક્ષીના ઘરનો ખૂણો પાળવાના દિવસોમાં પણ એ નફ્ફટાઈપૂર્વક છોકરાંને મળવા અને રમાડવાના બહાને તેના ઘરે આવતો હતો. તેની બેશરમીએ એવી તો હદ વટાવી દીધી હતી કે મરનાર મોટાભાઈની આમન્યા અને માતાતુલ્ય વિધવા ભાભીમાની માનમર્યાદા જ સાવ વીસરી ગયો હતો.’

‘અનસૂયા, આવી અકળાવી નાખતી પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા મીનાક્ષીને યોગ્ય માર્ગદર્શનની જરૂર હતી. તેં આ સઘળી વાત મારી સાથે પહેલાં શેર કરી હોત તો આપણે કોઈક માર્ગ કાઢત! ખેર, બીત ગઈ સો બાત ગઈ; હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને થોડી બદલી શકાય?’

‘મનીષ, તમે કદાચ નહિ માનો પણ મીનાક્ષીએ એના દુ:ખની વાત તો તેણે પુનર્લગ્નનો નિર્ણય લીધા પછી ચારેક દિવસ પહેલાં જ મને કરી. મેં એને વારવાની કોશિશ કરી, પણ તેણે સ્પષ્ટ કહી દીધું કે જાલમે અને તેણે મક્કમ નિર્ણય લઈ જ લીધો હોઈ હવે પુનર્વિચારને કોઈ અવકાશ નથી. જાલમ તેને હવે વધુ લાંબા સમય સુધી આવી દુ:ખમય સ્થિતિમાં રાખવા માગતો ન હતો.’

‘મારું મન કહે છે કે હું તેની સાથે સીધી વાત કરું. તારા મોબાઈલ ઉપર મને સ્પીકર ઓન કરીને નંબર જોડી આપ, કે જેથી તું પણ સાંભળી શકે.’

મેં નંબર જોડીને મનિષને ફોન આપ્યો. તેમની વચ્ચે આમ વાતચીત થઈ.

‘હેલો મીનુ, હું જીજુ. બહેના, તેં તો મને અને આખા ગામને મોટી સરપ્રાઈઝ આપી. અનુએ મને અર્ધીપર્ધી વાત કરી છે, બાકીનું હું તારા મોંઢે સાંભળવા માગું છું. તું ખુલ્લા દિલે મને કહે. સાંભળ, દુ:ખ વહેંચવાથી દુ:ખ ઘટે અને સુખ વહેંચવાથી સુખ વધે.’

‘…..’

‘જો મીનાક્ષી, તું તો રડવા માંડી! ચાલ, તારા સુખની વાત કર; આપણે રોદણાં નથી રોવાં.’

‘મોટાભાઈ, મુકેશ છેલ્લે તો એટલી નીચી પાયરીએ ઊતર્યો  કે હું દિયરવટું કરું; નહિ તો તે મારા ઉપર બળાત્કાર કરશે.’

‘તારે કહેવું હતું ને કે તું કુંવારો અથવા વિધુર હોય તો જ દિયરવટું થઈ શકે ને!’

‘મેં એમ કહ્યું તો તેણે જવાબ આપ્યો કે હું તારા વગર એક પળ જીવી શકું તેમ નથી. તું કાં તો મારી રખાત તરીકે રહે અને એ તને મંજૂર ન હોય તો તારી દેરાણીને કાં તો છૂટાછેડા આપું અથવા તેનું ખૂન કરીને પણ તારા માટે જગ્યા કરી આપું. તું મારી ભાભી બનીને આવી હતી, ત્યારથી મારા દિલમાં વસી ગઈ હતી. જો મારો સાચો પ્રેમ હતો એટલે જ તો નાગબાપાએ મારા ભાઈ રાવજીને ડંખ દઈને આપણા બેઉ વચ્ચેનો કાંટો દૂર કરી દીધો!’

‘અરર, મુકેશ આટલી હદ સુધી ગાંડો થઈ  ગયો હતો! સગો મોટો ભાઈ અને કાંટો! તેણે તો માણસાઈની હદ ઓળંગી દીધી કહેવાય!’

‘…..’

‘જો મીનુ, ઈશ્વરને ખાતર રડીશ નહિ; નહિ તો હું ફોન કાપી નાખીશ.’

‘જીજાજી, છેલ્લે મેં તેને ધમકી આપી કે જો તું મને ત્રાસ આપવાનું બંધ નહિ કરે તો હું બંને છોકરાં સાથે આત્મહત્યા કરીશ. તેણે ખંધાઈપૂર્વક જવાબ આપ્યો કે તો તો તમારા ત્રણ પછી ચોથો આત્મહત્યા કરનારો હું હોઈશ અને આપણે ચારેય જણ ઈશ્વરના ત્યાં આરામથી શેષ જિંદગી પૂરી કરીશું!’

‘મીનાક્ષી, તારી આ બધી કેફિયત સાંભળીને મને તો એમ લાગે છે કે તેનું માનસ વિકૃત થઈ ગયું હોવું જોઈએ. અત્યાર સુધી તને મેળવી શકાશે એ આશાએ તેણે હદ ઓળંગી નથી, પણ હવે તારા પુનર્લગ્નથી તેનું બધું જ લૂંટાઈ ગયું એમ માનીને તે હવે તમારા બંને ઉપર આક્રમક બની શકે છે. મારી સલાહ છે કે તમારે બંનેએ ખૂબ જ સાવચેત રહેવું. જે માણસ પોતાના સ્વર્ગસ્થ ભાઈનાં સંતાનો અને  ભાભીના મોતને સહજ ગણે છે, જે તને પામવા માટે પોતાની પત્ની સુદ્ધાંનું કાસળ કાઢવા માટે પણ તૈયાર છે તેના ઉપર કોઈ ભરોંસો મૂકી શકાય નહિ. વળી બીજી શક્યતા એ પણ છે કે તારા પુનર્લગ્નથી તે હતાશામાં એવો તો ઘેરાઈ ગયો હોઈ શકે કે તે પોતે આત્મહત્યા પણ કરી બેસે. આમ ખરેખર જો તે ટળે તો તારે જરાય લાગણીશીલ થવાનું નથી, કેમ કે છેલ્લા એક દસકાથી તેણે તને હેરાન-પરેશાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. તારે તો એમ જ માનવાનું કે ધરતી ઉપરથી એક પાપીનો બોજ ઓછો થયો!’

હું મીનાક્ષી અને મનિષની વાત સાંભળતાં સાંભળતાં વિચારતી રહી કે મનિષે દસ દસ વર્ષથી ઘોળાયે જતી આ કરુણ દાસ્તાનને હમણાં જ જાણી છે અને છતાંય તે હવે પછી સંભવતઃ ઘટનારી ઘટના અંગેના પોતાના    અનુમાનમાં કેટલા બધા ચોક્કસ છે. ખરે જ, મીનાક્ષીની સમસ્યાની જાણ મનિષને વહેલી થઈ  હોત તો  તેઓ તેનો સરસ ઉકેલ લાવી શક્યા હોત! ખેર, હવે જોવાનું એ રહે છે કે મુકેશ, મનિષના કયા અનુમાનને સાચું ઠેરેવે છે!

મનિષ મીનાક્ષી સાથેની વાતચીત પૂરી કરીને મારો મોબાઈલ મારી સામે હજુ ધરી રહ્યા છે, ત્યાં તો મહેલ્લામાં ધડબડ ધડબડ એવાં પગલાંના અવાજે લોકો ગામકૂવા તરફ દોડતા જોવામાં આવ્યા. પાડોશી બેચરકાકાએ દોડતા એક જણને પૂછ્યું, ‘અલ્યા, કેમ દોડો છો?’ અને જવાબ મળ્યો, ‘કરસનદા મુખીના મુકેશે ગામકૂવામાં પડતું મેલીને આપઘાત કર્યો છે!’

બેચરકાકા ગામકૂવે જઈ આવીને અમારા આગળ તરેહ તરેહની લોકવાયકાઓનું બયાન કરવા માંડ્યા. કોઈ કહે છે, ‘છોકરાં રઝળાવીને ભાભી નાતરે ગઈ તે બિચારાને ગમ્યું નહિ!’ કોઈ કહે છે, ‘ભાઈને બાયડી ગમતી નહોતી, એટલે ન્યાતનો દંડ ભરીને તેને છૂટી કરીને રૂપાળી ભાભીને ઘરમાં ઘાલવી હતી; પણ મનની મનમાં જ રહી અને  હતાશામાં કૂવોહવાડો કરવો પડ્યો!’

મનિષે હળવેકથી બેચરકાકાને પૂછ્યું, ‘વડીલ, આપ તો જમાનાને ઓળખી ચુકેલા છો. આપનું શું અનુમાન છે?’

બેચરકાકાએ ખોંખારો ખાતાં કહ્યું, ‘અનુ દીકરીના સાંભળતાં કહેવું પડે છે, પણ મને તો વાત જુદી જ લાગે છે. બેટમજીએ એકતરફા લટ્ટુ બનીને ભાભીને આડો સંબંધ બાંઘવા ખૂબ પજવી લાગે છે! પેલી બિચારી કંટાળીને બીજે જતી રહી, એટલે હાથ ઘસતા રહી ગયા અને નિરાશ થઈને જીવન ટુંકાવવું પડ્યું!’

મનિષે મારી સામે જોઈને માર્મિક સ્મિત કર્યું. બેચરકાકાના ગયા પછી તેમણે મને કવિ કલાપીના એક કાવ્યની કડી ‘દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી’ સંભળાવીને અફસોસ વ્યક્ત કર્યો કે મીનાક્ષીને તેના દર્દનું ઔષધ મળ્યું તો ખરું; પરંતુ ક્યારે, પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

-વલીભાઈ મુસા 

પ્રસિદ્ધ :

‘રીડ ગુજરાતી’ તા.૦૮૦૬૨૦૧૭

‘કલાવિમર્શ’ – અપ્રિલ-૨૦૧૯

(‘પ્રતિલિપિ’ દિવાળી વાર્તાસ્પર્ધા-૨૦૧૭ની પ્રથમ સ્થાને ઈનામવિજેતા વાર્તા)

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , | 3 Comments

બિચ્ચારા દુખિયારા!

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે :

“નામદાર ન્યાયાધીશ સાહેબ,

આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?

મારી પત્ની અને મારા વચ્ચેની તકરારના કારણે અમારા દાંપત્યજીવનમાં પડેલી તિરાડને પૂરવા માટે મારી યથાશક્તિ તથા યથામતિએ મેં સઘળા પ્રયત્નો કરી જોયા છે, પણ કોઈ પરિણામ મેળવી શકાયું નથી. આખરે મારે ન્યાય મેળવવા આપની અદાલતના શરણે આવવું પડ્યું છે, પરંતુ અહીં મુદ્દતો ઉપર મુદ્દતો પડતી જતી હોઈ હું મારા જીવતાં ન્યાય મેળવવાની આશા ખોઈ બેઠો છું. મારી પત્નીએ મારા હુકમનો અનાદર કરીને નાણાંથી ભરપાઈ ન થઈ શકે તેવું મને પારાવાર માનસિક દુ:ખ પહોંચાડ્યું હોવા છતાં એ ખુલ્લા દિલે પોતાની ભૂલનો એકરાર કરીને મારી માફી માગી લે તો હું તેને માફ કરવા તૈયાર છું. પરંતુ એ જીદે ચઢી હોઈ મારી પાસે આપની કોર્ટ સમક્ષ ધા નાખવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. આમ મારી સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. દાદ મેળવવા માટે મુકેલો કેસ હું પાછો ખેંચી શકતો નથી કે તેની આગળ નમતું મૂકી પણ શકતો નથી.

આશા રાખું છું કે આપ સાહેબ મને આપવામાં આવેલી આગામી તારીખે અમારો કેસ હાથ ઉપર લઈને મને યોગ્ય ન્યાય આપી આભારી કરશો કે જેથી હું મનોમન જે શરમિંદગી અનુભવી રહ્યો છું તેમાંથી મુક્તિ મેળવી શકું, હું મારા નામ પ્રમાણે હસતું મુખ રાખી શકું, પિતાના નામ મુજબ સુખ પ્રાપ્ત કરી શકું અને મારી ‘દુખિયારા’ અટકને ખોટી પાડી શકું. ધન્યવાદ.

આપનો વિશ્વાસુ,
હ. સુ. દુખિયારા”

અરજીના અંતિમ લખાણને સાંભળીને મલકી પડતા શ્રી અનંતરાય ફિરોઝખાનને જણાવે છે કે અરજદાર જો કોર્ટ પરિસરમાં હાજર હોય તો તેમને હાલ તરત જ બોલાવી લેવામાં આવે તથા મિ. દુખિયારાના કેસને સંલગ્ન સઘળી સાધનિક સામગ્રી સાથેની ફાઈલ પણ મંગાવવામાં આવે.

આ દરમિયાન રાવલ સાહેબ અને ફિરોઝખાનની વચ્ચે આમ વાર્તાલાપ થાય છે:

‘અરજદાર પોતાને સુપર સિનિયર સિટીઝન તરીકે ઓળખાવે છે, માટે ઈન્કમ ટેક્ષના નવા નિયમ પ્રમાણે તેઓ એંશી કરતાં વધારે વયના હોવા જોઈએ. સામાન્ય રીતે ફેમિલી કોર્ટોમાં વયોવૃદ્ધોનાં સંતાનો તરફથી ભરણપોષણ મેળવવા માટેના કે તેમના અન્ય મિલ્કતોના હકદાવા જેવા વિવાદોના નિરાકરણ માટેના કેસો આવે, પણ અહીં મામલો પતિપત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો અંગેનો લાગે છે; જે આ ઉંમરે અજુગતો ન ગણાય?’

‘જી સાહેબ, જો એમ જ હશે તો ભારતીય અદાલતોમાં એ વિક્રમજનક ઘટના ગણાશે.’ મિ. ફિરોઝખાને કહ્યું.

‘પણ ખાનભાઈ, આપણે એવો કોઈ વિક્રમ સર્જાવા દેવો નથી. આપણે એવો કોઈક માર્ગ કાઢીએ કે જેથી અરજદાર પોતાની મેળે જ કાં તો કેસ પાછો ખેંચી લે અથવા આપણે વયોવૃદ્ધ યુગલ વચ્ચે સમાધાન કરાવી દઈએ. મોટા ભાગનાં વયોવૃદ્ધોના પ્રશ્નો વાસ્તવમાં તો ક્ષુલ્લક હોય છે, પણ તેમની અતિ સંવેદનશીલતાના કારણે તેઓ તેમને ગંભીર બનાવી દેતાં હોય છે. મનોવૈજ્ઞાનિકોએ પણ બુઢ્ઢાપણ અને બાળપણને એકસમાન ગણાવ્યાં છે. સાચી કે ખોટી હઠ પકડવી, વાતવાતમાં રિસાઈ જવું, મમતા કે પ્રેમપૂર્વકની સમજાવટથી કોઈ મનાવે તો છેવટે માની જવું, ભૂલકણો સ્વભાવ થઈ જવો વગેરે જેવાં ઘણાં સામ્યો આપણને એ લોકોમાં જોવા મળશે. આપણી સામેના આ કેસમાં મને લાગે છે કે અરજદારનાં પત્ની કે અન્ય કુટુંબીજનોને ખબર પણ નહિ હોય અને કોઈ એવી સામાન્ય બાબતને ગંભીર રૂપ આપીને એમણે અદાલતમાં અરજી કરી દીધી હોય!’

‘જે હોય તેની આપણને હમણાં જ ખબર પડી જશે.’

ફિરોઝખાન મૂળ મુદ્દા ઉપર આવતાં કહે છે, ‘આપની વાત સાચી છે કે આ કેસ પાછો ખેંચાય કે તેમાં સમાધાન થઈ જાય તે જ ઈષ્ટ ગણાય. હવે સમાધાન માટે તો આપણે સામેના પક્ષને બોલાવવો પડે અને હજુ સુધી આપણે કેસને બોર્ડ ઉપર લીધો પણ નથી. આપ સંમતિ આપો તો હું કંઈક એવું ગતકડું કરું કે એ વડીલ જ કેસ પાછો ખેંચી લે અને સમાધાન કરાવવાની નોબત જ ન આવે.’

‘જાઓ, સારા હેતુ માટે તમને ગમે તે કરવાની છૂટ છે.’

થોડીવારમાં સેવક કોર્ટની કેન્ટિનમાં ચા પીતા મિ. દુખિયારાને શોધી કાઢીને ચેમ્બરમાં લઈ આવે છે. શ્રી અનંતરાય પોતાના માનવંતા હોદ્દાના પ્રોટોકોલને અવગણીને મિ. દુખિયારાની ઉંમરનો લિહાજ કરતાં ઊભા થઈને તેમને આવકારે છે અને સામેની ખુરશીમાં બેસવાનો સંકેત કરે છે. તેમની વચ્ચે વાતચીત આરંભાય છે.

‘વડીલ, આપની વાત સાચી છે. ખાસ ફેમિલી કોર્ટો કે અન્ય કોર્ટોમાં પણ વયોવૃદ્ધોને લગતા કેસોને પ્રાથમિકતા અપાવી જોઈએ. જો કે આ એક વિશદ ચર્ચાનો મુદ્દો છે અને હાલ આપણે તેને બાજુમાં રાખીએ. હું આજના મારા હાથ ઉપરના કેસને રિસેસ પછી ચાલુ રાખવાનું માંડી વાળીને તેમને નવીન તારીખ આપી દઉં છું અને આપના મામલા વિષે આપણે થોડોક વિચારવિમર્શ કરી લઈએ. સર્વપ્રથમ તો આપને જણાવી દઉં કે હું આપનો આ કેસ ચલાવતો નથી, પણ ફેમિલી કોર્ટોના શિરસ્તા મુજબ સમાધાનની શક્યતા ચકાસી રહ્યો છું.’ ન્યાયાધીશશ્રી અનંતરાયે કહ્યું.

‘મિ લોર્ડ, સમાધાન માટેના મારા બધા પ્રયત્નો નિષ્ફળ પુરવાર થયા છે અને આમાં આપ આપનો મૂલ્યવાન સમય ન વેડફો તેવી હું અરજ કરું છું.’

‘આપની આજની અરજીમાં એ બાબત તો છે જ કે આપનાં પત્ની જિદ્દી છે અને આપના હુકમનો અનાદર કરીને તેમણે આપને દુભવ્યા છે. પરંતુ કોર્ટ એમ પણ ધારી શકે કે આપનાં પત્ની ભલે નમતું ન મૂકતાં હોય, પણ આપ પોતે સમજદારી બતાવીને માફીનો આગ્રહ પડતો મૂકો તો સમાધાન થઈ પણ શકે ને!’

‘એ તો સાહેબ નહિ જ બને.’

‘બસ, મને આપના આ જ જવાબની અપેક્ષા હતી.’

‘એમ કેમ?’

‘આપ પણ આપનાં પત્ની જેટલા જ જિદ્દી હશો એ સાબિત કરવા માટે જ તો! ચાલો આપણે એ વાત રહેવા દઈએ અને બીજું પૂછું તો આપ કોઈ સરકારી અધિકારી તરીકે નોકરી કરતા હતા કે?’

‘હા, પણ આપને શી રીતે ખબર પડી?’

“આપે અરજીમાં ‘હુકમનો અનાદર’ શબ્દોનો પ્રયોગ કર્યો છે, તે ઉપરથી. હવે આપને થોડીક વધારે અંગત પૂછપરછ અને તેને આનુષંગિક વાત કરું તો તેને હળવાશથી લેવા વિનંતી. જુઓ વડીલ, હું આપની સાથે ન્યાયાધીશની હૈસિયતથી વાત નથી કરી રહ્યો. મારો કહેવાનો મતલબ આપને સમજાય છે?’ રાવલ સાહેબે સ્મિતસહ કહ્યું.

‘જી’

‘આપને નિવૃત્ત થયે કેટલો સમય થયો અને આપ છેલ્લે નિવૃત્તિ સમયે કયા હોદ્દા ઉપર હતા?’

‘નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ)ના હોદ્દેથી અને મારી વયનિવૃત્તને પચીસ વર્ષ થયાં.’

‘માફ કરજો વડીલ, પરંતુ આપ હજુસુધી અધિકારી તરીકેની માનસિકતામાંથી બહાર નીકળ્યા નથી લાગતા. ઘર અને ઓફિસ એકબીજાંથી સાવ ભિન્ન સ્થળો છે અને માણસે બંને જગ્યાએ વિવેકબુદ્ધિથી વર્તવંર જોઈએ. વળી વૃદ્ધાવસ્થાએ તો જીવનસાથી સાથે સુમેળથી રહેવું જોઈએ. દાંપત્યપ્રેમ એ અરસપરસની ચાહતના ઉપલકિયા દેખાડા, મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં રાત્રિભોજન કે પછી હાથમાં હાથ નાખીને લટાર મારવાથી પ્રગટે નહિ; પરંતુ એકબીજાંને માનસન્માન આપવાથી, ઉભય પક્ષે અનુકૂલન સાધવાથી, સમાધાનકારી વલણ અપનાવવાથી, એકબીજાંની સારસંભાળ લેવામાંથી અને પરસ્પરના વિશ્વાસના પાયા ઉપર જ એ દાંપત્યપ્રેમ પ્રગટી શકે. મારાથી નાનકડું ભાષણ અપાઈ ગયું એમાં મારી વિદ્વતા ન સમજી બેસતા, મુરબ્બી; પરંતુ છેલ્લાં બે વર્ષથી ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવતાં બજાવતાં મારી સમક્ષ આવેલા કેસોમાંથી નીકળેલાં આ બધાં તારણો છે. બાય ધ વે, હું જાણી શકું કે આપનાં શ્રીમતીજીએ આપના કયા હુકમનો અનાદર કર્યો છે?’

‘આપ સાહેબ હાલ એ જાણવાનો આગ્રહ ન રાખો તો સારું, કેમ કે અમારો કેસ ચાલવા ઉપર આવે ત્યારે જ મારા કેસ સાથે સંલગ્ન એ સીલબંધ પરબીડિયાને ખોલવામાં આવે એવી મારી વિનંતીને એ વખતના ન્યાયાધીશ સાહેબે ગ્રાહ્ય રાખી હતી. આ માટેનું કારણ માત્ર એટલું જ કે મારાં પત્ની મારા હુકમના અનાદર બદલની માફી માગી લે તો હું મારો કેસ પાછો ખેંચી લઉં અને મેં તેની ઉપર મુકેલા ચાર્જની ગોપનીયતા જળવાઈ રહે. ગોપનીયતા જાળવવી એટલા માટે જરૂરી છે કે અમારી વચ્ચેના મનદુ:ખની એ વાત કોર્ટમાં જાહેર થઈ જવાથી મારે-અમારે હાંસીપાત્ર થઈને શરમિંદગી અનુભવવી ન પડે.’

‘આપનો ન્યાય તોળનાર અદાલતને જ આપની પત્ની દ્વારા આપના હુકમના થયેલા અનાદરની ખબર ન પડે એ વિચિત્ર ન ગણાય? વળી અમારે કેસ ચલાવવા પહેલાં આરોપીને તેમની સામે મુકાયેલા ચાર્જને જણાવવો પડે. જો કે ફેમિલી કોર્ટોને કાનૂની પ્રક્રિયામાં બાંધછોડ કરવા માટેની અમને મળેલી ખાસ સત્તાઓ અન્વયે આપની અરજીને સીધી કેસ તરીકે સ્વીકારી લેવામાં આવી છે. વળી આપ ૮૦ વર્ષ કરતાં વધારે વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન હોઈ આપની લાગણી સાચવવા માટેની અમારા માટેની ખાસ આચારસંહિતા મુજબ અને આપસમાં સમાધાન થઈ શકવાની શક્યતાની ધારણાએ આપે આપનાં પત્ની ઉપર મુકેલા આરોપની હકીકતને સીલબંધ કવરમાં રાખવા દેવામાં આવી છે. હવે આપ જ કહો છો કે સમાધાનની કોઈ શક્યતા દેખાતી નથી, તો આપને આપેલી આગામી તારીખે જ અમે કેસને બોર્ડ ઉપર લઈએ છીએ. હવે આપ એ સીલબંધ કવર ખોલી શકવાની સહમતી દર્શાવતી અરજી હાલ જ લખી આપો તો હાલ જ આપની હાજરીમાં સીલબંધ કવરમાંના આપની પત્ની ઉપરના આપના આરોપનામાને અમે જાણી લઈએ અને તદનુસાર તેમને આગામી તારીખે હાજર રહેવા માટેની કારણ સાથેની નોટિસ બજાવી દઈએ.’

એટલી વારમાં કોર્ટનો જુનિયર ક્લાર્ક કેસ સાથેની સઘળી સાધનિક સામગ્રી સાથે આવે છે. મિ. દુખિયારા સીલબંધ કવર ખોલવાની સહમતી માટેની અરજી આપી દે છે. જ્યારે હેડક્લાર્ક શ્રી ફિરોઝખાન કવર ખોલવા માંડે છે, ત્યારે મિ. દુખિયારા ચેમ્બરમાં સિલીંગ ફેન ફરતો હોવા છતાં પરસેવાથી રેબઝેબ થઈ જતા ગભરામણથી ધ્રૂજવા માંડે છે અને ક્વર ન ખોલવાની વિનંતી કરે છે. પરંતુ શ્રી રાવલ સાહેબ મરક મરક હસતાં તેમની અરજીના આખરી ફકરાની યાદ અપાવતાં કહે છે, ‘હવે તો અમારે આપને શરમિંદગીમાંથી આઝાદ કરાવવાના છે, આપના નામ પ્રમાણે આપનું મુખ હસતું કરાવવાનું છે અને આપના પિતાના નામ ‘સુખલાલ’ મુજબ આપને સુખી કરીને આપને દુખિયારામાંથી સુખિયારા બનાવવાના છે.’ મિ. ફિરોઝખાન પણ સ્મિત કર્યા સિવાય રહી શકતા નથી.

ફિરોઝખાન મનમાં આરોપનામાને વાંચી લીધા પછી પોતાની છાતી ઉપર હાથ મૂકતાં રાવલ સાહેબ સામે આડું જોઈને આંખ મીંચકારતાં થોથવાતી જીભે અને વ્યથિત અવાજે બોલે છે, ‘સર, આ વડીલનો તેમની પત્ની ઉપરનો હાસ્યાસ્પદ આરોપ જાણ્યા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મારી છાતીમાં દુખાવો થતો હોઈ હૃદયરોગના હુમલા જેવું મને લાગી રહ્યું છે. વડીલ કેસ પાછો ખેંચી લે તો મને લાગે છે કે ઠીક થઈ જશે, નહિ તો ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી પડશે; મારી જિંદગીનો ખતરો છે’

રાવલ સાહેબ ફિરોઝખાનના હાથમાંથી કાગળ લઈ લઈને એક નજર નાખતાં કારણ જાણી લે છે. તેઓશ્રી મિ. દુખિયારાને થોડાક સત્તાવાહી અવાજે અને છતાં નમ્રતાપૂર્વક જણાવે છે, ‘વડીલ, કેસ પાછો ખેંચવાનું જલદી જાહેર કરો, નહિ તો અમારે અમારો માણસ ખોવો પડશે અને તેમનું કુટુંબ રઝળી પડશે.’

મિ. દુખિયારા હાંફળા ફાંફળા થતાં રડમસ અવાજે એકીશ્વાસે બોલી નાખે છે, ‘સાહેબ, હું મારો કેસ પાછો ખેંચું છું. હું કોરા કાગળ નીચે સહી કરી આપું છું. આપ સાહેબોને તકલીફ આપવા બદલ માફી માગું છું. જરૂર લાગે તો આ સાહેબના માટે એમ્બ્યુલન્સને બોલાવી લેજો. તેમની સારવારનું ગમે તેટલું ખર્ચ થશે તે હું ચૂકવી દઈશ. મને જલદી ઘરે જવા દો, નહિ તો મને પણ આ સાહેબ જેવું થશે અને ઘરવાળાં તથા મારી પત્નીની માફી માગી લેવાનું પણ બાકી રહી જશે.’

‘આપનું ભલું થાય વડીલ, આપનાં પત્નીએ આપના ડેન્ચરને બ્રશ કરી આપવાની ના પાડી, એમાં શું મોટો હુકમનો અનાદર થઈ ગયો કે જેથી આપને બિચારાં માજી વિરુદ્ધ કેસ દાખલ કરવો પડ્યો! આમ છતાંય આપની સજ્જનતાને બિરદાવું છું કે આપે ચીભડાના ચોરને ફાંસીની સજા એવું ડાયવોર્સનું હથિયાર ઊગામવાના બદલે તેઓ બીજા દીકરાના ત્યાં રહેવા જાય અને આપ શેષ જીવન એકલા જ શાંતિથી વિતાવી શકો તેવો ન્યાય માગ્યો છે. ખરે જ આપે પશ્ચિમના દેશોમાં જાણવા મળતાં દંપતીઓનાં વિખવાદનાં ક્ષુલ્લક કારણોને મહાત કરી દીધાં છે! હવે આપ જલદી ઓટો કરીને ઘરે જાઓ અને કહો તો હું અમારા સેવકને સાથે મોકલું.’

‘ના, સાહેબ. આભાર.’

મિ. દુખિયારા વીલા મોંઢે ચેમ્બરમાંથી બહાર નીકળે છે. મિ. ફિરોઝખાન રાવલ સાહેબ સામે સૂચક નજરે જોતાં મલકી પડે છે, પરંતુ રાવલ સાહેબ તો ઊંડો શ્વાસ લેતાં પ્રતિભાવમાં એટલું જ બોલે છે : ‘બિચ્ચારા દુખિયારા!’

– વલીભાઈ મુસા
(તા.૧૧-૦૨-૨૦૧૭)

પ્રસિદ્ધ : ‘અક્ષરનાદ’ તા.૦૫૦૬૨૦૧૭

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , | 5 Comments

હણો ના પાપીને …

‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું; અને હાલ જાગૃતાવસ્થામાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે.’

‘કયાંથી ભૂલો પડ્યો, ભઈલા? નોકરીએ નથી ગયો?’

‘રજા મૂકી છે, બહેનજી.’

‘કેમ રજા મૂકવી પડી? કોઈ ખાસ કામ હતું કે શું?’

‘હા, આપને જ મળવાનું હતું!’

‘તો એમાં રજા મૂક્વાની શી જરૂર હતી? સવારે કે સાંજે મળવા આવી શકતો હતો ને!’

‘આપને એકલાંને જ મળવાનું હતું, સાહેબથી ખાનગીમાં એટલે જ તો!’

‘જો ગાભાજી, મારે તારા સાહેબથી કશુંય ખાનગી હોતું નથી. હવે તું આવ્યો જ છે, તો ભલે તારે જે કહેવું હોય તે કહી દે, પણ હું તારી કહેલી વાત તેમનાથી છુપાવીશ તો નહિ જ.’

‘હુંય ઇચ્છું છું કે વાત તેમના સુધી પહોંચે, પણ મારું નામ આવવું જોઈએ નહિ.’

‘બોલ, શી વાત છે? કોઈ કાનભંભેરણી તો નથી કરી રહ્યો ને?’

‘આપ બેઉ વચ્ચે વિખવાદ કરાવવાથી મને શું મળવાનું હતું? વાત અમારા બેઉ વચ્ચેની જ છે. સાવ સીધું કહી દઉં તો અમે બંને એક જ ઓફિસમાં સાથે નોકરી નહિ કરી શકીએ. પેલું કહેવાવાળાએ કહ્યું છે ને કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, બસ એમ જ તો એ વાત અમને બેઉને લાગુ પડે છે! હું ઇચ્છું છું કે તેઓ તેમની બદલી કરાવી દે. હું ચોથા વર્ગનો કર્મચારી છું, અહીંનો વતની છું અને નિયમાનુસાર મારી બદલી નહિ થઈ શકે અને મને વતનથી દૂર પોસાય પણ નહિ.’

‘તમારા બંનેની વચ્ચે કોઈ ઝઘડો થયો હોય તો એનું સમાધાન થઈ શકે છે, કહે તો હું સમાધાન કરાવી દઉં; પણ ભલા, આવો તે કંઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે ખરો?’

‘જુઓ સરિતા બહેન, આપ બ્રહ્માકુમારી છો; અને હું જાણું છું તે મુજબ આપ સાચાં બ્રહ્માકુમારી છો એટલે જ સીધો આપની પાસે આવ્યો છું.’

‘જો ભઈલા, તું મારી વધારે પડતી પ્રશંસા કરી રહ્યો છે, પણ સાચી બ્રહ્માકુમારી થવા માટેની મારી સાધના કે પ્રયત્ન જે કહે તે હજુ ચાલુ છે અને વળી આધ્યાત્મિક સાધના તો જીવનભર ચાલુ જ રહેતી હોય છે ને!’

‘નહિ બહેનજી, આપ સિદ્ધિ પામી ચૂક્યાં છો. ભલા, જે બાઈ માણસના મોંઢેમોંઢ એમના પતિ વિષેની ફરિયાદ કરવામાં આવી રહી હોય અને  એ જરાપણ ઉશ્કેરાયા વગર અથવા ખરું કે ખોટું  ઉપરાણું લીધા વગર સહજ ભાવે વાત કરી શકે તે કંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય! બહેન, એક વાત પૂછું? નિખિલ સાહેબ જ્યારે પોતાની કિંમતી કાંડાઘડિયાળને ઘરે લાવ્યા, ત્યારે તેમણે એ અંગે શું કહ્યું હતું?’

‘એ જ કે તમારા બાળસુરક્ષા ગૃહમાંના એક છોકરાને દત્તક લેવા આવેલા કોઈ શ્રીમંતે સંસ્થાને, સંસ્થાનાં તમામ બાળકોને અને આખા સ્ટાફને ભેટસોગાદો આપી હતી, જેમાં એમને એ ઘડિયાળ મળ્યું હતું.’

‘માફ કરજો, બહેન. આ અંગે હું જે કંઈ કહું તેને ચાડીચુગલી ન સમજતાં, પણ હકીકત એ છે કે કોઈપણ દાતા અમારી સંસ્થા અંગેના ખાતાકીય નિયમો અનુસાર માત્ર સંસ્થાને જ રોકડ દાન, ચીજવસ્તુની બક્ષિસ કે તિથિભોજન આપી શકે; પરંતુ આવી વ્યક્તિગત ભેટસોગાદ છોકરાઓ કે સ્ટાફને તો ન જ આપી શકે.’

‘તો પછી?’

‘સાહેબે ટાઈટનના શોરૂમમાંથી આ મૂલ્યવાન ઘડિયાળ ખરીદ્યું હતું અને એ પણ એ દિવસે કે જ્યારે તેમને મોટી ખાયકીનો ડલ્લો પડ્યો હતો!’

‘ઓ પ્રજાપિતા, આ હું શું સાંભળી રહી છું!’

‘બહેનજી, આપને દુભવવા બદલ માફી ચાહું છું. પરંતુ અમારા સ્ટાફમાં મારા સિવાય બધાની વચ્ચે લાંચરુશ્વતના મામલે સાંઠગાંઠ બનેલી છે. મારી ઘરવાળી આપની જેમ કોઈ બ્રહ્માકુમારી, સ્વાધ્યાયિની કે ઝાઝું ભણેલી પણ નથી. પરણ્યા પછી એ જ્યારે આણે ફરતી હતી, ત્યારે એક વર્ષે શ્રાવણના તહેવારોમાં તે અમારા ઘરે આણે આવી હતી અને રામકથા સાંભળવા ગઈ હતી. પહેલા જ દિવસે વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી બનેલા રામાયણના રચયિતાની ઘટના સાંભળીને તેણે મને એટલું જ કહ્યું હતું કે આપણા ઓછા કે વધતા પગારમાંથી હું ઘર નિભાવી લઈશ, પણ હું તમારા કોઈ પાપની ભાગીદાર થઈશ નહિ. બસ એ દિવસે ને એ જ ઘડીએ જ મેં ગલબીને મારી ગુરુ માની લીધી હતી અને બસ, હરામ બરાબર, ત્યારથી અનીતિનો એક પૈસોય મેં મારા ગજવે ઘાલ્યો નથી કે ઘરમાં પેસવા દીધો નથી.’

‘હવે જો સાંભળ, ભઈલા; હું તારા સાહેબની કોઈ તરફદારી કરતી નથી, માત્ર એટલું જ પૂછું છું કે તારા સાહેબને બદલી પામીને અહીં આવ્યે બે અઢી વર્ષ થયાં અને આમ અચાનક શું વાંકું પડ્યું કે તારે તેમની સાથે બાપે માર્યા વેર જેવું થઈ ગયું!’

‘…..’

‘અરે, અરે! તું તો નાના છોકરાની જેમ રડવા માંડ્યો! ગાભા, રડીશ નહિ. સ્વસ્થ થા અને મને શાંતિથી જવાબ આપ કે આજકાલમાં એવું કંઈ ગંભીર બન્યું છે કે તું તારા સાહેબથી આટલી બધી નફરત કરવા માંડ્યો છે! તું મારા પર વિશ્વાસ રાખ અને હું તને ખાત્રી આપું છું કે હું સત્યના પક્ષે જ રહીશ.’

‘જુઓ બહેનજી, સત્યના પક્ષે રહેવાની માત્ર સુફિયાણી વાતથી મને જરાય સંતોષ નહિ થાય. મારે તો નક્કર પરિણામ એ જ જોઈએ કે તેઓશ્રી અહીંથી શક્ય તેટલા વહેલા વિદાય થાય. તેમની બદલી નહિ થાય ત્યાં સુધી હું રજાઓ ઉપર રહીશ. એમની બદલી નહિ જ થાય તો હું નોકરી છોડતાં પણ અચકાઈશ નહિ. હું ઠાકોર કોમમાંથી છું. અમે ઝનૂની હોઈએ છીએ અને ક્રોધાવેશમાં એવું ન બની જાય કે તેમની….!’

‘ઓહ, તો તું તેમની હત્યા કરી બેસે એટલી મોટી વ્યથા તેમણે તને પહોંચાડી લાગે છે, ખરું ને! ભઈલા, આમ તું કાયદો હાથમાં લઈને અજુગતું કરી બેસે તો તું અને તારું કુટુંબ બરબાદ ન થઈ જાય?’

‘જે થાય તે ખરું! હું ફાંસીએ લટકી જાઉં કે મારું કુટુંબ બેહાલ સ્થિતિમાં આવી જાય તેની મને પરવા નથી. આપ ગઈકાલે જ મને જાણવા મળેલા તેમના કરતૂતને સાંભળશો ત્યારે આપ પણ બ્રહ્માકુમારી હોવાનું ભૂલી જઈને મારી જેમ તેમનાથી નફરત કરશો. છેલ્લાં બેઅઢી વર્ષથી અહીં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બઢતી પામીને આવ્યા પછી કદાચ આપને અંધારામાં રાખીને લાખો રૂપિયા એક બેંક કક્ષાની શરાફી સહકારી મંડળીના લોકરમાં તેમણે ભેગા કરી રાખ્યા છે અને આપની આગળ એ જાહેર કરવા માટે પેલા કાંડાઘડિયાળના જેવી કોઈ મોટી વાત ઉપજાવી કાઢવા માટે તેઓ પોતાનું ભેજું કસી રહ્યા હશે!  બહેનજી, અમારી સંસ્થામાં બદકિસ્મતીનો ભોગ બનેલાં બાળકોના મદદગાર થવા માટેની જે તક અમને લોકોને ઈશ્વર દ્વારા સાંપડી છે તેને ગુમાવી દઈને અમારા દ્વારા પાપનાં એવાં વજનદાર પોટલાં બાંધવામાં આવે કે જે ઊંચકી પણ ન શકાય તો તેને અમારી જ બદકિસ્મતી નહિ તો બીજું શું કહેવાય?’

‘હવે તું માંડીને કંઈક વાત કરીશ કે મને સંતાપ્યે જઈશ?’

‘ગઈકાલે મને જે જાણવા મળ્યું છે એ કહેવા પહેલાં તેને સંલગ્ન એકાદ મહિના પહેલાંની ઘટના મારે આપને કહી સંભળાવવી પડશે. વચ્ચે પૂછી લઉં બહેનજી કે બેબીબહેન રિસેસમાં ઘરે આવશે? જો આવવાનાં હોય તો હું આજે જતો રહું, કેમ કે એ મને જોઈ જાય તો સાહેબ સુધી એ વાત પહોંચી જાય કે હું આપને મળવા આવ્યો હતો.’

‘ના, એ હવે સાંજે જ આવશે. તું ભઈલા, ચિંતા કર્યા વગર જે કહેવું હોય તે ખુશીથી કહી દે.’

‘જુઓ બહેનજી, અમે બંનેએ આધેડ ઉંમર વટાવી દીધી છે. દેવનો દીધેલો એક દીકરો માંડ બે વર્ષનો હશે અને અતિસાર (diarrhea)ની ટૂંકી બીમારીમાં અવસાન પામ્યો હતો. ત્યાર પછી અમને કોઈ ઓલાદ થઈ નથી અને ડોક્ટરોના મતે હવે અમારે કોઈ સંતાન થાય તેમ પણ નથી. મારા દીકરાને બચાવી લેવા માટે બિચારા એ ખાનગી ડોક્ટરે ખૂબ મહેનત કરી હતી. એ ભલા ડોક્ટરે આંખોમાં આંસુ સાથે અમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે હું તમારા દીકરાને બચાવી શક્યો નથી, પણ તેની સારવાર દરમિયાન મને એવું શીખવા મળ્યું છે કે હવે પછી મારા ત્યાંથી ડાયરિયાનું પ્રત્યેક બાળદર્દી સાજું થઈને જ ઘરે જશે. એ પ્રયોગશીલ ડોક્ટરની વાત સાચી ઠરી છે અને ડાયરિયા સિવાય ધનુર્વા, હડકવા, પોઈઝનીંગ જેવી જીવલેણ કેટલીય બીમારીઓમાં એ ડોક્ટર સાહેબની સારવાર કામિયાબ નીવડી છે અને આખા પરગણામાં અને દૂરદૂર સુધી એમની નામના થઈ છે.’

‘ગાભાજી, તું તો તારી અંગત દાસ્તાન શરૂ કરી બેઠો અને મને તાલાવેલી થઈ છે તારા સાહેબ અને તારી વચ્ચે થયેલી મનદુ:ખની વાત જાણવાની. તો ભઈલા, સીધી વાત ઉપર આવી જા ને.’

‘બહેનજી, હું સીધી વાત ઉપર જ છું. હવે અમારી સંસ્થામાં એક છોકરો કે જેને અમે દત્તક લેવાનું વિચારતાં હતાં અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં હતાં તે બિચારો અતિસારનો ભોગ બન્યો. મેં સાહેબને કાકલૂદી કરી કે એ છોકરાને પેલા ડોક્ટર સાહેબની ખાનગી સારવાર અપાવવામાં આવે અને તમામ ખર્ચની જવાબદારી અમારી હોવાનું જણાવ્યું. પરંતુ સાહેબે સરકારી દવાખાનાના આગ્રહને પકડી રાખ્યો અને અફસોસ કે યોગ્ય સારવારના અભાવે એ છોકરો બચી ન શક્યો. મારી પત્ની અને હું ત્રણ દિવસ અને રાત સુધી ખડા પગે તેની સેવાચાકરીમાં રહ્યાં, પણ એ છોકરો ન બચ્યો તે ન જ બચ્યો.’

‘જો ગાભાજી, રડીશ નહિ. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આમાં તારા સાહેબની કાયદાકીય કોઈક મજબૂરી હશે એટલે એ છોકરાને સરકારી સારવાર અપાવી. હું માનું છું કે તું એ છોકરાના અવસાન માટે તારા સાહેબને જવાબદાર ગણતો હોય તો ત્યાં તારી ભૂલ નથી થતી?’

‘જુઓ બહેન, હું પણ સમજું છું કે મોત અને હયાત કોઈના હાથની વાત નથી; પરંતુ મહિના પહેલાંની એ ઘટનાના અનુસંધાને ઘટેલી ગઈકાલની ઘટનાએ મને આખી રાત ઊંઘવા દીધો નથી અને આજે નોકરીની રજા મૂકીને આપની પાસે આવ્યો છું. મારે મારા મનદુ:ખની વાત આપને કેવી રીતે કહેવી તે મારી સમજમાં આવતું નથી. ’

‘ગાભાજી, તું વધારે લાગણીશીલ બન્યા વગર જે વાત હોય તે કહી દે. તારા સાહેબ વિષેની ગમે તેવી કઠોર વાત હશે તો હું સાંભળી લઈશ અને તેને જીરવી પણ લઈશ. મારી આધ્યાત્મિકતાની આ કસોટી હશે અને હું એ કસોટીમાંથી પાર ઊતરીશ એવો મને દૃઢ વિશ્વાસ પણ છે. હું બ્રહ્માકુમારી તો અહીં આવ્યાનાં બેત્રણ વર્ષથી બની, પણ સ્થિતપ્રજ્ઞતાના પાઠ તો હું પિયરમાંથી મારા બાપુજી પાસેથી શીખીને આવી છું. જો કે સ્થિતપ્રજ્ઞતા એ કંઈ શીખવાની બાબત નથી, એ તો અનુભવ દ્વારા જ આત્મસાત કરી શકાય. મેં મારા બાપુજીની સ્થિતપ્રજ્ઞતાને નજરે નિહાળી છે અને તેથી જ તો હું તારી સાથે તારી સંવેદનશીલ વાતની ચર્ચા મુક્ત મને કરી રહી છું. હવે બોલ તો ગઈકાલે શું બન્યું?’

‘ગઈકાલે હું અમારી સંસ્થાને જલાઉ લાકડાં સપ્લાય કરતા બેન્ડસોએ અમારા અંગત વપરાશ માટે લાકડાનો વહેર લેવા ગયો હતો. બેન્ડસોનો માલિક મને ઓળખતો હતો અને મને બીજી એ રીતે પણ ઓળખતો હતો કે અમારી આખી ઓફિસમાં હું એકલો જ ભ્રષ્ટાચાર આચરતો ન હતો.. તેણે મને બેન્ડસો ઉપર જાણે કે આખેઆખો મને વેરી નાખતો હોય તેવી વેધક વાત કરી કે ‘અલ્યા ગાભાજી, તારો સાહેબ મરેલાંને પણ છોડતો નથી લાગતો! તમારી સંસ્થામાં અવસાન પામનાર કોઈ છોકરાના અંતિમ સંસ્કાર માટેના લાકડાનું બિલ પણ વધારે માગે છે. તમારો પટાવાળો ચેક આપી જાય છે અને ઉપરના પૈસા રોકડા લઈ જાય છે.’ મેં ખરાઈ કરવા ખાતર કહ્યું, ‘શેઠ સાહેબ, હમણાં તો એવો કોઈ છોકરો અમારા ત્યાં અવસાન પામ્યો નથી.’ તેમણે કહ્યું, ’હમણાંની વાત નથી. એકાદ મહિનો થયો હશે.’ મેં એ વખતે તો એટલું જ કહીને ચાલતી પકડી હતી કે ‘શેઠજી, જે જેવું કરશે તે તેવું ભોગવશે.’ પરંતુ તે ક્ષણથી નિખિલ સાહેબ મારી નજરમાંથી ઊતરી ગયા.

‘ઓ પ્રજાપિતા, કૃપા ચાહું છું. ગાભાજી, આ વાત મારા ધ્યાન ઉપર લાવવા બદલ તારો આભાર.’

‘બસ, બહેનજી! આપના પતિ વિષેની આટલી ગંભીર વાતનો આવો મોળો પ્રતિસાદ! આપ ખરે જ સાચાં બ્રહ્માકુમારી છો. આપના ગુરુ એવા આપના પિતાજીને બેસુમાર ધન્યવાદ ઘટે છે કે એમણે આપને આવી સ્થિતપ્રજ્ઞતા ધારણ કરાવડાવી છે.’

‘જો ગાભાજી, તારી ધારણા હશે કે તારા નિખિલ સાહેબ વિષેની આવી અપ્રિય વાત સાંભળીને હું ચીસ પાડી ઊઠીશ! પણ ભલા, હું તો વિચારું છું કે જે બની ચૂક્યું છે તેના વિષે કોઈ બળાપો કાઢવાનો અર્થ ખરો? જો કે હું પણ છેવટે તો માનવી જ છું; ભલે મારી આંખમાં આંસું ન દેખાય, પણ દિલ તો રડ્યા વગર રહે ખરું? હવે સવાલ એ વિચારવાનો રહે છે કે આપણે ભ્રષ્ટ વ્યક્તિને ધિક્કારવાની કે એણે આચરેલા ભ્રષ્ટાચારને? આપણા ભણવામાં નથી આવ્યું કે ‘હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.’ તું કદાચ એમનું મોંઢું ન જોવાનું કે તેમની હત્યા કરી દેવા સુધીનું પણ વિચારી શકે; પણ મારાથી એવું થાય ખરું? સાથેસાથે એ પણ એટલું જ સાચું કે એમના એ કૃત્યને ચલાવી લઈ પણ ન શકાય! તું કહે છે એ પ્રમાણે એમણે અનીતિનું જે કંઈ ધન ભેગું કર્યું હશે, તેનો યોગ્ય નિકાલ પણ થશે અને જરૂર પડશે તો એમાં તારી મદદ લઈને આપણે એવાં કોઈ જરૂરિયાતમંદોનાં નાણાકીય દુ:ખદર્દોને દૂર કરીશું. એ પાપના ધનનું પુણ્ય કરવાથી કોઈ ફળ મળશે તેવી આશા તો રખાય નહિ, પણ એ નાણાંને કૂટી બાળવાના બદલામાં કોઈના કામમાં આવે તે રીતે એનો નિકાલ થાય એમ તો  કરવું જ પડશે ને! ભલા, તારી પત્ની તારી ગુરુ બનીને તને પ્રમાણિક બનવી શકી તો હું શું તારા સાહેબ માટે એમ ન કરી શકું? મને વિશ્વાસ છે કે તારો મને સાથ મળશે તો આપણે તારા સાહેબને ભલે વાલ્મિકી ન બનાવી શકીએ, પરંતુ વાલિયાની સ્થિતિમાંથી તો બહાર લાવીશું જ.’

* * *

‘ઓહ, આઠ વાગી ગયા. સરિતા, આજે તારી કસોટી છે. આજે તારે પાપી નહિ, પણ પાપ સામે લડવાનું છે! પિતાજીએ આપેલા સંસ્કાર મુજબ તારે પંથ ભુલેલા પતિને સન્માર્ગે લાવવાનો છે. સરિતા, સાબદી થઈ જા અને તારા કર્તવ્યને નિભાવી જાણ.’

‘લ્યો, હવે ઊઠશો કે? આઠ વાગ્યા છે. તમારે કોઈ કામે મંડળીમાં જવાનું હતું ને !’

‘પ્લીઝ, મને ઊંઘવા દે ને. એવું કંઈ તાકીદનું કામ નથી. આવતા રવિવારે જઈશ અથવા કાલે સવારે ઓફિસે જવા પહેલાં નવ વાગે શરાફી મંડળીમાં પહોંચી જઈશ. સરકારી કર્મચારીઓની સુવિધા માટે તો મંડળીએ એમને અનુકૂળ કામકાજનો સમય અને રજાના દિવસોને કાર્યદિવસ તરીકે રાખ્યા છે ને.’

‘તમે કહો તો લોકરનું કે ખાતાની લેણદેણનું જે કોઈ કામ હોય તે હું પતાવી આવું. મને પણ એવાં કામો કરવાનું શીખવા મળે ને! વળી આજકાલ ચોરીઓ ખૂબ થવા માંડી છે, તો હું મારા વધારાના દરદાગીના પણ લોકરમાં મૂકી આવું. તમે આરામથી ઊંઘો. વળી આપણા સંયુકત નામથી લોકર છે એટલે તમારી હાજરીની જરૂર પણ નહિ પડે!’

‘મને લાગે છે કે તું મને ઊંઘવા નહિ જ દે. લે ત્યારે, હું નહાઈધોઈને તૈયાર થાઉં છું; તું તારા દાગીના તૈયાર રાખ અને હું લોકરમાં મૂકી દઈશ.’

‘આવું કેમ બોલો છો, ભલા? હું તો તમને આરામથી ઊંઘવાનું કહું છું. પરંતુ મને લાગે છે કે તમે લોકરમાં મારાથી કંઈક છૂપું મૂકી રાખ્યું છે. સપ્તપદીનાં વચનો યાદ કરાવું કે? પતિપત્નીએ એકબીજાથી કશુંય છુપાવવાનું હોય ખરું?’

‘તું એક સામાન્ય વાતને ક્યાથી ક્યાં સુધી લઈ જાય છે? હવે તું જ જા. મારે લોકરનું જ કામ હતું. મારી પર્સમાં દસ હજાર રૂપિયા છે, તે લોકરમાં મૂકી દેજે અને તારા દાગીના પણ.’

‘પણ પૈસા લોકરમાં કેમ મુકાવો છો? ખાતામાં ભરાવી દો ને, વ્યાજ તો મળે!’

‘એ પૈસા આપણા નથી. બીજું લોકરમાં બીજા ખૂબ પૈસા જોઈને નવાઈ પામતી નહિ. આ દસ હજાર અને એ બધા અમારા ઉપરી ડાયરેક્ટર સાહેબના છે. એમને આપણા ઉપર વિશ્વાસ એટલે આપણને સાચવવા આપ્યા છે.’

‘અંદાજે કેટલી રકમ હશે?’

‘અંદર એક ડાયરીમાં તારીખ સાથે લખી રાખ્યા છે. દસેક લાખ તો હશે જ!’

‘ઓ બાપ રે! આટલી બધી મોટી રકમ અને એ પણ આપણા લોકરમાં! આપણા માટે જોખમ ન ગણાય? ઈશ્વર જાણે એ સાહેબના લાંચરુશ્વતના પૈસા હશે અને આપણા ત્યાં કોઈ રેડ પડે તો આપણે ફસાઈ જઈએ નહિ?’

‘એટલે જ તો આપણે મંડળીના લોકરમાં જોખમ મૂક્યું છે. બેંકનું લોકર હોય તો તારો ડર સાચો.’

‘ના, બાપલિયા. જલ્દી તૈયાર થઈ જાઓ. આપણે આજે જ એ જોખમ લોકરમાંથી ઊઠાવી લઈએ અને ભાડાની ગાડી કરીને આજે જ તમારા સાહેબને એ જોખમ આપી આવીએ. તમારે મારું નામ દઈ દેવાનું અને કહેવાનું  કે  હું બ્રહ્માકુમારી છું અને આવું પરાયું અનીતિનું ધન અમે નહિ સાચવીએ.’

‘ધીમે બોલ, મુન્ની જાગી જશે અને આ બધું સાંભળી જશે.’

‘તમે મારાથી સહજ વાત નથી કરતા અને ગભરાયેલા જેવા કેમ લાગો છો?’

‘હું ક્યાં ગભરાઉં છું?’

‘ગભરાયેલા છો એટલે જ તો ભૂલી ગયા કે મુન્ની રવિવારે આ સમયે ટ્યુશન જતી હોય છે!’

‘આજે તું કંઈક ઓડિટર જેવી પૂછપરછ કરી રહી હોય તેમ લાગે છે. જો કે તારી વાત સાચી છે. હું ડાયરેક્ટર  સાહેબ સાથે વાત કરીને એમને બોલાવી લઉં છું અને આ અઠવાડિયામાં જ તેમનું જોખમ આપણે તેમને સોંપી દઈશું. તો હવે એમ કર. તું જ મંડળીમાં જા અને મારું અને તારું કામ પતાવી આવ.’

‘કહેતા હો તો હું ફક્ત મારા દાગીના મૂકી આવું, પણ તમારા અનીતિના દસ હજાર રૂપિયાને હાથ નહિ અડકાડું.’

‘તો તારા દાગીના મૂકી આવ અને એ રકમ ગમે ત્યારે હું જ મૂકી આવીશ.’

‘મારા પિતાએ પ્રમાણિકતાથી કમાયેલા ધનમાંથી મને સ્ત્રીધન આપ્યું હોઈ મારાં એ પવિત્ર ઘરેણાંને એ અપવિત્ર નાણાં સાથે નહી રાખી શકું. બીજું એ કે ઈશ્વરને ખાતર આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કોઈ એક વાતને છુપાવવા જુઠ ઉપર જુઠ બોલ્યે જશો નહિ. એ પૈસા તમારા ડાયરેક્ટર સાહેબના નથી, પણ તમારા જ છે.’

‘તું કયા આધારે આમ કહી શકે છે?’

‘આધાર એ જ કે જૂઠું બોલનારની યાદદાસ્ત કમજોર હોય છે!’

‘મતલબ?’

‘મતલબ એ કે મેં હમણાં જ કહ્યું કે તમારા અનીતિના દસ હજાર રૂપિયાને હાથ નહિ અડકાડું, ત્યારે તમારે તરત જ કહી દેવું જોઈતું હતું કે ‘ભલી, શબ્દો સુધાર; મારા નહિ, પણ ડાયરેક્ટર સાહેબના!’ પણ તમે તો એમ જ બોલ્યા કે ‘તો તારા દાગીના મૂકી આવ અને એ રકમ ગમે ત્યારે હું મૂકી આવીશ. આમ તમે સ્વીકારી જ લીધું કે એ પાપનું ધન તમારું જ છે.’

‘…..’

‘ઈશ્વરને ખાતર રડશો નહિ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે. આપણે પ્રાયશ્ચિત કરીશું. એ ધનને ફેંકી કે ફૂંકી દેવાય તો નહિ. તમારી ઓફિસમાં કામ કરતો ગાભાજી કોઈકવાર મારી પાસે આવીને આધ્યાત્મિક વિષયે સત્સંગ કે સંવાદ કરતો હોય છે. એ એની પત્નીને પણ મારી સાથે આધ્યાત્મિક કેન્દ્રમાં મોકલવા માગે છે. એ મને વિશ્વાસુ અને પ્રમાણિક લાગે છે. તમને પણ તેનો અનુભવ હશે. એ અહીંનો સ્થાનિક વતની હોઈ તેના દ્વારા આપણે જરૂરિયાતમંદ એવા માણસોને પાઈપાઈ પહોંચાડી દઈને આપણે હળવાં થઈ જઈશું.’

‘પહેલો તો મને રડવા દઈને હળવો થવા દે. એકાદ મહિના પહેલાં તો મારાથી એક એવું પાપ થઈ ગયું છે કે હું સપ્તપદીના વચનનો ભંગ કરીને પણ તારાથી એ વાત ગુપ્ત જ રાખીશ. તારી વાત સાચી છે. ગાભાજી એવો પ્રમાણિક છે કે હું મનોમન તેની ઈજ્જત કરું છું. સ્ટાફના માણસો તેને ‘વેદિયા’ અને ‘અણ્ણા હજારે’ તરીકે ઓળખાવીને તેની પીઠ પાછળ ટીકાટિપ્પણી દ્વારા તેની ઠેકડી ઉડાડતા હતા. મેં એ લોકોને એમ કહીને ટપાર્યા હતા કે ‘ગાભાજી એની રીતે સાચો છે. એ એના માર્ગે છે અને આપણે આપણા માર્ગે.’

‘મારી એક વાત સ્વીકારશો કે જે પાપ થઈ ગયું તેને હવે વારંવાર યાદ કરીને દુ:ખી ન થાઓ. આજે બપોરના ભોજનમાં મીઠી વાનગીમાં હું પુરણપોળી બનાવું છું અને એ પહેલાં આપણે ગાભાજી અને ગલબી બહેનને ભોજનનું આમંત્રણ આપી આવીએ.’

* * *

અને એ પાંચેય જણાંએ પૂર્ણ સંતોષથી એકબીજાંને આગ્રહ સાથે પુરણપોળીની મિષ્ટ વાનગી સાથેનું સ્વાદિષ્ટ ભોજન આરોગ્યું. મંદાકિની અને બાઈ ગલબી વિષે તો શી ખબર; પણ નિખિલ સાહેબ, સરિતાજી અને ગાભાજીએ તો માનસિક રીતે હળવાં ફૂલ બનીને પુરણપોળીનો બેહદ આસ્વાદ માણ્યો.

-વલીભાઈ મુસા 

તા. ક. :

આ વાર્તા ‘ઓપિનિયન’ ઉપર તા.૧૮૦૫૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે.

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , , | 10 Comments

વહુનાં વળામણાં

બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. જો કે થોડીવાર પછી એ જંપ્યાં તો ખરાં, પણ પાડોશના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી. તેમના શબ્દો ઉપરથી લાગ્યું કે હું સાંભળી ન જાઉં તે રીતે તેઓ ક્યારનાંય ધીમા અવાજે વાતો કરતાં હશે. ટેબલ લેમ્પ બંધ થતાં થોડીવાર પસાર થઈ હશે અને એ લોકોનો અવાજ સહેજ મોટો થયો. હું ઊંઘી ગયો હોઈશ, એમ એમણે માની લીધું હશે. પરંતુ હું જાગતો હતો. મેં કાન સરવા કર્યા. થોડુંક સાંભળતાં મને લાગ્યું કે વાત ગંભીર હતી અને તે ક્યારનીય ચાલતી હશે.

સ્ત્રીનો અવાજ: ‘તું રાજીખુશીથી કહેતો હોય તો જ જાઉં. મારું મન મક્કમ છે. હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે.’

પુરુષ: ‘પણ ગાંડી, મારા ઘરમાં આવ્યાને તને દસ વર્ષ થયાં; અને હવે સંસાર પૂરો થયાની વાત કરે છે તે….’

વાત કાપતાં સ્ત્રી બોલી: ‘સાચું કહું, તું મને લાવ્યો તે દિવસથી જ મને ગોઠતું ન હતું. તને એ વાત કહું કે ન કહું એમ વિચારતાં દસકો નીકળી ગયો. હવે સંજોગો એવા ઊભા થયા છે કે મેં તને અંધારામાં રાખ્યાનો મારો અપરાધભાવ દૂર થઈ જશે અને સૌ સારાં વાનાં પણ થશે. છેલ્લી હું પિયરથી પાછી ફરી ત્યારથી મનમાં જે ચોળો ભરાઈ ગયો હતો, તેના કારણે આજે ઊંઘ જ ન આવી. તું તો નસકોરાં બોલાવતો હતો. હું એ રાહ જોઈને પડખાં બદલતી રહી કે તું પેશાબપાણી કરવા ઊઠશે. તું ઊઠ્યો ખરો, પણ બાજુવાળો છોકરો કમલેશ જાગતો હતો. મને લાગ્યું કે એની પરીક્ષા નજીક આવી ગઈ છે અને આખી રાત જાગશે, તો મારા મનની વાત મનમાં જ રહી જશે. આજે તો મેં મન મક્કમ કર્યું હતું અને તને બધું જ કહી દીધું છે. હવે તું રાજીખુશીથી હા પાડે તો સારી વાત છે, નહિ તો…’ સ્ત્રીએ વાત અધૂરી છોડી.

હું હજુ અઢાર વર્ષનો જ હતો, પણ ઘરસંસારની વાતો મને સમજાતી હતી. કરીમચાચા અને રૂકૈયામાસી વચ્ચે કદીય ઝઘડો થયો સાંભળ્યો નથી અને આમ અચાનક આ શું? રૂકૈયામાસી ચાચાનાં પરદેશી ઓરત હતાં. ગામ આખાયમાં કોઈપણ વર્ણમાં કોઈ સ્ત્રી પતિને ‘તું’ કહીને બોલાવે નહિ, પણ રૂકૈયામાસી આમાં અપવાદ હતાં. ગુજરાતના છેક છેડે મહારાષ્ટ્રની બૉર્ડર નજીકના કોઈક ગામેથી કરીમચાચા તેમને પરણી લાવ્યા હતા. એ કહેતાં કે મારા પિયરના ગામે તો ધણીધણિયાણી એકબીજાંને આમ જ બોલાવે. ચાચા પૈસેટકે સુખી હતા. કોઈ ભાઈબહેન પણ નહિ. પોતે એકલા જ. એમના પિતા રહીમચાચાને પણ એવું જ હતું. તેમના સમાજમાં કુરિવાજ હતો, સાટા પ્રથાનો. કાકા કે ફોઈ હોત તો કદાચ એમની દીકરીઓનું ઊછીનું સાટું મળી જાત. કરીમ ચાચાએ નાની ઉંમરે વાલદૈન ગુમાવેલાં, એટલે તેમની ખુદની પરણવા-પંથાવાની ફિકર એમના પોતાના જ શિરે હતી. રૂકૈયામાસી પહેલાં એમના ગામની જ એક ઓરત નામે બિલ્કીસ પરણીને અહીં આવી હતી. તેણે જ તો કરીમચાચા અને રૂકૈયામાસી વચ્ચેનો મેળ પાડી આપેલો અને આજે એ મેળ અચાનક કેમ કુમેળમાં પલટાવા જઈ રહ્યો હતો એ જ સમજાતું ન હતું! વળી એ પણ દસેક વર્ષો પછી? એ એમ બોલ્યાં હતાં પણ ખરાં કે ‘તને બધું કહી દીધું!’ એવું શું કહી દીધું હશે? હું જાગતો હતો, ત્યારે એમણે ધીમા અવાજે કદાચ એ કહી દીધું હશે. મારાથી વચમાં પડાય ખરું? મારાં બાને જગાડીને આ વાત તેમના ધ્યાન ઉપર લાવવી જોઈએ કે નહિ? ગમે તેમ તોય એ મોટેરાં કહેવાય. ઘરસંસારની આવી વાતોમાં હું નાનો પડું. મારી વાતનું વજન પણ કેટલું પડે ? કોઈપણ રીતે એમનો ઘરસંસાર પડી ભાંગતો બચાવી લેવો જોઈએ, એમ વિચારું છું; ત્યાં તો તેમની વાતચીત આગળ સાંભળવા મળી.

‘કરીમ, તું જલદી બોલ ને. જો રાત્રિનો એક વાગ્યો છે. તારંગા લોકલ સવારે છ વાગે આવે છે. સ્ટેશને ચાલતાં જવામાં એકાદ કલાક લાગે. આપણે પાંચ વાગે નીકળી જવું પડે. અજાનનો સમય મોડો છે, એટલે આપણે પછી કજા નમાજ જ પઢવી પડશે. તું મને રાજીખુશીથી જે કંઈ કપડાંલત્તાં કે ચીજવસ્તુ આપે એ સામાન ભેગો કરીને બિસ્તરો-પોટલો બાંધવામાં એકાદ કલાક લાગે કે નહિ?’

‘શું બોલું રૂકૈયા? તેં સોગંદ ખાઈને તારો ઈરાદો જાહેર કર્યો છે એટલે મારે શું કહેવાનું બાકી રહ્યું? તેં ભલે આજે એ વાત કહી હોય, પણ હું સમજી શકું છું કે એ પાછળ તારો મને છેતરવાનો કોઈ ઈરાદો ન હતો. તેં એ વાતનું રહસ્ય જાળવ્યું તેની પાછળ મને દુ:ખ ન થાય એ જ તારો આશય હતો. આપણે બંને એકબીજાંને અનહદ ચાહતાં હતાં એ જ તો તારું મોંઢું ન ખોલવા પાછળનું કારણ હતું ને! હજુ પણ તને કહું છું કે મને તું બતાવે છે એ વાતનો કોઈ અભાવ મને નહિ નડે. આપણે અલ્લાહની મરજીને આધીન રહેવું જોઈએ. તું તારા સોગંદ પાછા ખેંચી લે અને આપણે જોડાયેલાં જ રહીએ. આખું ગામ આપણી એકબીજાંની મહોબ્બતનું ગવાહ છે. તારા ભલા સ્વભાવના કારણે તું આખા ગામમાં સૌની માનીતી થઈ ગઈ છે. તું જતી રહેશે તો એ લોકોને હું શો જવાબ આપીશ?’

મારા સમજવામાં કંઈ જ આવતું ન હતું. બંને જણાં ‘એ વાત’, ‘એ વાત’ બોલ્યે જાય છે; પણ એ શી વાત હશે? વાત કંઈક ગંભીર લાગે છે! લાગે છે કે દસ વર્ષ સુધી રૂકૈયામાસીએ જે વાત છુપાવી રાખી હતી, તે એમણે આજે જ, હમણાં જ કહી લાગે છે. મારી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. મને ખાત્રી થવા માંડી હતી કે રૂકૈયામાસી આજે વહેલી સવારે આ ગામ હંમેશને માટે છોડી દેશે અને ગામ આખાય ઉપર આ સમાચારથી વીજળી ત્રાટક્યા જેવું થશે.

વાતચીત આગળ વધી.

‘કરીમ, મેં તને બધી વાતે સોગંદ દઈ દીધા છે; એટલે પાડોશમાં મારી અમ્મા સમાન પાર્વતીકાકીને કે કોઈને પણ હું નહિ મળું. તારે થોડાક દિવસ માટે એમ જ વાત ચાલતી રાખવાની છે કે હું માયકે ગઈ છું. બિલ્કીસ પણ મારા આ નિર્ણયથી અજાણ છે. હવે તું રાજીખુશીથી હા પાડે તો સારી વાત છે, નહિ તો તને દુભવીને પણ હું જવાની જ.’

‘અરે, અરે ! પણ તું ઘરેણાં કેમ કાઢવા માંડી છે? એ હવે તારાં થઈ ગયાં. લે, હવે વળતો હું પણ તને  સોગંદ દઈને કહું કે હાલ તારાં પહેરેલાં અને કબાટમાં પણ જે કંઈ તારાં ઘરેણાં છે તે બધાં મારા માટે હરામ છે.’

‘પણ પછી એને શું આપીશ?’

‘બીજાં બનાવડાવી દઈશ.’

‘નાહકનો ખર્ચ કરવાનો કોઈ મતલબ ખરો ?’

‘અલ્લાહની મહેર છે. એ દરદાગીના તારા જ ગણાય. હવે એના ઉપર મારો કોઈ હક્ક રહેતો નથી.’

‘ચાલ, તારું માન રાખું છું. હવે મારો સામાન તૈયાર કરવામાં મદદ કર. અને સામાન ઊંચકવા માટે મજૂરનું શું કરીશું?’

‘હું જ મજૂર થઈશ. વહેલી સવારે કયો કાકો મળવાનો?’ બંને ખડખડાટ હસી પડ્યાં.

મને લાગ્યું કે પરિસ્થિતિ પરાકાષ્ઠાએ આવી પહોંચી છે. ‘પણ, પછી એને શું આપીશ?’ શબ્દો બતાવી આપતા હતા કે રૂકૈયામાસી માત્ર જાય છે એટલું જ નહિ, એમની જગ્યા કોઈક દ્વારા ભરાઈ જવાનું પણ તય છે. ‘એ’ કોણ હશે ? આ લોકો કેવી સહજ રીતે વાતો કરી રહ્યાં છે! રૂકૈયામાસી એક જીવંત ઓરત છે, છતાંય એમ નથી લાગતું કે એ પોતાને કોઈ જણસ માનતાં હોય? એમની જગ્યા ભરનાર પણ કોઈક ઓરત છે અને તેને પણ કોઈ જણસ માનવામાં આવતી હોય! એક જણસ જાય અને બીજી જણસ એની જગ્યાએ ગોઠવાય! લાગણી જેવું શું કંઈ નહિ? હા, એમ જ લાગે કેમ કે જણસ તો જડ હોય ને! જણસને કોઈ લાગણીઓ લાગુ પડે ખરી? વાલીડાં મજૂરની વાત ઉપર ખડખડાટ હસે પણ છે! કોઈ રોકકળ નહિ, કોઈ લડાઈઝઘડો નહિ, કોઈના સામે કોઈનું દોષારોપણ નહિ! પશ્ચિમના દેશોના કોન્ટ્રેક્ટ મેરેજ જેવું આ તો થઈ રહ્યું હતું, મેરેજની સમયાવધિ પૂરી થાય અને એકબીજાંને ‘બાય… બાય’ કહીને છૂટાં પડી જવાનું! મુસ્લીમોમાં આવાં લગ્નો થતાં હશે ખરાં?

ઘરમાંથી મજૂસ ખુલવાનો અવાજ આવ્યો અને મારી વિચારમાળા તૂટી. વળી પાછો એમની વચ્ચેનો સંવાદ સંભળાયો.

‘એય, પણ મારા જવાની તૈયારી થઈ રહી છે અને તેં મને તલાક તો આપી નથી. જલ્દી જલ્દી ત્રણ વખત ‘તલાક’ બોલી જા, એટલે એ રસમ પૂરી!

‘અલી, એ રસમ નથી, પગલી. એ તો અનિવાર્ય અનિષ્ટ છે, અણગમતી વિધિ છે. ઈસ્લામે તલાકને ગ્રાહ્ય રાખી છે, પણ અલ્લાહ તેને પસંદ કરતો નથી. આપણા ત્યાં એકી સાથે ત્રણ વખત બોલી નાખવાથી તલાક થતી નથી. તારા સમુદાયમાં એમ થતું હશે. હકીકતમાં ‘તલાક’ બોલાતા શબ્દો વચ્ચે સમયગાળો રહેતો હોય છે, જે પરિસ્થિતિ સુધારવાની તક આપે છે. આ સમયગાળો નિશ્ચિત હોતો નથી; એ દિવસો, મહિનાઓ કે વર્ષોનો હોઈ શકે, આખી જિંદગીનો પણ હોઈ શકે. ત્રણ વખત તલાક બોલવાનો સાર માત્ર એટલો જ કે ત્રીજી વખત ‘તલાક’ બોલાઈ જાય, ત્યારે જ લગ્નજીવનનો અંત આવે. ત્યાર પછી જ સાડાચાર મહિનાનો ઈદ્દતનો સમયગાળો શરૂ થાય. વળી આ ખાનગીમાં થતી ક્રિયા નથી, ગવાહ જોઈએ. ઈસ્લામ, કોઈપણ ધર્મ કે કોઈપણ દેશનું ન્યાયતંત્ર ગવાહ વગર કોઈને ન્યાય આપી શકે નહિ. આ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. લે, હું તો કોઈ મૌલાનાની જેમ મિજલસ (કથા) પઢવા મંડી પડ્યો! આપણી તલાક તારા ગામના અમારાવાળા મૌલવીની રૂબરૂમાં થશે. હું ત્યાં આવીશ. વળી ‘નિકાહ’ની જેમ ‘તલાકનામું’ પણ પઢાશે. અહીંના અમારા મૌલવી સામે આ બધું કરવા જતાં બધું જાહેર થઈ જાય અને તારા મનની વાત મનમાં રહી જાય. આ લોકો આપણી તલાક થવા દે જ નહિ, સમજી.’

‘લે, હવે તારી બધી વાત કબૂલ; અને હા, બીજું સાંભળ. તારી છેલ્લી છેલ્લી કોઈ ઇચ્છા હોય તો…’

‘ના, રે! તું તો જલ્લાદ બની છે અને પાછી છેલ્લી ઇચ્છા પણ પૂછે છે! ટોળટપ્પા કરવા હોય તો કરી લે. પછી વળી તું મારા માટે નામેહરમ થઈ જશે અને મારા સામે હિજાબ (Veil) પણ પાળવો પડશે.’

હું વિચારી રહ્યો હતો કે ઈશ્વર-અલ્લાહે આ જોડીને કોઈ જુદી જ માટીમાંથી બનાવી લાગે છે. વાલીડાં કેવી સહજ વાત કરી રહ્યાં છે! પણ, પણ હજુ મને તાળો મળતો ન હતો કે આખરે આ લોકો એકબીજાં પ્રત્યે આટલો બધો પ્રેમ હોવા છતાં છૂટાં કેમ પડી રહ્યાં છે?

* * * * *

જેવાં એ બંને સામાન સાથે આંગણાનાં પગથિયાં ઊતરીને સ્ટેશને જવા નીકળ્યાં કે મેં સાંકળી ખખડાવીને મારી બાને જગાડ્યાં. ટૂંકમાં બધી હકીકત સમજાવી દીધી. તેમનાથી ધીમી ચીસ પડી ગઈ અને ‘હાય રામ!’ બોલી પડ્યાં. બાપુજી ખેતરે વાસો હતા. બાએ પગમાં ચંપલ પણ ન પહેર્યાં અને અમે માદીકરાએ એમનો પીછો કર્યો, પણ અમે તેમને પકડી ન શક્યાં અને સ્ટેશન આવી ગયું. ગાડીને આવવાની પંદરવીસ મિનિટની વાર હતી. ભળભાંખળું થવા માંડ્યું હતું. નાનકડું ફ્લેગ સ્ટેશન હતું. હાલમાં તો મુસાફરોમાં રૂકૈયામાસી અને કરીમચાચા જ દેખાતાં હતાં

બાએ રડમસ અવાજે પૂછ્યું, ‘રૂકૈયાબેટા, કમલેશ કહે છે એ વાત સાચી છે?’

‘હા, બા. સાચી વાત છે. હેં કમલ, તું જાગતો હતો? તેં અમારી બધી વાતો સાંભળી લીધી? લુચ્ચા!’ રૂકૈયામાસી બોલ્યાં.

‘હવે તમે બેઉ મારી સાથે વાત કરો. તમને પૂછું છું કે આટલાં વર્ષે તમને બેઉને શું વાંકુ પડ્યું? બે વાસણ ખખડે એટલે શું ફેંકી દેવાનાં? ચાલો, બેઉ ઘેર પાછાં ફરો. કરીમ, તું તો મરદ છે અને તારી અક્કલ પર પણ પૂળો પડ્યો છે? બહેન-દીકરીની જેમ વહુનાં વળામણાં કરવા નીકળ્યો છે! તમને લોકોને શરમ નથી આવતી?’ પાર્વતીકાકીએ આક્રોશ ઠાલવ્યો.

‘સાંભળો, બા. ઈશ્વરને ખાતર ગુસ્સો કરશો નહિ. કરીમ મને મૂકીને ઘરે પાછો ફરશે, એટલે તમને બધી વાત સમજાવશે.’ રૂકૈયામાસીએ હાથ જોડ્યા.

‘એ શું સમજાવવાનો હતો? તું જ બોલી નાખ ને! મને લાગે છે કે તમે બેઉ આપસમાં મળી ગયાં છો અને રાજીખુશીથી આ ગોઝારું કામ કરવા જઈ રહ્યાં છો.’ પાર્વતીકાકીએ પોક મૂકી.

કરીમચાચાએ બાનું માથું પસવારતાં રડવા માંડ્યું. મને એ બેઉની કોયડારૂપ પેલી રાતવાળી ‘એ વાત’ જાણવાની આતુરતા હતી. દરદાગીના બાબતે રૂકૈયામાસીએ કરેલો પ્રશ્ન યાદ આવ્યો,’પછી એને શું આપીશ?’ ‘એ’ કોણ?’ એ મારે જાણવું હતું. રૂકૈયામાસીની ખાલી જગ્યા કોનાથી ભરાવાની હતી, એ મારે મન જાણવાની તાલાવેલી હતી. હું ખામોશ જ રહ્યો. વડીલો વચ્ચે એમ કૂદી પડાય પણ નહિ ને!

કરીમચાચા બોલ્યા, ‘રૂકૈયા, તું બાને માંડીને વાત સમજાવ. એમના મગજમાં વાત નહિ બેસે ત્યાં સુધી એ આપણને નહિ જવા દે. હું એટલી વારમાં ટિકિટો લઈ આવું છું.’

‘ના. ટિકિટ-બિકિટની હાલ કોઈ વાત નહિ. એક વારનાં બેય જણ ઘરે ચાલો. મારા ગળે વાત ઊતરશે તો કાલે હું તમને બેઉને મૂકવા આવીશ.’

‘ભઈલા કમલ, તું અર્ધીપર્ધી અમારી વાતો સાંભળી ગયો છે; તો સમજાવને, બાને! તારા કાકાને ટિકિટો તો લાવવા દો. ટિકિટો લીધી એટલે થોડાં ગાડીમાં બેસી ગયાં! બીજું બા, એટલું તો સમજો કે કોઈ ધણી બૈરીને કાઢી મૂકતો હોય તો સાસરીમાં તેને મૂકવા થોડો જાય! તમે શાંત પડો, તો તમને સમજાવું અને મહેરબાની કરીને કરીમને ટિકિટો લેવા જવા દો.’ રૂકૈયાએ હાથ જોડ્યા.

‘જા, ટિકિટો લઈ આવ; પણ મારા હાથમાં આપવાની હોં! હવે બોલ રૂકૈયા બેટા, વાત શી છે ?’ ભોળિયાં બાએ આંખોમાં ઝળહળિયાં સાથે પૂછ્યું.

‘જુઓ બા, ગાડી આવવાને પંદર જ મિનિટ બાકી છે; એટલે ટૂંકમાં સમજાવું. તમને ખબર છે કે બિલ્કિસે કરીમનું અને મારું વેવિશાળ ગોઠવી આપ્યું હતું. પરંતુ બિલ્કિસને એક વાતની ખબર ન હતી કે હું મા બની શકું તેમ નથી.’

‘હાય રામ! શું કહે છે તું?’ બાનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું.

’આ વાત મારાં અમ્મા અને હું જ જાણતાં હતાં. અમે માદીકરીએ ખૂબ રકઝક કરી અને મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે આપણે આ વાત છુપાવવી જોઈએ નહિ. સામેવાળો કોઈપણ પુરુષ ઓલાદની અપેક્ષા રાખે અને આપણે એને ધોખો દઈએ તો આ ગુના બદલ અલ્લાહ આપણને માફ ન કરે. અમારા સમાજમાં મઝહબનું સાફ ફરમાન છતાં દહેજના દુષણના કારણે મારાં અમ્માને ચિંતા હતી કે અમે અમારી ગરીબીના કારણે દહેજ નહિ આપી શકીએ અને હું કુંવારી રહી જઈશ. મારી ઉંમર પણ વધતી જતી હતી. અમ્માએ દલીલ આપી કે તું હાલ પરણી જા અને અમુક સમય પછી તું દામાદને સમજાવી-પટાવી લેજે અને તારા કોઈ ભત્રીજા-ભાણેજને ગોદ લઈ લેજે. હવે બિલ્કીસ જેમ અમારી ગુપ્ત વાતથી અજાણ હતી, તેમ અમે પરદેશી હોવાના કારણે અજાણ હતાં કે કરીમને કોઈ ભાઈબહેન છે કે નહિ અને તે એકલો જ છે. આ વાતની જાણ અમને ત્યારે થઈ, જ્યારે કે કરીમ જાન લઈને અમારા ગામે આવ્યો. અમારે માદીકરી વચ્ચે ફરી રકઝક થઈ. એણે જાન પાછી ફરે તો ઈજ્જતનો સવાલ આઘો કરીને મને સમજાવી દીધી કે ભત્રીજો-ભાણેજ નથી, તો કોઈપણ યતીમને ગોદ લઈ લેજે; કેમ કે યતીમની સાર સંભાળ લેવી એ અલ્લાહને અને અલ્લાહના રસુલને પસંદ છે.’

‘તને વચ્ચે અટકાવું છું અને પૂછું છું કે કરીમને તેં આ વાત ક્યારે જણાવી અને એણે પછી શું કહ્યું?’

‘બા, તું માને કે માને; પણ મારી માફ ન થઈ શકે તેવી મારી આ ખતાને દસદસ વર્ષ સુધી મારા સીનામાં ભંડારી રાખીને છેવટે આજે રાત્રે જ મેં કરીમને જાણ કરી. અલ્લાહના એ નેક બંદાએ ‘અલ્લાહની મરજી’ કહીને મને રડતી છાની રાખી અને જણાવ્યું કે આપણે કોઈ યતીમને દત્તક લઈશું.’ રૂકૈયામાસીએ રડમસ અવાજે કહ્યું.

રાત્રે અર્ધીપર્ધી સાંભળેલી વાતનો મને તાગ મળી રહ્યો હતો. કરીમચાચા ટિકિટો લઈને આવી ગયા હતા. મેં એ ટિકિટો મારી પાસે લઈ લીધી અને રૂકૈયામાસીની કેફિયત તરફ ધ્યાન આપવા માડ્યું.

‘તો પછી કરીમ જો આવી દરિયાવદિલી બતાવીને તને માફ કરતો હોય, તો પછી તારે શું જોઈએ, મારી દીકરી?’ બાએ રૂકૈયામાસીના માથે હાથ ફેરવતાં કહ્યું.

‘હવે બા, વચ્ચેની એક વાત સાંભળો. ત્રણેક મહિના પહેલાં મારી અમ્માએ મને તાબડતોબ બોલાવી. મારી નાની વિધવા બહેન સાસરિયેથી પિયર પાછી ફરી હતી. મારા જીજા એકાદ વર્ષ પહેલાં ડેન્ગ્યુથી અવસાન પામ્યા હતા. સંતાનમાં એક્માત્ર દીકરો હતો, જે છએક મહિના પહેલાં ટૂંકી માંદગીમાં અવસાન પામ્યો. આમ છતાંય અમારા ઘરના સંસ્કારો પ્રમાણે પોતે પતિની વતી સાસુસસરાની સેવાચાકરી કરશે અને કોઈ ભત્રીજાને દત્તક લઈ લેશે એમ મન મનાવ્યું હતું. તેના સાસુસસરા તો તેને મરહુમ દીકરા જેટલું માનસન્માન આપતાં હતાં, પણ તેની દેરાણી અને જેઠાણીને એ આંખમાંની કણીની જેમ ખૂંચતી હતી. એ કાંટો દૂર થાય તો તેના ત્રીજા ભાગની માલમિલ્કત તેમને મળી રહે. આમ એ લોકોએ તેના ઉપર બેત્રણવાર જાનલેવા કાવતરાં કર્યાં. અમે હવે તેને કાયમ માટે અમ્મા પાસે બોલાવી લેવાનો નિર્ણય કર્યો, પણ એની માંડ પચીસ વર્ષની વય અને પાછળ અણખૂટ્યું આયખું. હું તો આધેડ ઉંમર વટાવી ચૂકી છું અને સંસારસુખ માણી લીધાં છે. મારા મનમાં વિચાર ઝબક્યો કે મારી બહેન કરીમ સાથે નિકાહ પઢી લે તો મારા ગુનાહનું પ્રાયશ્ચિત થાય અને નસીબમાં હોય તો કરીમ સંતાનસુખ પામી શકે. વળી અમે બે બહેનો જ અમ્માનાં આશરો છીએ, એટલે હું કરીમથી તલાક લઈને અમ્માનો દીકરો બનીને તેમની સાથે રહી શકું.’

રૂકૈયામાસીએ એકીશ્વાસે કોઈ સિરિયલ કે મુવી જેવી રોમાંચક કથા કહી સંભળાવી અને મને ‘એ-કોણ?’નો જવાબ મળી ગયો. હું વચ્ચે જે કહેવા માગતો હતો તે બાએ જ ઉપાડી લીધું.

‘પણ, તમારા લોકોમાં મરદ ચાર બૈરાં કરી શકે છે અને તમે બંને બહેનો સાથે ન રહી શકો? વળી તમારાં અમ્માને પણ બોલાવી લો તો એમનું ઘડપણ સચવાય. મારો કરીમ તો દરિયાવદિલ છે અને એ પણ અમ્માનો દીકરો બની રહેત. તમારા લોકોની સઘળી સમસ્યાઓનો મને તો આ ઉકેલ સૂઝે છે.’

હવે કરીમચાચાની કૉટમાં દડો હતો.

કરીમચાચાએ કહ્યું, ‘બા, અમારો શરિયતી કાનૂન સગી બહેનોને પત્નીઓ તરીકે સાથે રાખવાની મનાઈ ફરમાવે છે.’

‘એવો તે તમારો કેવો કાનૂન! એમાં શું ખાટુંમોળું થઈ જાય, જરા સમજાવ ને!’

‘બા, જેમ તમારા વેદોને દેવવાણી તરીકે ઓળખાવાય છે; એમ અમારી કુરઆનની આજ્ઞાઓ ‘કલામે રબ્બાની’ (રબના કલામ-શબ્દો) કહેવાય છે. કોઈપણ ધર્મના કાનૂન પાછળ માનવીના ભલા માટેનો ઊંડો મર્મ હોય છે. બે બહેનોને સાથે નિકાહમાં લેવાની મનાઈનું રહસ્ય એ સમજાય છે કે પછી તે બંને જણીઓ બહેનો ન રહેતાં એકબીજીની શોક્ય બની જાય. આપણે જાણીએ જ છીએ કે શોક્યો પતિનો પ્રેમ મેળવવા હરીફો બને અને એક્બીજી પ્રત્યે ઈર્ષાભાવ પણ જાગી શકે. કોઈપણ મજહબના કાનૂનો આવી ઝીણીઝીણી સંવેદનશીલ બાબતોનો પણ ખ્યાલ રાખે છે. એક બહેન અવસાન પામે યા તલાક પામે તો જ બીજી બહેન જીજા સાથે નિકાહ પઢી શકે.’

‘બા, હવે તમને જો આખો કોયડો સમજાયો હોય તો મને રાજીખુશીથી વિદાય આપો અને અમારા બધાંયના હકમાં ઈશ્વર-અલ્લાહને પ્રાર્થના કરો. કરીમને તમે દીકરો માન્યો છે તો ગર્વ કરો કે તે કેટલો મહાન છે. અમારા દસ વર્ષના સંસારમાંનો અમારો એકબીજા પરત્વેનો પ્રેમ આજે કસોટીમાંથી પાર ઊતરી રહ્યો છે. તમારાં અને અમારાં કુટુંબનો જ દાખલો લઈએ તો પ્રેમ એ શું હોઈ શકે તેનો ખ્યાલ આવે. આપણે બારસાખ પાડોશી છીએ, પોતપોતાના ધર્મોને અનુસરીએ છીએ અને છતાંય માનવધર્મને કેવો જતનપૂર્વક પાળીએ છીએ! જુઓ ને, તમે કેવાં  ખુલ્લા પગે અમારી પાછળ પાછળ દોડી આવ્યાં!’ આમ કહેતાં રૂકૈયામાસી બાને બાઝી પડીને હૈયાફાટ રડી પડ્યાં.

બા રૂકૈયામાસીનાં અને પછી પોતાનાં આંસુ લૂછતાં બોલ્યાં, ‘દીકરી, હવે તું પાછી નહિ આવે?’

‘કેમ નહિ? હું જ્યારે જ્યારે આવીશ ત્યારે કરીમના ત્યાં, મારી બહેનના ત્યાં જ ઠહેરીશ. કરીમ એ મારો જીજાજી હશે અને હું તેની મોટી સાળી. હું હિજાબમાં હોઈશ અને એ મારા પગની પાની કે માથાના બાલને પણ નહિ જોઈ શકે. લો, બા. ગાડી આવી ગઈ. તબિયત સાચવજો. પૃથ્વીકાકાને આ બધું સમજાવજો અને મારી યાદ આપજો. કમલ બેટા, તું ભણવામાં ધ્યાન રાખજે. તું અમારી રાતની વાતો સાંભળી ગયો તે એક રીતે તો સારું થયું. આમ મારા ચૂપચાપ ચાલ્યા જવાથી તમને લોકોને કેટલું બધું દુ:ખ થાત!’

ગાડી આવીને ઊભી રહી ન રહી અને તરત જ ઊપડી. અમે માદીકરો પાટાઓ વચ્ચેથી ગાડી દેખાતી બંધ  થઈ ત્યાં સુધી ઊભાં રહ્યાં. જેવી ગાડી દેખાતી બંધ થઈ કે તરત જ મને બાઝી પડીને બા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યાં. મેં એમને રડવા દીધાં અને હું પણ રડતો રહ્યો.

– વલીભાઈ મુસા

[‘રીડ ગુજરાતી.કોમ’, ‘સંવેદન’ (મુદ્રિત સામયિક) અને   પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી 

નોંધ :-

કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૮ (૨૦૧૫)માં દેશ-વિદેશથી કુલ ૨૪૮ વાર્તાઓ આવી હતી. પસંદગીકારોએ છેલ્લે  નીચેનાં ૩ વિજેતાઓ જાહેર કર્યાં હતાં.

( ૧) શ્રી ડૉ. સ્વાતિ નાયક (નવસારી) – વાર્તા ‘કચરો’ – પ્રથમ પારિતોષિક રૂ. ૨૫,૦૦૦/-

(૨) શ્રી નીતા જોશી (વડોદરા) – વાર્તા ‘યામા કદાચ માની જશે’ – દ્વિતીય પારિતોષિક રૂ. ૧૦,૦૦૦/-

(૩) શ્રી માવજી મહેશ્વરી (કચ્છ) – વાર્તા ‘ લાક્ષાગૃહ’ – તૃતીય પારિતોષિક રૂ. ૫,૦૦૦/-

નિર્ણાયકો તરીકે ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને શ્રી બકુલેશ દેસાઈ હતા. ખૂબ જ જહેમત લઈને એમણે પહેલા રાઉન્ડમાં ૨૪ વાર્તાઓ પસંદ કરી હતી. ત્યારપછી ‘નર્મદ સાહિત્ય સભા’એ શ્રી યોગેશ જોશી અને શ્રી બકુલેશ દેસાઈને આ ૨૪ વાર્તાઓમાંથી પાંચ વાર્તાઓ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ એ બંનેએ વધારાની બબ્બે બબ્બે વાર્તાઓ પસંદ કરતાં કુલ્લે સાત વાર્તાઓ પસંદ થઈ હતી. આ સાતમાં ઉપરોક્ત ત્રણ વાર્તાઓ ઉપરાંત નીચેની ચાર વાર્તાઓ સમાવિષ્ટ થઈ હતી.

(૪) પકડેલો હાથ – સુનીલ વિઠ્ઠલદાસ મેવાડા (નાલાસોપારા)
(૫) ચાવીનો ઝૂડો – કિશોર પંડ્યા (વેજલપુર – અમદાવાદ)
(૬) વહુનાં વળામણાં – વલીભાઈ મુસા (કાણોદર – બનાસકાંઠા)
(૭) દ્વિધા – આમ્રપાલી દેસાઈ (સુરત)

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , | 7 Comments

 થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

‘તમારો કહેવાનો મતલબ કે ચોરી કરવી એ અપરાધ નથી, પણ એક વ્યવસાય છે અને ભૂખે મરતા માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ જરા વિગતે સમજાવશો?’

‘જી હા. આપના કાયદાની નજરમાં ચોરી એ અપરાધ ગણાય છે અને ચોરીની આચારસંહિતાનો ભંગ થતો હોય તો ચોરના આત્માના અવાજ પ્રમાણે પણ એ અપરાધ જ ગણાય. હું પણ એક ચોર છું અને મારા આત્માને અનુસરું છું. હું ચોરીને અપરાધ સમજતો નથી; પણ હા, ચોરી કરતાં પકડાઈ જવું એ અપરાધ ખરો!’ બોલનારે સ્મિતસહ કહ્યું.

‘ચોરીની આચારસંહિતા એ વળી શું?’

‘ગરીબ, વિધવા કે નિરાધારના ઘરે ચોરી ન કરવી. ચોરી દરમિયાન હત્યા ન કરવી, બેકારી કે ભૂખમરાની સ્થિતિમાં જ ચોરી કરવી, ચોરી દ્વારા ધનસંચય ન કરતાં જરૂરિયાત જેટલું જ ચોરવું – આ બધી બાબતો ચોરીની આચારસંહિતામાં આવે.’

‘આ આચારસંહિતાઓ કોઈ શાસ્ત્રોમાં લખાયેલી છે ખરી ?’

‘આચારસંહિતાઓ શાસ્ત્રોમાં ન હોય. એ તો વ્યક્તિના અંતરાત્મામાં લખાય અને તેને કોઈ વાંચવા ચાહે તો જ વાંચી શકાય. મેં જે ચોરીના વ્યવસાયની આચારસંહિતા દર્શાવી છે તે બીજાઓ સ્વીકારે કે નહિ, પરંતુ મારા માટે તો એ શિરોમાન્ય છે જ અને તેનું હું અક્ષરશ: પાલન કરું છું. અજાણતાં કોઈનો નાહકનો માલ હાથમાં આવી ગયો હોય, તો તેમાં ઉમેરો કરીને પાછો વાળું છું.’

યુવાન ડી.વાય.એસ.પી. રાજગોર સાહેબ અને જિલ્લાના અંતરિયાળ ગામના ચોરીના વ્યવસાયની કુખ્યાત કોમના આધેડ મુખિયા અરજણજી વચ્ચે બંગલાના કમ્પાઉન્ડમાં મૈત્રીપૂર્ણ સંવાદ ચાલી રહ્યો હતો. સીધી ભરતી પામેલા મિ. રાજગોર એક એવા પોલિસ ઓફિસર હતા કે જેમને અપરાધોના ઉકેલ કરતાં અપરાધનાં ઉદ્ભવસ્થાનો સમજવામાં વિશેષ દિલચસ્પી હતી. સરહદી જિલ્લામાં બદલી પામીને આવ્યાના એક જ મહિનામાં તેમણે ‘કાયદો અને વ્યવસ્થા’ની પૂરી સ્થિતિ સમજી લીધી હતી. અપરાધની સમસ્યાનાં મૂળ શોધવા અને તેના નિવારણના ઉપાયો વિચારવાની દિશામાં આગળ વધવાના ભાગરૂપે મિ. રાજગોર વિવિધ વર્ગના કહેવાતા અપરાધીઓ અને સજ્જન નાગરિકો સાથે દર રવિવારે અડધો દિવસ વિચારગોષ્ઠિ માટે ફાળવતા. જૂનાં ચલચિત્રોના શોખીન એવા મિ. રાજગોર વ્હી. શાંતારામની કેદીઓની આત્મસુધારણાને ઉજાગર કરતી ફિલ્મ ‘દો આંખે, બારહ હાથ’થી પ્રભાવિત થયા હતા અને એ જ ફિલોસોફીને પોતે પ્રાયોગિક ધોરણે અજમાવી રહ્યા હતા.

અરજણજીની કોમના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવાના આશયે તેમણે વિશેષ પ્રશ્નોત્તરી આરંભતાં કહ્યું, ‘શું તમારા વડવાઓ પણ ચોરીના ધંધામાં પડેલા હતા?’

’જી હા.’

‘અને દેશી દારૂ ગાળવાનો ધંધો પણ ખરો કે?’

‘જી, ના. એ તો અમે લોકોએ પાછળથી શરૂ કરેલો. એક વાત માનશો? અમે દારૂ વેચીએ, પણ અમારામાંનો કોઈ ટીપુંય ચાખે નહિ!’

‘એવું કેમ?

‘ઘઈડિયાઓની સલાહ કે ચોરી અને નશો બેઉ ભેળાં હરગિજ ન ચાલે. ચોરી કરતાં સૂધબૂધ ગુમાવી બેસીએ તો માર્યા જઈએ. આમેય અમારો મુખ્ય ધંધો તો ચોરીનો, પેલો તો પાર્ટટાઈમ.’

‘અમારા પોલિસવાળાઓના કોઈ હપ્તા ખરા?’

‘ના, રે! આવીને ઢીંચવો હોય એટલો ઢીંચી જાય. માલ ગંધાતા ગોળનો નહિ; ચોખ્ખે ચોખ્ખો મહુડાંનો, હોં કે! એમને અમારા સિવાય બીજે ક્યાંથી મળે?’

‘આ અનીતિના ધંધાઓ કરવા પાછળનું કારણ?’

’આજીવિકા.’

‘તમે લોકો તો ખેડૂતવર્ગના છો. ખેતી દ્વારા રોજીરોટી ન મેળવી શકાય?’

‘જમીન તો હોવી જોઈએ ને ?’

‘ખેતમજૂરી કે અન્ય કામધંધો પણ ન કરી શકાય?’

‘ખેતમજૂરી સિવાયના બીજા કામધંધા માટે મૂડી અને હુન્નર ક્યાંથી મેળવવાં?’

‘તો ખેતમજૂરી તો કરી શકો ને?’

‘ખેતમજૂરી માટે તો બીજી કોમના માણસો મળી રહે ત્યાંસુધી અમારો કોણ ભાવ પૂછે?’

’એવું કેમ?’

‘અમે બદનામ કોમ ગણાઈએ એટલે જ તો. વળી વાત પણ સાચી કે અમારાવાળા હાથફેરો કર્યા વગર રહે પણ નહિ ને!’

‘પરંતુ મારી જાણકારી મુજબ આઝાદી પહેલાંના તમારા નવાબે તમારો ચોરીનો ધંધો છોડાવવા વિનામૂલ્યે મોટા પટમાં જમીન ફાળવી તો હતી.’

‘એ વાત ખરી. એનેય સોએક વર્ષ થયાં. પરંતુ આપ સાહેબ સમજી શકશો કે વંશવેલો વધે, પણ જમીન તો વધે નહિ ને! મારા વડદાદાને એક ખેતર મળેલું, જેને હાલમાં અમે વારસદારોમાં વહેંચીએ તો મારા ભાગે ઢોલિયો ઢળાય એટલી જમીન આવે!’ અરજણજી હસી પડ્યા.

‘એ નવાબે તમને લોકોને કેમ જમીન ફાળવેલી તે હું જાણું છું, પણ એ તમારા મુખે સાંભળવા માગું છું.’

અરજણજી વળી પાછા ખડખડાટ હસી પડ્યા અને એકદમ ચૂપ થઈ ગયા.

‘કેમ ખામોશ? તમારા વડવાઓના પરાક્ર્મ માટે તમારે તો ગર્વ લેવો જોઈએ ને!’

‘હા, એ દંતકથા અમે પણ સાંભળતા આવ્યા છીએ. આપ જ કહો તો રૂડું લાગશે.’

‘મારા ખ્યાલ મુજબ નવાબે તમારા ગામે રાત્રિરોકાણ દરમિયાન પોતાની પહેરેલી ઈજાર ચોરવાનો પડકાર ફેંક્યો હતો અને તેમાં તમારા વડવા સફળ રહ્યા હતા. પરંતુ એ કેવી રીતે શક્ય બન્યું હશે તે તો તમે જ સમજાવી શકો, કેમ ખરું ને?’

‘સાહેબ, આપ હોશિયાર છો અને મારી પાસે જ કહેવડાવવા માગો છો; તો કહી જ દઉં. બે પોલિસવાળા નવાબ સાહેબના અલાયદા તંબુનો પહેરો ભરી રહ્યા હતા. મધ્યરાત્રિએ લાગ જોઈને અમારા એ દાદા જમીન ઉપર ઠોકેલા ખીલાના દોરડે ટોચ ઉપર પહોંચી જઈને મદ્યસ્તંભેથી સરકીને તંબુમાં ઊતરી ગયા હતા. નવાબ પલંગમાં ઘસઘસાટ ઊંઘતા હતા. પલંગ નીચેના તેમના હોકાને નમાવીને તેમણે તેના પાણીથી તેમની ઈજારને આગળના ભાગેથી પલાળી દીધી. નવાબને થયું કે નાનાં છોકરાંની જેમ સુસુ થઈ ગયું લાગે છે. એમણે ઊંઘઘેરી આંખે ઊભા થઈને ઈજાર બદલી દીધી અને દિવસે ફેંકેલા પડકારની વાત વિસારે પડી ગઈ.  દાદા જેમ તંબુમાં દાખલ થયા હતા, તેમ જ ઈજાર સાથે બહાર નીકળી ગયા. બીજા દિવસે એમણે નવાબ આગળ ઈજાર રજૂ કરી દીધી. નવાબે ખુશ થઈને ચોરીચખાલી છોડી દેવાની શરતે અમને ફાજલ જમીન ભેટ આપી.’

‘દાદાનું ગજબનું પરાક્ર્મ તો સાંભળ્યું, પણ તમારા પિતાજીનું એવું કોઈ સાહસ ખરું?’

‘હાસ્તો, એ તો બિલકુલ માન્યામાં ન આવે તેવું છે.’

‘ખરે જ ! તો તો સાંભળવું ગમશે.’

‘અમારો સિદ્ધાંત હતો કે અમારા સ્ટેટમાં ચોરી ન કરવી. એનાં બે કારણો હતાં. એક, અમારી સ્ટેટ પરત્વેની વફાદારી; અને બે, બહારના સ્ટેટમાં ચોરીના કારણે અમારા સુધી પહોંચવામાં તંત્રને વાર લાગે અને અમે  ચોરીનો માલ આરામથી સગેવગે કરી શકીએ. પાડોશી બરોડા સ્ટેટમાં અમારા કારણે ઘરફોડ ચોરીઓ ખૂબ વધી ગઈ હોઈ ગાયકવાડ સરકારે અમારા નવાબસાહેબને તેમના જાસુસીતંત્રના અહેવાલના આધારે  અમારા વિરુદ્ધ ફરિયાદ કરી અને યોગ્ય પગલાં લેવાની તાકીદ કરી. પછી તો નવાબસાહેબે ગામમાં બે કાયમી પોલિસ મૂકી દીધા અને તેમણે રાત્રે જમવા પછીના એક કલાક બાદ અને સૂર્યોદયના એક કલાક પહેલાં અમારી કોમના પુખ્તથી માંડીને વયોવૃદ્ધ પુરુષોની હાજરી લેવાનું શરૂ કર્યું. કેટલાક સમય સુધી આ સ્થિતિ રહ્યા પછી મારા પિતાજીને લાગ્યું કે આમ તો ભૂખે મરવાના દહાડા આવશે. વળી રાત્રિની બે વખતની હાજરી વચ્ચે આઠથી નવ કલાકનો જ સમય રહેતો તથા ચોરીનો સમય મધ્યરાત્રિ પછી જ શરૂ થતો હોઈ એટલા ટૂંકા સમયગાળામાં પાલનપુર સ્ટેટમાં જ ચોરી કરવી પડે જે અમને માન્ય ન હતું. ત્યારબાદ મારા પિતાજી દસેક દિવસ કોઈક ગામતરે જઈ આવતા અને પહેલી હાજરીએ હાજર થઈ જતા. લોકોને વહેમ પડ્યો કે જયમલજી કોઈક ઘાટ ઘડતા લાગે છે! મારા બાપાનું નામ જયમલજી.’

મિ. રાજગોર અધીરાઈથી બોલી ઊઠ્યા, ‘ઈન્ટરેસ્ટીંગ!’

‘અરે સાહેબ, વેરી વેરી ઈન્ટરેસ્ટીંગ તો હવે આવશે!’

‘તમે અંગ્રેજી સમજી શકો છો?’

‘હા સાહેબ, કેમ ન સમજાય; છ ગુજરાતી અને બે અંગ્રેજી ચોપડીઓ ફાડી છે ને! અંગ્રેજ હકૂમત હેઠળ અમારા ગામની રેવન્યુની પૂરેપૂરી વસુલાત નવાબસાહેબને પોકેટમની તરીકે મળતી, એટલે લગભગ દોઢસોએક વર્ષ પહેલાં તેમની રહેમનજર હેઠળ ગામડાંઓમાંની પહેલી પ્રાથમિક શાળા અમારા ગામમાં શરૂ થઈ હતી. પાંચમા ધોરણથી અંગ્રેજી વિષય શરૂ થતો એટલે પૂરાં સાત ધોરણ સુધી ભણેલા મારી જેમ જ બોલે કે સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી પાસ છીએ.’

‘માથે ફાળિયું અને દેશી માણસ જેવા લાગતા તમે તો છુપા રુસ્તમ નીકળ્યા! ચાલો હવે જલ્દી જલ્દી તમારું વેરી વેરી ઈન્ટરેસ્ટીંગ આવવા દો, કેમ કે એ જાણવાની મારી તાલાવેલી વધી ગઈ છે.’ રાજગોર સાહેબે મરકમરક હસતાં કહ્યું.

‘અમારો ચોરીનો ધંધો અટકી ગયાના બરાબર પંદરમા દિવસે મારા બાપાએ મારી બાને કહ્યું કે મેં મારી હાજરી પુરાવી દીધી છે અને તાકીદનું કામ આવી પડતાં હું ગામતરે જઈને રાતોરાત વહેલી સવારની હાજરી પહેલાં આવી જઈશ. બન્યું પણ એવું કે એ સમયસર આવી ગયા અને મારી બાના હાથમાં પોટલું પકડાવતાં કહ્યું કે સીમમાંની ભેંશને દોહવા માટેના ખાલી બોઘરણામાં તેને મૂકીને ગામચોરે પોલિસવાળાઓની સામે જ   તે ખેતરે જાય અને ઊકરડામાં સંતાડી દે. વળી ચેતવણી આપતાં એમ પણ બોલ્યા કે આ માલ ગામનાં આપણાં બધાં ઘરોના સરખા ભાગે વરસનાં દાણાપાણી નીકળે તેટલો છે, જે આપણી પાસે અમાનત અને  જવાબદારી હેઠળ છે. એમણે આગળ જણાવ્યું કે હું હાજરી પુરાવીને ખેતરે આવી પુગું છું. મારા પહેલાં એક માણસ મારું નામ પૂછતો ‘રતનપોળ’ એમ બોલે તો તેને બેસાડજે.’

‘રતનપોળ એટલે? કોઈ સાંકેતિક શબ્દ?’

‘એ શબ્દ સાંકેતિક પણ ખરો અને એ માલ રતનપોળમાંથી તફડાવેલો પણ ખરો!’

રાજગોર સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ જતાં વિસ્ફારિત નયને બોલી ઊઠ્યા, ‘એ રતનપોળ તો અમદાવાદની! તમારા ગામથી અમદાવાદ કેટલું દૂર થાય?’

‘હાલના હાઈવે પ્રમાણે ૧૭૦ કિલોમીટર, પણ એ વખતે વણઝારાઓની આવનજાવનનો કાચો ધોરી માર્ગ તો વાંકોચૂકો એટલે વધારે અંતર થાય.’

‘અરજણજી, થોડુંક વ્યાજબી કરો. ભલા માણસ, કાચા રસ્તાના ૨૦૦ કિલોમીટર ગણો તોય જવા-આવવાના ચારસો કિલોમીટર થાય અને રતનપોળની દુકાન ખુલ્લી થોડી હોય કે તમારા પિતાજી ઘરેણાંનાં પોટલાં બાંધીને તરત જ વળતા થઈ જાય! દુકાન તોડવામાં દોઢબે કલાક તો લાગે કે નહિ?’

‘સાહેબ, મેં શરૂઆતમાં જ નહોતું કહ્યું કે મારા પિતાજીનું એ સાહસ બિલકુલ માન્યામાં ન આવે તેવું હતું!’

‘તમારી વાત કેવી રીતે મનાય? સમયની સાવ સીધી ગણતરી કરીએ તો બે હાજરીઓ વચ્ચેના આઠ કલાકમાંથી દુકાન તોડવાના બે કલાક બાદ કરતાં બાકીના છ કલાકમાં કાચા ધુળિયા માર્ગે ચારસો કિલોમીટર અને એ પણ નોન-સ્ટોપ! હાલની સુપર ફાસ્ટ બસ પણ એટલો સમય તો લે જ.’

‘પિતાજીની વાત રહેવા દો અને કહો તો હાલ હું પણ એ કરી બતાવું! શરત માત્ર એટલી કે મને પાકો હાઈવે ન ખપે. મને તો પેલો જૂનો કાચો ધોરી માર્ગ ખુલ્લો કરી આપો અને પછી જુઓ કે હું છ નહિ, પણ સાડાપાંચ કલાકમાં અમદાવાદ જઈને પાછો આવું છું કે નહિ!’

‘અરજણજી, વાતમાં મોંણ નાખ્યા વગર સીધેસીધું સમજાવી દો તો મને ધરપત થશે.’

‘તો સાહેબ, તમારે મને તમારા પોલિસ ખાતાના અલમસ્ત પાંચ ઘોડા આપવા પડે અને એ જમાનામાં વણઝારાઓએ વાવો ખોદાવેલો એ કાચો રસ્તો શોધી આપવો પડે. આપના ઘોડાઓને પાકી સડક ઉપર દોડાવીને હું દુ:ખી ન કરી શકું અને વળી કાચા રસ્તાના જેટલી ઝડપથી એ દોડી પણ ન શકે. ઈશ્વરે તેની ખરીઓને કાચા રસ્તાને અનુકૂળ બનાવી છે. ઊંટનો પણ દાખલો લો, તો આપણે માનવીઓ રેતીને અનુરૂપ ગાદીવાળા પગ ધરાવતા બિચારા એ પ્રાણીને ઊંટગાડાએ જોતરીને તથા પાકી સડકો ઉપર દોડાવીને જુલ્મ નથી કરી રહ્યા? હવે પાંચ ઘોડાવાળી વાત મારે આપને સમજાવવાની ન હોય, કેમ કે આપ આઈ.પી.એસ. ક્લાસ વન ઓફિસર છો.’

રાજગોર સાહેબ તેમના હોદાની ગરિમાને ભૂલી જઈને અરજણજીને બાવડેથી પકડીને તેમને ખુરશીમાંથી ઊભા કરીને ભેટી પડતાં કહ્યું, ‘માન ગયે, બાપુ! ખરે જ એ લોકો કેવા બુદ્ધિશાળી કહેવાય? અગાઉથી સરખા અંતરે એ ઘોડા હાજર હોય; ઘોડા બદલાય, સવાર એનો એ જ. છેલ્લા ઘોડાને બેએક કલાકનો આરામ અને એ જ પાછો વળતો થાય. બાકીના ઘોડાઓ પણ વિસામો પામેલા તાજામાજા જ હોય. વળી દરેકના ભાગે ઓછું દોડવાનું હોઈ વણથાક્યા પવનવેગે દોડી પણ શકે! અદ્ભુત… અદ્ભુત! બેમિસાલ વાત!’

‘ચાલો સાહેબ, આ બધી વાતોનો તો કોઈ અંત નહિ આવે; પરંતુ મને તેડવા આવેલો આપનો ડ્રાયવર રસ્તામાં કહેતો હતો કે અમને ચોરી કરવાના અનીતિના માર્ગેથી પાછા વાળીને પ્રમાણિકતાથી રોજીરોટી રળવા માટેની કોઈક યોજના આપ સાહેબ સમજાવવાના હતા.’

‘થશે, એ વાત પણ થશે; કેમ કંઈ ઉતાવળ છે? કે પછી રાતના ધંધા માટેની કોઈ પૂર્વતૈયારી કરવાની છે? વડીલ, આ તો ખાલી મજાક કરી લીધી, હોં! હવે તમારે કે તમારા જુવાનિયાઓએ આજ પહેલાં જે કંઈ કર્યું હોય એવું કશું જ નહિ કરવું પડે. મેં સરકારમાં રજૂઆત કરીને તમારા લોકો માટે એક ખાસ પેકેજ મંજૂર કરાવ્યું છે, એ શરતે કે તમે લોકો ચોરી અને દારૂનો ધંધો હંમેશ માટે છોડી દેશો. મિ. અરજણજી, મને વિશ્વાસ છે કે તમે તમારી કોમના મુખિયા છો એટલે અમને આ કામમાં તમારો પૂર્ણ સહકાર મળી રહેશે. વિગતે વાત આપણે સાથે જમતાંજમતાં કરીશું, કેમ કે આજે તમે મારા માનવંતા મહેમાન છો. બીજી ખાસ વાત એ કે એક અપવાદને બાદ કરતાં તમારે અને તમારી કોમે સઘળો ભૂતકાળ ભૂલીને એક નવા ભવિષ્ય તરફ આજથી જ પગલાં માંડવાનું શરૂ કરવાનું છે.’

‘એક અપવાદ! કંઈ સમજાયું નહિ!’

‘તમે તમારા દાદા અને પિતાજીના અંશ અને વંશ છો, એટલે તમારું પોતાનું કોઈક પરાક્ર્મ તો મને જમતાં જમતાં જ સંભળાવવું પડશે.’

‘ના, સાહેબ.  ડાયનીંગ ટેબલ ઉપર તો અમારા માટેની સારી સારી વાતો જ થશે. મારું પરાક્ર્મ કે કાબેલિયત જે ગણો તે હું હાલ અહીં જ બતાવી દઉં. મને બંને હાથે હાથકડી પહેરાવીને મારા હાથમાં વેંતભર સખત પાતળો તાર આપી દો અને પછી જુઓ કે હું શું કરી શકું છું!’

‘ના હોય! નામુમકિન!’

‘તો પછી નવાબની ઈજારવાળી ઘટના અને રતનપોળની રાતોરાતની ઘરફોડ ચોરી કઈ રીતે મુમકિન?’

‘સોરી, ભાયા સોરી! જાઓ, વગર જોયે તમારી કાબેલિયત પણ મુમકિન! ઈજાર અને ઘરેણાંના પોટલાથી પણ શ્રેષ્ઠતમ કાબિલે તારીફ એવી તમારી હાથકડીની કરામત મને મંજૂર! મને લાગે છે કે અમારા પોલિસખાતાએ ભવિષ્યે તમારી સેવાઓ લેવી પડશે!’

‘પણ, આપે જ હમણાં કહ્યું કે ‘વી હેવ ટુ ફરગેટ અવર પાસ્ટ!’, તો એનું શું?’

મિ. રાજગોરે મિ. અરજણજીના ખભે હાથ મૂકીને બંગલા ભણી પગ માંડતાં એટલું જ કહ્યું, ‘આઈન્સ્ટાઈન કે ચર્ચિલ કરતાં પણ તમારો આઈ ક્યુ વધારે હોય તેમ લાગે છે!’

‘અરે સાહેબ, હું તો ગામડિયો માણસ છું; આમ છતાંય, થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!’

-વલીભાઈ મુસા

(તા.૨૪૦૨૨૦૧૬)

(‘આનંદ ઉપવન’ – મે, ‘૧૬)

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , | 8 Comments

ખતરનાક ખેલ – A Dangerous Game (અનુવાદ – વલીભાઈ મુસા)  

My Valued Readers,

Find below the Gujarati translation of a Story ‘The Dangerous Game” with its Preamble also in Gujarati. Hope you will find it interesting as it appeals to the married life of a Muslim couple. Difference of opinion or indifference in attitude of either of the spouse might be the cause for failure of marriage. Here, in this story, there is the contradiction of Religious values. In many other cases, the causes might be different. What it may be, but this is the life and those are their realities. Okay, now proceed on:

લેખિકાનો પરિચય અને પ્રસ્તાવના:-

શહીદ અમિનાહ હૈદર અલ-સદ્ર (૧૯૩૭-૧૯૮૦:કાઝમૈન,બગદાદ)જે બિન્ત અલ-હુદાના નામથી ઈરાક અને મુસ્લીમ દેશોમાં જાણીતાં હતાં.બે વર્ષની વયે ખ્યાતનામ ધાર્મિક વડા એવા પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ માતા અને બે વિદ્વાન ભાઈઓના હાથ નીચે ઉછેર પામ્યાં, જે પૈકી મોહમ્મદ બાકિર અલ-સદ્ર શીઆ ઈસ્નઆશરી મુસ્લીમોના આયતુલ્લાહ હતા. એપ્રિલ,૧૯૮૦માં સદ્દામના શાસનકાળ દરમિયાન તેમની બન્ને ભાઈઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી અને ત્રણ દિવસ પછી એ ત્રણેયની ઠંડે કલેજે નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મુસ્લીમ જગતે અકાળે શહીદ થએલી આ યુવાન લેખિકાની ન ભૂલી શકાય તેવી ખોટ અનુભવી.

અમિનાહ સરકારી નિશાળમાં શિક્ષણ નહોતાં પામ્યાં, પણ તેમના ભાઈઓએ જ તેમને ઘરે જ શિક્ષણ આપ્યું હતું. ૨૦ વર્ષની વયે તેમણે લેખો લખવાનું શરૂ કર્યું, જે અગ્રણી સામયિકોમાં પ્રસિદ્ધ થતા રહ્યા. તેમનું લખાણ મુખ્યત્વે મુસ્લીમ સ્ત્રીઓના જીવનને અનુલક્ષીને રહેતું જે તેમના માટે દીવાદાંડી સમાન પ્રેરણાદાયી બની રહ્યું. સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાનાધિકારના પશ્ચિમી વિચારોના ઓછાયા હેઠળ સામાજિક અને ધાર્મિક જીવન પ્રભાવિત થઈ રહ્યું હતું જે સમકાલીન શાસકોના આંખ આડા કાનને આભારી હતું.

ખેર, અહીં હું અર્થાત્ અનુવાદક એક નિશ્ચિત સમાજની સ્ત્રીઓના સંદર્ભમાં જ મારું અનુવાદિત લખાણ મૂકી નથી રહ્યો, પણ એ વાત સર્વ ધર્મ, સમાજ અને જ્ઞાતિઓને એટલી જ લાગુ પડે છે. સામાન્ય રીતે સર્વત્ર સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ધાર્મિક માલૂમ પડતી હોય છે અને તેનું કારણ માત્ર તેનાં પોતાનાં સંતાનોના સુયોગ્ય ઉછેરની તેને ચિંતા હોય છે. હવે જો આવા ધર્મમય કૌટુંબિક વાતાવરણને સર્જવામાં પતિનો સાથસહકાર ન મળી રહે તો સ્ત્રી કેવી અકળામણ અનુભવતી હોય છે તે મનોવ્યથા લેખિકાએ સરળ શૈલીમાં અહીં આ વાર્તામાં સમજાવી છે. પત્નીની સકારાત્મક વિચારશરણીને પતિ કદાચ સહાયરૂપ ન થાય તો ભલે, પણ ઓછામાં ઓછું તેને વિઘ્નરૂપ તો ન જ બને તેવો પરોક્ષ સંદેશો આ કથા દ્વારા પુરુષ વર્ગને આપવામાં આવ્યો છે, જે મારાં સુજ્ઞ વાંચક ભાઈબહેનો વાર્તા વાંચ્યા પછી જાતે જ નક્કી કરી શકશે.

હવે, વધુ સમય ન લેતાં આપ સૌને નિમંત્રણ આપું છું કે નીચેની વાર્તા મુકત મનથી અવશ્ય વાંચશો. હમણાં સમયનો અભાવ હોય તો favorite માં save કરી રાખીને અનુકૂળતાએ વાંચી લેશો તેવી આશા રાખું છું. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

ખતરનાક ખેલ

આસિયા તેને મળવા આવતી પોતાની બહેનપણી બઈદાની રાહ જોઈ રહી હતી. પોતાની અંગત મુલાકાતની તેની માગણીનું આસિયાને આશ્ચર્ય હતું. તેણે વિચાર્યું કે બઈદાને કોઈક ગંભીર સમસ્યા હોવી જોઈએ. તે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહી હતી. બઈદા થોડીક મોડી પડી. આસિયા વાત શરૂ કરવા આતુર હતી, જ્યારે બઈદા થોડીક સંકોચાતી હતી.

પછી બઈદાએ કહ્યું, ‘તને એક પ્રશ્ન પૂછી શકું?’

‘હા,ખુશીથી!’ આસિયાએ જવાબ આપ્યો.

બઈદાએ કહ્યું,’હું ઈચ્છું છું કે તું નિખાલસ જવાબ આપીશ.’

‘તું તો જાણે જ છે કે હું હંમેશાં નિખાલસ જ હોઉં છું.’ આશિયાએ ખાત્રી આપી.

બઈદા બોલી ઊઠી,’ ફહદની લગ્નની દરખાસ્તને તેં કેમ અવગણી દીધી?’

આસિયા પ્રશ્ન સાંભળીને થોડીક ચમકી. થોડીક વાર શાંત રહ્યા પછી તે બોલી, ‘હું પણ તને પ્રશ્ન પૂછી શકું?’

‘અલબત્ત, તું પૂછી શકે છે.’

‘મને દ્વિધામાં નાખી દે તેવો પ્રશ્ન તું કેમ પૂછે છે? તું જાણે જ છે કે તે મારો સંબંધી છે અને કેટલાંક કારણોથી મેં તેની દરખાસ્તને નકારી છે.’

બઈદાએ થોડીક અચકાતાં કહ્યું, ‘કેમ કે તેણે મારી આગળ પણ દરખાસ્ત મૂકી છે અને તેથી જ હું જાણવા માગું છું કે તેં તેને કેમ ના પાડી?’

‘ઓહ! હું સમજી.’ એમ કહીને આસિયા ચૂપ થઈ ગઈ. બઈદાએ દલીલ કરતાં કહ્યું,’મારે આ જાણવું જરૂરી છે. વળી તું મારી બહેનપણી ખરી કે નહિ? તું મારી એટલી પણ ચિંતા નહિ કરે?’

‘હા, તું મારી દોસ્ત છે અને હું તારી ચિંતા કરું જ છું અને તેથી તને કારણ જણાવીશ. પણ, સૌથી પહેલાં તું કહીશ કે તેના વિષે તું શું શું જાણે છે?’ આસિયાએ બઈદાને પૂછ્યું.

‘હું જાણું છું કે તે સોહામણો, સજ્જન, શિક્ષિત અને સારા સામાજિક મોભા સાથે સારી રીતભાત ધરાવનારો છે.’

‘એ તો બરાબર’ આસિયાએ કહ્યું અને વળી ઉમેર્યું, ‘તે શ્રીમંત પણ છે. પણ, આ બધું પૂરતું ગણાય?’

બઈદા વીલા મોંઢે હળવેથી બોલી, ‘તે પાબંધ (પરહેજગાર) મુસ્લીમ નથી!’

‘તું આ જાણે છે અને છતાંય તેની દરખાસ્તને નકારી કાઢવાનું મને કારણ પૂછે છે?’

‘હું જાણું છું કે મજહબ બહુ જ અગત્યની બાબત છે, પણ તેનામાં પરિવર્તન આવી પણ શકે છે!’ બઈદા બોલી.

‘કેવી રીતે?’ આસિયાએ પૂછ્યું.

‘તેં કદી વિચાર્યું છે ખરું કે તેને સાચા રસ્તે વળવાનું માર્ગદર્શન પણ આપી શકાય!’ બઈદાએ આગળ દલીલ કરી.

‘તું ધારે છે એ આ જ છે?’ આસિયા બોલી.

બઈદાએ શરૂ કર્યું, ‘હું માનું છું કે ફહદના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દેવો તે કાયરતા છે. મારા મતે આપણે ફહદને આપણી રીતે મજહબ તરફ વાળી શકીએ અને તે માટે આપણે પ્રયત્ન પણ કરવો જોઇએ.’

‘બરાબર! પણ તું એ કેવી રીતે કરીશ?’

‘મારી પાસે રસ્તાઓ છે.’ બઈદાએ કહ્યું. ‘ગમે તેમ, પણ મારે તેનો શા માટે અસ્વીકાર કરવો જોઈએ જ્યારે કે તેનામાં આટલી બધી સારી લાયકાતો હોય! હું જો એને જતો કરું, તો તે બીજી કોઇકને પરણશે અને તે મજહબ પ્રત્યેના તેના અણગમાને વધારે બહેલાવશે. જો હું તેનો સ્વીકાર કરીશ તો તેને ઈમાન ઉપર પાછો લાવી શકીશ.’

‘એ તારો મત છે.’ આસિયાએ કહ્યું. ‘હું મારા મતને તારા ઉપર થોપીશ નહિ,પણ આ ખતરનાક ખેલ છે અને લગ્નજીવનનું જોખમ પણ!’

‘ઓહ! મહેરબાની કરીને અતિશયોક્તિ ના કર, આસિયા. લગ્ન એ સાહસ છે અને હું માનું છું કે હું મારા અનુભવને સહન કરી શકીશ.’

‘તારી ત્યાં ભૂલ થાય છે! અનુભવ મૂર્ખને ડાહ્યો ન જ બનાવી શકે. એક પરહેજગાર ઈમાની માણસને પરણવામાં અને એક મજહબથી વિમુખ થઈ ગએલા સાથે લગ્નથી જોડાઈ જવામાં ઘણો ફરક છે. પરહેજગાર હંમેશાં પોતાના મજહબી કર્તવ્યપાલનમાં સજાગ રહેશે અને પોતાની જાતને અવળા માર્ગે જતાં રોકી શકશે, જ્યારે પેલો બિનમજહબી કર્તવ્યપાલનમાં બેદરકારી બતાવશે અને સમય પ્રમાણે દુન્યવી ઉપભોગ તરફ બદલાતો જતો રહેશે.’

‘જોખમ ખરું, પણ હું સફળ થઈશ તો મજહબની સેવા થઈ ગણાશે.’ બઈદાએ કહ્યું.

‘તું જ કહે છે જો હું સફળ થઈશ તો! તારું આ ‘જો…’ જ બતાવે છે કે તને તારી સફળતા વિષે શંકા છે. લગ્નજીવનની શરૂઆત મજબૂત પાયા ઉપર થવી જોઈએ.’આસિયા બોલી.

બઈદાએ નીચી નજર કરી લીધી જાણે કે તેના મનમાં આંતરિક સંઘર્ષ ચાલતો હોય. છેવટે તેણે પૂછી લીધું,’તારો શો અભિપ્રાય છે?’

આસિયાએ કહ્યું, ‘હું જાણતી નથી કે મારે શું કહેવું? પણ, મને ડર છે કે આ અનુભવ કરવામાં તારે સહન કરવાનું જ આવશે. આ ખતરનાક ખેલ છે. સામાન્ય રીતે શૌહરો (પતિઓ)પોતાની પત્નીઓનાં મંતવ્યોને ઘણે ભાગે સ્વીકારતા નથી હોતા અને ઊલટાનું એમ પણ બની શકે કે તેઓ તેમના વિચારો પત્નીઓ ઉપર લાદે.પછી તો પત્ની પોતાની જાતને ચૌરાહા ઉપર એવી રીતે ઊભેલી મહેસુસ કરે કે કાં તો પોતાનું લગ્નજીવન છિન્નભિન્ન થવા દે કે પછી પોતાના ખુદના મજહબી અને પરહેજગાર જીવનને હંમેશ માટે તિલાંજલી આપી દે. તું સમજી શકે છે કે આ બન્ને પરિસ્થિતિઓને સહન કરવી ભયંકર મુશ્કેલ છે.’

આસિયાએ થોડીક ચૂપકીદી સેવી અને બઈદાની બોલવાની રાહ જોવા માંડી.જ્યારે બઈદા બોલી ત્યારે કંઈક ગૂંગળાતી હોય તેમ એટલું જ બોલી શકી,’તો પછી શું?’

આસિયાએ લાગણીસભર જવાબ વાળ્યો, ‘ હું માનું છું કે તારે તારી જાતને આ આફતમાંથી બચાવી લેવી જોઈએ.’

‘ધારી લે કે તેમ કરવાની મને ફરજ પડે તો મારે શું કરવું જોઈએ?’

‘તે તારે નક્કી કરી લેવાનું છે, બઈદા. કોઈ પોતાની ઈચ્છાને તારી ઉપર લાદી ન શકે, પછી ભલે તે કોઈપણ હોય!’

બઈદા થોડીક મૌન રહ્યા પછી પડકારભર્યા અવાજે કહ્યું, ‘હું જોખમ ઊઠાવીશ. મને આશા છે કે હું સફળ થઈશ જ.’

આસિયાએ બઈદા તરફ જોયું અને ઠંડે કલેજે કહ્યું, ‘તને જે કંઈ ઠીક લાગે તે કરવા તું સ્વંતંત્ર છે. હું આશા રાખું છું કે તું પાછળથી પસ્તાઈશ નહિ.’ છેવટે બઈદા એમ કહીને ઊઠી કે, ‘તારો સમય લેવા બદલ હું દિલગીરી અનુભવું છું.’

આસિયાએ જવાબ વાળ્યો,’ એમાં કંઈ દિલગીર થવા જેવું છે જ નહિ. હું ઊલટી તારા માટે દિલગીરી અનુભવું છું.’

બન્નેએ હાથ મિલાવ્યા અને બઈદા છૂટી પડી. આસિયાને લાગ્યું કે જાણે કે તેણે એક મિત્ર ગુમાવી દીધી!

કેટલાંક અઠવાડિયાં પછી, બઈદા મોડી રાત સુધી આતુરતાપૂર્વક તેના પતિની રાહ જોતી રહી. રાતના અગિયાર વાગી ચૂક્યા હતા અને તેને બહુ જ ચિંતા થતી હતી. દરેક મિનિટે તે ઘડિયાળ જોએ જ જતી હતી અને સાડા અગિયાર વાગે તેણે દરવાજો ખૂલતો અને ધીમેથી બંધ થતો સાંભળ્યો. તે બેઠી થઈ અને પતિને ઘરમાં દાખલ થતો જોયો. તેનો ચહેરો ખુશીથી ચમકી ઊઠ્યો. તેણે કહ્યું, ‘ઓ ફહદ, તમે મોડા પડ્યા!’. ફહદને નિરાશ વદને જોઈને તે ગભરાઈ ગઈ. તેણે કહ્યું,’હજુ સુધી તું કેમ ઊંઘી નથી?’

બઈદાએ જવાબ આપ્યો, ‘ જ્યારે તમે બહાર હોવ ત્યારે હું કેવી રીતે ઊંઘી શકું?’

ફહદે સુટ કાઢતાં અને પાયજામો પહેરતાં ગણગણ્યું, ‘આ તો તારા માટે હંમેશાં ચિંતાનું કારણ બની રહેશે!’

બઈદાએ પૂછ્યું, ‘કેવી રીતે?’

‘કારણ કે હું ઘણીવાર મોડો જ પડીશ. તારે એકલાએ આમ મોડે સુધી જાગવાની જરૂર નથી.’

ફહદના જવાબથી બઈદાને આઘાતસહ તકલીફ પહોંચી અને પોતાના કાન ઉપર તેને વિશ્વાસ ન બેઠો. આગળ કંઈ ન કહેતાં તે માત્ર એટલું જ બોલી, ‘તમારું ખાવાનું તૈયાર છે,’

ફહદે સ્મિતસહ જવાબ આપ્યો, ‘મેં બહાર ખાઈ લીધું છે.કેટલાક મિત્રોએ મને ક્લબમાં આમંત્રણ આપ્યું હતું. તેઓએ મારા માનમાં પાર્ટી યોજી હતી.’

‘હું માનું છું કે તમને ખૂબ આનંદ પણ થયો હશે! પણ,તમે મને પહેલાંથી કેમ કહ્યું નહિ?’બઈદાએ કહ્યું.

‘તને કહેવાનું મને જરૂરી લાગ્યું નહિ, કેમકે આવી જગ્યાએ તું મારી સાથે ક્યાં આવવાની હતી!

‘ભલે, પણ ઓછામાં ઓછું ચિંતા તો ન થઈ હોત!’

ફહદે કહ્યું, ‘તારે જાણી લેવું જોઈએ કે હું સામાજિક સંબંધોથી સંકળાયેલો છું. હું શિક્ષિત અને ઉદારમતવાદી લોકો વચ્ચે રહું છું અને ઘરમાં એકલોઅટૂલો સ્ત્રી સાથે રહી શકું નહિ.’ તે પાછળના શબ્દો વેધક અવાજે બોલ્યો. છેવટે તેણે કહ્યું,’જા હવે અને તું ખાઈ લે.’

આંખોમાં આંસુ સાથે તે ગમગીનીપૂર્વક એટલું જ બોલી, ‘મને ભૂખ નથી!’

ફહદે કહ્યું, ‘તો પછી આપણે સૂઈ જઈએ.’

બઈદાએ પૂછ્યું, ‘હુ ધારું છું કે તમે નમાજ તો પઢી જ લીધી હશે, ખરું ને?’

ફહદે ઠંડા કલેજે જવાબ આપ્યો, ‘ અડધી રાત થઈ ગઈ છે અને નમાજનો સમય પણ પૂરો થઈ ગયો છે.’

‘ના’ ફઈદાએ કહ્યું. ‘હજુ અડધી રાત થઈ નથી. વળી ગમે તે હોય, પણ મોડી મોડી પણ નમાજ પઢી લેવી જ જોઈએ.’

ફહદે કહ્યું, ‘તું જાણતી નથી કે હું કેટલો બધો થાકી ગયો છું અને મને ઊંઘ પણ આવે છે.’

‘થાક એ કંઈ મજહબી બાબતો ન બજાવવાનું કારણ નથી!’

ઠેકડી ઊડાડતો હોય તેમ ફહદ બોલ્યો, ‘એ તો અલ્લાહ મને માફ કરી દેશે!’

‘ભલે, પણ જો તમે સાચે જ મને ચાહતા હોવ તો, તમારે નમાજ પઢવી જોઈએ!’ બઈદાએ ગુસ્સો કર્યો. ફહદ બોલી ઊઠ્યો, ‘તું મારા પ્રેમને નમાજ અને રોજાં (ઉપવાસ)સાથે ભેગો ન કર. મને મારી રીતે તને ચાહવા દે, નહિ કે તારી રીતે! હું તને રજા નથી આપતો કે તું રોજ રાત્રે મારી નમાજનો હિસાબ માગે!’

ફહદે પથારીમાં લંબાવ્યું અને બઈદાને તેના શબ્દો દ્વારા આઘાતજનક પરિસ્થિતિમાં છોડીને તે ઊંઘી ગયો. તેને આસિયાના શબ્દો યાદ આવી ગયા, જે ખરેખર સાચા પડી રહ્યા હતા.

તેણે પાક કુરઆનની તિલાવત (પઠન)આરંભ્યું કે જેથી તેને આ મનોસ્થિતિમાં કંઈક રાહત અને આશ્રય મળી રહે. તેણે પાક કુરઆનને ખોલતાં જે પાના ઉપર નજર પડી તેની પહેલી સુરા હતી, “અમે (અલ્લાહ) તેમને કોઈ અન્યાય કર્યો નથી, પણ તેઓ પોતે જ પોતાની જાત પ્રત્યે અન્યાય કરી રહ્યા છે.” (અલ-નહલ ૧૧૮)

દિવસો અને મહિનાઓ પસાર થતા રહ્યા. બઈદાને કોઈ માર્ગ જડતો ન હતો કે જે વડે તે ફહદને પોતાની વિચારશરણી તરફ વાળી શકે. જ્યારે જ્યારે તે મજહબની વાત કરતી, ત્યારે કાં તો તે વાતને હસીમજાકમાં કાઢી નાખતો અથવા બહેરો કાન રાખતો. તેણે પોતાનાથી બનતી બધી જ રીતે ફહદને ઘરમાં સુખસુવિધાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે જોયું કે ફહદને પોતાનો વધુમાં વધુ સમય બહાર પસાર કરવામાં રસ હતો. એક રાત્રે તેણે ફહદના ઘરે પાછા વળવાની મોડે સુધી રાહ જોઈ અને જ્યારે તે આવ્યો ત્યારે બઈદાને લાગ્યું કે તે ખુશમિજાજમાં હતો. તેણે વિચાર્યું કે ફહદ સાથે વાત કરવાનો આ સરસ મોકો હતો.

તેણે ખૂબ જ નમ્રતાથી વાત શરૂ કરી, ‘તમને લાગતું નથી કે હું કેટલી દુઃખી છું?’

ફહદે આશ્ચર્ય બતાવતાં કહ્યું, ‘તું દુઃખી છે? શા માટે? શું મેં તને તારી જરૂરિયાત માટેની સઘળી વસ્તુઓ પૂરી નથી પાડી?’

‘હા, હું કબૂલ કરું છું કે તમે એ બધું કર્યું છે. આમ છતાંય એવા સુખનો શો મતલબ કે જ્યાં આત્મસંતોષ થતો ન હોય?’

‘તો પછી તું સુખી કેમ નથી?’ ફહદે પૂછ્યું.

બઈદાએ જવાબ વાળ્યો, ‘હું કેવી રીતે ખુશ રહી શકું જ્યારે કે તમે મારાથી શારીરિક, આધ્યાત્મિક અને લાગણીઓથી દૂર દૂર રહ્યા કરતા હોવ?’

‘તારી વાત થોડા અંશે સાચી છે અને સ્વીકારું પણ છું. હું તને ચાહું છું, પણ તું જે કંઈ કહે છે તે બધા સાથે સંમત નહિ થાઉં.’

‘જો મને તમે સાચે જ ચાહતા હોત તો મને તમે ખુશ રાખત. પણ તમે જાણો જ છો કે હું તમારી વર્તણુંકથી સંતુષ્ટ નથી.’

‘મેં તને અન્યથા કોઈ રીતે હાનિ પહોંચાડી છે?’ ફહદે આશ્ચર્યસહ પૂછ્યું.

‘તમે મને શારીરિક રીતે કોઈ હાનિ નથી પહોંચાડી, પણ માનસિક રીતે તમે વચનબધ્ધ એવી આપણી મજહબી માન્યતાઓને અવગણી કાઢીને મને દુઃખ આપ્યું છે. તમે પોતાના મજહબ પ્રત્યે સજાગ ન હોવા ઉપરાંત આપણી વચ્ચે નિકટતા પ્રાપ્ત કરવાથી પણ દૂર રહ્યા છો.’

‘હા, પણ હું મારી જીવનશૈલી નહિ બદલી શકું. હું મારા મિત્રો કે મારા વર્તુળને નહિ જ છોડી શકું. હું આ ઘરની દિવાલો વચ્ચે બંધાઈ રહી મારું જીવન પસાર કરવા ખાતર જ મારા અન્યો સાથેના સંબંધોને કાપી નહિ શકું. હું તને માત્ર ખુશ રાખવા ખાતર મસ્જિદમાં જઈને નમાજ નહિ બજાવી શકું. મજહબી લગાવ આત્મસંતોષ માટે હોય છે અને તે ન હોય તો ફક્ત તારી ખાતર જ અલ્લાહની બંદગી કરું તો તે માત્ર દંભ ગણાશે. તું જાણે છે કે હું મારી અંગત બાબતો અને ધંધાકીય વ્યવહારોમાં પ્રમાણિક અને સીધોસાદો માણસ છું. આનાથી વધારે તારે શું જોઈએ?’

બઈદા ફહદની વાત સાંભળીને ખૂબ જ ગમગીન બની ગઈ. તેણે ભગ્ન અવાજે કહ્યું, ‘તો પછી મારું શું? તમારા જીવનમાં મારું કોઈ જ સ્થાન નહિ?’

‘તું મારી વ્હાલી પત્ની છે. હું બીજી કોઈને નહિ, માત્ર તને જ ચાહું છું. મારા દિલની નજીક આવ અને તું સાચું સુખ જાણી શકીશ.,

‘તમારી વાતનો શો મતલબ?’

‘મતલબ એ કે જીવનનાં સુખો માણવાના માર્ગોથી તું દૂર હડસેલાય તેવા વિચારોને તું છોડી દે. પૂરા દિલથી તું મારી તરફ ફરી જા અને તને જિંદગીના આનંદોથી તરબતર કરી દઈશ કે જેનાથી તું સાવ અજાણ છે. તું હવે ચૌરાહા ઉપર ઊભી છે. કાં તો તું તારો હાથ મારા હાથ સાથે મિલાવ અને તને હું સુખમય દુનિયા તરફ લઈ જઈશ; અથવા તું તારા ઘરમાં કેદીની માફક જિંદગી વિતાવ, જો એનાથી તું સંતુષ્ટ હોય તો!’

‘આનો કોઈ ત્રીજો વિકલ્પ નથી?’ તેણે પૂછ્યું. ફહદ થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ‘હા, છે અને તે એ કે આપણે છૂટાં પડીએ. જો કે તે મારા માટે બહુ જ મુશ્કેલ બની રહેશે. જો તેં મારા સૂચનને નકારી કાઢવાનું નક્કી કરી જ દીધું હોય તો આ ત્રીજો માર્ગ ઓછો નુકસાનકારક રહેશે.’

બઈદા ચૂપ રહી. તે ચીસ પાડીને ભાગી જવા માગતી હતી, પણ હાલ તો નિઃસહાય હતી. તે આખીય રાત તેણે ઊંઘ્યા વગર જ વીતાવી. તે વિચારતી જ રહી જાણે કે તે બે સળગતી આગની વચ્ચે હતી અને એ બન્ને તેને બાળી કે દઝાડી નાખવા સમર્થ હતી. તે તલાક (છૂટાછેડા)ના માર્ગે જવા માગતી હતી, પણ તરત જ વિચાર્યું કે તેના ઉદરમાં એક નાનકડો જીવ હલનચલન કરી રહ્યો હતો.

આ નિર્દોષ નાનકડા જીવે પોતાના ઘર અને પતિ એમ બન્ને સાથે તેને બાંધી રાખી. તે થોડા સમયમાં જ માતા બનવાની હતી. આ વિચારોમાં તેનું માથું ચકરાવા માંડ્યું અને તેણે માથે હાથ દબાવી દીધો. તેની રાત્રિઓ સ્વપ્નવિહીન અને જાગૃતાવસ્થામાં પસાર થતી રહી. જ્યારે તે પથારીમાંથી ઊઠતી, ત્યારે ફહદ પૂછી બેસતો, ‘ બઈદા, તું કેમ સાવ ઊંઘતી જ નથી?’

જ્યારે તે આંખો ઊઘાડતી ત્યારે સ્મિતસભર ચહેરા સાથે ફહદને પથારી પાસે ઊભેલો જોતી, જાણે કે તે કારણથી અજ્ઞાત જ હોય કે શા માટે પોતે ઊંઘતી નથી! બઈદા ચૂપચાપ તેને જોઈ જ રહેતી.

ચિંતાતુર અવાજે તેણે પૂછ્યું પણ ખરું કે, ‘શા માટે તું સાવ ફિક્કી પડી ગઈ છે? તું બીમાર તો નથી ને ?’ તેણે તેના માથા ઉપર હાથ મૂક્યો અને પાસે બેસી ગયો.

ફઈદાએ કહ્યું,’શું ખરેખર જ તમે નથી જાણતા કે હું ઉદાસ કેમ છું?’

તે એમ કહેતાં હળવેથી હસ્યો,’જો કદાચ હું જાણતો હોઉં તો પણ તે અંગે હું શું કરી શકું? મેં તને મારું દિલ આપી જ દીધું છે તે પછી પણ તું તેનો ઈન્કાર કરે તો મારો દોષ શો? સાથે સાથે કહી દઉં કે આજે આપણા ત્યાં કેટલાક મુલાકાતીઓ આવવાના છે તો તે માટે તૈયાર રહેજે.’

‘તેઓ કોણ છે?’ બઈદાએ પૂછ્યું.

‘કેટલાક મારા મિત્રો, તેઓની પત્નીઓ સાથે.’ ફહદ પત્નીના પ્રતિભાવ જાણવા માટે રાહ જોતો થોડીક વાર ચૂપ રહ્યો.

બઈદાએ પૂછ્યું,’પુરુષો અને સ્ત્રીઓની તે સંયુક્ત મિટીંગ હશે?’

‘અલબત્ત! શું તું મારી પાસે એ અપેક્ષા રાખે છે કે જૂની પ્રથા મુજબ પુરુષો અને સ્ત્રીઓ જુદાજુદા ઓરડાઓમાં બેસે!’

‘પણ તો પછી મારું શું?’બઈદાએ પૂછ્યું.

‘તને ઠીક લાગે તે કરવા તું સ્વતંત્ર છે.’ ફહદે જવાબ વાળ્યો.

બઈદા ક્ષણભર ચૂપ રહીને સમાધાનકારી વલણ અને સમજદારી બતાવવાના હેતુથી તે બોલી, ‘ભલે, હું હાજર રહીશ.’

તેનો પતિ ખૂશખૂશ થઈ ગયો અને આલિંગન દેતાં લાગણીસહ બોલ્યો,’સાચે જ! હું કેટલો બધો ખુશ છુ? આજની મિટીંગમાં હું ખરેખર સૌથી વધારે સુખી હોઈશ! તારા સૌંદર્યનો બધા આગળ ગર્વ લઈશ! તું એક ઝળહળતા સૂર્યની જેમ સઘળા ઝાંખા દીવાઓમાં ચમકી ઊઠીશ.’

‘મારા સૌંદર્ય સાથે બીજાઓને શું લેવાદેવા? તમને ખુશ રાખવા ખાતર જ હું હાજર રહેવા તૈયાર થઈ છું અને એ પણ હિજાબ (મર્યાદારૂપ ઈરાની ઢબનો સ્ત્રીપોષાક) સાથે જ!’

ફહદ ઘૃણાપૂર્વક પાછો હઠી ગયો અને બોલ્યો, ‘ખૂબસૂરત હિજાબમાં? નહિ જ, મારી મજાક થાય તેવું હું નથી ઈચ્છતો, સમજી? બધાય માટે ખાવાનું તૈયાર કરી દે અને તું બહાર જતી રહેજે! આ જ ઉત્તમ રહેશે! તારી ગેરહાજરી માટે હું ગમે તે બહાનું બતાવી દઈશ!’

બઈદા આવું અપમાન સહન ન કરી શકી. તે એમ કહેતી ઊભી થઈ, ‘હું હાલ તરત જ ઘર છોડી દઉં તે જ ઉત્તમ રહેશે!’

હહદે કહ્યું,’મહેમાનોનું શું?’

‘તમે તેમને ક્લબમાં લઈ જઈ શકો છો.’

‘તું ક્યારે પાછી ફરીશ?’ ફહદે પૂછ્યું.

બઈદાએ વળતો જવાબ આપ્યો,’હું ક્દીય પાછી નહિ ફરું.’

‘મારા બાળકનું શું?’ ફહદે ઠાવકાઈથી સહેતુક પૂછ્યું. તેના આ શબ્દો બઈદાને કઠોર વાસ્તવિકતા યાદ અપાવવા અને તેનામાં દ્વિધાભાવ ઉત્પન્ન કરાવવા મજબૂત રીતે પૂરતા હતા.

બઈદા નિસાસાપૂર્વક ધીમેથી બોલી,’હું કેવી મૂર્ખ ઠરી! આસિયા કેટલી સાચી હતી!’

ફહદ જ્યારે આસિયાનું નામ સાંભળી ગયો ત્યારે ખડખડાટ હસતો બોલી ઊઠ્યો, ‘ ઓહ! એ દંભી સ્ત્રી! મેં તેના ગર્વને અને તેની વ્યર્થ ધાર્મિકતાને કચડવા જ તો તેની સાથેના લગ્ન માટેની દરખાસ્ત મૂકી હતી! હવે તું તેને યાદ કરે છે! તેણે અથવા તેની શિખામણે કદીય તારા માટે શું ભલું કર્યું! તું હવે તારા લગ્નજીવનને બરબાદ કરવાના ઢાળ ઉપર ઊભેલી છે અને જૂનાપુરાણા વિચારો ધરાવતી એ આસિયાના કારણે જ તારો ઘરસંસાર હવે નિષ્ફળ જવાની અણી ઉપર છે!’

બઈદાએ ગુસ્સે થતાં કહ્યું,’ નહિ જ, હું તમને તેના વિષે બૂરું બોલવા દઈશ નહિ! મેં જો તેની સલાહ સ્વીકારી હોત તો હું મારી જાતને આ અનુભવથી બચાવી શકી હોત! ગમે તેમ, પણ તે મારી પોતાની ભૂલ છે અને તેનાં પરિણામો મારે જ ભોગવવાં રહ્યાં!’

બે વર્ષ બાદ, આસિયા પોતાની મિત્ર બઈદા વિષે વિચારતી બેઠી. તેણે તેના વિષે ઘણું બધું સાંભળ્યું હતું તે માનવું તેના માટે મુશ્કેલ હતું. તે માની શકતી ન હતી કે ખૂબ જ સંઘર્ષ પછી પણ તેને પતિ આગળ ઝૂકી જવું પડ્યું હતું. તેણે સાંભળ્યું હતું કે તે હવે ઈસ્લામિક હિજાબની જરાય કાળજી લેતી નથી અને તેના પતિની સાથે પાર્ટીઓ અને નાઈટક્લબમાં જવા માંડી છે. તેણે એક છોકરાને જન્મ આપ્યો હતો. ફરીદ અને તેઓ કહેતાં કે તે હંમેશાં ઉદાસ જ રહ્યા કરતી હતી અને ભાગ્યે જ તે સ્મિત કરતી હતી. આસિયાએ આવી બધી અફવાઓ સાંભળી હતી અને ઈચ્છતી હતી કે તે બઈદાને રૂબરુ મળે અને તેની પાસેથી સત્ય જાણી લે.

તે સવારે દરવાજાની ઘંટડી રણકી અને આસિયાએ ઝડપથી દરવાજો ખોલ્યો. તેના આશ્ચર્ય વચ્ચે તેણે પોતાની સામે જ બઈદાને ઊભેલી જોઈ. તે ચહેરે સાવ નંખાઈ ગએલી અને દુઃખી દેખાતી હતી. આસિયાએ તેને આવકારી અને પોતાના બેઠકખંડમાં તેને દોરી ગઈ. બઈદા શું કહેવું તેની સમજ ન પડતાં શાંત બેસી રહી.

આસિયાએ કહ્યું, ‘ઓ બઈદા, મેં કેવી આશા રાખી હતી કે હું તને મળું! મેં તારા વિષે ખૂબ જ સાંભળ્યું હતું, પણ તે હું તારા પોતાના મોંઢે જ સાંભળવા ખૂબ જ આતુર હતી.’

બઈદા બોલતાં જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી,’મારી પાસે કલંક અને શરમ સિવાય કોઈ સમાચાર નથી. હું મૂર્ખાઈ અને જાત છેતરપિંડીનો ભોગ બની છું. ખરે જ હવે હું તારી મિત્રતાને લાયક નથી રહી. હું ઊંડી ખીણના તળિયે જઈ પડી છું અને સાવ નકામી બની ગઈ છું. અલ્લાહ મને માફ કરે!’

આસિયાને તેના ઉપર ખૂબ જ દયા આવી અને માયાપૂર્વક કહ્યું,’તું હજુ ય મારી બહેન છે અને મારે તને તારી દારૂણ પરિસ્થિતિને જીતવામાં મદદ કરવી જ જોઈએ. હવે મહેરબાની કરીને તું નિઃસંકોચપણે તારા ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય તેની મને વાત કર.’

બઈદાએ કહ્યું, ‘જો, તું જાણે જ છે કે મેં કદીય તારી સલાહ સાંભળી નથી. હું સ્વપ્નમાં રાચતી હતી અને તે મેળવવા હું દોડી ગઈ. તે મેળવવા મેં ખૂબ જ પ્રયત્ન પણ કર્યો કે હું ફહદને મારી વિચારશરણી ઉપર લાવી દઉં, પણ હું નિષ્ફળ પુરવાર થઈ. તેણે કદીય મારા ધાર્મિક આદર્શોને સ્વીકાર્યા નહિ અને મારી સાથે ક્રૂરતાપૂર્વક વર્ત્યો અને કેટલીય વાર મને હલકી પાડી. કોઈકવાર તે નમ્ર અને માયાળુ લાગતો, તો કોઈકવાર મને ભયભીત બનાવી દેતો. મેં તલાક વિષે વિચારી જોયું, પણ મારા પુત્રને ખાતર મારે એ વિચાર પડતો મૂકવો પડ્યો. છેવટે મારે શરણે થઈ જવું પડ્યું અને આજ્ઞાંકિત બનીને તેની વાતોને માનવી પડી. તેણે મારી કમજોરીનો ગેરલાભ ઊઠાવ્યે જ રાખ્યો અને મારા ઉપર તેનું વર્ચસ્વ વધારતો રહ્યો. તે મને નામોશીની ઊંડી અને ઊંડી ગર્તામાં ખેંચતો જ રહ્યો. એક કેદી જેમ પોતાની સજા સાંભળી રહે તેમ હું તેની દરેક વાતને સ્વીકારતી જ રહી. અને હવે તું મને અહીં જોઈ રહી છે!’

આસિયાએ જે કંઈ જાણ્યું અને બઈદાને જે કંઈ કરવાની ફરજ પડી તે અંગે જાણ થતાં હવે તે તેનો કોઈ દોષ કાઢી શકે તેમ ન હતી. તેણે આગળ પૂછ્યું, ‘તો પછી હવે તારે શી સમસ્યા છે?’

‘તેણે એક અઠવાડિયા પહેલાં મને તલાક આપી દીધી છે. તેણે મારા ઉપર અમારા પુત્રના મૃત્યુનો આરોપ મૂક્યો છે.’ બઈદાએ કહ્યું.

આસિયા જાણે વિશ્વાસ પડતો ન હોય તેવા ભાવે પૂછ્યું,’શા માટે?’

‘કારણ કે મેં રમજાનનાં રોજાં રાખ્યાં હતાં!’

આસિયાએ પૂછ્યું,’શું તારો દીકરો ભૂખથી મરી ગયો?’

બઈદાએ જવાબ આપ્યો,’બિલકુલ નહિ. તેને સારી રીતે સ્તનપાન કરાવતી હતી અને ઉપરથી બોટલથી દૂધ પણ પાતી હતી. તે માંદો થયો અને પછી અવસાન પામ્યો.’આસિયા આ સાંભળીને આંતરિક રીતે હાલી ઊઠી. તેણે છીનવાઈ ગએલ પુત્રની માતા એવી બઈદા માટે તેની દયનીય સ્થિતિ અને તેના ઉપર લાગેલા આરોપ બદલ અનુકંપા અનુભવવા માંડી.

બઈદાએ આગળ કહ્યું, ‘તુ હવે સમજી શકે છે કે મેં સર્વસ્વ ગુમાવી દીધું છે.’

આસિયા સહૃદયતાપૂર્વક બઈદાને ભેટી પડતાં બોલી,’તેં સર્વસ્વ ગુમાવ્યું નથી. હજુ તારી પાસે તારો મજહબ છે જે તને પ્રાયશ્ચિત સાથે તને પાછો બોલાવી રહ્યો છે અને હું હજીય તારી મિત્ર જ છું. તારી પાસે હજુ પણ તારા ભાવી જીવન તરફ દોરી જનારો ધોરી માર્ગ છે. કદાચ તારો આ અનુભવ તને તારી સાચી ધાર્મિકતાની નવીન શરૂઆત કરવામાં મદદરૂપ થશે, તારું એવું ભવિષ્ય કે જેનો પાયો ખૂબ જ મજ્બૂત હશે. નિરાશ થઈશ નહિ.’

“…ચોક્કસ અલ્લાહની કૃપાથી કોઈ નિરાશ નહિ થાય, સિવાય કે નાફરમાની કરવાવાળા લોકો.” (અલ-યુસુફ ૮૭)

* * * * *

મૂળ લેખિકાઃ શહીદ અમિનાહ હૈદર અલ-સદ્ર ઊર્ફે બિન્ત અલ-હુદા (ઈરાક)

સ્રોતઃ Stories by Bint-al-Huda Volume – II (January 2006)

અનુવાદકઃ વલીભાઈ મુસા

Disclaimer :

I have tried to have permission through available sources to translate and publish the above story in Gujarati. I have not received any response; but being my literary work non-profit, I dared to do my work prior to any permission. If any breach of copyright is felt by the authentic owner of the Article, I earnestly request to related persons or Organizations just to mail me and the Article will immediately be withdrawn from my blog.

Posted in ટૂંકી વાર્તા, ભાવાનુવાદ | Tagged , , , , , , , , | 2 Comments