મિસીસ લિન્ડા બ્રાઉબુશ

મેહોનીંગ વેલી નર્સિંગ એન્ડ કોન્વલેસન્ટ સેન્ટરના સેમિ સ્પેશ્યલ રૂમના બે પૈકીના એક કોટ ઉપર હું સૂતેલો હતો. મારા પગના અંગૂઠામાં સંભવિત ગેંગ્રીનની સારવાર ચાલી રહી હતી. મારા રૂમમાંના બીજા કોટનાં દર્દી હતાં,  મિસીસ લિન્ડા. તેમના બ્રેસ્ટ કેન્સરના સફળ ઓપરેશન પછીની રેડિયો થેરાપીનો કોર્સ પતી ગયો હતો અને હવે તેમની કિમો થેરાપી ચાલી રહી હતી અને તેથી જ તો તેમને  હવે કેન્સર વોર્ડના બદલે આ જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યાં હતાં. ફિઝિશ્યન ડોક્ટરોની સારવાર ચાલી રહી હોય તેવાં દર્દીઓનો આ વોર્ડ હતો. અમારી બે બેડ વચ્ચે સ્લાઈડીંગ પાર્ટીશન હતું. એ પાર્ટીશનને ખુલ્લું રાખવું કે બંધ રાખવું એ અમારા બેઉની મરજી ઉપર આધારિત હતું. જો કે તે મોટાભાગે એ ખુલ્લું જ રહેતું અને માત્ર દિવસે કે રાત્રે સૂવા ટાણે જ બંધ રહેતું.

આજે દર્દીનાં સગાંઓના વિઝિટીંગ અવર્સ દરમિયાન લિન્ડાનો પતિ વિલ્સન અમારા રૂમમાં દાખલ થયો. ગઈ કાલે લિન્ડાએ મારી આગળ દિલ ખોલીને તેમની આર્થિક બેહાલીની જે વાત કરી હતી, તે ચાડી રૂપે વિલ્સનના ચહેરા ઉપર ડોકાઈ રહી હતી. તેમણે આપસમાં સ્પેનિશ ભાષામાં વાતચીત ચાલુ કરી એમ ધારીને કે હું માત્ર અંગ્રેજી જ જાણતો હોઈશ. ઘણા અમેરિકનો બીજી ભાષા તરીકે સ્પેનિશનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે કે તેમને કોઈ ત્રાહિતની હાજરીમાં અંગત વાત કરવાની હોય. પરંતુ એમને ક્યાં ખબર હતી કે ભલે મને સ્પેનિશ ભાષા સંપૂર્ણપણે આવડતી ન હોય, પણ હું તેને સમજી શકતો હતો. આમ છતાંય મેં આંખો બંધ કરીને ઊંઘવાનો ડોળ કર્યો કે જેથી તેઓ મુકત રીતે વાતચીત કરી શકે અને હું પણ આ દંપતીની વિટંબણાને કંઈક ઊંડાણથી સમજી શકું. હું કંઈ આર્થિક રીતે એટલો બધો સંપન્ન તો ન હતો કે તેમને  મદદરૂપ થાઉં, પરંતુ મારી કાનાફુસીનો  આશય માત્ર એટલો જ હતો કે હું તેમને હામ બંધાવી શકું અને તેમની સમસ્યાનો કંઈક ઉકેલ સૂચવી શકું.

લિન્ડાએ ઊંડો શ્વાસ લેતાં રડમસ સ્વરે કહ્યું, ‘વિલ, હું બદનસીબ છું. મારી આ બીમારી વીમાક્વચ હેઠળ સુરક્ષિત હતી એટલે તેના ખર્ચની તો આપણને કોઈ ચિંતા ન હતી, પણ છેલ્લા ત્રણેક માસથી આપણા બેઉની આમદની આપણે ગુમાવવી પડી અને આપણે સ્નેહીઓ અને મિત્રોના કર્જદાર થવું પડ્યું છે. મને ચિંતા થાય છે કે આપણે આટલું મોટું કર્જ કઈ રીતે અને ક્યારે અદા કરી શકીશું?’

‘મિસીસ લિન્ડા બુશ, પગલી, કર્જની ચિંતા તારે કરવાની છે કે મારે? વળી તું સાજી થઈ જશે એટલે આપણી આમદની શરૂ થઈ જ જશે. જો સાંભળ, આપણે મધ્યમવર્ગી છીએ એટલે માત્ર આજનું જ વિચારવું જોઈએ; લાંબું વિચારીએ તો ગાંડાં થઈ જઈએ. તું આમ ચિંતા કર્યે રાખીશ, તો તું જલ્દી સાજી નહિ થઈ શકે.’ વિલ્સને હૈયાધારણ આપી.

હું મિસિસ લિન્ડાનું લાસ્ટ નેઈમ બ્રાઉનના બદલે બુશ સાંભળીને થોડોક ચમક્યો તો ખરો, પણ મને વધારે આશ્ચર્ય ન થયું; કેમ કે હું જાણતો હતો કે અમેરિકન ડાયવોર્સી સ્ત્રી પુનર્લગ્ન કરે તો પણ પોતાના ભૂતપૂર્વ પતિના સંબંધે ઓળખાવાનું ચાલુ રાખે તો તે સહજ મનાતું હોય છે. અમેરિકન પ્રમુખ કેનેડીની પત્ની જેક્વેલીને વિધવા થયા પછી ઓનાસીસ સાથે પુનર્લગ્ન કર્યું હતું છતાં તેણે જેક્વેલીન કેનેડી તરીકે પોતાની ઓળખ ચાલુ રાખી હતી અને આજે પણ તેની કબર ઉપરની તકતીમાં ‘જેક્વેલીન કેનેડી ઓનાસીસ’ તરીકેનું નામ અંકિત થયેલું જોવા મળશે. મિસીસ લિન્ડાએ વિલ્સનની ઓળખ આપતી વખતે તેણે મિ. વિલ્સન બ્રાઉન જણાવ્યું હતું તે મને યાદ હતું.

‘વિલ, તેં આજે કોણ જાણે કયા મુડમાં મને ‘બુશ’ લાસ્ટ નેઈમથી સંબોધી હશે; પરંતુ મારા મનમાં એ ભલા માણસની યાદ તાજી થઈ ગઈ. ઈશ્વરને મંજૂર નહિ હોય અને તેથી જ હું તેની સાથે સંપૂર્ણ સહજીવન વિતાવી ન શકી અને અકળ કોઈ ભાગ્યબળે આપણે પતિપત્નીના સંબંધે જોડાયાં. હવે સાંભળ, જો તારી સંમતિ હોય તો હું માર્કનો સંપર્ક સાધું. મને ગળા સુધીનો વિશ્વાસ છે તે આપણને કર્જના કૂવામાંથી બહાર કાઢશે.’

‘જો લિન્ડા, હું તને બેહદ ચાહું છું અને તેથી તારી કોઈપણ ઇચ્છાને માન આપીશ. તું સાજી થઈ જશે, પછી આપણે પાર્ટટાઈમ વધારે કામ કરીને આપણી કમાણીથી જ કર્જમુક્ત તો થઈ શકીશું; પરંતુ તેમાં વર્ષો લાગશે અને તું આરામ નહિ લઈ શકે. વળી આપણે આપણું જીવનધોરણ પણ નીચા સ્તરે લઈ જવું પડશે. જો તને મિ. માર્ક બુશ ઉપર વિશ્વાસ હોય કે તે આપણને મદદરૂપ થશે જ, તો, જા, મારી સંમતિ છે કે તું હમણાં જ તેમનો સંપર્ક સાધ કે જેથી તું જલ્દી ચિંતામુક્ત થઈ શકે. તારે બીમારીમાંથી જલ્દી બેઠા થઈ જવા માટે ચિંતામુકત થવું જરૂરી છે.’

લિંડાએ તેના ભૂતપૂર્વ પતિને ભલા માણસ તરીકે ઓળખાવ્યો, તે મેં સાંભળ્યું; પણ સાથેસાથે હું કાનોકાન વિલ્સનને પણ સાંભળી રહ્યો હતો. એની ખેલદિલી અને દરિયાવદીલીએ મને એવો સંમોહિત કરી દીધો હતો કે ઇચ્છા થઈ આવી કે હું તેને ભેટી પડું, પણ હું એમ નહિ કરી શકું કેમ કે તેમ કરતાં મારો ઊંઘવાનો ડોળ ખુલ્લો પડી જાય.

‘મને તારા પાસેથી આ જ જવાબની અપેક્ષા હતી. વિલ, યુ આર રિયલી ગ્રેટ! મારી પાસે માર્કનો મોબાઇલ નંબર તો છે જ, વળી તેના ટાઈમ ઝોન પ્રમાણે તે કોલેજથી ઘરે આવી પણ ગયો હશે; પરંતુ તારી હાજરીમાં હું વાત નહિ કરી શકું.’

‘આમ કેમ કહે છે, લિન્ડા? જો મારી હાજરી તને અનુકૂળ ન હોય, તો હું બહાર ચાલ્યો જાઉં; પણ હાલ જ તું માર્ક સાથે વાતચીત કરી લે. જો સુખદ પરિણામ મળે તો હું તને હાલ જ ખુશ જોઈ શકું.’

‘જો, વિલ. માણસની જે કોઈ પ્રકૃતિ હોય તે જીવનભર બદલાય નહિ. માર્ક ખાનદાન હતો અને તેની ખાનદાની બદલાય તો નહિ જ; તેમ છતાંય તેના વર્તમાન સંજોગો બદલાયા હોઈ શકે. આમ, ઈશ્વર ન કરે અને તેનો જવાબ નકારાત્મક મળતાં કદાચ હું ભોંઠી પડું, તો તું મારો વિષાદમય ચહેરો જીરવી નહિ શકે તે કારણસર હું તારી હાજરી ઇચ્છતી નથી.’

હું વિચારોના ચકરાવે ચઢ્યો. મને લાગ્યું કે અમેરિકન સમાજમાં ઘણા કિસ્સાઓમાં દાંપત્યજીવન ડગલે ને પગલે ખંડિત થતાં હોય છે. તમે કોઈ પણ અમેરિકન યુગલને જુઓ અને બંનેને વ્યક્તિગત રૂપે પૂછો તો બંને પાસેથી તેમનાં હાલનાં જીવનસાથીનો ક્રમાંક પહેલો, બીજો કે ત્રીજો જાણવા મળશે. મને વિલ્સનની ખબર નથી કે લિન્ડા તેની પહેલી પત્ની છે કે નહિ, પણ મને લિન્ડાની ખબર તો છે જ કે તેનું વિલ્સન સાથેનું પુનર્લગ્ન છે. કોઈપણ સમાજમાં સ્ત્રી કે પુરુષ બીજવર હોય ત્યારે પોતાની ભૂતકાલીન ભૂલોને સુધારી લે છે અને તેઓ નવી ગિલ્લી સાથે નવો દાવ સાવધાનીપૂર્વક રમતાં હોય છે. મને વિલ્સન અને લિન્ડાની એકબીજાંને સમજવાની, અન્યોન્યની લાગણીઓને માનસન્માન આપવાની અને પરસ્પર અનન્ય એવી સમજદારી બતાવવાની જે તકેદારી જાણવા મળી રહી હતી, તે ઉપરથી લાગ્યું કે કાશ દરેક જણ પોતાના પહેલા જીવનસાથી સાથે જ તાલમેલ જાળવી રાખે તો કદીય છૂટાછેડાની નોબત જ ન આવે. પરંતુ હું જાણું છું કે આદર્શો અને વાસ્તવિકતાઓ વચ્ચે ખૂબ અંતર હોય છે.

વિલ્સને કહ્યું, ‘ભલે, એમ કરજે. આમેય મુલાકાતનો સમય પૂરો થયો હોઈ હું જાઉં છું, પણ તું આજે જ વાત કરી લઈને મને તરત જ જાણ કરજે. મને સંતોષ થઈ જાય કે તું ચિંતામુકત થઈ ગઈ છે.’

‘બહુ આશાવાદી રહેતો નહિ, કેમ કે માર્કનો તેની વાઈફ સાથે કેવો સુમેળ છે તેની આપણને ખબર નથી.’

‘જો લિન્ડા, માર્કની આપણને આર્થિક મદદ મળે કે ન મળે એ મારા માટે ગૌણ છે, હું તો માત્ર તારી ખુશી જ ઇચ્છું છું, બસ તને સંતોષ થઈ જવો જોઈએ કે તેં માર્ક સાથે વાત કરી લીધી છે, ધેટ્સ ઓલ.’

‘હું તેને વોટ્સએપ મેસેજ કરીશ કે તે મને ફોન કરે. જો સામેથી ફોન આવશે તો હું વાતચીત કરી લઈશ, અન્યથા હું ભૂલી જ જઈશ કે મેં કોઈ ભૂલ કરી છે! જો કે તેની ભલાઈ તો અવિચળ હોવાની મને શ્રદ્ધા છે જ અને રહેશે; પણ ફોન ન કરવા પાછળ તેના વિપરિત સંજોગો જ જવાબદાર હશે, એમ જ હું તો માનીશ.’

‘ગુડ સ્પિરિટ, માય ડાર્લીંગ. આઈ ટેક લીવ. ગુડ ઈવનીંગ.’

વિલ્સનના ગયા પછી પણ મેં થોડીકવાર સુધી આંખો મીંચેલી રાખીને ઊંઘવાનો ડોળ ચાલુ રાખ્યો કે જેથી લિન્ડાને એમ જ લાગે કે મેં તેમની કોઈ વાતચીત સાંભળી નથી. હવે જેવો હું કહેવાતો ઊંઘેલો જાગ્યો કે તરત જ લિન્ડા હરખભેર બોલી પડી, ‘મિ. જેફ, વિલ સાથે મારે ખૂબ જ સંતોષજનક વાતો થઈ. તમે તો ઘસઘસાટ ઊંઘતા હતા. મેં મારી આર્થિક વિટંબણાની તમને જે વાત કરી હતી, તેનો ઉકેલ આવી જવાની આશા બંધાઈ છે. મારી ઈશપ્રાર્થનાના તમે સહભાગી બનો, તો હાલ જ હું મારા એક્સ હસબન્ડ મિ. માર્ક બુશ સાથે ફોન ઉપર વાતચીત કરી લઉં.’

‘મારી શુભેચ્છાઓ અને મારી પ્રાર્થનાઓ તમારી સાથે છે જ, મિસીસ લિન્ડા બ્રાઉન; પરંતુ હું ઇચ્છું છું કે તમારી વાતચીત મારાથી ગોપનીય રહે અને તેથી હું બહાર લટાર મારવા જાઉં છું.  ગુડ લક.’

‘થેન્કસ.’

’ઇટ્સ ઓ.કે.’ કહીને હું બહાર નીકળી ગયો.

* * *

બીજા દિવસે અમારો મોર્નીંગ બ્રેકફાસ્ટ પતાવ્યા પછી હું થોડીક વાર ખામોશ રહ્યો. મને ઉત્સુકતા હતી, લિન્ડાની ગઈકાલે તેના ભૂતપૂર્વ પતિ માર્ક બુશ સાથે થયેલ વાતની ફલશ્રુતિની અને તેમના લગ્નવિચ્છેદના કારણને જાણવાની. તેના કહ્યા મુજબ માર્ક જો ભલો માણસ જ હતો તો એવું શું બન્યું હશે કે જેનાથી તેઓ વિખૂટાં પડ્યાં હશે. લિન્ડાને સીધું પૂછી લેવાની મારી હિંમત ન હતી, કેમ કે તેમ કરતાં તેના દિલને વ્યથા પહોંચવાની મને દહેશત હતી. હું એવું કંઈક વિચારતો હતો કે કોઈક એવા પરોક્ષ કથન વડે હું લિન્ડાને જ એ વાત ઉપર લાવું અને તે પોતે જ સ્વમુખે તેની દાસ્તાન કહી સંભળાવે. મેં ચાલાકીપૂર્વક લિન્ડાને વાતના કોઈ જ સંદર્ભ વગર પૂછ્યું, ‘મિસીસ લિન્ડા બુશ, મને એ સમજાતું નથી કે લોકો ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ રૂઢિપ્રયોગ કેમ પ્રયોજતા હશે?’

લિન્ડાએ સ્મિતમઢ્યા ચહેરે મારી ચાલાકીને પકડી પાડતાં કહ્યું, ‘મિ. જેફ, તમારું મને મિસીસ લિન્ડા બુશ તરીકે સંબોધવું અને તેની સાથે ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ને સાંકળવું એ બતાવે છે કે તમે મારા પૂર્વજીવન વિષે કંઈક જાણવા માગો છો, કેમ ખરું ને?’

લિન્ડાના શબ્દોથી મેં શરમિંદગી તો અનુભવી, પણ તેના પશ્નને નકારી ન શક્યો અને મારે હળવેથી કહેવું પડ્યું, ‘હા, મિસીસ લિન્ડા બ્રાઉબુશ.’

‘ઓહ, માય કમ્પાઉન્ડ લાસ્ટ નેઈમ ‘બ્રાઉબુશ’! ઈક્વલ જસ્ટીસ ટુ માય બોથ મિસ્ટર્સ! ખરે જ, તમે ક્યુટ માણસ છો, મિ. જેફ.’

‘હું નક્કી નથી  કરી શકતો કે મિ. બુશ અને મિ. બ્રાઉન પૈકી તમારાથી કોણ નજીક છે, એટલે જ તો મારાથી તમને ‘બ્રાઉબુશ’ તરીકે સંબોધી જવાયું! ગુસ્તાખી માફ!’

“નો પ્રોબ્લેમ. મિ. જેફ, તમે તમારા પક્ષે સાચા છો. મેં ક્ષુલ્લક કારણે બુશને છોડ્યો; પણ તેનામાં ઘણું સારું હતું, જેને હું હવે સમજી શકી છું. કહેવાય છે ને કે ‘પરસન્સ આર વેલ્યુડ હાઈ, વ્હેન ધે આર અવે ફ્રોમ અસ.’”

‘કયું ક્ષુલ્લક કારણ હતું, મિસીસ લિન્ડા? હવે હું તમને કોઈપણ લાસ્ટ નેઈમથી નહિ સંબોધું.’

‘તમારા નિર્ણયને આવકારું છું, છતાંય બ્રાઉબુશ મને વધુ પસંદ પડે છે; એટલા માટે કે તેઓ બંને મારા દિલથી સરખા નજદીક છે. ખેર, તમારે જાણવું જ છે ને કે કેમ હું મિ. બુશથી વિખૂટી પડી? સાવ ટૂંકમાં કહું તો અમારી વચ્ચે જીવન વિષેના ભિન્ન દૃષ્ટિકોણ હતા. એ રહ્યો ફિલોસોફીનો પ્રોફેસર અને હું અલગારી જીવ. અમારા બંનેના છેડા મળતા ન હતા અને તેથી અમે એકબીજાંથી રાજીખુશીથી  છૂટાં પડ્યાં. મિ. જેફ, તમે વિચક્ષણ બુદ્ધિ ધરાવો છો; એટલે તમને વિશેષ ઊંડાણથી સમજાવવાની જરૂર રહેતી નથી. આમ છતાંય તમને સંકેત  આપીશ કે મિ. બુશ આત્મકેન્દ્રી (Self centered) અત્યાધિક હતો, જેનાથી હું વધારે અકળામણ અનુભવતી હતી. અમારા જીવનમાં જે ઉલ્લાસ હોવો જોઈએ તેનો અભાવ મને સાલતો હતો. મને લાગ્યું કે કોઈપણ માણસની પ્રકૃતિને બદલી શકાય નહિ અને તેથી જ અમે સમજદારીપૂર્વક છૂટાં પડ્યાં. મિ. બુશ વિદ્યાર્થીઓને ભણાવવા પૂરતો જ ફિલોસોફીનો પ્રોફેસર ન હતો, તે ફિલોસોફીને જીવતો પણ હતો. આમ તેનું વિચારોમાં ખોવાયેલા રહેવું તેના માટે સહજ હતું, જ્યારે મને તો હાથમાં હાથ પકડીને તેની સાથે મુક્ત મને વિહરવાના કોડ હતા. અમારી આર્થિક સંપન્નતા અમારા એ અભાવને સંતોષી ન શકી અને આખરે અમે છૂટાં પડ્યાં. મને લાગે છે કે હવે તમારી કુતૂહલતા સંતોષાઈ હશે.’

‘અલબત્ત, મિસીસ લિન્ડા, હવે આપણે બ્રેકફાસ્ટ પછીની અલ્પનિદ્રા (Nap) લઈ લઈએ.’

‘સ્યોર’ કહીને મિસીસ લિન્ડાએ અમારી વચ્ચેનું સ્લાઈડીંગ ડોર સરકાવી દીધુ.

* * *

સાંજના વિઝિટીંગ અવર્સ શરૂ થવાને થોડીક વાર હતી. આજે સવારે લિન્ડાએ તેના પ્રથમ પતિ મિ. માર્ક બુશ સાથેના લગ્નવિચ્છેદની વાત તો દિલ ખોલીને મને કહી સંભળાવી હતી, પણ ગઈકાલની મિ. માર્ક સાથેની તેની ટેલિફોનિક વાતચીતનું શું પરિણામ આવ્યું હતું તે પૂછવાની મારામાં હિંમત ન હતી. વળી મને ડર પણ હતો કે લિન્ડાને ખબર પડી જાય કે મેં ઊંઘવાનો ડોળ કરીને તેમની વાતો સાંભળી લીધી હતી. મેં રખે ને કદાચ પરિણામ વિપરિત હોય તો તેને શરમિંદગી ન અનુભવવી પડે તે માટે તેને પૂછવાનું ટાળ્યું હતું. હું અહીં આવ્યો ત્યારથી કિમો થેરાપીની સાઈડ ઈફેક્ટના કારણે લિન્ડાના કેશવિહીન ખુલ્લા માથાને તથા તેના નિસ્તેજ ચહેરાને દયાર્દ્ર ભાવે જોતો આવ્યો હતો, પણ આજે કોણ જાણે મને તેની આંખોમાં અજબની ચમક દેખાઈ રહી હતી. કોઈ અગમ્ય કારણને લીધે મને વિશ્વાસ બેસતો હતો કે લિન્ડાને માર્ક તરફથી કદાચ  સકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવો જોઈએ.

થોડીક વારમાં જ ‘ગુડ ઇવનીંગ, મિસીસ લિન્ડા એન્ડ મિ. જેફ’ કહેતો વિલ્સન રૂમમાં દાખલ થયો. અમે બંનેએ  એ જ શબ્દોમાં  પ્રત્યુત્તર પાઠવ્યો. હું તેમને એકાંત આપવાના આશયે બહાર નીકળવા જતો હતો, ત્યાં મિ. વિલ્સને મને રોકતાં કહ્યું, ‘આજે તો અમે પૂરા બે કલાક વાતો કરવાનાં છીએ અને એટલા લાંબા સમય સુધી તમે બહાર જ રહો, તે વ્યાજબી નથી. વળી આટલા સમયગાળામાં આપણી વચ્ચે આત્મીય સંબંધો બંધાયા હોઈ હવે તમારા સાથેની ગુપ્તતાને કોઈ સ્થાન રહેતું નથી.’ મારે મારી બેડમાં બેસી જવું પડ્યું.

‘લિન્ડા, ગઈ રાત્રે મેં મોડા સુધી તારા ફોનની રાહ જોઈ એ જાણવા માટે કે તારી મિ. માર્ક સાથેની વાતનું શું પરિણામ આવ્યું. તારી ઊંઘમાં ખલેલ ન પડે તેના કારણે મેં તને ફોન કર્યો ન હતો.’

“’વિલ, એ ઓછાબોલો છે એટલે તેણે માત્ર એટલું જ કહ્યું કે ‘જોઉં છું.’. મેં આગળ પૂછવાનું ટાળ્યું. તેણે મારી સારવાર, તબિયત અને હોસ્પિટલ અંગેની માહિતી લીધી. તે દબાતા અવાજે બોલતો લાગ્યો અને તેથી મારું માનવું છે કે કદાચ કોઈ કારણસર તે ખૂલીને બોલી શકતો ન હોય! જે હોય તે, આપણે એક ચાન્સ લીધો, જેથી કરીને આપણને પસ્તાવો ન રહે. વળી હવે મારો તેના ઉપર હક પણ શો રહ્યો, હેં?’

‘જેવી ઈશ્વરની મરજી, પણ તને કંઈ માઠું તો નથી લાગ્યું ને! ચાલ, હવે એ વાત છોડ અને મને કહે કે હવે તને કેમ છે?

લિન્ડા અને વિલ્સન એકબીજાંની આંખોમાં આંખો પરોવીને વાતોમાં વ્યસ્ત હતાં, ત્યાં તો મારી નજર ડોર તરફ સ્થિર થઈ અને જોઉં છું, તો મને એક જેન્ટલમેન અને મેડમનું યુગ્મ દેખાયું. જેન્ટલમેનના એક હાથમાં બ્રીફકેસ અને બીજા હાથમાં બુકે, તો વળી મેડમના એક હાથમાં એટેચી અને બીજા હાથમાં મોટું ગિફ્ટ પેકેટ દેખાયાં. વિલ્સનની ડોર તરફ પીઠ હતી અને લિન્ડાની નજર વિલ્સનના ચહેરા ઉપર મંડાયેલી હતી.

આગંતુક યુગ્મે સંયુકતપણે ઉલ્લાસમય અવાજે ‘હેલો ગુડ ઈવનીંગ, મિસીસ એન્ડ મિસ્ટર બ્રાઉન’ કહ્યું અને મને ‘હાઈ’ કહીને  સ્મિત આપ્યું.

લિન્ડા એકદમ ચોંકી જતાં ફાટી પડતા અવાજે બોલી ઊઠી, ‘વાઉ! વોટ એ સરપ્રાઈઝ, મિસ્ટર એન્ડ… આઈ મીન મિસ્ટર બુશ એન્ડ મેડમ…’

‘મેડમ લ્યુસી, માય વાઈફ.’ મિ. માર્ક બુશે મિસીસ લિન્ડાના અધૂરા શબ્દોની પૂર્તિ કરી.

વિલ્સને ડોક ફેરવીને અને તેની ચેરમાંથી વીજળીક ગતિએ ધસી પડતાં મિ. માર્કને ભેટી લીધું અને મેડમ લ્યુસીને ‘હાઈ’ કહ્યું.

મેડમ લ્યુસીએ લિન્ડાની બેડ ઉપર એટેચી અને ગિફ્ટ પેકેટ મૂકી દેતાં તેને હગ કરી લીધું અને માર્કે લિન્ડાને બુકે આપતાં કહ્યું, ‘ગેટ વેલ સૂન, લિન્ડા.’

માર્ક અને લ્યુસીએ તેમના માથા ઉપરની સન-હેટ્સ દૂર કરી ત્યારે તો લિન્ડા લગભગ ચીસ પાડતાં બોલી ઊઠી,’ઓ માય ગોડ, વોટ આઈ સી!’

માર્કે હસતાં હસતાં જવાબ આપ્યો, ‘લિન્ડા, મારા  વિડિયો કોલ વખતે તારું માથું ખુલ્લું ન હોત, તો અમારા બંનેના માથા ઉપરનું સોકરનું  સપાટ મેદાન તને જોવા ન મળત!’

સૌ ખડખડાટ હસી પડ્યાં

મને મિ. માર્કનું બદલાયેલું રૂપ જોવા મળ્યું. મને લાગ્યું કે તેમણે લિન્ડા સાથેના ડાયવોર્સ પછી તેમના સ્વભાવ અને વર્તનમાં ધરખમ ફેરફાર કરી દીધા હશે!

‘હવે સાંભળો, મિસીસ એન્ડ મિસ્ટર બ્રાઉન. લ્યુસીએ આપેલી એટેચીમાં તમારી જરૂરિયાતનો અમે અંદાજ લગાવ્યો છે તે પ્રમાણેની તમારે અમારી ગીફ્ટ જ સમજવાની છે, જેને વિધાઉટ એની ઓબ્લીગેશન સહર્ષ સ્વીકારી લેવાની છે. જો અપૂરતું લાગે તો હું ચેક બુક લઈને જ આવ્યો છું. વળી ભવિષ્યે પણ કોઈ જરૂરિયાત ઊભી થાય તો વિના સંકોચે આ લ્યુસીને જણાવવાનું, મને નહિ હોં કે!  તે મારા કરતાં વધારે સદ્ધ્રર છે!’ મિ. માર્કે હસતાં હસતાં આર્દ્ર સ્વરે કહ્યું.

લિન્ડાએ તો લગભગ પોક મૂકી દેતાં કહ્યું, ‘માર્ક, તું એવો ને એવો ભલો જ રહ્યો; જરાય બદલાયો નહિ. આ લ્યુસીએ તારી ભલાઈને અકબંધ જાળવી રાખીને તને બીજી બધી જ રીતે બદલી નાખ્યો છે. લ્યુસી, તારી દરિયાવદિલીને  હું સેલ્યુટ કરું છું.’

‘ઇટ્સ ઓ.કે., ડિયર લિન્ડા. ટેક કેર એન્ડ વી જસ્ટ લીવ.’

‘વ્હોટ, નો નો વે, આજે તમારે અમારા ગેસ્ટ બનવું જ પડશે.’, મિ. વિલ્સને ગદગદ અવાજે કહ્યું.

‘જો, વિલ. અમારી ૫-૫૦ની વળતી ફ્લાઈટ છે. વળી અમારે બંનેને કાલે કોલેજમાં ડ્યુટી છે. લ્યુસી મારી જ કોલેજમાં સાયકોલોજિની પ્રોફેસર છે. મારી કોલેજે મને હાઈ સેલેરી, માનસન્માન અને વધારામાં આ લ્યુસીને બોનસ તરીકેની ભેટ ધરી છે. હા.હા.હા.’

‘માર્ક અને લ્યુસી, આમ તમારું આંધીની જેમ આવવું અને તોફાનની જેમ ચાલ્યા જવું વ્યાજબી તો નથી જ; આમ છતાંય આગામી નાતાલના આખા વેકેશનને અમારા ત્યાં જ ગાળવાની તમારી બાંહેધરી સામે જ હું તમને જવા દઈશ.’ લિન્ડાએ ગળગળા અવાજે કહ્યું.

‘ભલે, આવીશું જા. પરંતુ તે પહેલાં તારે સ્વસ્થ થઈ જવું પડશે, સમજી?’ લ્યુસીએ લિન્ડાનો હાથ દબાવતાં કહ્યું.

મિસ્ટર બુશે મારા તરફ ફરતાં કહ્યું, ‘મિસ્ટર….’

મેં મારું નામ ‘જેફ’ જણાવીને તેમના સંબોધનને પૂરું કરી આપ્યું.

‘હાઈ મિ. જેફ, યુ  ઓલ્સો ગેટ વેલ સૂન.બાય.’

મેં જવાબ વાળ્યો, ‘થેન્ક્સ, મિ. માર્ક.’

મિસ્ટર વિલ્સન મિસીસ એન્ડ મિસ્ટર બુશને લિફ્ટ સુધી વળાવવા ગયા. મિસીસ લિન્ડા અને હું એકબીજાંની સામે દિગ્મૂઢ બનીને જોતાં જ રહી ગયાં, કેમ કે અમને બુશ દંપતીએ આપેલી સરપ્રાઈઝની કળ હજુ સુધી વળી ન હતી!

-વલીભાઈ મુસા    

  પ્રકાશિત : ‘વેબગુર્જરી’ ડિસેમ્બર, ‘૨૧

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in કુટુંબ, ટૂંકી વાર્તા, WG and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s