દિવાળીના તહેવારની સળંગ ત્રણ રજાઓનો આજે બીજો દિવસ હતો. ભિવંડીની લગભગ તમામ પાવરલુમ્સ ફેક્ટરીઓ આખું વર્ષ ત્રણેય શિફ્ટમાં ચાલતી, પણ વર્ષાંતે આ બોતેર કલાક સંપૂર્ણ લોકડાઉન રહેતું અને આખો ઈન્ડસ્ટ્રીઅલ એરીઆ કબ્રસ્તાનની શાંતિમાં ફેરવાઈ જતો. મારી નોકરી હંમેશ માટે રાતપાળીની જ રહેતી હતી અને ભવિષ્યે પણ એમ જ રહેવાની હતી, કેમ કે એ શરતે જ તો મને કામ મળ્યું હતું. મારી પાળી રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી રહેતી અને આમ આખું વર્ષ મારા માટે દિવસ એ રાત અને રાત એ દિવસ બની રહેતાં. કહેવાય છે કે સોબત તેવી અસર અને તે ન્યાયે હું પણ યંત્ર સાથે કામ કરતાં કરતાં યંત્ર બની ગયો છું. જોજો પાછા કોઈ ગરસમજ ન થવી જોઈએ કે હું સંવેદનાશૂન્ય યંત્રમાનવ (રોબોટ)માં ફેરવાઈ ગયો છું; પરંતુ હા, એટલું તો ખરું જ કે હું ઘડિયાળના કાંટે ચાલતો સંવેદનશીલ માનવયંત્ર તો અચૂક બની ચૂક્યો છું.
આ સળંગ ત્રણ રજાઓમાં મારે માનવયંત્રમાંથી માત્ર અને માત્ર માનવ જ નહિ; પરંતુ એક પાગલ પ્રેમી બની રહેવાનું છે, મારી સલમાના દીવાના બની રહેવાનું છે અને તે માટે વાલદૈને સંતાનો સાથે વતનમાં ચાલ્યાં જઈને સાનુકૂળ માહોલ પણ પૂરો પાડ્યો છે. જો કે એક વિકટ કોઠો તો મારે જ જીતવાનો છે અને તે છે, જેટલેગને પરાસ્ત કરવાનો; મારે મારી સલમાના દિવસરાતમાં ગોઠવાઈ જવાનો અને તેના હૃદયાંચલમાં સમાઈ જવાનો!
સાયંકાલીન નમાજ પછીનું ભોજન પતાવીને હું મુખવાસ ચગળતો ચગળતો ટેરેસ ઉપર પહોંચી ગયો અને સલમાની રાહ જોવા માંડ્યો. આજે પણ અગાઉનાં વર્ષોની જેમ સલમાએ ફૂલછોડનાં કૂંડાંઓને ટેરેસ ઉપર સજાવ્યાં હતાં અને સીરીઝ લાઈટની રોશની પણ કરી હતી. સરકારી જાહેરાત અનુસાર નિશ્ચિત ડેસિબલ અવાજની મર્યાદાવાળા ફટાકડા રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફૂટવાના હતા. હું ટેરેસ ઉપર ઊભો ઊભો આકાશમાંની આતશબાજીના નજારાને માણતો વિચારી રહ્યો હતો કે સલમા તેનાં કામ જલ્દી પતાવીને ઉપર આવી જાય તો સારું; અને લ્યો, તે આવી પણ ગઈ. જમ્યા પછીના મારા પ્રિય ડેઝર્ટ ફાલૂદાની તપેલી અને બે ગ્લાસને ટિપોય ઉપર મૂકતાં સલમાએ કહ્યું, ‘જમીલ, ફટાકડા ફોડવાની ઇચ્છા હોય, તો લઈ આવું; મેં છોકરાંને આપ્યા પછી થોડાક રાખી મૂક્યા છે.’
મેં મજાક કરતાં જવાબ વાળ્યો, ‘મારી ફટાકડી સામે એ ફટાકડાઓની શી ઓખાત?’
‘લુચ્ચા! શું હું ફટાકડી છુ?’
‘હા, હાલ સુધી તો ફિગર જાળવી રાખ્યું છે, એટલે ફટાકડી ખરી; પણ આવી જ કાળજી ચાલુ નહિ રાખે તો કોઠી થતાં વાર નહિ લાગે! ખુદાનખાસ્તા એમ થયું તો મારે બીજી ફટાકડી લાવવી પડશે, હોં!’
‘એ ઉંમરે તો તમે પણ કોઠા જ થઈ ગયા હશો અને કોઠાને તો કોઠી જ મળે!’ આમ કહેતાં તેણે મારો કાન આમળ્યો.
‘સલમા, હવે એ ગમ્મતની વાત રહેવા દે તો હું તારી સાથે થોડીક ગંભીર વાત કરવા માગું છું.’
‘જુઓ જમીલ, ચિંતા થાય તેવી વાત હોય તો મોજમજા માણવાના આ તહેવારના દિવસોમાં મારે એ નથી સાંભળવી. આમ અચાનક જ ટોળટપ્પાના આનંદમાં તમે વિક્ષેપ નાખી રહ્યા છો.’
‘જો સલમા, પતિ જ્યારે હતાશ થાય, ત્યારે પત્ની જ તેનો સહારો બની રહે છે. વળી કુદરતનો કરિશ્મા પણ એવો હોય છે કે એવા ટાણે પત્નીમાં કોણ જાણે ક્યાંથી એવી શક્તિ ઊભરી આવતી હોય છે કે જે થકી તે પતિની હતાશાને પળવારમાં દૂર કરી દે છે.’
’હવે મૂળ વાત ઉપર આવશો કે મને પતંગની જેમ ઊંચે ને ઊંચે હવામાં ઉડાડ્યે જ જશો!’ સલમાએ કાજળમઢી આંખો ઉલાળતાં કહ્યું.
‘સલમા, ગઈકાલે રાત્રે મોડેથી પણ તું ઘસઘસાટ ઊંઘતી હતી, જ્યારે મારે તો ‘કરવટેં બદલતે રહે, સારી રાત હમ, આપકી કસમ’ જેવું થઈ રહ્યું. જેટલેગની પહેલી રાત્રિ અને વધારામાં આખી રાત આવતાં જતાં વિમાનોની ઘરઘરાટી, વાહનોની અવરજવર, ભસતાં કૂતરાં વગેરે અવાજોએ જરાય આંખ મળવા ન દીધી. પરંતુ પછી તો કોણ જાણે મંદમંદ હવાની લહેરકીથી છેક મોડે ઊંઘમાં સરી પડ્યો, જે અઝાનના અવાજે હું જાગી ગયો હતો. મને પેલા બાહ્ય અવાજો જ નહિ, મારા અંતરનો અવાજ પણ મને સતાવી રહ્યો હતો. મારા અંતરનો અવાજ મને કહી રહ્યો હતો કે આપણે મુંબઈ છોડીને વતનભેગાં થઈ જઈએ. હાલમાં વહેલી સવારની અઝાનનો મુદ્દો ચગી રહ્યો છે. ન કરે નારાયણ અને કંઈક અઘટિત બને તે પહેલાં રોજીના રાઝિક અલ્લાહ ઉપર ભરોંસો રાખીને મુંબઈને અલવિદા કહેવામાં આપણી ભલાઈ છે.
‘આ તો ક્યારનુંય ચાલી રહ્યું છે અને તમને અચાનક આજે કેમ આ યાદ આવી ગયું. કોઈની સાથે આ મુદ્દે કોઈ વિવાદ થયો છે કે શું?’
‘સલમા, તને મારા સ્વભાવની ખબર છે જ કે આવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે હું કદીય કોઈની સાથે વાદવિવાદમાં ન જ ઊતરું! પરંતુ કાને પડતું હોય તેનાથી તો કઈ રીતે બચી શકાય! અમારી ફેક્ટરીના માલિક મુસ્લીમ છે અને ત્યાં કામ કરતા લગભગ ૮૦% જેટલા કામદારો બિનમુસ્લીમ છે. મારા બ્લોકમાં અમે વીસ કારીગરો છીએ, જેમાં હું એકલો જ મુસ્લીમ છું. મારા મિલનસાર સ્વભાવના કારણે બધા મને ખૂબ માનસન્માન આપે છે. ચારેક જણ તો મારા જિગરી દોસ્ત બની ગયા છે. હવે છેલ્લા એકાદ અઠવાડિયાથી એક બદલી કામદાર આવે છે, જે હજુ ત્રણ દિવસ રહેવાનો છે. એ બીજાઓ સાથે ભળવાનો પ્રયત્ન કરે છે, પણ મારાથી તો દૂરી જ રાખે છે. અમારાં મજદૂર યુનિયનો કોઈક ને કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ હોય છે. અમારી ફેક્ટરીના તમામ કારીગરો આઝાદી વખતે સ્થપાયેલા જૂનામાં જૂના રચનાત્મક અભિગમ ધરાવતા યુનિયનના સભ્યો છે, જ્યારે પેલો વિધ્વંસક વિચારધારા ધરાવતા અન્ય કોઈ યુનિયનનો સભ્ય હોઈ શકે છે. પરમ દિવસે તે એક કારીગર કે જે તેને અવગણતો હોવા છતાં તે તેની સાથે પરાણે વાત કરતો હતો. જોગાનુજોગ વેફ્ટ (વાણો) થ્રેડ ખલાસ થવાના કારણે તેની ત્રણ પાવરલુમ એક સાથે બંધ પડતાં તેના કટુ શબ્દો મને સ્પષ્ટ સંભળાયા. બસ, મારો મુડ ગયો અને ત્યારનો હું હતાશામાં ઘેરાઈ ગયો છું. અહીં આપણને વાંધો એ છે કે પ્રજા જો કાયદો હાથમાં લે તો સરકારની શી જરૂર રહે! મૂળ મુદ્દા ઉપર આવું તો માઈક ઉપર સવારની અઝાનને કાયદો પસાર કરીને બંધ કરાવી શકાય. આઝાદી પછી કોણ જાણે કેટલીય અનિચ્છનીય ઘટનાઓ બની ચૂકી છે અને આપણા કોમી એકતાના હાર્દને હાનિ પહોંચી રહી છે.’
સલમા ફાલૂદાના બે ગ્લાસ ભરી લાવીને મારી પાસે ઝૂલા ઉપર બેસતાં બોલી, ‘હવે મને જરા કંઈક કહેવા દેશો, પ્લીઝ? તમે કહો છો કે માઈક ઉપર સવારની નમાઝની અઝાનને કાયદા દ્વારા બંધ કરાવી શકાય. પરંતુ મારું માનવું છે કે આવો કાયદો ઘડવો જ ન પડે એ દિશામાં શું ન વિચારી શકાય? શું મુસ્લીમો વગર કાયદાએ આ આચારસંહિતાનું પાલન ન કરી શકે? કોઈને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડવાનો ઈલાહી કાનૂન શરિયતમાં મોજૂદ હોવા છતાં દુન્યવી આવો કાયદો પસાર થવાની રાહ જોવી કે એવી તાર્કિક દલીલ આપવી તે ઈસ્લામના માનવતાવાદી અને શાશ્વત કાયદાનો ઈન્કાર કરવા બરાબર નથી શું?’
‘સલમા, માની લે કે તારા કહેવા પ્રમાણે આ પ્રશ્નનો નિવેડો આવી જાય; પણ નવું કંઈક આવે, તો શું દરેક વખતે એક પક્ષે જ નમતું મૂકવાનું?’
‘હા, જો દરેક વાંધામાં વ્યાજબીપણું હોય અને આપણા શરિયતી કોઈ કાનૂનનો ભંગ ન થતો હોય, તો દરેક વખતે નમતું મૂકવું જ જોઈએ.’
હું સલમાની મક્કમતાપૂર્વકની ધારદાર દલીલોને સાંભળીને મનોમન પોરસાતો રહ્યો. ગ્રેજ્યુએટ સલમાની વાકપટુતા અને બોલતી વખતે પાંપણોને પટપટાવતી તેની આંખો સામે હું જોતો જ રહ્યો.
‘તારી વાત સાથે હું સહમત છું. પરંતુ મને બીજો એક વિચાર આવે છે કે દરેક ધર્મમાં ઈશ્વરસ્મરણ કરવાનો ઉત્તમ સમય વહેલી પરોઢ નહિ હોય?’
‘બીજા ધર્મોની તો મને ખબર નથી, પણ હિંદુ ધર્મમાં ‘બ્રાહ્મમુહૂર્ત’નો સમય હોય છે, તેવું અબ્બુ કહેતા હતા. વળી યુનો દ્વારા ૨૧મી જુનને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તે યોગ કરવા માટેનો આદર્શ સમય પણ બ્રાહ્મમુહૂર્ત દરમિયાન જ હોવાનો વિદ્વાનોનો મત છે. આપણા વતનના અબ્બુના એક બ્રાહ્મણ મિત્રનું કહેવું હતું કે આપણે સાચે જ બ્રાહ્મમુહૂર્તના સમયે જ ઈશ્વર-અલ્લાહને પ્રાર્થીએ છીએ. તેમની વાત સાચી જ છે, કેમ કે આપણે પણ તે સમયને નૂરવેળા કહીએ છીએ. બ્રાહ્મમુહૂર્તના માહાત્મ્યને સમજવામાં આવે તો આવો મૂલ્યવાન સમય ચૂકી ન જવાય તેની ચિંતામાં રાત્રે ઠીક રીતે ઊંઘી પણ ન શકાય! વળી તે જ રીતે મુસ્લીમો પણ અલ્લાહની આભારવશતા દર્શાવતાં તેઓ સજદામાંથી માથું ઊચું પણ ન કરે. જો કે આપણામાં પણ એવા કોઈ હોઈ શકે કે જેઓ દિવસ ઊગ્યા પછી કજા નમાજો પઢતા હોય! ’
‘સલમા, બ્રાહ્મમુહૂર્તના સમયની તને જાણ હોય તો મને બતાવ ને કે જેથી મારા સાથીમિત્રોને હું સમજાવી શકું. બે સમુદાય વચ્ચેની આવી હકારાત્મક વાત હાલ ભલે થોડા માણસો સુધી પહોંચે, પણ છેવટે તો વધુ ને વધુ આગળ ફેલાવાની જ છે.’
‘અબ્બુનું કહેવું હતું કે સાધકોની કક્ષા પ્રમાણે ત્રણ પ્રકારનાં બ્રાહ્મમુહૂર્ત છે. સૌથી વધારે લાંબા સમયગાળાનું કે જે થોડું કઠિન કહેવાય, તે રાત્રિના ત્રણ વાગ્યાથી સૂર્યોદય સુધીનું છે; જે ખાસ કરીને વયોવૃદ્ધો કે જેમને ઓછી ઊંઘ આવતી હોય અને બીજા જે વહેલા સૂઈ જનારા હોય તેમને લાગુ પડતું હોય છે. બીજું મધ્યમ સમયગાળાનું બ્રાહ્મમુહૂર્ત કે જે ભક્તકવિ નરસિંહ મહેતાના મતે છ ઘડી એટલે કે સૂર્યોદય પહેલાંની ૧૪૪ મિનિટથી શરૂ થાય. ત્રીજું વધારે પ્રચલિત અને દરેકને અનુકૂળ પડે તેવું ટૂંકામાં ટૂંકું બે ઘડી એટલે કે ૪૮ મિનિટનું બ્રાહ્મમુહૂર્ત છે. હવે જોવાની ખૂબી એ છે કે આપણી ફજર (સુબ્હ)ની નમાજ માટેની અઝાન સૂર્યોદયની ૮૦ મિનિટ પહેલાં થતી હોય છે, જે પેલા ત્રીજી કક્ષાના સાધકોને સ્નાનશૌચાદિ માટે ૩૨ મિનિટ પહેલાં જગાડે છે. અબ્બુના મિત્રનું કહેવું હતું કે અમારામાંના કેટલાક કે જેમને ધર્મધ્યાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી હોતી; તેવાઓને તમારી અઝાનથી ઊંઘમાં ખલેલ પહોંચતી હશે, પણ અમારા જેવાઓ માટે તો એ અઝાન આશીર્વાદરૂપ છે.’
‘સલમા, તારી આ સમજૂતિથી એક વાત તો સ્પષ્ટ થઈ કે આપણી અઝાન બ્રાહ્મમુહૂર્ત દરમિયાન જ થતી હોય છે. થોડાક સમજદાર માણસો આ વાત સમજે તો સવારની અઝાનનો વિવાદ એ વિવાદ રહેતો જ નથી. એક વાત કહું કે તું જે રીતે આ બધું મને સમજાવી શકી છે, તે રીતે હું મારા સાથીમિત્રોને સમજાવી નહિ શકું; માટે આપણે મારા એ મિત્રોને આપણા ત્યાં ભોજન માટે સજોડે નિમંત્રીએ અને તું જ તેમને સારી રીતે સમજાવી શકે તો કેવું સારું!’
‘બહુ જ સરસ. તમારી પાસે તેમના મોબાઈલ નંબર હોય તો હાલ જ તેમને કાલે બપોરના જમણ માટે નિમંત્રણ આપી દો. બીજી એક વાત કે હું આપણા સમુદાય માટે હાલ તેઓ જે કરી રહ્યા છે તેમને ક્લિન ચીટ નથી આપી રહી, તેમણે પણ આ બાબતે કેટલીક ખોટી પ્રણાલિકાઓને છોડવી જ પડશે. આપણા પોતાના સમુદાયમાં બધી જ મસ્જિદોમાં એક જ સમયે અઝાન થઈ જતી હોય છે, જ્યારે બીજા સમુદાયોમાં મસ્જિદે મસ્જિદે વારાફરતી અઝાનો થતી હોય છે; જેના કારણે શહેરોમાં આ અઝાનની પ્રક્રિયા અડધાપોણા કલાક સુધી ચાલુ રહેતી હોય છે, જે ગેરવ્યાજબી કહેવાય. બીજું રમઝાન માસમાં રોઝાના અને નમાજના પ્રારંભ માટે અમુક સમય બાકી, અમુક સમય બાકી તેવાં એલાનો થતાં રહે છે, તે પણ ખોટું છે. ત્રીજી છેલ્લી વાત કે તમારી ફેક્ટરીમાં જેમ ૮૫ ડેસિબલ સુધીના અવાજની મર્યાદા હોય છે, તેમ વસવાટનાં સ્થળોએ દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ સુધીના ઉપકરણોના અવાજો માન્ય છે. આમ અઝાન માટેના માઈકના અવાજના જે તે નિયમનું પણ પાલન થવું જોઈએ.’
‘વાહ, સલમા વાહ! તારી સમજદારી અને કાયદાકાનૂનોની જાણકારીને વખાણવા મારી પાસે શબ્દો નથી, માટે જો બેચાર શબ્દો ઉછીના આપે તો તને વખાણી લઉં!’
‘જુઓ વધારે હોશિયારી બતાવવાની અને મસ્કા મારવાની કોઈ જરૂર નથી. હવે તાકીદનું કામ હાથ ધરો અને તમારા મિત્રો સાથે કન્ફર્મ કરી લો, જેથી સવારે કેટલા જણની રસોઈ બનાવવી તેની મને ખબર પડે.’
‘યસ, બેગમ.’
સલમા ગ઼ાલિબના એક શેરને ગણગણતી અમારી સુખશય્યાને તૈયાર કરવામાં લાગી ગઈ:
યા-રબ વો ન સમઝે હૈં ન સમઝેંગે મિરી બાત
દે ઔર દિલ ઉન કો જો ન દે મુઝ કો જ઼બાઁ ઔર
‘શેર-ઓ-શાયરીમાં મને પણ ઘેલું લગાડનાર સલમાએ જાણે કે આવતી કાલના પોતાના મિશનની સફળતા માટે બીજા મિસરામાં ખુદાને દુઆ કરી લીધી કે કાં તો એ લોકોના દિલમાં એવું પરિવર્તન લાવે કે તેઓ તેની વાતને સમજી શકે અથવા તો પોતાની જીભને એવી શક્તિ આપવામાં આવે કે જે થકી એ તેમનાં દિલોને સ્પર્શે તેવી રીતે તેમને એ વાત સમજાવી શકે. આ દુઆ માટેનું કારણ પહેલા મિસરામાં એ છે કે શાયરના દિલની એ વાત તેઓ સમજ્યા નથી અને કદાચ સમજશે પણ નહિ; આમ છતાંય શાયરની દુઆથી એવી આશા બંધાય છે કે પ્રયત્નનું સુખદ પરિણામ આવે પણ ખરું! જો કે આ શેર ઇશ્ક અને માશૂકા સંબંધિત હોવા છતાં અહીં બરાબર બંધ બેસે છે. ‘
આમ વિચારતાં વિચારતાં મારાથી સલમાને શાબ્દિક દાદ અપાઈ ગઈ, ‘આફરિન….આફરિન…’.
સલમાએ પણ શાયરાના અંદાઝમાં મને ઝૂકીને જવાબ વાળ્યો, ‘શુક્રિયા, જનાબ.’
–વલીભાઈ મુસા
(‘ઓપિનિયન’ તા.૦૬૦૮૨૦)