- પ્રાસ્તાવિક:
’પ્રતિલિપિ’ માઈક્રોફિક્શન વાર્તાસ્પર્ધામાં મુકાયેલી મારી આ વાર્તાઓને મારા ‘વલદાનો વાર્તાવૈભવ’ બ્લોગ ઉપર મૂકતાં હું અત્યંદ આનંદની લાગણી અનુભવું છું. સદરહુ વાર્તાઓની શબ્દમર્યાદા ૪ થી ૧૫૦ શબ્દોની હતી. વાચકોને નવાઈ લાગશે કે આવા સાવ મર્યાદિત શબ્દોમાં તો વળી વાર્તા લખી શકાય ખરી! મારા સુજ્ઞ વાચકોએ નવાઈ પામવાની જરાય જરૂર નથી. થોડાક આગળ વધો :
એક અંગ્રેજી પ્રયોગશીલ વાર્તા છે, અધ..ધ.ધ એટલી બધી લાંબી કે તેના વાંચનનો સમય માપવા ઓલિમ્પિક રમતોમાં દોડનો સમય માપતા કોઈક નિર્ણાયક પાસેથી તેની સેકંડનો પણ એકસોમો ભાગ માપી શકે તેવી ઘડિયાળ મંગાવવી પડે ! એ વાર્તા હતી, એર્નેસ્ટ હેમિન્ગવે (Ernest Hemingway) દ્વારા લિખિત પૂરા છ શબ્દોની વાર્તા, જેના શબ્દો વચ્ચેની જગ્યા અને વિરામચિહ્નોને ન ગણીએ તો તેના કુલ અક્ષરો પચીસ (બે ડઝન પૂરા અને બોનસમાં એક) થાય ! વધારે નહિ લટકાવું, હોં કે ! જો પૂરતો સમય (!) હોય તો વાંચી જ લો :
“For Sale : Baby Shoes, never worn !”. !!!
-વલીભાઈ મુસા
* * *
(૧) લોહીના તરસ્યાઓ!
ઐતિહાસિક ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય છે, બસ તેમ જ આજે ટોપીઓના ફેરિયાએ બપોરની નિંદરમાંથી જાગીને જોયું તો વાંદરાં બધી જ ટોપીઓ ઉપાડી ગયાં હતાં. ફેરિયાએ વિચાર્યું કે ભૂતકાળના તેના જ જેવા ફેરિયા ભાઈએ જે યુક્તિ અજમાવી હતી તેમ કરવાથી ટપોટપ ટોપીઓ નીચે આવી જશે. પરંતુ ધારણા ખોટી પડી અને પોતાના માથા ઉપરથી નીચે નંખાયેલી છેલ્લી ટોપી પણ એક વાંદરું ઝડપથી દોડી આવીને ઉપાડી ગયું.
’અલ્યાં, અલ્યાં આમ કેમ કર્યું?’, ફેરિયાએ પૂછ્યું.
‘જાતને પૂછી જુઓ. અમારાથી ઉત્ક્રાંતિ પામીને માનવી થયેલા તમે લોકોએ માનવીપણું જાળવ્યું છે ખરું? તમારા પૂર્વજ તરીકે ઓળખાવતાં અમને શરમ આવે છે, એકબીજાના લોહીના તરસ્યાઓ!’
ફેરિયો કાનબુટ્ટી પકડીને ચાદરને ખભે નાખીને જેવો ચાલવા માંડે છે, ત્યાં તો બધી જ ટોપીઓ ટપોટપ નીચે પડી.
વાંદરાંના મુખિયાએ ટોણો મારતાં કહ્યું, ‘અમે સાવ તમારા જેવા તો નહિ જ થઈએ. તમારા જાતભાઈઓને તમારો આ અનુભવ અચૂક જણાવજો, જેથી કદાચ ને બધાની સાન ઠકાણે આવે!’
ફેરિયો વીલા મોંએ ચાલતો થયો.
-વલીભાઈ મુસા
* * *
(૨) પૂંછડી!
વનપ્રવેશના પહેલા જ દિવસે પર્ણકુટિની બહાર બેઠેલાં રામસીતાની પ્રત્યેક હિલચાલ ઝાડ ઉપર બેઠેલા વાંદરાઓ અવલોકી રહ્યા હતા. અગમ્ય ટેલિપથીની જેમ બધાના મનમાં એક સરખો વિચાર આવ્યો કે સીતામાતા કેવાં પતિભક્ત છે અને રામજીની કેવી સેવા કરી રહ્યાં છે! બધાએ વિચાર્યું કે તેઓ વાંદરીઓને જાતઅનુભવ કરવા અહીં આવવાનું જણાવે કે જેથી તેઓ સીતાજીની પતિભક્તિમાંથી કંઈક સારગ્રહણ કરે અને રામજીની જેમ તેમની પણ સેવા થતી રહે.
વાંદરાઓની વાત માનીને વાંદરીઓ ટોળાબંધ પર્ણકુટિની બહાર ઊતરી પડી. સીતાજી પર્ણકુટિમાંથી બહાર પ્રાંગણમાં આવ્યાં, ત્યારે બધી જ વાંદરીઓએ તેમની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું. સીતામાતા એમને કંઈક પૂછે તે પહેલાં તો બધી જ વાંદરીઓ વનરાજિ તરફ દોડી ગઈ.
જલ્દી પાછી ફરેલી વાંદરીઓને જોઈને વાંદરાઓને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, ‘તમને લોકોને સીતામાતાની પતિસેવામાંથી કંઈ શીખવા મળ્યું ખરું?’
‘શીખવાની વાત તો બાજુએ રહી, પણ અમારે જે જાણવું હતું તે જાણી લીધું. તમારાં સીતામાતાને પૂંછડી તો છે જ નહિ!’
-વલીભાઈ મુસા
* * *
(૩) નાચનિષેધ
ઢબુકતા ઢોલે સઘળી સખીઓ મન મૂકીને નાચી રહી છે. ફક્ત માયરામાં બેઠેલી એ કન્યાએ જ તો તેની પલાંઠીને સખત ભીડી દેવી પડે છે.
-વલીભાઈ મુસા
* * *
(૪) વિધિની વક્રતા
શ્વાનમાદાએ હોસ્પિટલના હડકવાની સારવાર માટેના વોર્ડની ઓસરીમાં જ બચ્ચાં પ્રસવ્યાં.
-વલીભાઈ મુસા
* * *
(૫) મજાક!
હલાવી જોયાં, લાગ્યું ગયાં; ધ્રાસ્કે હસી પડતાં! મધુરજનીએ આવી ક્રૂર મજાક!
-વલીભાઈ મુસા
* * *
(૬) તલાક
‘ત્રણ તલાક’ને ત્રણ તલાક!
-વલીભાઈ મુસા
* * *
(૭) નવી સગલી!
સમીસાંજે ઉદ્યાનના ખૂણાના બાંકડે મારી રાહ જોતી પ્રિયા એવી અદાથી બેઠી હતી કે એની સમીપ જઈને વક્રોક્તિમાં એક હાઈકુ ઠપકારી દીધું : ‘ગાલે હથેલી! પ્રિયે, અતીત ખ્યાલે, કે દાઢ કળે?’
‘ડેન્ટિસ્ટને બીજું તો શું દેખાય? હવે મારા ખ્યાલનો જવાબ સાંભળી લે. અતીતને તો કોણ સંભારે! વર્તમાનનું જ વિચારું છું કે જીવનભર તને વેંઢારવા કરતાં હાલ જ તને અલવિદા કહી દઉં, તો એક નન્નો સો દુ:ખ ન હણે!’
‘વાત તારી સાચી. લે, ત્યારે બાય બાય!’ કહી જેવો હું પાછો ફર્યો કે ત્વરિત સણસણતું એક ચપ્પલ મારી પીઠને ઘા કરી ગયું. મેં પાછળ ફર્યા સિવાય જ કહી દીધું, ‘બીજું પણ આવવા દે, નવીને કામ લાગશે!’
‘ઊભો રહે અને કહી દે કે મારી સ્ટેન્ડ બાય નવી સગલી એ વળી કોણ છે?’
‘છેવટે ઠેકાણે આવી ખરી! હવે વધારે ટટળાવીશ નહિ; કહી જ દઉં કે એ તું જ તો, એ તુ જ તો! જમના, તું હી હૈ તું હી મેરી મોહિની!’
પ્રિયા હરખભેર દોડી આવીને મને બાઝી પડી.
-વલીભાઈ મુસા
નોંધ:-લાલ અક્ષરોવાળું લખાણ પાછળથી ઉમેર્યું છે, જે વ્હી. શાન્તારામ નિર્મિત ‘નવરંગ’ ચલચિત્રના ગીતની પંક્તિ છે.
* * *
(૮) અરર…
અરર! આ મે શું કર્યું? માનવજાતે ઈસુને ખીલા ઠોકીને વદ્યસ્તંભ ઉપર જડી દીધા છતાંય, જાણે કે હજુ સુધી પરિતૃપ્તિ થઈ ન હોય તેમ તેમની છબિને દિવાલે ટિંગાડવા માટે મેં પણ ખીલા ઠોકી દીધા!
-વલીભાઈ મુસા
* * *
(૯)નાના બાળકની રમત!
દિવાલે લટકતા ગાંધીજીના ફોટા સામે એ માસુમ ભૂલકું ટોયગનથી નિશાન તાકી રહ્યું હતું. હું તેને અટકાવવા જાઉં તે પહેલાં તો તેણે ત્રણ નકલી બુલેટ છોડી! હું વિચારી રહ્યો: ‘પ્રભુના પયગંબર સમી ગાંધીજી જેવી મહાન વિભૂતિને સાચી પિસ્તોલ વડે સાચી ગોળીઓ ધરબી દઈને મારી નાખવામાં આવી. આવા ઘાતકી કૃત્યને શું આપણે નાના બાળકની રમત ગણી શકીશું?’
-વલીભાઈ મુસા