જીનિયસ ગોસિપર  

આજે મારે તમને એક એવા માણસને ઓળખાવવાનો છે, જે લોકજીભે તેના મૂળ નામને ગુમાવી બેઠો છે અને  ગપોડી, ગપ્પીદાસ, ગપ્પી, ગપ્પાંસમ્રાટ, ફેકુ કે જીનિયસ ગોસિપર તરીકે ઓળખાય છે. તેના મૂળ નામને હું પણ ગુપ્ત રાખવા માગું છું, કેમ કે તેનું ચરિત્રનિરૂપણ જાણ્યા પછી એ નામધારી માત્ર એવા કોઈ લોકોને વિના વાંકે તમે આ મહાશય માટેનાં ખાસ વિશેષણોથી નવાજવા માંડો, જે વ્યાજબી ન ગણાય. વળી એમ પણ બને કે પેલા વિખ્યાત ‘નટવરલાલ’ નામની જેમ તેમના નામને પણ તમે ચલણી બનાવી બેસો. આમ મારા કથનમાં હું તેમને ‘મહાશય’ તરીકે જ ઓળખાવતો અને સંબોધતો રહીશ.

આ મહાશય સાથેની મારી પ્રથમ મુલાકાત મારા માટે યાદગાર રહી છે, જેને અહીં હું વર્ણવીને મારા કથનને ન્યાય આપીશ. વળી મારું માનવું છે કે મિ. મહાશયને ઓળખવા માટે તેમની સાથેનો મારો આ એક જ પ્રસંગ તમારા માટે પર્યાપ્ત બની રહેશે. મારી એ મુલાકાત વખતે લોકો પાસેથી સાંભળેલી એક વાતને આધાર બનાવીને મેં જ શરૂઆત કરી હતી :

‘મિ. મહાશય, આપ સાનિયા વહુના સમાચાર લ્યો છો કે નહિ?’

‘હા, વડીલ. મારે રાજધાનીએ જવાનું થાય ત્યારે મારો નિવાસ તેમના ત્યાં જ હોય છે. એ બિચારીનું પિયર પરદેશ અને પાછી વિધવા થઈ એટલે અમારા જેવા સિવાય અહીં એમનું સગું કોણ? હવે તો એ હિંદી બોલી અને સમજી પણ શકે છે, હોં! પણ હા, તેઓ મારી મેઈડ ઈન ગુજરાતી હિંદીને સમજવામાં તકલીફ અનુભવે છે. મને હથેળીમાં પાણી લઈને નાક ડુબાડીને મરી જવાની ઘણી વાર ઇચ્છા થઈ આવે છે કે હું ભારતીય હોવા છતાં ગુજરાતી ભાષાની બગલઘોડી બનાવીને તેના આધારે હૈ, થા અને હોગા પ્રયોજીને આપણી રાષ્ટ્રભાષા હિંદીને અપમાનિત કરું છું, જે મારા માટે શરમજનક બાબત ગણાય. બોલો, એ વિદેશી મૂળની હોવા છતાં હિંદીમાં કેવાં સરસ ભાષણો આપે છે, નહીં!’

‘હેં મિ. મહાશય, સાનિયાજી તમને કેવી રીતે સંબોધે છે?’

‘મામાજી તરીકે જ તો. તમને ખબર હશે જ કે ઉત્તરનાં રાજ્યોમાં મામા સસરાને ‘મામાજી’ તરીકે સંબોધવામાં આવે છે. માળાં એમનાં છોકરાં તો મને ‘વેલકમ ગ્રેટર મામા’ કહીને આવકારતાં હોય છે!’

‘કેમ ગ્રેટર મામાજી તરીકે નહિ અને ગ્રેટર મામા તરીકે તમને સંબોધતાં હશે, સમજાયું નહિ.’

‘તમે ખૂબ ભણ્યા હશો, પણ સગાંની ઓળખમાં કાચા પડતા લાગો છો. ભલા આદમી, એ છોકરાંના બાપનો હું મામો થાઉં એટલે મને ગ્રેટર મામા જ કહે ને! એ છોકરાં એ પરિવારનાં વંશજ કહેવાય, જ્યારે સાનિયાજી કુળવધૂ હોઈ હું તેમના સાસરી પક્ષનો ગણાતો હોઈ તેમણે મને ‘જી’ પૂંછડાથી જ સંબોધવો પડે ને!’

મેં પૂંછડા શબ્દથી પરાણે મારું હસવું ખાળી રાખ્યું અને કહ્યું, ‘હા, હવે સમજાયું; પણ તમે રાવજીના મામા શી રીતે બન્યા, એ જણાવશો?’

‘અલ્યા ભાયા, તમે વિદેશે વસો અને ઘણાં વર્ષે દેશમાં આવ્યા એટલે તમને ખબર નહિ હોય કે રાવજીનાં માતાજી ઈંદ્રાણીજી મારાં ધર્મનાં બહેન હતાં. ભલા માણસ, આખા ગામને ખબર છે કે મારો એ પરિવાર સાથે કેવો ગાઢ સંબંધ છે!’

‘મહાશયજી, હું જાણવા માગું છું કે ઈંદ્રાણીજી અને તમે ભાઈબહેન કેવી રીતે બન્યાં?’

‘માંડીને તો વાત નહિ કહું, પણ ટૂંકમાં કહું તો એ વડાપ્રધાન હતાં ત્યારે આપણા રાજ્યની મુલાકાત વખતે અંબાજી આવેલાં. હું એ વખતે કોર્પોરેટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો અંબાજી ડેપોના કર્મચારી યુનિયનનો પ્રમુખ હતો. ભલે હું વર્કશોપનો હેલ્પર હતો, પણ યુનિયનના પ્રમુખનો તો હોદ્દો મોટો જ ગણાય ને! ઈંદ્રાણીજીના સ્વાગત કાર્યક્રમમાં મને મારા પ્રતિષ્ઠિત હોદ્દાની રૂએ હારતોરા કરવાનો મોકો મળ્યો હતો. હવે એ મોટા ટોળામાં આપણી નિકટથી ઓળખાણ તો ન જ થાય ને, એટલે મહિના પછી આવેલા રક્ષાબંધનના  દિવસે હું રાજધાનીએ જઈને રાખડી બંધાવી આવેલો અને આપણી દેશી ઘીથી તરબતર એવી માતર સાથે લઈ ગયેલો, જેને આખા પરિવારે મારી હાજરીમાં જ તળિયાઝપટ કરી નાખેલી. એ વખતે તેમના સેક્રેટરી દયામણા ચહેરે લાળ પાડતા મારા સામે જોઈ રહ્યા હતા. મેં તેમની નિકટ જઈને ધીમા અવાજે હૈયાધારણ આપી હતી, એમ કહીને કે ‘અબકી બાર, આપકી યાર!’.

અમારી આખી વાતચીત દરમિયાન મેં મારા હાસ્યને કાબૂમાં રાખી દીધું હતું, કેમે કે મિ. મહાશય ગંભીરતાથી બોલી રહ્યા હતા અને જો હું હસી પડું તો તેમનો મુડ જાય અને અમારો વાર્તાલાપ સમેટાઈ જાય. તેમને તો મારે હજુ વધારે ખેંચવાના હતા!

‘મિ. મહાશય, ખોટું ન લગાડો તો તમને એક વાત પૂછીને મારી શંકાનું સમાધાન કરું.’

‘જુઓ, તમે અહીંના મૂળ વતની તો ખરા, પણ મોટા ભાગની જિંદગી અમેરિકામાં વિતાવીને દેશમાં પધાર્યા છો એટલે અર્ધા મહેમાન તો ગણાઓ. હવે આખા કે અર્ધા મહેમાનની કોઈ વાતનું ખોટું નોં લગાડાય, ભલા માણસ.’

‘તો તમારો ઈંદ્રાણીજીને હારતોરા કરવાનો એક સામાન્ય પ્રસંગ અને બીજો રાખડી બંધાવીને માતર આપી આવ્યાનો થોડોક દમદાર પ્રસંગ એટલા માત્રથી તમારો લહેરુ કુટુંબ સાથે આવો નિકટનો ઘરોબો બંધાય તે જરા માનવામાં ઓછું આવે છે. થોડું ડિસ્કાઉન્ટ આપીને વાત કરો તો ગળે ઊતરે!’

‘અરે મારા હરિકાકા, એમ કંઈ એકબે મુલાકાતે આવી મહાન વ્યક્તિ સાથે નિકટતા ન સધાય તે હું પણ માનું છું; પણ મારી ત્રીજી મુલાકાત વિષે તમે જાણશો ત્યારે તમારી શંકાનાં મૂળિયાં ઊંધા માથે ઊખડી જશે. મારી બહેન ઈંદ્રાણી બીમાર પડી એટલે મારા નાના ભાણિયા સન્જીએ મને ફોનથી જાણ કરી. મેં જણાવ્યું કે મારી આગેવાની હેઠળ અમારા યુનિયનની અનિશ્ચિત મુદ્દત માટેની હડતાલ ચાલી રહી છે એટલે બેટા, મારાથી ત્યાં નહિ અવાય; પણ હું અંબામાતાની માનતા માનું છું એટલે મને ગળા સુધી વિશ્વાસ છે કે મારી બહેન સાજી થઈ જ જશે. આમ છતાંય તમે ઈલાજ કરાવવામાં કોઈ કસર છોડશો નહિ અને બીજી કોઈ ચિંતા પણ કરશો નહિ, હું અડીખમ બેઠો છું ને!’

‘હા, બરાબર. હવે થોડુંક સમજવામાં આવે છે કે કોઈ માણસ દુ:ખમાં સપડાય ત્યારે લાગણી દર્શાવનારાઓને તે જિંદગીભર ભૂલે નહિ.’

‘હવે એવી લૂખી લાગણીઓ તો ઠગારી નિવડી શકે, પણ મારે તો બહેન ઈંદ્રાણી સાથે તો સગી બહેન કરતાં પણ અધિક પ્રેમ હોઈ મેં અંબા માતાના મંદિરે જઈને માનતા માનેલી કે મારી બહેન સાજી થશે તો માડી, હું તેના ભારોભાર સાકર પ્રસાદમાં વહેંચીશ. હવે જુઓ એક ભાઈનો બહેન પ્રત્યેનો એવો સાચો પ્રેમ કે  માવડીએ મારી અરજ સાંભળી અને એ અઠવાડિયામાં માંદગીના ખાટલેથી બેઠી થઈ ગઈ. મોટા રાવજીનો ફોન આવી ગયો કે મા સાજી થઈ ગઈ છે.’

‘આ તો ભાઈ અંબા માતાનો ચમત્કાર થયો ગણાય. આમ છતાંય મારું તો માનવું છે કે એ તો તમારી માતાજી પરત્વેની આસ્થા અને ઈંદ્રાણીજી સાથેના સાચા ભગિનીપ્રેમનું પરિણામ જ ગણાય!’ મેં મિ. મહાશયને પોરસ ચઢાવવા થોડા રમાડી નાખ્યા.

‘હવે ભઈ, માડી આગળ જીભ કચરી એટલે માનતા તો પૂરી કરવી પડે. હવે બીજો ચમત્કાર તો જુઓ કે મેં ઘરવાળી આગળ આ માનતાની વાત મૂકી તો તે જુસ્સાભેર બોલી ઊઠી, ‘મારી નણદીબા માટેની માનતા તો હું જ પૂરી કરીશ. એ બચ્ચારી આખા દેશનો ભાર માથે લઈને ફરે અને મારાથી એટલું પણ ન થાય તો મારા મનખાને ધિક્કાર છે.’

મેં ઠાવકા થઈને પૂછ્યું, ‘મહાશય, તમારાં ઘરવાળાં અને તમારી વચ્ચે અમારા અમેરિકાની જેમ મારી બેંક બેલેન્સ અને તમારી બેંક બેલેન્સ જેવું જ છે કે શું?’

‘તમે ઠીક સવાલ પૂછ્યો. જુઓ વડીલ, હું તો બસ ખાતામાં હેલ્પરની નોકરી શોખ ખાતર કરતો હતો. આપણે તો ભણવામાં ઢબુ પૈસાના ઢ હતા, પણ મિકેનિક માઈન્ડ ખરું હોં કે! આઠ ચોપડીના ભણતર ઉપર નોકરી મળી ગઈ હતી. તમે નહિ માનો, પણ ઘર તો ઘરવાળીથી જ ચાલતું હતું. ખેતીવાડી અને દૂધડેરીની આવક અઢળક હતી. એ બહુ મહેનતુ. ઘરખર્ચ નિભાવે, બચત પણ કરે અને ઊલ્ટાની મને ખબર પણ ન પડે તે રીતે મારાં ખિસ્સાં ફંફોસે અને બસો પાંચસો રૂપિયા મૂકી દે. અલ્યા હરિકાકા આ તો વાત આડા પાટે ચઢી ગઈ. આમ છતાંય બીજા આડા પાટે ચઢીને તમને પૂછું છું કે તમે અમેરિકામાં હરિના નામે જ ઓળખાઓ છો? લોકો કહે છે કે ત્યાં આપણા દેશી લોકો તેમનાં નામ ધોળિયાઓ જેવાં બદલી નાખે છે!’

‘મહાશય, તમારી વાત સાચી છે. એમ કરવામાં કોઈ ઘમંડ તો નહિ, પણ એ લોકોને બોલવામાં સરળતા રહે એટલે આપણા દેશી નામ સાથે ભળતું નામ બદલવામાં આવે છે. મારી જ વાત કરો તો મને લોકો હેરી તરીકે બોલાવે છે.’

‘હો, હવે મને સમજાયું કે પેલી હેરી પોટરની વિખ્યાત ચોપડી મૂળ આપણા કોઈ હરિયા કુંભાર ઉપર જ લખાયેલી હશે, નહીં?’

હું ખડખડાટ હસી પડ્યો અને તેમને ખુશ કરવા તેમની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘તમારા અનુમાનમાં કંઈક તથ્ય તો ખરું જ. હવે પેલી માનતા કેવી રીતે પૂરી થઈ, તે જરા જણાવશો.’

“હા હા, જરૂર. એ જ તો અમારા લહેરુ પરિવાર સાથેના ગાઢ સંબંધોના કારણરૂપ છે ને! તો સાંભળો, મેં મારી બહેનને ફોન કરીને તેના ખબર અંતર પૂછ્યા. પછી તેને જણાવ્યું કે નાના સન્જીએ તને વાત કરી હશે કે મેં અહીં અંબાજી માતાની તારા માટેની માનતા માની છે. હવે તું સાજી થઈ ગઈ છે તો એ માનતા પૂરી કરવી પડશે. તને સાકરથી તોળવાની છે એટલે તારે સમય કાઢીને અહીં આવવું પડશે. તેણે કહ્યું કે ભઈલા મારાથી ત્યાં આવવું શક્ય નહિ બને, બીજો કોઈ માર્ગ કાઢી લે ને. પછી મેં કહ્યું કે તું રાવજીને ફોન આપ અને હું તેની સાથે વાત કરી લઉં છું. મેં રાવજીને કહ્યું કે તારી બાનું વજન કરીને મને જણાવી દેજે એટલે તેના વજન જેટલો  સાકરનો પ્રસાદ અહીં હું વહેંચાવી દઉં છું અને થોડોક પ્રસાદ લઈને તમને લોકોને હાથોહાથ આપવા હું ત્યાં આવી જઈશ. આમ અઠવાડિયા પછી મેં ત્યાં જઈને પ્રસાદ આપ્યો તે વખતનું દૃશ્ય હજુય ભુલાતું નથી. તેણે પોક મૂકી દેતાં કહ્યું કે આજે મેં જાણ્યું કે લોહીના સંબંધો કરતાં લાગણીના સંબંધો કેટલા ઉચ્ચતમ હોઈ શકે છે. વળી મારે સગો ભાઈ તો હતો નહિ અને તેં મારા એ અભાવને દૂર કરી દીધો!’”

પછી તો તેણે મને આગોતરા સોગંદ ખવાડાવીને મારી આગળ એક દરખાસ્ત મૂકતાં કહ્યું, ‘તેં સોગંદ ખાધા છે એટલે ના તો નહિ જ પાડી શકે. તારી લાગણીનો બદલો મારાથી ચૂકવી શકાય તેમ તો નથી, છતાંય હું એક નજીવી ભેટ ધરું તો તેનો અસ્વીકાર કરીશ નહિ. હું તને ગુજરાતનો ગવર્નર બનાવવા માગું છું.’

મેં મહાપરાણે મારું હસવું ખાળી રાખ્યું, કેમ કે તેમ ન કરતાં મને ડર હતો કે મિ. મહાશયને માઠું લાગી જશે. મેં તેમના જેટલી જ ગંભીરતા ધારણ કરીને પૂછ્યું, ‘તો તમે શો જવાબ આપ્યો?’

‘જો બહેના, લાગણીના સંબંધોમાં સ્વાર્થ ભળે તો તે ખંડણી થઈ જાય. હવે તેં મને ગવર્નર થવાની ઓફર કરી એટલે માની લે કે હું ગવર્નર તો શું, ગવર્નર જનરલ બની ગયો. હવે, એ વાત મેલ પડતી; અને મને ભોળવીને આગોતરા સોગંદ ખવડાવી દીધા તેનું કોઈ વજુદ રહેતું નથી, સમજી?’

આટલું કહેતાં મિ. મહાશય એવા તો ભાવવાહી બની ગયા કે તેમની આંખોમાં આંસુ ડોકાયાં. હું પણ સમભાવી થઈ જતાં થોડોક ગંભીર તો બની ગયો, પણ પછી તરત જ સ્વાભાવિક મુડમાં આવી જતાં તેમની કહેવાતી દુખતી નસને દબાવવાના હેતુથી પૂછ્યું, ‘ઈંદ્રાણીજીની હત્યાના સમાચાર સાંભળીને તમને કેવી લાગણી થઈ હતી?’

‘ઓહ પ્રભુ, જુઓ ને આ હેરી અંકલે મારી વિસારે પડેલી વસમી યાદને તાજી કરી દીધી. જુઓ વડીલ, મારી વેદનાને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. તમે માનો કે ન માનો, પણ મારા ઘરમાં ત્રણ દિવસ સુધી ચુલો પેટાવાયો નહોતો. મારામાં હિંમત નહોતી કે હું ત્યાં જઈને એ પરિવારને હૈયાધારણ આપી શકું. હવે મહેરબાની કરીને એ દુ :ખદ વાતને આટલેથી જ સમાપ્ત કરો તો સારું!’ આટલું બોલીને તેઓ કદાચ આંસુ લૂછવા મારા તરફથી મોં ફેરવી લીધું.

મિ. મહાશયે ઈંદ્રાણીજીની હત્યા વિષે વધુ કંઈ પણ પૂછવાનો મારા ઉપર પ્રતિબંધ મૂક્યો હોઈ હું રાવજીની હત્યા કે સન્જીના વિમાન અકસ્માત વિષે બોલવાનો તો વિચાર સુદ્ધાં પણ કરી શકું તેમ ન હતો. મને લાગ્યું કે મારે હત્યા નહિ તો હયાત વિષે, મતલબ કે ઈંદ્રાણીજીનાં હયાત સભ્યો વિષે, કંઈક પૂછવું જોઈએ. જો મિ. મહાશયના તેમની સાથેના સારા સંબંધો હશે તો તેઓ કંઈક ઓર ખીલશે.

‘મહાશય, છેલ્લે તમારાં નાનાં ભાણેજ વહુ મોનિકા અને તમારાં જુનિયર ભાણેજડાં એટલે કે ઈંદ્રાણીજીનાં ત્રીજી પેઢીનાં પ્રિયંવદા અને રાઉલજી સાથેના તમારા સંબંધો ઉપર પ્રકાશ પાડશો?’

‘સાચું કહું તો મેં તેમની સાથેના સંબંધો ઓછા કરી નાખ્યા છે. મોનિકા મારી વાલી તીખી મરચા જેવી એટલે સાસુવહુ વચ્ચે ઓછું બનતું હતું. હવે તમે જ વિચારો કે તે મારી બહેનને ગાંઠતી ન હોય, તો મને તો શાની ભાવ આપે! રાઉલ લડઘો થયો, પણ પરણતો નથી તેનું મને તેના ગ્રેટર મામા તરીકે ભારે દુ:ખ છે. દીકરી પ્રિયંવદા તેની દાદી જેવી શાણી ખરી, પણ તે ખોટા માણસને પરણી અને તેના કારણે લહેરુ કુટુંબની પ્રતિષ્ઠા ઝંખવાય છે. આ બધા કરતાંય મારો તેમના સામે મોટો વાંધો એ છે કે તેમણે રાજકારણથી અલિપ્ત થઈ જવું જોઈતું હતું. લહેરુ કુટુંબની ત્રણ પેઢીએ વડાપ્રધાનપદ સંભાળ્યું, હવે બીજાઓનો વારો આવવો જોઈએ કે નહિ? છોકરો ભોળિયો છે અને તેના પક્ષના સાથીઓ વફાદાર નથી. હજુ લોકોને પ્રિયંવદામાં તેની દાદી ઈંદ્રાણીજી દેખાય છે, પણ પેલો એનો ઘરવાળો ઘસીને ગૂમડે ચોપડી શકાય તેવોય નથી. ખેર, એ બધું જવા દો; પણ મારે તમને પૂછવું છે કે તમે મારો ઇન્ટરવ્યૂ તો નથી લીધો ને! મેં સાંભળ્યું છે કે તમે લોકો અમેરિકામાં ગુજરાતી છાપાં કાઢો છો. જોજો બાપલિયા, મને છાપે ન ચઢાવતા; નહિ તો ચૂંટણી ટાણે તમારા લોકોના દબાણ અને ભલામણથી અહીંના ટિકિટવાંછુઓની મારા ત્યાં લાઈનો લાગશે. આપણો લહેરુ કુટુંબ સાથેનો બે પેઢીઓનો સંબંધ પૂરો થયો અને તમને કહ્યું તેમ ત્રીજી પેઢી સાથેનો મારો લગવાડ નામનો જ બાકી રહ્યો છે. હું પંચોતેરે પહોંચ્યો અને મારે હવે હેરી હેરી ભજવાના દિવસો આવ્યા!’

આમ કહીને તેમણે બગાસું ખાધું અને મને સિગ્નલ મળી ગયો કે મારે હવે તેમનાથી વિદાય લેવી જોઈએ. તેમના હેરી હેરી શબ્દોથી હું હસી પડ્યો હતો. મારા મતે દિલચસ્પ એવા આ મહાશયને વધુ જાણવા અને માણવા માટે મેં બીજા દિવસની તેમની એપોઈન્ટમેન્ટ લઈ લીધી. મારે હજુ તો લોકો પાસેથી મને મળેલા લિસ્ટ મુજબ તેમના ગજેન્દ્રકુમાર, મેમા હાલિની અને શંકા-જેકા સંગીતકારો જેવી ફિલ્મી હસ્તીઓ સાથેના સંબંધો, યુનોના મહામંત્રી યુખાંટ સાથેના તેમના પત્રવ્યવહારો, શંકરાચાર્યો સાથેની તેમની ધાર્મિક ચર્ચાઓ, ઉદ્યોગપતી દંભાણીભાઈઓના કૌટુંબિક વિખવાદના ઉકેલ માટે એમણે બાપ્જીને મધ્યસ્થી માટે તૈયાર કર્યા હતા તેની વાતો, ચમનભાઈ સાથેના ‘લે તાળી’ જેવા ભાઈબંધીના સંબંધો વગેરે વગેરે વિષે ઘણું બધું જાણવું હતું. વળી ખાસ તો તેમનાં ગોસિપથી પણ વિશેષ તેમણે આ બાઉન્સર દડા ફેંકવાની કળા શી રીતે હસ્તગત કરી હતી, તે પણ મારે જાણવું હતું. મને લાગે છે કે આઠ જ ચોપડી ભણેલા આ મહાશયને વિશેષ વાંચનનો શોખ હશે અને તેથી જ તો તેઓ જે તે વ્યક્તિ કે ઘટના વિષેની સચોટ માહિતી આપી શકતા હશે!

છેલ્લે કહું તો શ્રી મહાશયે મારા વાંચવામાં આવેલા એક કથનને સાચું સિદ્ધ કરી બતાવ્યું હતું કે ‘થોડુંક જ્ઞાન પણ કુશળતાપૂર્વક રજૂ કરવામાં આવે તો સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકાય છે’ વળી આ મહાશયશ્રી ટ્રાયોન એડવર્ડ્ઝ (Tryon Edwards)ના એક અવતરણને પણ સાચું ઠરાવે છે કે ‘કેટલાક લોકો એટલી બધી અતિશયોક્તિઓ અને બડાઈઓ સાથે પોતાની વાત કહેતા હોય છે કે આપણે તેમાં મોટો ઘટાડો (discount) કરીએ, ત્યારે જ તેમની વાતના મૂળ અર્થ સુધી આવી શકીએ, અર્થાત્ એ બધી વટાવગત અતિશયોક્તિઓ હોય છે.’

-વલીભાઈ મુસા

‘ઓપિનીયન’ ઉપર પ્રસિદ્ધ થયા તા. ૧૮-૦૫-૨૦૨૦

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, FB, WG and tagged , . Bookmark the permalink.

2 Responses to જીનિયસ ગોસિપર  

  1. સૂંઠને ગાંગડે ગાંધી !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s