મારા વિષે

હું વલીભાઈ મુસા, પણ મારા પ્રાથમિક શિક્ષણ સમયથી જ તે વખતના મારા સહાધ્યાયીઓ અને વર્તમાનમાં પણ મારા ખાસ મિત્રવર્તુળ પૂરતો સીમિત ‘વિલિયમ’ એવા હૂલામણા ઉપનામથી ઓળખાઉં છું. બ્લોગજગતમાં પદાર્પણ કર્યા પછી, અને એમાંય ખાસ કરીને ‘હાસ્ય દરબાર’ બ્લોગ સાથે જોડાયા બાદ, મિત્રો તરફથી ‘વલીદા’ કે ‘વલદા’નું ગુજરાતીમાં Pat Name (લાડલું નામ) મળ્યું. આમ આ બ્લોગના નામકરણ સાથે મેં  ‘વલદા’ સંબોધનને જોડી દીધું છે. મારું વતન કાણોદર, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત છે. એક સમયે કાણોદર પોતાના કાપડ ઉદ્યોગ માટે બનાસકાંઠા જિલ્લાના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું.

હું સંપૂર્ણતયા અભણ એવાં માતાપિતાનો પુત્ર હોવા છતાં મારા કુટુંબમાં સર્વ પ્રથમ હું જ માધ્યમિક શિક્ષણ માટે ગામ બહાર ભણવા ગયો હતો. મેં મારી જૂની એસ.એસ.સી. પરીક્ષા પાલનપુરની સરકારી હાઈસ્કૂલમાંથી ૧૯૫૯માં ઉત્તીર્ણ કરી હતી. મેં ૧૯૬૬ માં ગુજરાતી, અંગ્રેજી અને સમાજશાસ્ત્ર (Sociology) વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (ઓનર્સ)ની ડીગ્રી મેળવી હતી. ગુજરાતી મુખ્ય અને અંગ્રેજી ગૌણ વિષયો સાથે મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો, પણ ભાગ-૨માં મેં ડ્રોપ લીધો હતો અને આજ સુધી મેં ભાગ-૨ની પરીક્ષા આપી નથી. હું જ્યારે માત્ર ૧૬ વર્ષનો હતો, ત્યારે મારા પિતાજી અવસાન પામ્યા હતા અને છેલ્લી અર્ધી સદીથી હું મારાં તથા મારા ભાઈઓનાં સંયુક્ત કુટુંબોનું નેતૃત્વ સંભાળી રહ્યો છું.

સર્વશક્તિમાન એવા ઈશ્વરની અસીમ કૃપાથી મારા કુટુંબનાં સમાંતર અને પછીની બે પેઢીઓનાં સભ્યોએ ઉચ્ચતમ શિક્ષણ મેળવ્યું છે અને કેટલાંક તો વિદેશોમાં સ્થિર પણ થયાં છે. મારા ગામનો શૈક્ષણિક વિકાસ પણ આસપાસનાં ગામડાંની સરખામણીએ ઘણો બૃહદ્ છે. આજે તો અમારો ચાર સૈકાં પુરાણો હાથશાળ કાપડ વ્યવસાય એક સ્વપ્ન સમાન બની રહ્યો છે.

હું વિદ્યાર્થી અવસ્થાથી જ સાહિત્યનો જીવ છું અને ૧૯૬૫ માં મારી પહેલી વાર્તા ‘જળસમાધિ’ ગુજરાતી મેગેઝિન ‘સવિતા’માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર પછી કોલેજ અને અન્ય મેગેઝિનોમાં પણ કેટલીક વાર્તાઓ પ્રકાશિત થતી રહી. મેં કેટલાંક ગુજરાતી કાવ્યો ઉપરાંત હાઈકુ (જાપાનનો લઘુકાવ્ય પ્રકાર) અને નિબંધો/લેખો પણ લખ્યા  છે, જે અત્યાર સુધી અપ્રસિદ્ધ જ  રહ્યા  છે. આજ સુધી મારા કૌટુંબિક ધંધાવ્યવસાયોમાં વ્યસ્ત રહેવાના કારણે હું જીવનભરનાં મારાં લખાણોને એકાદ પુસ્તક રૂપે પણ પ્રસિદ્ધ કરી શક્યો નથી.

કેનેડાસ્થિત મારા પુત્રતુલ્ય ભત્રીજા મુનિશ મુસાના માર્ગદર્શન અને સંચાલન હેઠળ મે, 2007થી મેં William’s Tales શીર્ષકે Bilingual (દ્વિભાષી) બ્લોગ શરૂ કર્યો હતો. છએક વર્ષના આ સમયગાળામાં મેં મૂળ અંગ્રેજી તથા ગુજરાતી અને પરસ્પર અનુવાદિત એવા કુલ્લે મળીને સાડા ત્રણસો  જેટલા આર્ટિકલ વિવિધ સાહિત્યપ્રકારોમાં પ્રકાશિત કર્યા છે, જેને અકલ્પનીય એવો વિશ્વભરમાંથી બહોળો વાંચકવર્ગ તો પ્રાપ્ત થયો જ છે; અને માત્ર એટલું જ નહિ, હું કેટલાય નેટર અને બ્લોગર ભાઈબહેનોના આપ્તજન સમાન બની ગયો છું.

Ash Dude નામે સાવ અપરિચિત એવા કોઈક મારા વાંચકે આ શબ્દોમાં મને છેક જુલાઈ, 2007માં પુસ્તક પ્રસિદ્ધ કરવા પ્રોત્સાહિત કર્યો હતો : “I have read your blog with interest and would urge you to publish a book as well….but I still stand by my opinion…A small run, let’s say of 100 prints of your book will actually be read by those 100 people…” ત્યાર પછી પણ કેટલાય શુભ ચિંતકોની પુનરાવર્તિત એવી જ માગણી આગળ ઝૂકી જવાની મને ફરજ પડી હતી અને આમ મુદ્રિત નહિ તો ઈ-બુક સ્વરૂપે મેં બુકગંગા – પુના મારફતે ગુજરાતીમાં ૧૦ અને અંગ્રેજીમાં ૩ એમ કુલ્લે  ૧૩ ઈ-બુક્સ થકી  પુસ્તકપ્રકાશનની શુભ શરૂઆત મેં કરી કરી દીધી છે.

આગામી જુલાઈ ૦૭, ૨૦૧૩ ના રોજ, ઈન્શા અલ્લાહ (If God wills), મારા જીવનનાં ૭૨ વર્ષ પૂરાં કરીશ. પરમ શક્તિશાળી એવા સર્જનહારની અસીમ કૃપાથી  હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. હાલ સુધી ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અને હવે મુદ્રિત (Print) સ્વરૂપે હું મારા સાહિત્યસર્જનને લોકો સમક્ષ મૂકવા માગું છું.  મને આશા છે કે મારા આ પ્રયાસને યોગ્ય પ્રતિસાદ મળશે જ અને ભવિષ્યે મારા બ્લોગ ઉપરનાં વિવિધ વિષયો ઉપરનાં લખાણોને પુસ્તક સ્વરૂપે બહાર પાડતો જઈશ.

હું સર્વોદયવાદના સૂત્ર ‘જીવો અને જીવવા દો’માં વિશ્વાસ ધરાવું છું. હું મારી જાતને એક સામાન્ય માણસ તરીકે ઓળખાવું છું અને મારા જીવનના ઘણા એવા સામાન્ય અનુભવોમાંથી એકાદ પણ મારા જેવા કોઈ સામાન્ય માણસને ઉપયોગી થશે તો તે મારું અહોભાગ્ય ગણાશે. હું સંઘર્ષમય જીવન જીવ્યો છું અને નવનીતરૂપે એક જ નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે આપણું જીવન એ જ આપણું વિદ્યાધામ છે કે જેના પ્રાચાર્ય, અધ્યાપક અને વિદ્યાર્થી જે ગણો તે આપણે જ છીએ. જીવન જીવવાનું શીખવાની પ્રક્રિયા જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલુ જ રહે છે. મોટાભાગનું જીવનશિક્ષણ આપણને મૂર્ખાઓ પાસેથી જ મળી રહેતું હોય છે. ચર્ચિલે આ જ મતલબની વાત કહી છે કે ‘I learned wisdom from the foolish people.’ અર્થાત્, ‘હું મૂર્ખ લોકો પાસેથી જ ડહાપણ શીખ્યો છું.’

મારા આ વાર્તાઓના બ્લોગ કે ભવિષ્યે જે કંઈ જે કોઈ માધ્યમે પ્રસિદ્ધ થાય તે સઘળું મારા વિચારો, મારું વાંચન અને મારા જીવનભરના અનુભવોના પરિપાકરૂપે છે. સઘળા મનુષ્યો પોતપોતાના જીવનની વાર્તાઓ કે નવલકથાઓ જ જીવતા હોય છે, પણ સૌ કોઈ તેમને અક્ષરદેહ આપવા સમર્થ નથી હોતા. મને સ્ફૂર્યું, સૂઝ્યું, ફાવ્યું, આવડ્યું એવું કંઈક લખવાનો અહીં પ્રયત્ન માત્ર જ છે, આમાં મારું કોઈ સામર્થ્ય તો નથી જ, નથી.

ધન્યવાદ.

આપ સૌનો ગુણાનુરાગી,

વલીભાઈ મુસા

14 Responses to મારા વિષે

 1. મોટાભાગનું જીવનશીક્ષણ આપણને મુર્ખાઓ પાસેથી મળી રહેતું હોય છે.

  Like

 2. Dear Musabhai, I am of 81 years, trying to learn and enjoying Internet at the (sun) set of Life. Today, peeping into your blog world, I read one sentence, ” I learnt wisdom from the foolish people” Really, I enjoyed your this quote, and wish to send my heartiest compliments.

  Like

  • Dear Vadeelshri Himatbhai,

   I am very happy to read your comment. The quotation quoted by me is actually the quotation of my favorite politician the Late Mr. Winston Churchill. Your enthusiasm for learning internet and chatting into the Blog World will surely lead you to a great success. When I started my Blog ‘William’s Tales’ in 2007, I didn’t know anything. Initially, I had to take help from my son and nephew. Now, I can independently publish my posts and do all types of activities related to blogging.

   If you need any help, feel free to let me know and I’ll try my level best to be helpful to you. We have a wide circle of Super Senior Citizens and gradually I’ll introduce you to them.

   I hope my addressing to you as ‘Vadeelshri’ will be accepted by you as you are senior to me by nine years.

   With warm regards,

   Valibhai

   Like

 3. વલીભાઈ,

  અનેકવાર તમારા બ્લોગ પર આવ્યો હશે…અહીં આવી, તમારા જીવનની “ઝલક” પહેલીવાર વાંચી અને આનંદ થયો.

  વાંચી જાણ્યું કે તમે “શિક્ષણ”ને મહત્વ ગણ્યું…કુટુંબીક પ્રેમ પર ભાર મુકી એકતા સાથે એનો પાયો મજબુત કર્યો.

  જીવન સફરે મુશકેલીઓનો સામનો કર્યો. તમોને વંદન !

  તમે બ્લોગ જગતે આવ્યા….અને, પ્રભુ/ખુદાની ઈચ્છા હશે કે આપણે એકબીજાને જાણી શક્યા…ફોનથી વાતો કરી અને પ્રભુની અંતીમ કૃપાથી પાલનપુરમાં મળી પણ શક્યા. એ બધામાં હું “આપણી મિત્રતા” નિહાળું છું

  તમારી અધુરી મનોકામનાઓ પુર્ણ થાય એવી આશાઓ.

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

  Like

 4. pragnaju says:

  તમે ૭૩મા પ્રવેશ્યા અને અમે ૭૫મા…
  સામાન સો સાલકા પલકી ખબર નહીં.
  અને વધારામા કહીએ કે
  મૈં સિકંદર નહીં, કી ખાલી હાથ જાઉંગી,
  યે કોમ્પ્યુટર વ તરન્નુમ સાથ લે જાઉંગી..
  પણ તમારી અને અમારી આ વાત લ.સા.અ જેવી લાગે છે.
  ‘હું સંઘર્ષમય જીવન જીવ્યો છું અને નવનીતરૂપે એક જ નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે આપણું જીવન એ જ આપણું વિદ્યાધામ છે કે જેના પ્રાચાર્ય, અધ્યાપક અને વિદ્યાર્થી જે ગણો તે આપણે જ છીએ. જીવન જીવવાનું શીખવાની પ્રક્રિયા જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલુ જ રહે છે. મોટાભાગનું જીવનશિક્ષણ આપણને મૂર્ખાઓ પાસેથી જ મળી રહેતું હોય છે. ચર્ચિલે આ જ મતલબની વાત કહી છે કે ‘I learned wisdom from the foolish people.’ અર્થાત્, ‘હું મૂર્ખ લોકો પાસેથી જ ડહાપણ શીખ્યો છું.’

  Like

 5. Himatbhai Patel says:

  Bhai Shree Musabhai,
  Recd your message, and wish to thank you very much, for your so kind intimacy to offer me your valued guadiance, when needed, in using the Internate,
  In my case and others like me, I believe, mostly we are obliged to our Grand children, (third generation) from whom we are inspired, encouraged and learnt the “ABC” of Internate. Lastly, two years before, when I was in USA, my grand childrens persisted me to open the ID. as ( hhdadaji@yahoo.co.in, ) and teached me to write, send and to open the Emails on Leptops. Now, the IPhone and IPad has made it easy, to send iMessage, what’s up, tango, Viber etc.
  By this knowledge, to pass the time in old age has become interesting.
  Thanks to the learned blog writers like you and others, the loneliness of only Gujarati learnt old people, knowing Internet can enjoy, learn and earn knowledge from this.
  Many thanks for honouring me as the Super Senior Citizen. If fact, I tell you that, I am SSC, (Secondary School leaving Cerficate holder) when I left my study and joined my hereditary business.
  In end, Mr.Musabhai, I have no objection to accept your addressing as “Vadeelshri” upto the age is concerned, but never in the fact of “Knowledge” Learned one is always Honoured by his knowledge,not by age.

  Like

 6. hirals says:

  આદરણીય વલીકાકા,
  તમને મળીને ઘણો જ આનંદ થયો. ખુબ સુંદર પરિચય આપ્યો છે આપે.
  એક એક વાક્ય અંતરના ઉંડાણમાંથી અને બહુ સહજતાથી લખાયેલું છે. જરુરથી અમારા જેવા નવા નિશાળીયાઓને આપના અનુભવોમાંથી પ્રેરણા મળશે.

  Like

 7. થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું…

  આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ…

  Like

 8. સ્નેહી શ્રી વલીભાઈ, હું પણ ગાંડી ઘેલી વાતો લખું છું. હવેથી હું આનને ફોલો કરીશ. આપના લેખ સીધા મને મળી જશે. આપની કૃત્તિઓનો લાભ લેતો રહીશ. હું કોઈ ઘડાયલો જાણીતો સાહિત્યકાર નથી. મનફાવતી વાતો વાર્તા તરીકે લખતો રહું છું. બ્લોગ દ્વારા મળતા રહીશું. મજામાં હશો.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

  • મુરબ્બીશ્રી પ્રવીણભાઈ,
   આખરે મારી ધીરજ ફળી ખરી ! જો જો પાછા, એમ ન સમજતા કે આપ મને ફોલો કરશો એ અર્થમાં હું મારી એવી કોઈ ધીરજની વાત કરી રહ્યો છું ! તા. ૨૭ ઓક્ટો., ‘૧૩ ના રોજ મેં રજનીભાઈ પંડ્યા, નીલમબેન દોશી, રાઓલજીભાઈ અને લતાબેન હિરાણી સાથે મારા ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ’ પેજ માટે આપની કોઈ શ્રેષ્ઠ વાર્તાની પણ માગણી કરી હતી. હવે આપ જ્યારે મારો બ્લોગ ફોલો કરવાના જ છો તો એક જ વખતનું ભાડું તો વસુલીશ જ. આપની વાર્તાઓ હૃદયસ્પર્શી હોય છે અને તેમના માટે આપ ‘ગાંડીઘેલી વાતો’ શબ્દોનો જે પ્રયોગ કરો છો, તે આપની નમ્રતા અને મહાનતા સૂચવે છે. મારા એક શાયર મિત્ર કહેતા હતા કે જે કોઈ શાયર બનવા માગતું હોય તેણે અન્ય નામાંકિત શાયરોના ઓછામાં ઓછા હજારેક શેર કંઠસ્થ કરવા જોઈએ. સાહિત્યના કોઈપણ પ્રકારને આ વાત એટલી જ લાગુ પડે છે. સિદ્ધહસ્ત વાર્તાકારે પણ અન્યોની વાર્તાઓ વાંચવી જોઈએ. એવું પણ બને કે કોઈ નવોદિત વાર્તાકાર ગુરુનો પણ ગુરુ બની બેસે ! આપ જેવા મિત્રો પાસેથી તો આપના મતે આપની જ શ્રેષ્ઠ વાર્તા એમ માગણી કરતો હોઉં છું, પણ એક નવોદિતે અચકાતાં અચકાતાં પોતાની એક વાર્તા મોકલી આપી છે; જેને હું ભાષાકીય રીતે મઠારીને re-write કરી રહ્યો છું અને તેને મૂકવાનો છું. મેં તેમને શીર્ષક સુધારી લેવાનું જણાવ્યા પછી સાહિત્યના Absurd પ્રકારની બીજી રીતે વિચારતાં મેં મારું સૂચન પાછું ખેંચી લઈને તે જ શીર્ષકને યથાવત્ જ રાખ્યું છે. આપણે ટેલિફોનિક વાતચીત કરીએ તો કેમનું રહેશે ? મારો મોબાઈલ નં. ++ ૯૧ – ૯૩૨૭૯ ૫૫૫૭૭ છે. આપનો નંબર જણાવો તો હુ ફોન કરીશ. આપનાં કુટુંબીજનોને મારી સ્નેહભરી યાદ.

   Liked by 1 person

   • વલીભાઈ આપે તો વ્હાલની વર્ષાથી તરબોળ કરી દીધો. આપનો ઈ-મેઈલ મળ્યો હતો. પણ મોટા નામો સામે કોઈ કૃતિ મોકલવાનો સંકોચ થતો હતો. આપનું નામ પણ બ્લોગ જગતમાં મોટું અને જાણીતું. એટલે ક્ષોભમાં મૂગો રહ્યો. મારી મોટી નબળાઈ જોડણી અને તેમાંયે ટાઈપ કરતા શિફ્ટ ખોટી રીતે ડબાઈ જાય અને ભૂલોનો ગુણાકાર થઈ જાય.
    હવે પ્રયોગ તરીકે મારા બ્લોગની એક વાર્તા જોઈ જવા આપને સૂચન કરું છું. કદાચ આપને ગમશે.
    બ્લોગમાં મે ૧૨ ૨૦૧૨ ને દિવસે મુકાયલી વાર્તા કોણ માં. જોકે એ PDF માં છે. નાના લાલ ફોન્ટમાં KON MAA શબ્દ પર ક્લિક કરવાથી એ વાર્તા ખૂલશે. જો કોઈ રીતે આપને ઉપયોગી લાગે તો મારી પાસે ડોક્યુમેન્ટ્સ માં છે. મોકલી આપીશ.
    મારો ફોન નંબર ૦૧-૭૩૨-૮૦૪-૮૦૪૫ છે. આપણે જરૂર વાતો કરીશું.
    કુશળતા સહ પ્રવીણ શાસ્ત્રીન સ્નેહવંદન.

    Like

 9. Hasanali Yusuf says:

  salam, valikaka,,,.apni vartaoni book banavo ,,,,,,, title. ..William no valopat(dil ni lagnio)…………vartao mate no words…….

  Like

 10. શ્રી વલીભાઈ મુસાજી,
  અવાર નવાર તમારું નામ ગુજરાતી ભાષાના બ્લોગોમાં જોવા મળે છે અને આજે તમારો પરિચય તમારા જ
  બ્લોગમાં વાંચવાનું યોગનુયોગ સાંપડ્યું તેમાંની વિગતો વાંચી.
  ગજરાતી ભાષામાં તમારું ‘ખેડાણ’ અને ‘યોગદાન’ આપીને તમે માતૃભાષાને સમૃદ્ધ કરી છે તેની નોંધ તમારા
  વાંચકો અને પ્રશંસકોએ લીધી છે.
  મને પણ આ બે લીટી લખીને તમારા વખાણ કરવાની તક આપો તો મહેરબાની.
  —પ્રભુલાલ ભારદિઆ

  Like

  • આપનો આભાર, પ્રભુલાલભાઈ. આપની કોમેન્ટ કોઈ કારણોસર Spam થઈ હતી, જેને મેં Un-spam કરીને Approve કરી છે. આપને આપણા સર્વના બ્લોગ webgurjari.in ઉપર આમિંત્રિત કરું છું. આપને ત્યાં ઉમદા વાંચન મળી રહેશે. વિશેષમાં મારો Parent Blog – “William’s Tales” – http://musawilliam.wordpress.com પણ સૂચવું છું. આ દ્વિભાષી બ્લોગ છે, જેમાં વિષય વૈવિધ્ય તો છે જ, પણ તેમાં આપને આપણા બે ગુજરાતી સર્જકો (શ્રીમુકેશ રાવલ અને શ્રી વિજય જોશી)નાં અંગ્રેજી કાવ્યોના મારા ભાવાનુવાદ અને રસદર્શન વાંચવાનો ખૂબ જ આનંદ મળશે. ધન્યવાદ. દુઆગીર/સસ્નેહ, વલીભાઈ મુસા)

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s