બિચ્ચારા દુખિયારા!

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે :

“નામદાર ન્યાયાધીશ સાહેબ,

આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?

મારી પત્ની અને મારા વચ્ચેની તકરારના કારણે અમારા દાંપત્યજીવનમાં પડેલી તિરાડને પૂરવા માટે મારી યથાશક્તિ તથા યથામતિએ મેં સઘળા પ્રયત્નો કરી જોયા છે, પણ કોઈ પરિણામ મેળવી શકાયું નથી. આખરે મારે ન્યાય મેળવવા આપની અદાલતના શરણે આવવું પડ્યું છે, પરંતુ અહીં મુદ્દતો ઉપર મુદ્દતો પડતી જતી હોઈ હું મારા જીવતાં ન્યાય મેળવવાની આશા ખોઈ બેઠો છું. મારી પત્નીએ મારા હુકમનો અનાદર કરીને નાણાંથી ભરપાઈ ન થઈ શકે તેવું મને પારાવાર માનસિક દુ:ખ પહોંચાડ્યું હોવા છતાં એ ખુલ્લા દિલે પોતાની ભૂલનો એકરાર કરીને મારી માફી માગી લે તો હું તેને માફ કરવા તૈયાર છું. પરંતુ એ જીદે ચઢી હોઈ મારી પાસે આપની કોર્ટ સમક્ષ ધા નાખવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. આમ મારી સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. દાદ મેળવવા માટે મુકેલો કેસ હું પાછો ખેંચી શકતો નથી કે તેની આગળ નમતું મૂકી પણ શકતો નથી.

આશા રાખું છું કે આપ સાહેબ મને આપવામાં આવેલી આગામી તારીખે અમારો કેસ હાથ ઉપર લઈને મને યોગ્ય ન્યાય આપી આભારી કરશો કે જેથી હું મનોમન જે શરમિંદગી અનુભવી રહ્યો છું તેમાંથી મુક્તિ મેળવી શકું, હું મારા નામ પ્રમાણે હસતું મુખ રાખી શકું, પિતાના નામ મુજબ સુખ પ્રાપ્ત કરી શકું અને મારી ‘દુખિયારા’ અટકને ખોટી પાડી શકું. ધન્યવાદ.

આપનો વિશ્વાસુ,
હ. સુ. દુખિયારા”

અરજીના અંતિમ લખાણને સાંભળીને મલકી પડતા શ્રી અનંતરાય ફિરોઝખાનને જણાવે છે કે અરજદાર જો કોર્ટ પરિસરમાં હાજર હોય તો તેમને હાલ તરત જ બોલાવી લેવામાં આવે તથા મિ. દુખિયારાના કેસને સંલગ્ન સઘળી સાધનિક સામગ્રી સાથેની ફાઈલ પણ મંગાવવામાં આવે.

આ દરમિયાન રાવલ સાહેબ અને ફિરોઝખાનની વચ્ચે આમ વાર્તાલાપ થાય છે:

‘અરજદાર પોતાને સુપર સિનિયર સિટીઝન તરીકે ઓળખાવે છે, માટે ઈન્કમ ટેક્ષના નવા નિયમ પ્રમાણે તેઓ એંશી કરતાં વધારે વયના હોવા જોઈએ. સામાન્ય રીતે ફેમિલી કોર્ટોમાં વયોવૃદ્ધોનાં સંતાનો તરફથી ભરણપોષણ મેળવવા માટેના કે તેમના અન્ય મિલ્કતોના હકદાવા જેવા વિવાદોના નિરાકરણ માટેના કેસો આવે, પણ અહીં મામલો પતિપત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો અંગેનો લાગે છે; જે આ ઉંમરે અજુગતો ન ગણાય?’

‘જી સાહેબ, જો એમ જ હશે તો ભારતીય અદાલતોમાં એ વિક્રમજનક ઘટના ગણાશે.’ મિ. ફિરોઝખાને કહ્યું.

‘પણ ખાનભાઈ, આપણે એવો કોઈ વિક્રમ સર્જાવા દેવો નથી. આપણે એવો કોઈક માર્ગ કાઢીએ કે જેથી અરજદાર પોતાની મેળે જ કાં તો કેસ પાછો ખેંચી લે અથવા આપણે વયોવૃદ્ધ યુગલ વચ્ચે સમાધાન કરાવી દઈએ. મોટા ભાગનાં વયોવૃદ્ધોના પ્રશ્નો વાસ્તવમાં તો ક્ષુલ્લક હોય છે, પણ તેમની અતિ સંવેદનશીલતાના કારણે તેઓ તેમને ગંભીર બનાવી દેતાં હોય છે. મનોવૈજ્ઞાનિકોએ પણ બુઢ્ઢાપણ અને બાળપણને એકસમાન ગણાવ્યાં છે. સાચી કે ખોટી હઠ પકડવી, વાતવાતમાં રિસાઈ જવું, મમતા કે પ્રેમપૂર્વકની સમજાવટથી કોઈ મનાવે તો છેવટે માની જવું, ભૂલકણો સ્વભાવ થઈ જવો વગેરે જેવાં ઘણાં સામ્યો આપણને એ લોકોમાં જોવા મળશે. આપણી સામેના આ કેસમાં મને લાગે છે કે અરજદારનાં પત્ની કે અન્ય કુટુંબીજનોને ખબર પણ નહિ હોય અને કોઈ એવી સામાન્ય બાબતને ગંભીર રૂપ આપીને એમણે અદાલતમાં અરજી કરી દીધી હોય!’

‘જે હોય તેની આપણને હમણાં જ ખબર પડી જશે.’

ફિરોઝખાન મૂળ મુદ્દા ઉપર આવતાં કહે છે, ‘આપની વાત સાચી છે કે આ કેસ પાછો ખેંચાય કે તેમાં સમાધાન થઈ જાય તે જ ઈષ્ટ ગણાય. હવે સમાધાન માટે તો આપણે સામેના પક્ષને બોલાવવો પડે અને હજુ સુધી આપણે કેસને બોર્ડ ઉપર લીધો પણ નથી. આપ સંમતિ આપો તો હું કંઈક એવું ગતકડું કરું કે એ વડીલ જ કેસ પાછો ખેંચી લે અને સમાધાન કરાવવાની નોબત જ ન આવે.’

‘જાઓ, સારા હેતુ માટે તમને ગમે તે કરવાની છૂટ છે.’

થોડીવારમાં સેવક કોર્ટની કેન્ટિનમાં ચા પીતા મિ. દુખિયારાને શોધી કાઢીને ચેમ્બરમાં લઈ આવે છે. શ્રી અનંતરાય પોતાના માનવંતા હોદ્દાના પ્રોટોકોલને અવગણીને મિ. દુખિયારાની ઉંમરનો લિહાજ કરતાં ઊભા થઈને તેમને આવકારે છે અને સામેની ખુરશીમાં બેસવાનો સંકેત કરે છે. તેમની વચ્ચે વાતચીત આરંભાય છે.

‘વડીલ, આપની વાત સાચી છે. ખાસ ફેમિલી કોર્ટો કે અન્ય કોર્ટોમાં પણ વયોવૃદ્ધોને લગતા કેસોને પ્રાથમિકતા અપાવી જોઈએ. જો કે આ એક વિશદ ચર્ચાનો મુદ્દો છે અને હાલ આપણે તેને બાજુમાં રાખીએ. હું આજના મારા હાથ ઉપરના કેસને રિસેસ પછી ચાલુ રાખવાનું માંડી વાળીને તેમને નવીન તારીખ આપી દઉં છું અને આપના મામલા વિષે આપણે થોડોક વિચારવિમર્શ કરી લઈએ. સર્વપ્રથમ તો આપને જણાવી દઉં કે હું આપનો આ કેસ ચલાવતો નથી, પણ ફેમિલી કોર્ટોના શિરસ્તા મુજબ સમાધાનની શક્યતા ચકાસી રહ્યો છું.’ ન્યાયાધીશશ્રી અનંતરાયે કહ્યું.

‘મિ લોર્ડ, સમાધાન માટેના મારા બધા પ્રયત્નો નિષ્ફળ પુરવાર થયા છે અને આમાં આપ આપનો મૂલ્યવાન સમય ન વેડફો તેવી હું અરજ કરું છું.’

‘આપની આજની અરજીમાં એ બાબત તો છે જ કે આપનાં પત્ની જિદ્દી છે અને આપના હુકમનો અનાદર કરીને તેમણે આપને દુભવ્યા છે. પરંતુ કોર્ટ એમ પણ ધારી શકે કે આપનાં પત્ની ભલે નમતું ન મૂકતાં હોય, પણ આપ પોતે સમજદારી બતાવીને માફીનો આગ્રહ પડતો મૂકો તો સમાધાન થઈ પણ શકે ને!’

‘એ તો સાહેબ નહિ જ બને.’

‘બસ, મને આપના આ જ જવાબની અપેક્ષા હતી.’

‘એમ કેમ?’

‘આપ પણ આપનાં પત્ની જેટલા જ જિદ્દી હશો એ સાબિત કરવા માટે જ તો! ચાલો આપણે એ વાત રહેવા દઈએ અને બીજું પૂછું તો આપ કોઈ સરકારી અધિકારી તરીકે નોકરી કરતા હતા કે?’

‘હા, પણ આપને શી રીતે ખબર પડી?’

“આપે અરજીમાં ‘હુકમનો અનાદર’ શબ્દોનો પ્રયોગ કર્યો છે, તે ઉપરથી. હવે આપને થોડીક વધારે અંગત પૂછપરછ અને તેને આનુષંગિક વાત કરું તો તેને હળવાશથી લેવા વિનંતી. જુઓ વડીલ, હું આપની સાથે ન્યાયાધીશની હૈસિયતથી વાત નથી કરી રહ્યો. મારો કહેવાનો મતલબ આપને સમજાય છે?’ રાવલ સાહેબે સ્મિતસહ કહ્યું.

‘જી’

‘આપને નિવૃત્ત થયે કેટલો સમય થયો અને આપ છેલ્લે નિવૃત્તિ સમયે કયા હોદ્દા ઉપર હતા?’

‘નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ)ના હોદ્દેથી અને મારી વયનિવૃત્તને પચીસ વર્ષ થયાં.’

‘માફ કરજો વડીલ, પરંતુ આપ હજુસુધી અધિકારી તરીકેની માનસિકતામાંથી બહાર નીકળ્યા નથી લાગતા. ઘર અને ઓફિસ એકબીજાંથી સાવ ભિન્ન સ્થળો છે અને માણસે બંને જગ્યાએ વિવેકબુદ્ધિથી વર્તવંર જોઈએ. વળી વૃદ્ધાવસ્થાએ તો જીવનસાથી સાથે સુમેળથી રહેવું જોઈએ. દાંપત્યપ્રેમ એ અરસપરસની ચાહતના ઉપલકિયા દેખાડા, મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં રાત્રિભોજન કે પછી હાથમાં હાથ નાખીને લટાર મારવાથી પ્રગટે નહિ; પરંતુ એકબીજાંને માનસન્માન આપવાથી, ઉભય પક્ષે અનુકૂલન સાધવાથી, સમાધાનકારી વલણ અપનાવવાથી, એકબીજાંની સારસંભાળ લેવામાંથી અને પરસ્પરના વિશ્વાસના પાયા ઉપર જ એ દાંપત્યપ્રેમ પ્રગટી શકે. મારાથી નાનકડું ભાષણ અપાઈ ગયું એમાં મારી વિદ્વતા ન સમજી બેસતા, મુરબ્બી; પરંતુ છેલ્લાં બે વર્ષથી ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવતાં બજાવતાં મારી સમક્ષ આવેલા કેસોમાંથી નીકળેલાં આ બધાં તારણો છે. બાય ધ વે, હું જાણી શકું કે આપનાં શ્રીમતીજીએ આપના કયા હુકમનો અનાદર કર્યો છે?’

‘આપ સાહેબ હાલ એ જાણવાનો આગ્રહ ન રાખો તો સારું, કેમ કે અમારો કેસ ચાલવા ઉપર આવે ત્યારે જ મારા કેસ સાથે સંલગ્ન એ સીલબંધ પરબીડિયાને ખોલવામાં આવે એવી મારી વિનંતીને એ વખતના ન્યાયાધીશ સાહેબે ગ્રાહ્ય રાખી હતી. આ માટેનું કારણ માત્ર એટલું જ કે મારાં પત્ની મારા હુકમના અનાદર બદલની માફી માગી લે તો હું મારો કેસ પાછો ખેંચી લઉં અને મેં તેની ઉપર મુકેલા ચાર્જની ગોપનીયતા જળવાઈ રહે. ગોપનીયતા જાળવવી એટલા માટે જરૂરી છે કે અમારી વચ્ચેના મનદુ:ખની એ વાત કોર્ટમાં જાહેર થઈ જવાથી મારે-અમારે હાંસીપાત્ર થઈને શરમિંદગી અનુભવવી ન પડે.’

‘આપનો ન્યાય તોળનાર અદાલતને જ આપની પત્ની દ્વારા આપના હુકમના થયેલા અનાદરની ખબર ન પડે એ વિચિત્ર ન ગણાય? વળી અમારે કેસ ચલાવવા પહેલાં આરોપીને તેમની સામે મુકાયેલા ચાર્જને જણાવવો પડે. જો કે ફેમિલી કોર્ટોને કાનૂની પ્રક્રિયામાં બાંધછોડ કરવા માટેની અમને મળેલી ખાસ સત્તાઓ અન્વયે આપની અરજીને સીધી કેસ તરીકે સ્વીકારી લેવામાં આવી છે. વળી આપ ૮૦ વર્ષ કરતાં વધારે વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન હોઈ આપની લાગણી સાચવવા માટેની અમારા માટેની ખાસ આચારસંહિતા મુજબ અને આપસમાં સમાધાન થઈ શકવાની શક્યતાની ધારણાએ આપે આપનાં પત્ની ઉપર મુકેલા આરોપની હકીકતને સીલબંધ કવરમાં રાખવા દેવામાં આવી છે. હવે આપ જ કહો છો કે સમાધાનની કોઈ શક્યતા દેખાતી નથી, તો આપને આપેલી આગામી તારીખે જ અમે કેસને બોર્ડ ઉપર લઈએ છીએ. હવે આપ એ સીલબંધ કવર ખોલી શકવાની સહમતી દર્શાવતી અરજી હાલ જ લખી આપો તો હાલ જ આપની હાજરીમાં સીલબંધ કવરમાંના આપની પત્ની ઉપરના આપના આરોપનામાને અમે જાણી લઈએ અને તદનુસાર તેમને આગામી તારીખે હાજર રહેવા માટેની કારણ સાથેની નોટિસ બજાવી દઈએ.’

એટલી વારમાં કોર્ટનો જુનિયર ક્લાર્ક કેસ સાથેની સઘળી સાધનિક સામગ્રી સાથે આવે છે. મિ. દુખિયારા સીલબંધ કવર ખોલવાની સહમતી માટેની અરજી આપી દે છે. જ્યારે હેડક્લાર્ક શ્રી ફિરોઝખાન કવર ખોલવા માંડે છે, ત્યારે મિ. દુખિયારા ચેમ્બરમાં સિલીંગ ફેન ફરતો હોવા છતાં પરસેવાથી રેબઝેબ થઈ જતા ગભરામણથી ધ્રૂજવા માંડે છે અને ક્વર ન ખોલવાની વિનંતી કરે છે. પરંતુ શ્રી રાવલ સાહેબ મરક મરક હસતાં તેમની અરજીના આખરી ફકરાની યાદ અપાવતાં કહે છે, ‘હવે તો અમારે આપને શરમિંદગીમાંથી આઝાદ કરાવવાના છે, આપના નામ પ્રમાણે આપનું મુખ હસતું કરાવવાનું છે અને આપના પિતાના નામ ‘સુખલાલ’ મુજબ આપને સુખી કરીને આપને દુખિયારામાંથી સુખિયારા બનાવવાના છે.’ મિ. ફિરોઝખાન પણ સ્મિત કર્યા સિવાય રહી શકતા નથી.

ફિરોઝખાન મનમાં આરોપનામાને વાંચી લીધા પછી પોતાની છાતી ઉપર હાથ મૂકતાં રાવલ સાહેબ સામે આડું જોઈને આંખ મીંચકારતાં થોથવાતી જીભે અને વ્યથિત અવાજે બોલે છે, ‘સર, આ વડીલનો તેમની પત્ની ઉપરનો હાસ્યાસ્પદ આરોપ જાણ્યા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મારી છાતીમાં દુખાવો થતો હોઈ હૃદયરોગના હુમલા જેવું મને લાગી રહ્યું છે. વડીલ કેસ પાછો ખેંચી લે તો મને લાગે છે કે ઠીક થઈ જશે, નહિ તો ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી પડશે; મારી જિંદગીનો ખતરો છે’

રાવલ સાહેબ ફિરોઝખાનના હાથમાંથી કાગળ લઈ લઈને એક નજર નાખતાં કારણ જાણી લે છે. તેઓશ્રી મિ. દુખિયારાને થોડાક સત્તાવાહી અવાજે અને છતાં નમ્રતાપૂર્વક જણાવે છે, ‘વડીલ, કેસ પાછો ખેંચવાનું જલદી જાહેર કરો, નહિ તો અમારે અમારો માણસ ખોવો પડશે અને તેમનું કુટુંબ રઝળી પડશે.’

મિ. દુખિયારા હાંફળા ફાંફળા થતાં રડમસ અવાજે એકીશ્વાસે બોલી નાખે છે, ‘સાહેબ, હું મારો કેસ પાછો ખેંચું છું. હું કોરા કાગળ નીચે સહી કરી આપું છું. આપ સાહેબોને તકલીફ આપવા બદલ માફી માગું છું. જરૂર લાગે તો આ સાહેબના માટે એમ્બ્યુલન્સને બોલાવી લેજો. તેમની સારવારનું ગમે તેટલું ખર્ચ થશે તે હું ચૂકવી દઈશ. મને જલદી ઘરે જવા દો, નહિ તો મને પણ આ સાહેબ જેવું થશે અને ઘરવાળાં તથા મારી પત્નીની માફી માગી લેવાનું પણ બાકી રહી જશે.’

‘આપનું ભલું થાય વડીલ, આપનાં પત્નીએ આપના ડેન્ચરને બ્રશ કરી આપવાની ના પાડી, એમાં શું મોટો હુકમનો અનાદર થઈ ગયો કે જેથી આપને બિચારાં માજી વિરુદ્ધ કેસ દાખલ કરવો પડ્યો! આમ છતાંય આપની સજ્જનતાને બિરદાવું છું કે આપે ચીભડાના ચોરને ફાંસીની સજા એવું ડાયવોર્સનું હથિયાર ઊગામવાના બદલે તેઓ બીજા દીકરાના ત્યાં રહેવા જાય અને આપ શેષ જીવન એકલા જ શાંતિથી વિતાવી શકો તેવો ન્યાય માગ્યો છે. ખરે જ આપે પશ્ચિમના દેશોમાં જાણવા મળતાં દંપતીઓનાં વિખવાદનાં ક્ષુલ્લક કારણોને મહાત કરી દીધાં છે! હવે આપ જલદી ઓટો કરીને ઘરે જાઓ અને કહો તો હું અમારા સેવકને સાથે મોકલું.’

‘ના, સાહેબ. આભાર.’

મિ. દુખિયારા વીલા મોંઢે ચેમ્બરમાંથી બહાર નીકળે છે. મિ. ફિરોઝખાન રાવલ સાહેબ સામે સૂચક નજરે જોતાં મલકી પડે છે, પરંતુ રાવલ સાહેબ તો ઊંડો શ્વાસ લેતાં પ્રતિભાવમાં એટલું જ બોલે છે : ‘બિચ્ચારા દુખિયારા!’

– વલીભાઈ મુસા
(તા.૧૧-૦૨-૨૦૧૭)

પ્રસિદ્ધ : ‘અક્ષરનાદ’ તા.૦૫૦૬૨૦૧૭

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to બિચ્ચારા દુખિયારા!

  1. pragnaju says:

    પતિ પત્ની વચ્ચેની તકરારના કારણે અમારા દાંપત્યજીવનમાં પડેલી તિરાડને પૂરવા માટેના કેસ અમારા મહીલા મંડળને સોંપાતા અને ઘણા ખરા કેસમા સુખદ સમાધાન કરાવતા મા મેજીસ્ટ્રેટ સાહ્બ અબ્ભિનંદન પણ આપતા
    પણ વલીભાઇની કસાયલી કલમે લખાયેલ આ વાત રમુજ સાથે રીટાયર્ડ અધિકારીના માનસનો પણ સ રસ અભ્યાસપૂર્ણ ચિત્રણ રજુ કરે છે.
    યાદ આવે સ્વ.જ્યોતિંદ્ર દવે પોતાના દુર્બળ તન પર કટાક્ષ કરી લેતા પણ અર્ધાંગનાને વ્યંગથી અળગી રાખતા. જો આ હાસ્યકારો પત્નીને પોતાની પ્રેરણામુર્તિ સમજતા હોય તો તેને લાડ કરાય, કે શંખણી તરીકે ચિતરાય! આ લોકો આપણા કવિઓ પાસેથી કેમ કાંઇ પાઠ નથી લેતા? પોતાની પ્રેમિકા-પત્ની-પ્રેરણામૂર્તિને કેવા મનોહર શબ્દ-પુષ્પોથી સજાવતા હોય છે! યાદ કરો, કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ અમર રચના “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ હું એકલો…”. એક તો એવો વિરલ હાસ્ય લેખક-કલાકાર બતાવો જેણે સ્વપત્નીનાં ગુણગાન ગાયાં-લખ્યાં હોય!
    અંત જ્યોદના લેખ જેવો લાગ્યો-‘બુદ્ધિની કસોટી કરનારા સવાલો આવે છે. ને તંત્રી હંમેશા લખે છે કે : ‘કોઈ બહેન આવાં ઉખાણાં રચીને અમને મોકલશે તો અમે ખુશીથી છાપીશું. મને પણ એક દિવસ એવું ઉખાણું બનાવીને મોકલવાનું મન થયું ને મોકલ્યું.
    ‘મને પહેલેથી કહ્યું કેમ નહિ ?’
    ‘મારે જોવું હતું કે તમારાથી થઈ શકે છે કે નહિ.’
    ‘વારુ, હશે. પણ હવેથી એવું કંઈ મોકલીશ નહિ. પણ ચાલ પેલા ‘ટિકિટ માસ્તર’ને જવાબ કહી આવું. નહિ તો બ્રહ્મહત્યા લાગશે !’
    ‘ટિકિટ-માસ્તર, કયો ?’ મારી સ્ત્રી પૂછતી રહી ને વિશ્વની વિચિત્રતા વિશે વિચાર કરતો હું ‘ટિકિટમાસ્તર’નો જીવ બચાવવા ચાલ્યો

    Like

  2. વલીદા
    શ્રીમાન દુખિયારાએ કોર્ટમાં જવા કરતાં આ સુખિયારા પાસે આવવાની જરૂર હતી. ન્યાં ક્ણે તો ઈવડી ઈની સેવા કરવાને અમે લ્હાવો ગણવામાં ગૌરવ સમજવામાં આવે છે. આ બ્રહ્મવાક્ય – બધી ઉલઝનોનો રામબાણ ઈલાજ છે.

    ‘તમે કહો તે ફાઈનલ !’

    Like

    • મને ખાત્રી હતી જ કે આ વાર્તા તમારા વાંચનના ઝપાટામાં આવશે, તો કંઈક ટીખળ કર્યા સિવાય રહેશો નહિ. મારી ધારણા સાચી પડી.

      Like

  3. વાર્તા રમુજ સહ સંધ્યાના આંગણે ઉભેલા દંપતીની વાસ્વિકતના ઉડાણ સમજવા સહેલા છતાં અઘરા, અને આપણાંજ વતનની ન્યાયાલયની વાસ્ત્વિકતાના દર્શન થાય છે.અહીં બેઠાં બેઠાં વાર્તા વાંચવાની મજા પડી..આભાર સાહેબ.

    Like

    • વિશ્વદીપભાઈ, પ્રતિભાવ બદલ આભાર. ઘણા સમય બાદ પરોક્ષ મુલાકાતનો આનંદ થયો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s