ખાટલાકોર્ટે શ્વાનખટલો

કેદીઓની બેરેક, રેલ્વે સ્ટેશનોના રેનબસેરા, હોટલોની ડોરમેટરીઓ, શહેરોની ફૂટપાથો કે દવાખાનાંઓના જનરલ વોર્ડની જેમ ઉનાળાની રાત્રિઓએ અમારા મહેલ્લાના લોકો પોતપોતાનાં આંગણાંમાં હારબંધ ઢોલિયાઓમાં સૂઈને, ઘરમાંના વીજપંખાઓને આરામ આપીને, વીજ ઉર્જાબચતની સરકારી ઘોષણાઓને આરામથી ઊંઘીને સન્માન આપતા હતા. ભસતાં કૂતરાં તેમની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકતાં ન હતાં, કેમ કે દિવસભરના શ્રમનો તેમનો થાક અને  મંદમંદ વાતા કુદરતી પવનનો પિચ્છસ્પર્શ મીઠી નિંદર માણવા તેમના માટે પ્રેરક બની જતાંં હતાં.

પરંતુ હું એ બધાંમાં અપવાદ રૂપે જાગી રહ્યો હતો. આકાશદર્શન એ મારો શોખ હતો અને તદનુસાર હું તો પથારીમાં પડ્યો પડ્યો આકાશમાંના વિવિધ તારાઓ અને તારાસમૂહોને નિહાળી રહ્યો હતો. ટમટમતા તારલાઓ અને વાદળોમાં સંતાકૂકડી રમતા ચંદ્રના સૌંદર્યમાં હું એવો તો મગ્ન હતો કે પેલાં ભસતાં કૂતરાંના કર્કશ અવાજો મારી રસવૃત્તિને બાધક નિવડતા ન હતા.

પણ ત્યાં તો ધડધડ પગલાંના અવાજ સાથે હાથમાં લાકડી લઈને મહેલ્લાના છેડે રહેતા કાન્તિકાકા એક કૂતરા પાછળ એમ બબડતા દોડવા માંડ્યા કે ‘આજે જો તું મારી ઝાપટમાં ન આવ્યું, તો દિવસે તારી વાત; તને પાડી દીધું જ સમજજે.’

મેં ધીમા અવાજે પૂછ્યું, ‘કેન્ટ અંકલ, કેમ કેમ શું થયું?’

હું કાન્તિકાકાને કેન્ટ અંકલ નામે બોલાવતો હતો તેના સામે તેમણે મારા એવા પહેલા સંબોધનથી જ વાંધો લીધો ન હતો. તેમને પોતાને કદાચ તેમનાં ફોઈએ પાડેલું કાન્તિ નામ ગમતું નહિ હોય અને વળી મારા જેવો કોલેજિયન તેમને આવું અંગ્રેજી નામ આપે તે તેમને પસંદ પડી ગયું પણ હોય! જે હોય તે પણ દરેક વેકેશનમાં મારી પાસે દરરોજ અડધોએક કલાક તો તેઓ જરૂર પસાર કરે, કેમ કે અમારી વચ્ચે આત્મીયતાનો સેતુ બંધાઈ ચૂક્યો હતો.

‘અલ્યા અસોક, મારું બેટું એ એવું હેવાયું થઈ ગયું છે કે રોજ રાત્રે પથારીમાં મારા ભેગું સૂઈ જાય છે અને મને ગંદુગંદુ લાગે છે. ભલે પાપ થાય, પણ મારે તેને ઠેકાણે પાડવું જ પડસે.’

‘પેલું આલ્શેશિયન જેવું લાગે છે, તે તો નથી?’

’હા, એ જ. ભલે એ આલ્સેસિયન જેવું લાગતું હોય કે ફાલ્સેસિયન જેવું લાગતું હોય, પણ તેની આ  હરકત ચલાવી ન લેવાય.’

મારું નામ જો કે અશોક હતું, પણ તેઓ અને અસોક કહીને જ બોલાવતા. મેં તેમને મારા નામના ઉચ્ચારને સુધારવા જણાવ્યું હતું ત્યારે તેમણે તેમની અશક્તિ જાહેર કરતાં મને મારું નામ જ બદલી દેવાની સલાહ આપી હતી. અમારી વચ્ચેનો આ મુદ્દે થયેલો સંવાદ જે હજુય મને યાદ છે, જે આ પ્રમાણે હતો :

‘કેન્ટ અંકલ, તમને ‘શ’ અને ‘સ’ વચ્ચેનો ઉચ્ચારભેદ તમારા ગુરુજીઓએ શિખવ્યો નથી કે શું?’

‘સાળાજીવન દમિયાન એ બિચારા એ સિખવવા ખૂબ મથ્યા, હું પણ મથ્યો; પરિણામ સૂન્ય. મારા પોતરાએ હોઠથી સીટી વગાડવાની ખૂબ પ્રેક્ટિસ કરીને તેના સંકર નામને ઠીક રીતે બોલવા મથામણ કરાવી, પરિણામ સૂન્ય. તારી કાકીએ જ્યારે મને હડફાવ્યો કે આ ઉંમરે સીટીઓ વગાડતાં તમને સરમ નથી આવતી, ત્યારે તેની વાતની સરમ ભરીને મેં સીટીઓ વગાડવી બંધ કરી. જો અસોક, દરેક માણસમાં કોઈ ને કોઈ કમજોરી તો હોય જ છે.’

વચ્ચે આડવાતમાં ઊતરી ગયો તે બદલ ક્ષમાયાચના. એ રાત્રે તો ઊંઘતા માણસોની ઊંઘને ખલેલ ન પહોંચે તે માટે મેં તેમને સવારે વાત કરવા જણાવ્યું હતું અને તેઓ ચૂપચાપ તેમના શય્યાસ્થાને જતા પણ રહ્યા હતા. મેં વિચાર્યું કે આગામી સવારે આ કૂતરા વિષય ઉપર કેન્ટ અંકલની ૭૦ની નહિ તો ઓછામા ઓછી ૧૬ એમએમની ફિલ્મ તો જરૂર ઉતારવી! વળી આમ કરવા પાછળનો મારો ઉમદા ખ્યાલ પણ એ હતો કે મારે પેલા નિર્દોષ પ્રાણીનો જીવ બચાવવો હતો અને માત્ર એટલું જ નહિ, પણ એ બેઉ વચ્ચેની નફરતની દિવાલને મારે તોડવી હતી.

સવારે નવેકના સુમારે હું જ્યારે ઓસરીના ખાટલે પંખા નીચે અખબાર વાંચી રહ્યો હતો, ત્યારે કેન્ટ અંકલ ખોંખારો ખાતા મારી પાસે આવ્યા અને સીધેસીધું બોલ્યા, ‘અસોક, બોલ એ નાલાયક કૂતરા અંગે તું સું કહેવા માગે છે?’

કેન્ટ અંકલે સામેથી જ આ વાત છેડી એટલે મારું કામ સરળ થઈ ગયું, નહિ તો મારે ફેરવી ફેરવીને તેમને આ વાત ઉપર લાવવા પડત! મેં કહ્યું, ‘અંકલ, મેં રાત્રે કહ્યું હતું કે એ આલ્શેશિયન જેવું લાગે છે, પણ હવે  મારે  કહેવું પડશે કે તે આલ્શેશિયન જ છે.’

‘એ તને જેવું કે જે લાગે તે ખરું, પણ મારા માટે તો એ કૂતરું માત્ર હતું, છે અને હવે નહિ રહે; કેમ કે તેની હયાતીનો આજે છેલ્લો દિવસ છે. તને હું પડકારું છું કે તું મને રોક સકે તો રોક!’ કેન્ટ અંકલે તો જાણે મારા સામે યુદ્ધ જાહેર કરી દીધું!

‘પણ અંકલ, તેની એક જ વખતની તમને ન ગમતી હરકત બદલ તમારે આવું ક્રૂર પગલું ન ભરવું જોઈએ!’

‘અલ્યા,  એક જ વખતની નહિ; પણ ઉનાળો બેઠો ત્યારની દરરોજ રાત્રિએ બબ્બે ત્રણત્રણ વખતની તેની ગંદી હરકતે મારી રાત્રિઓની ઊંઘ હરામ કરી દીધી છે. એ તો તું ગઈકાલે જ તારા સહેરથી આવ્યો અને  તને રાત્રે એક જ વાર અમારી ધમાચકડી જોવા મળી, એટલે તને તેના ઉપર દયા ઉભરાઈ આવે છે. બેટા, ગઈ રાત્રે જ તારા ઊંઘી ગયા પછી પણ મારે બેત્રણ હડીઓ કાઢવી પડી હતી!’

‘ઓહ, તો આપ કી યહ પુરાની દુશ્મની હૈ!’

‘જો અસોક, હું તારા ઘરે બેઠો છું એ મારી મર્યાદા છે અને તું એ તુચ્છ કૂતરાની જાત માટે મારા સામે મેદાને પડવા જઈ રહ્યો છે તેનું મને ભારોભાર દુ:ખ છે. આમ છતાંય દુસ્મન અથવા દુસ્મનના તારા જેવા વકીલની વાત એકવાર સાંભળી લેવાની મારી ફરજ છે. બોલ તારા અસીલના બચાવ માટેની તારી સી દલીલ છે?’

કાકો કંઈ અંગુઠાછાપ ન હતો, જૂની મેટ્રિક  પાસ હતો. તેમણે તો મારા ખાટલાને કોર્ટમાં તબદિલ કરી દીધો. એ તો મારું મહેલ્લાના છેડા ઉપરનું અમારું વધારાનું પડતર ઘર હતું, જ્યાં વેકેશનમાં હું અભ્યાસ કરતો હતો અને રાત્રે સૂતો હતો; નહિ તો મારી ખાટલાકોર્ટે શ્વાનખટલો સાંભળવા અમારા આગળ પ્રેક્ષકવૃંદનો જમાવડો થઈ ગયો હોત!

‘જુઓ વડીલ, મારી દલીલ એ છે કે એ બિચારાને તમારી જ સાથે સહશયન કરવાની આદત પડી ગઈ છે, તે બતાવી આપે છે કે તે હાલનું દેશી નહિ, પણ પૂર્વજન્મનું વિલાયતી કૂતરું છે. વળી ઋણાનુબંધ પ્રમાણે તેનું તમારા તરફનું આકર્ષણ એ બતાવે છે કે તમે તેના અગાઉના કોઈક જન્મ વખતના માલિક હશો જ!’

‘જો અસોક, મારા આગળ તારો જીભનો જાદુ ચલાવીને મારા ધ્યેયમાંથી તું મને ડગાવીશ નહિ. હું બેપગો ઘોડો છું અને બચકું ભર્યા પછી માંસનો લોચો કાઢ્યા સિવાય મારાં જડબાંને પહોળાં કરી શકીશ નહિ. મારી ભીષ્મપ્રતિજ્ઞા સાંભળી લે, કાં તો તે નહિ અને કાં તો હું નહિ, સમજ્યો?’

આમ કહેતાં કેન્ટ અંકલનો નીચલો હોઠ ફરક્યો. મને સમજતાં વાર ન લાગી કે તેઓ ખરેખર ક્રોધાવેશમાં આવી ગયા હતા! મને તેમના ગુસ્સામાં તથ્ય પણ લાગ્યું, કેમ કે હું સમજી શકું છું કે જે માણસને ઉનાળાની રાત્રિની ઠંડક થયા પછીની ઘેરી ઊંઘ માણવાનો અનેરો લ્હાવો લેવાના બદલે એક કૂતરા પાછળ આખી રાત દોડાદોડી કરવી પડતી હોય તે આમ જ રીએક્ટ કરે!

‘કાકા મારા, હાલ તો તમારા સામે બેઠેલો હું તમારો દોસ્ત છું અને તમારો દુશ્મન તો તમારાથી છુપાઈને ક્યાંક ખૂણામાં ભરાઈ પેઠો હશે. મને ડર લાગે છે કે તમે મારા ઉપર તો ગુસ્સો નહિ ઠાલવો?’

‘એ  માટે તો તું નિશ્ચિંત રહેજે. કોર્ટના મુકદ્દમાઓમાં વકીલોને પ્રતિપક્ષના અસીલો કંઈ મારવા ધસી જતા નથી હોતા! હવે સીધી વાત ઉપર આવ અને તારો ઋણાનુબંધનો તુક્કો મને સમજાવ.’

‘જુઓ કેન્ટ અંકલ, તમે એક વાત તો સ્વીકારશો જ કે માનવજાતના ધર્મ અને માન્યતાઓના વિવાદોને વિજ્ઞાને ઉકેલી આપ્યા છે. હાલમાં માણસનું ડી.એન.એ. પારખવા અને સમજવા માટે ઘણાં સંશોધનો થઈ રહ્યાં છે. મારા એક કોલેજિયન મિત્રે માત્ર કુતૂહલ ખાતર તેનો ડી.એન.એ. ટેસ્ટ કરાવ્યો, તો તેના વડવાઓનું મૂળ સ્વીટઝર્લેન્ડ સુધી પહોંચ્યું. મેં તમને અનાયાસે કેન્ટ અંકલ તરીકે સંબોધવાનું શરૂ કર્યું, તેમાં પણ મને કુદરતનો ભેદ સમજાય છે કે તમારું મૂળ કેન્ટોના કોઈક દેશમાં હોવું જોઈએ. તમારું વિવાદિત કૂતરું બીજા કોઈ સાથે નહિ અને માત્ર તમારી સાથે જ સૂવાનો એક નિર્દોષ અધિકાર પામવા માટે આજે તેના જાનની બાજી ખેલી રહ્યું છે. તે કંઈ તમારી પાસે શેમ્પુથી સ્નાન કરાવાવા, કોટન બડ્ઝથી તેના કાન સાફ કરાવવા, નેઈલ કટરથી તેના નખ કપાવવા, મોંઘાંદાટ પેટ બિસ્કીટ્સ કે નોનવેજ ટીનપેક્સનો આહાર આરોગવા, ગળે પટ્ટો કે ચેઈનના શણગાર સજાવવા કે એવી કોઈપણ જાતની અપેક્ષા રાખતું નથી. મહેલ્લામાં કેટલાંય માણસો છે, હારબંધ કેટલાય ઢોલિયાઓ છે અને છતાંય તમારા તરફ જ તે આકર્ષાય છે, તેને ઋણાનુબંધ નહિ કહો તો કયો બંધ કહેશો; ભાખરા-નાંગલ બંધ, નર્મદા બંધ કે ભાઈબંધ?’

કેન્ટ કાકો મારા છેલ્લા વિધાનથી બેવડ વળીને એવો ખડખડાટ હસ્યો કે તેમની આંખોમાં પાણી આવી ગયાં. તેમના હસવામાં હુંય ભળ્યો અને અમે બંને જણા કેટલાય સમય સુધી પાગલોની જેમ હસતા રહ્યા. સદનસીબે અમારી એકાકી જગ્યા હતી, નહિ તો અમે લોકોના કુતૂહલનો વિષય બની રહેત!

છેવટે અમને હસવામાંથી કળ વળી, ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, ‘અલ્યા અસોકિયા, તું તો જીભનો જાદુગર નીકળ્યો! તેં  તારા અસીલ પરત્વેના મારા ગુસ્સાને એવો તો ઠંડો પાડી દીધો કે તે હવે બરફ બની ગયો  છે. હવે હું તારા અસીલને અભયદાન તો આપીસ; પણ મને રસ પડ્યો છે, તારી ડી.એન.એ.વાળી વાતમાં!’

‘તમે માનો કે ન માનો પણ ડી.એન.એ.ના પ્રતાપે ઘણા સમુદાયોના ઘમંડ ઓગળી ગયા છે. અમારો દેશ, અમે જ અહીંના મૂળ રહેવાસી એવી ભ્રામક વાતોને બુદ્ધિજીવીઓએ સાચી રીતે સમજી લીધી છે. સંશોધનો તો એમ કહે છે કે નજીકના ભૂતકાળમાં પારસીઓએ જેમ ઈરાનથી ભારતમાં સ્થાનાંતર કર્યું તેમ અગાઉ કેટલાય સમુદાયો અહીં આવી વસ્યા છે અને કેટલાયે પરદેશગમન કરી ચૂક્યા છે. ઉત્તર ભારતીય બધા આગંતુકો છે, અહીંના મૂળ વતનીઓ તો સાઉથ ઈન્ડીયન જ છે. હાલમાં પણ ગ્લોબલાઈઝેશન એવું નિમિત્ત બન્યું છે કે દુનિયાના મોટા ભાગના દેશો અમેરિકા કે ઈંગ્લેન્ડની જેમ વસાહતીઓના દેશ બની રહ્યા છે. કહેવાય છે કે આપણા રબારીબંધુઓ અરબસ્તાનથી અહીં આવી વસ્યા છે. સાઉદી અરેબિયાના બદ્દુઓ તરીકે ઓળખાતા એ ગ્રામ્યવિસ્તારના લોકોની રહેણીકરણી તેમના જેવી જ છે. એક સમુદાયે આપણા ત્યાં ઇજિપ્તથી આગમન કર્યું છે, તો બિચારા આફ્રિકનો ગુલામ બનીને વિદેશોમાં વેચાયા અને યુરોપ-અમેરિકાના વતની બન્યા. આપણા ત્યાં રાજસ્થાનના જેસલમેરમાં દરવર્ષે  હિપ્પી જેવા જે વિદેશીઓ આવે છે, તેમનું માનવું છે કે તેમના પૂર્વજો અહીંના હતા.’

‘અલ્યા અસોક, તું તો ઘણું બધું જાણે છે. આ તારા ભણવામાં આવે છે કે તું બહારનું વાંચન કરે છે?’

‘કેન્ટ અંકલ, આ બધું મેં તમને હમણાં કહ્યું ને તે મારા મિત્ર પાસેથી સાંભળેલું છે. તે આ વિષયમાં ખૂબ ઊંડો ઊતર્યો છે. હવે મૂળ વાત ઉપર આવીએ. બોલો અંકલ, હવે આપણે પેલા આલ્શેશિયનનું શું કરવાનું છે?’

‘તું કહે તેમ, પણ એ મારા ભેગું સૂએ એ તો હરગિજ નહિ ચાલે. બીજું  એ કે તેને ઘરમાં તો પ્રવેસવા ન જ દેવાય; કેમ કે તું તારી કાકીને સારી રીતે જાણે છે, એ અમને બેઉને ઘર બહાર તગેડી મૂકે.’ આમ બોલતાં કેન્ટ અંકલ મલકી પડ્યા.

‘તો વડીલ, એ શ્વાન મહારાજની તમારા સાથેની સહશયનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, ખરું કે?’

‘હા, પણ એ ઉકેલ માત્ર અહિંસક નહિ જ નહિ, સદભાવપૂર્ણ પણ હોવો જોઈએ. આપણે તેને જાકારો નથી આપવો. તેને આપણા મહેલ્લાના તમામ નાગરિક અધિકાર મળી રહેવા જોઈએ અને મારા ભેગું ન સૂએ તે જ પ્રસ્ન હલ થવો જોઈએ.’

એવામાં સાતેક વર્ષનું એક છોકરું અમારી આગળથી પસાર થતું હતું. મેં તેને બોલાવીને પૂછ્યું, ‘દીકરા, તું આ ગરમીની રાત્રિઓમાં બહાર સૂએ છે કે?’

‘હા.’

‘હવે કોઈ કૂતરું તારા ભેગું વારંવાર આવીને સૂઈ જતું હોય તો તું શું કરે?’

‘શું કરવાનું, વળી? પથારી ઉપાડી લઈને ઘરમાં પંખા નીચે સૂઈ જવાનું!’ છોકરાએ ત્વરિત જવાબ આપી દીધો.

મેં કહ્યું, ‘જા બેટા, તારા ભેરુડાઓ સાથે રમ હોં.’

એ છોકરાના ગયા પછી મેં સૂચક નજરે અને મલકતા મુખે  કેન્ટ અંકલ સામે જોયું. તેમણે ઊભા થઈને મારી પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું, ‘લુચ્ચા!’

-વલીભાઈ મુસા    

(‘ઓપિનિયન’ માં પ્રસિદ્ધ થયા તા.૨૬૦૫૨૨)       

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, FB, WG and tagged , , , , , . Bookmark the permalink.

1 Response to ખાટલાકોર્ટે શ્વાનખટલો

  1. Pingback: ખાટલાકોર્ટે શ્વાનખટલો (હાસ્ય વાર્તા) | હળવા મિજાજે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s