ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૩)

[યુનોના અહેવાલ બતાવે છે કે વિકસિત, અર્ધવિકસિત કે અવિકસિત કોઈપણ દેશ હોય પણ તેના નોકરશાહો અને નાગરિકો દ્વારા આચરાતા ભ્રષ્ટાચારો એના અર્થતંત્રને ખોખલું બનાવતા હોય છે. આવા દેશોની સરકારો ગરીબ હોય છે, પણ ભ્રષ્ટાચાર આચરવાના સ્રોત ધરાવતા પ્રજાના એ ખાસ વર્ગ પાસે લખલૂટ કાળું ધન હોય છે. આર્થિક અરાજકતા ધનિકને વધુ ધનિક અને ગરીબને વધુ ગરીબ બનાવે છે. આર્થિક રીતે ભીંસાતો મધ્યમવર્ગ અને દારૂણ સ્થિતિમાં જીવતો ગરીબવર્ગ જે તે દેશની સુલેહશાંતિને તેથી જ તો જોખમાવતો હોય છે.

વિશ્વના મોટા ભાગના દેશોમાં રાષ્ટ્રની આવકના પ્રભાવશાળી સ્રોત કસ્ટમ, એક્સાઈઝ, આયકર અને GST (Goods & Service Tax) હોય છે. કોઈપણ દેશની તિજોરીને ભરી આપતા કરવેરાનાં આ મુખ્ય સાધનોમાં જ્યારે મોટું ગાબડું પડે, ત્યારે એ દેશ કદીય ઊંચો ન આવે. આ ચારેય મુખ્ય આવકો માટેનું કરમાળખું વધતાઓછા ફેરફારો સાથે વિશ્વના તમામ દેશોમાં લગભગ એકસરખું હોય છે અને ભ્રષ્ટાચાર આચરવા માટેની તેમની નીતિરીતિઓ પણ મોડસ ઓપરેન્ડી જેવી જ હોય છે. બેસુમાર ભ્રષ્ટાચાર આચરાતા દેશોમાં મોટા ભાગે આફ્રિકન દેશો અગ્રક્રમે છે.]

નીચેની આવા એક આફ્રિકન દેશની ભ્રષ્ટાચારની એકમાત્ર અજીબોગરીબ ઘટના જ વિશ્વનાગરિકોને ઘણા સંદેશાઓ આપી જાય છે.

ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે !

નગરના એ પ્રતિષ્ઠિત વેપારીની આવકવેરાની સ્કુટિનીમાં એ પેઢીના થાપણદાર બે ખેડૂતોને આવકવેરા અધિકારીએ પૂછપરછ માટે રૂબરૂ બોલાવ્યા હોય છે. આ તેમનો ત્રીજો ધક્કો હોય છે. પેઢીના વકીલે એ ખેડૂતોનાં કબૂલાતનામાં પણ રજૂ કર્યાં હોય છે કે તેઓ ખેડૂત હોવાના કારણે તેમની કરમુક્ત ખેતીની આવક ઉપરાંત બિનખેતીની આવક પણ મુક્તિમર્યાદાથી વધતી ન હોવાના કારણે કોઈપણ આવકવેરાને પાત્ર થતા નથી. આમ તેમને મળેલી વ્યાજની આવકમાંથી આગોતરી કરકપાતનો પણ સવાલ ઊભો થતો ન હોઈ તે અંગેનાં નિર્ધારિત ફોર્મ પણ રજૂ કર્યાં હોય છે. વળી કાયદાની જોગવાઈ પ્રમાણે પેલા વેપારીની સ્ક્રુટિનીની તપાસમાં પેલા ખેડૂતોની અનામત અંગેનો કોઈ ઉલ્લેખ પણ થયો હોતો નથી. આમ છતાંય એ બિચારા ખેડૂતોને ઑફ ધી રેકોર્ડ એટલા માટે બોલાવવામાં આવી રહ્યા હોય છે કે જેથી પેલા પેઢીના માલિક ઉપર માનસિક દબાણ લાવી શકાય અને લાંચરુશ્વત મેળવવા માટેનો માર્ગ મોકળો બની રહે. સર્વત્ર પોલિસ ખાતા વિષે એવી ઉક્તિ પ્રચલિત છે કે ‘જમનું તેડું આવજો, પણ જમાદારનું નહિ !’ પરંતુ આજકાલ એ પોલીસની વર્ધી કરતાં પણ વધારે ખતરનાક આ સફેદ વસ્ત્રધારી અધિકારીઓ ગણાતા હોય છે, જે પ્રમાણિક નાગરિકોને પણ કાયદાની એવી આંટીમાં લઈ લે કે સામેવાળાના છક્કા છૂટી જાય.

ત્રસ્ત થઈ ગએલા પેલા ખેડૂતોએ પેઢીના વકીલને આખરી અલ્ટીમેટમ આપી દીધું હોય છે કે એ દિવસે એમનાં સ્ટેટમેન્ટ નહિ લેવાય અને હજુપણ ચોથી મુદ્દત આપવામાં આવશે તો તેઓ પેલા અધિકારીની ઑફિસમાં ઘૂસી જઈને સઘળો મામલો પોતાની મેળે પતાવી દેશે.

થાપણદારો પેઢીના માલિકના સગાવહાલા હોય છે અને તેમણે સાચે જ બેંકવ્યવહારથી સાચી જ થાપણો આપેલી હોઈ તેમનું નૈતિક મનોબળ મજબૂત હોય છે. પેઢીના માલિક પક્ષે પણ એટલી જ મક્કમતા હોય છે કેમ કે પેલા ભ્રષ્ટ અધિકારીએ ખોટી હેરાનગતિ દ્વારા અમર્યાદ મોટી રકમની લાંચની માગણી કરી હોય છે. વળી તેમના વકીલે એવી પાકી હૈયાધારણ આપી હોય છે કે આગળ અપીલમાં જતાં તેમનો કેસ નીકળી જશે અને તેઓ અચૂક વિજયી બની રહેશે.

પેલા ખેડૂતોની ધારણા પ્રમાણે જ હેડ ક્લાર્કે તેમને ચોથી મુદ્દત આપી હોય છે અને તેઓ ધૂંઆંપૂઆં થતા પેલા અધિકારીની ઑફિસમાં ઘૂસી જઈને બૂમબારાડા શરૂ કરી દેતા હોય છે.

તેઓ તેમનો આક્રોશ આ શબ્દોમાં ઠાલવે છે : ‘એ લાંચિયા, અમારા જવાબો લે છે કે પછી આ ત્રીજા માળની તારી પાછળની બારીએથી ભૂસકો મારીને અમે આપઘાત કરી લઈએ. અમે અમારાં બૈરાંછોકરાંઓને માફ કરાવીને સ્થાનિક મેજિસ્ટ્રેટ, પોલિસ વડા અને સમાચારપત્રોને મોકલવાની પ્રેસનોટ્સ વગેરેનાં કવરો આપીને આવ્યા છીએ. એમાં ચોખ્ખું લખ્યું છે કે આ અધિકારી અમને ખોટી રીતે હેરાન કરી રહ્યો છે અને માનસિક ત્રાસ આપી રહ્યો છે, જેનાથી કંટાળીને અમે આપઘાત કરવા મજબૂર બન્યા છીએ.’

આટલું સાંભળતાં જ પેલો અધિકારી એટલો બધો હતપ્રભ બની જાય છે કે પોતાના પટાવાળાને અંદર બોલાવવા માટે તે એકધારી કૉલબેલ વગાડ્યે જ રાખે છે. જોતજોતાંમાં આખો સ્ટાફ ઑફિસમાં આવી જાય છે. એક પટાવાળો તેમની ખુરશી પાસે જઈને સતત વાગ્યે જતી કૉલબેલ ઉપરની આંગળીને ખસેડાવી દે છે અને બીજો પટાવાળો ટેબલ ઉપરનો પાણીનો ગ્લાસ આગળ ધરી દે છે. ઑફિસમાં એ.સી. હોવા છતાં પરસેવાથી રેબઝેબ એ આયકર અધિકારી પોતાની છાતી ઉપર હાથ દબાવી રાખતો એક ઈન્સપેક્ટરને કહે છે કે આ લોકોનાં સ્ટેટમેન્ટના કોરા કાગળ ઉપર તેમની સહીઓ લઈલઈને તેમને તાત્કાલિક જવા દે અને એ લોકો જાય પછી જ એમ્બ્યુલન્સને બોલાવી લેવામાં આવે.’

પેલા બે જણા અદબ વાળીને સ્થિતપ્રજ્ઞ ઊભા રહીને સઘળો તમાશો જોતા રહે છે. તેમના પેટનું પાણી પણ હાલતું નથી હોતું. તેઓ મનોમન વિચારતા હોય છે કે લૂખી ધમકી પણ મક્કમતાથી આપવામાં આવતી હોય તો કેવી અસર કરી શકતી હોય છે અને ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે !

-વલીભાઈ મુસા

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in લઘુકથા, MB, PL, SM and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૩)

  1. ઘણાં અનુભવ પછી ભૃષ્ટ અધીકારીઓ પ્રજાને હેરાન કેમ કરવું એ શીખી લે છે. નીચેના પટાવાળા, કલાર્ક, ઈન્સ્પેક્ટર અને ઓફીસર બધા આ ભૃષ્ટાચારમાં સામેલ હોય છે. આવા અનુભવમાંથી થોડીક મહેનત કરી આવા અધીકારીઓ પાસે જવાનું ટાળવા પટાવાળાને બરોબર સાંધીએ તો સસ્તામાં પતી જાય. પટાવાળો કમીશનર લેવલનું કામ કરી આપે અને કાંઈ નહીં તો આખી ફાઈલ ગુમ કરી આપે અથવા આખું કબાટ ગુમ કરી આપે. આમતો એ પણ ભૃષ્ટાચાર જ કહેવાય પણ સાહેબ કરતાં સસ્તામાં પતે ખરું…

    Like

  2. pragnaju says:

    સરસ વાર્તા
    જો કે ‘લૂખી ધમકી પણ મક્કમતાથી આપવામાં આવતી હોય તો કેવી અસર કરી શકતી હોય છે અને ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે !’ જેટલું સરળ નથી હોતું !!
    યાદ આવે
    મૂક સેવક મહારાજ શ્રી ની તેમના મુખે સાંભળેલી આ વાત
    ‘…સરકારી વકીલે જ્યારે ઊલટતપાસ કરવા માંડી ત્યારે એ મૂંઝાયો. શું બોલવું એની એને કંઈ સમજણ ન પડી. આખરે એણે એના દિલની વાત કહી દીધી : ‘મેં તો માર્યો જ છે તો, મરી જાય ત્યાં સુધી માર્યો’તો ! (વકીલ સામે આંગળી ચીંધીને) આવો આ મારી પાસે ના પડાવે છે.’ અને આખી કોર્ટ હસી પડી.
    આ માણસે પાપ તો કર્યું, પણ ભોળા દિલે. એમાં બુદ્ધિપૂર્વકની ગણતરી નહોતી. જ્યારે બુદ્ધિશાળી માણસ પાપ કરે છે તે બુદ્ધિપૂર્વકનાં હોય છે. ભીનાં કપડાં રેતીમાં સૂકવીએ તો ચિંતા નહીં, કારણ કપડાં સુકાતાં રેતી ખરી પડે છે. પણ ધૂળમાં સૂકવીએ તો ડાઘ રહી જાય. એ બિચારોનાં પાપ રેતી જેવાં છે. એટલે પાપનો ડાઘ એમને લાગતો નથી. જ્યારે આપણાં પાપ ધૂળ જેવાં હોય છે; એના ડાઘ મનને લાગે છે જે કદી જતા નથી.

    બાકી ભ્રષ્ટ નોકરશાહો અંગે સફળતા જોઇતી હોત તો પોતાની પારદર્શિતાથી શરુ કરવી પડે…

    Like

Leave a comment