ના, લંગોટીભેર ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૪)

છેલ્લી ત્રણ પેઢીથી એ લોકો સરકારે આંકી આપેલી ગરીબીરેખાની લગોલગ જીવી રહ્યાં હતાં, ન ઉપર ન નીચે !!! તેઓ ગરીબીરેખાથી સ્હેજ નીચે હોત તો વિના સંકોચે ભીખ માગીને આરામની જિંદગી જીવી શકતાં હોત, તો વળી તેઓ ગરીબીરેખાથી થોડાંક ઉપરની સ્થિતિએ હોત તો પેટભર ખાધા પછી કોઈ ભૂખ્યાને થોડીક ભીખ આપવા માટે પણ શક્તિમાન બન્યાં હોત ! આમ ત્રિશંકુ જેવી તેમની હાલની આર્થિક સ્થિતિ ન તો તેમને ભીખ માગવા દેતી હતી, ન તો ભીખ આપવા દેતી હતી. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હતું, માટે જ તો એ ત્રણેય પેઢીઓ કૉર્પોરેશન હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સાત ધોરણ સુધી ભણી હતી; પરંતુ મરજી હોવા છતાં એ લોકો આગળનું મરજિયાત શિક્ષણ મેળવી શક્યાં નહોતાં. આમ અપૂરતા ભણતરના કારણે તેમને વ્હાઈટ તો શું બ્રાઉન પણ નહિ એવા કૉલરની નોકરી મળી શકી ન હતી અને કાળી મજૂરી થકી પહેરણના કાળા કૉલર કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

એ રાત્રિએ ખડધાન્ય કુરીની ખીચડી અને ભેળસેળ નિયંત્રણ ધારાનો ભંગ કરીને ડેરીની છાશની એક કોથળીને ત્રિગુણિત કરી લીધા પછી તેના વડે બનાવેલા ડુઆને માટીની તાવડીઓમાં લિજ્જતથી સબડકા સાથે પીતા જઈને વચ્ચેવચ્ચે ડુંગળી કે લીલા મરચાને બટકતા જતાં ત્રણેય પેઢીના એ પુરુષો પોતપોતાના ભણતરકાળને વાગોળવા માંડ્યા. ભોજ્યેષુ માતા સમાન એ પહેલી પેઢીની વૃદ્ધા વચ્ચે ટપકી પડતાં અજાણપણે અર્થશાસ્ત્ર ભણાવવા માંડી, આ શબ્દોમાં; ‘અલ્યાં એ જણો સાંભળો. આ ડોકરો કે’તો તો કે ઈંયાંની મા ઈંયોના જલમના દાડે ઈંયોના કિલાસનાં છોરાંને વહેંચવા માટે માતર બનાવી આપતી હતી. પસ મારો વારો આયો તીં મીં માતરના બદલે હુખડી (સુખડી) બનાવ્વા માંડી, અન હવ આ વઉ બાફેલા ઘવની ઘૂઘરી આલે સે !’

કૉર્પોરેશનના રિઝર્વ પ્લૉટમાંની ઝૂંપડપટ્ટીના આ ઝૂંપડાની લગોલગની સોસાયટીના ફ્લેટમાં રહેતા સેલ્સટેક્ષ અને ઈન્કમટેક્ષની પ્રેક્ટિસ કરતા એ વકીલ સાહેબ જમીપરવારીને કમ્પાઉન્ડ વૉલ પાસેના બાંકડે બેઠાબેઠા એ લોકોની વાતો સાંભળી રહ્યા હતા. પેલી વૃદ્ધાની માતર, સુખડી અને ઘૂઘરીની ઊતરતી ભાંજણીની કથની સાંભળીને એ વકીલ મહાશય એ ઝૂંપડા પાસે આવી જઈને એ લોકોને પોતાના વ્યવસાયની ભારેખમ વાત સમજાવતાં કહેવા માંડ્યા કે છેલ્લાં ૩૪ વર્ષોમાં વધતા જતા કૉસ્ટ ઈન્ફ્લેશન ઇન્ડેક્ષના પ્રતાપે તમારા લોકોની માતર ઘૂઘરીમાં ફેરવાઈ ગઈ અને આમ ને આમ પરિસ્થિતિ ચાલુ રહી તો તમારી ચોથી પેઢીના છોકરા કે છોકરીના જન્મદિને તેના વર્ગમાં ગૉળની નાનીનાની ગોળીઓ વહેંચવાના દહાડા આવશે, સમજ્યાં !’

‘શાયેબ, એ ગટુડપટુડ શું બોલ્યા ?’

‘સાવ દેશી ભાષામાં કહું તો આપણો રૂપિયો; જો કે તે કદીય કાકો તો હતો જ નહિ, છતાંય માની લઈએ કે એ કોઈ કાળે કાકો હતો, તો હવે એ કાકો મટીને વર્ષોવર્ષ ભત્રીજાનોય ભત્રીજો થવા માંડ્યો છે. ૧૯૮૧ની સાલમાં સરકારે ફુગાવાનો  આંકડો ૧૦૦ નક્કી કર્યો હતો, આજે તે આંકડો ૧૦૨૪ છે. આમ આપણી મોંઘવારી લગભગ દસ ગણી વધી કહેવાય. સીધો હિસાબ સમજાવું તો ૧૯૮૧માં જે વસ્તુ ૧૦૦ રૂપિયામાં મળતી હતી એ હવે ૧૦૦૦ રૂપિયામાં મળે ! હવે તમને લોકોને સમજાયું મારું ગટુડપટુડ ?’

આ સાંભળતાં જ વડીલ બોલી ઊઠ્યા, ‘ તો તો સરકાર ગાંધીબાપુની જેમ લોકોને પોતડીભેર કરી દેશે કે શું ?’

ત્રીજી પેઢીનું છઠ્ઠા ધોરણમાં ભણતું છોકરું બોલ્યું, ’ના, લંગોટીભેર !’

સૌ ખડખડાટ હસી પડ્યાં.

-વલીભાઈ મુસા

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in લઘુકથા, MB, PL, SM and tagged , , , , , , , , , . Bookmark the permalink.

1 Response to ના, લંગોટીભેર ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૪)

  1. pragnaju says:

    સરસ

    મહેંગાઇ ડાયન ખાયેજાત હૈ/ પરેશ પ્ર વ્યાસ →

    Like

Leave a comment