સંક્ષિપ્તમાં KDR તરીકે ઓળખાતા અને સાલભર વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા આ નગરની એક સંસ્થાએ આ વર્ષે હજારોની મેદની વચ્ચે અનોખો કાર્યક્રમ પેશ કર્યો હતો. નગરનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંની અવનવી પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિભાઓને નગરપિતા, નગરમાતા કે નગરસેવક જેવાં બિરૂદો આપવા ઉપરાંત કેટલાંક રમૂજી બિરૂદો પણ અપાયાં હતાં. એ બિરૂદો હતાં : ચાર્લી ચેપ્લીન ઓફ KDR, સ્માઈલીંગ મેન ઓફ ધ ટાઉન, એન્ગ્રી મેન ઓફ ધ વિલેજ વગેરે.
અન્ય બિરૂદધારીઓની ઓળખ સભાસંચાલક દ્વારા અપાઈ હતી, પરંતુ સભાના આગ્રહથી ‘ચાર્લી ચેપ્લીન ઓફ KDR’ એવા બિરૂદધારી ઈસ્માઈલ જુનેજાએ સ્વમુખે પોતાનાં કેટલાંક પરાક્રમો વર્ણવ્યાં હતાં. તેમણે ઉનાળાની રાત્રિઓમાં મહેલ્લાઓનાં આંગણાંમાં હારબંધ સૂતેલાં લોકો પૈકીની પોતાનાં નાનાં બાળકો સાથે સૂતેલી માતાઓનાં બાળકોને અદલબદલ કરી દેવાં, એક કાકા ખુલ્લા બદને આંગણાના ઢોલિયામાં એક પડખે સુતેલા હતા તેમની બાજુમાં પોદળો મૂકી દેવો, બહારગામનો એક ફેરિયો જે રેંકડીમાં ટૂંટિયું વાળીને ઘસઘસાટ ઊંઘતો હતો તેની રેંકડીને ધીમે ધીમે ચલાવીને ગામના સ્મશાનમાં મૂકી આવવી, લગ્નસરા ટાણે રાત્રિના વરઘોડા માટે વરધી અપાયેલા ઘોડાને સાંજે ગામના પાદરેથી જ પ્રસંગ મુલતવી રહ્યાના બહાનાસર આગામી વારે આવવાનું જણાવીને ઘોડાવાળાને પાછો વાળવો વગેરે.
આ પરાક્રમો સાંભળતાં મેદનીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. છેલ્લે જુવાનિયાઓની માંગ થતાં ઈસ્માઈલભાઈએ ચાર્લી ચેપ્લીનની અદાએ સ્ટેજ ઉપર રાંટા પગે ચાલી બતાવ્યું.
–વલીભાઈ મુસા