દોડવીર!

ગામ આખાયનાં પ્રત્યેક ઘરમાંથી લગભગ તમામે તમામ આબાલવૃદ્ધ ગ્રામજનો વહેલી સવારથી જ ગામની ભાગોળે એકત્ર થવા માંડ્યાં હતાં. પારણામાં ઝૂલતાં બાળકોને તેમની માતાઓ કેડે તેડીને પણ ભાગોળે ચાલી આવી હતી. અપવાદરૂપે જે ઘરે પાલતુ પશુઓ હતાં તે ઘરનું એકાદ મોટેરું i-611.jpgભાગોળે આવી શક્યું ન હતું. તેમને એક જ સમયે એક ખાસ પ્રકારની કામગીરી બજાવવાની હોઈ તેઓ આવી શકે તેમ ન હતાં. તેમને પણ અફસોસ તો હતો જ કે જવલ્લે જોવા મળી શકે તેવો ગામની ભાગોળે બરાબર નવ વાગ્યાના સમયે દૃશ્યમાન થનાર એવો એક નજારો તેઓ જોઈ નહિ જ શકે!

જેનો કૃષિ જ મુખ્ય વ્યવસાય છે તેવા આ ગામના ખેડૂતો સાંજે પોતાનાં દૂધાળાં ઢોર ઘરે લાવી દેતા હોય છે. વ્હેલી સવારે ગાયભેંશો દોહી લીધા પછી લગભગ સાતેક વાગે તેમને ખીલેથી છોડી દેવામાં આવતી હોય છે, જે પૈકીની કોઈક આપમેળે તેમના માલિકોનાં ખેતરે જાય તો વળી કોઈક નદીકાંઠે ચરવા જાય. ગામની ભાગોળની ભૂગોળને થોડીક સમજી લઈએ તો ગામના બધાજ રસ્તા ભાગોળને જઈને મળે છે. ત્યાંથી દક્ષિણે એક સીધો રસ્તો નદી તરફ જાય છે અને પછી થોડાક અંતરે પૂર્વ અને પશ્ચિમ તરફ ખેતરો તરફ જવાના બે રસ્તાઓ આવે છે.

રસ્તા ઉપરના કોઈ ખેલને જોવા માટે ટોળે મળેલા લોકો વર્તુળાકારે ઊભા રહે, પણ અહીં બધાં ઉત્તર-દક્ષિણ દિશાના રસ્તાને ખુલ્લો છોડીને રસ્તાની પૂર્વ અને પશ્ચિમ દિશાએ હકડેઠઠ ઊભાં હતાં. સર્કસના કોઈ ખતરનાક ખેલને પણ ટપી જાય તેવો વાસ્તવિક અને છતાંય ભયાનક એવો એક પ્રયોગ અહીં થવાનો હતો. આ પ્રયોગ થવા કે ન થવા દેવાના મુદ્દે ગામ આખું શરૂઆતમાં તો બે વિભાગમાં વહેંચાઈ ગયું હતું, પણ પ્રયોગના નાયકના જીવને કોઈ જોખમમાં ન મુકાવું પડે તેવી સલામત વ્યવસ્થા વિચારાઈ જતાં લોકોમાં સર્વસંમતિ સધાઈ ગઈ હતી.

આ ખતરનાક પ્રયોગનો નાયક થવાનો હતો, તેરચૌદ વરસનો એક છોકરો કે જેનું નામ અરજણ હતું. ગામની ભાગોળના ઉત્તર-દક્ષિણ રસ્તાની વચ્ચે એક મોટી ખદ્દડ જેવી જાજમ ઉપર તેને બેસાડવામાં આવવાનો હતો. જાજમના ચારેય છેડે મોટાં દોરડાં બાંધવામાં આવ્યાં હતાં. એ દોરડાંને પાંચપાંચ-સાતસાત માણસોએ પકડી રાખવાનાં હતાં અને તેમને આઠદસ ફૂટ જેટલા ઊંચા ઊભા કરેલા માંચડાઓ ઉપર ઊભા રાખવામાં આવવાના હતા. વાંદરાં ભગાડવા માટેની બંદુકના ભડાકા સાથે છોકરા સમેત પેલી જાજમને ઊંચકી લેવાની પાંચસાત કવાયતો આગલા દિવસે સાંજે થઈ ચૂકી હતી. આ કવાયતો વખતે જાજમ ઉપર બીજા એક અવેજી (Dummy) છોકરાને બેસાડવામાં આવ્યો હતો. પ્રયોગના મૂળ નાયક એવા અરજણને તો હજુ સુધી ખબર સુદ્ધાં પણ ન હતી કે તેના ઉપર પછીના દિવસે એક ખતરનાક પ્રયોગ થવાનો હતો. આગલા દિવસે તેને બાજુના ગામે તેના મામાના ત્યાં મોકલી દેવામાં આવ્યો હતો અને પ્રયોગના દિવસે તેના મામા તેને ઘોડા ઉપર પોતાના ખોળામાં બેસાડીને સવારના નવ વાગવાના થોડાક જ સમય પહેલાં તે સ્થળે લાવવાના હતા.

આ પ્રયોગના હિમાયતી અને સંચાલક હતા, સ્થાનિક નિલકંઠ મહાદેવ મંદિરના મહંત દ્વારકાગીરી મહારાજ. ગામની હિંદુમુસ્લીમ ઉભય કોમમાં માન અને આદરને પાત્ર એવા મહારાજ અરજણની કહેવાતી વિકલાંગ સ્થિતિથી તેના જન્મસમયથી જ સુવિદિત હતા. તાજેતરના કુંભમેળામાં હાજરી આપીને અલ્હાબાદથી પાછા ફરેલા મહારાજ તેમના વડાગુરુ પાસેથી અરજણની સમસ્યાનો સંભવિત ઉકેલ જાણી લાવ્યા હતા અને આમ તેમની રાહબરી અને સંચાલન હેઠળ આ પ્રયોગ થવાનો હતો. અરજણની માતા તો માતૃપ્રેમવશ ઘરવાળાં અને મહારાજને કાકલૂદીઓ કરીને વિનવી ચૂકી હતી કે પોતાના વ્હાલસોયાની જિંદગીને જોખમમાં મૂકવામાં ન આવે, પણ અરજણના ભવિષ્ય માટે ચિંતિત એવા તેના પિતાની મક્કમતા આગળ તેમણે શરણાગતી સ્વીકારવી પડી હતી.

નવ વાગવાને થોડીક વાર હતી અને તે પહેલાં મહારાજે ફરી એકવાર પ્રયોગ દરમિયાન દરેકે બજાવવાની કામગીરીને સમજાવી દીધી હતી. અરજણના મામાએ સમયસર તેને પ્રયોગના સ્થળે લાવી દીધો હતો. જ્યારે તેને પેલી જાજમ ઉપર બેસાડવામાં આવ્યો, ત્યારે ચોતરફ નજર કરતાંની સાથે જ  લોકોની જામેલી ભીડ અને તેમના કોલાહલથી અરજણ હેબતાઈ ગયો હતો. બરાબર નવ વાગ્યા અને મહારાજે આંગળી ઊંચી કરતાં ભીખાજી ઠાકોરે આકાશ સામે બંદુકનું નાળચું માંડીને ભડાકા કરવાનું શરૂ કર્યું અને ત્રીજા જ ભડાકે દસબાર ઢોલીઓએ બુમિયો ઢોલ વગાડવો શરૂ કરી દીધો. બુમિયા ઢોલનો અવાજ શરૂ થતાં જ પોતાનાં ઘરોમાં રોકાઈ રહેલાં ગામલોકોએ એક જ સમયે અને એકી સાથે પોતપોતાનાં ઘરોનાં ઢોરોને ખીલેથી છોડી દીધાં હતાં. ગામની ભાગોળે સમુદ્રની ભરતીથી ઊછળતાં અને કિનારા તરફ ધસી આવતાં મોજાંની જેમ બે એક કલાકના વિલંબ પછીથી પોતપોતાના ખીલેથી છોડવામાં આવેલાં એ ઢોર ચારે પગે ઊછળતાં પોતાની પ્રકૃતિ મુજબ અરજણ તરફ ધસી આવતાં હતાં. લોકો ચિચિયારીઓ પાડતા હતા અને પોતાનો શ્વાસ થંભી જાય તેવી હેરત અને ઉશ્કેરાટભરી મન:સ્થિતિએ તેઓ પ્રયોગનો અંજામ જોવા તલપાપડ બની ગયા હતા.

પણ, આ શું? કોઈ ચમત્કાર થયો કે કેમ, પણ બચપણથી તેરચૌદ વરસની પોતાની વય સુધી ભાંખોડિયાંભેર ચાલનાર એ જ અરજણ  પોતાના તરફ ધસી આવતાં ટોળાબંધ એ પશુઓ પોતાને ચગદી નાખશે તેવો ભય પામતાં કાળજું કંપાવતી ચીસ પાડીને ટોળાની આગળ પોતાની સાડીના પાલવને પોતાના મોંઢા આગળ દબાવી રાખીને ચોધાર આંસુએ રડી રહેલી તેની માતા તરફ દોડી ગયો. માતાએ તેને બાથમાં લઈ લીધો અને ગામની એ ભાગોળ લોકોના હર્ષનાદથી ગુંજી ઊઠી.

મહારાજની ધારણા મુજબ પ્રયોગનું સુખદ પરિણામ આવ્યું અને તેથી જ તો સંભવિત કટોકટીને અનુલક્ષીને કરવામાં આવેલી પૂર્વતૈયારીઓ મુજબ ન તો મહારાજે પોતાની આંગળી ઊંચી કરવી પડી, ન તો પેલા બંદુકધારીએ ચેતવણી માટેનો બંદુકનો ભડાકો કરવો પડ્યો કે પછી ન તો જાજમના ચારે છેડાઓનાં દોરડાં પકડી રાખનારાઓએ દોડી આવતાં ઢોરોથી બચાવવા માટે અરજણને જાજમ સમેત ઊંચકી લેવો પડ્યો હતો!

મહારાજની સૂચનાથી ટોળે વળેલા માણસો સભામાં ફેરવાઈ ગયા. અરજણે હર્ષ અને રૂદન મિશ્રિત ચહેરે મહારાજના ચરણ સ્પર્શ્યા. અરજણના પિતાની વિનંતીથી મહારાજે પોતાના વડાગુરુની આ પ્રયોગ કરવાની સલાહ અંગેની વાત કહી સંભળાવી. વડાગુરુને અરજણના સઘળા કેસથી વાકેફ કરવામાં આવ્યા હતા. હાડકાંના ડોકટરો અને હાડવૈદો, મજ્જાતંતુઓના નિષ્ણાત ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકોએ અરજણના પિતાને પોતપોતાના સ્પષ્ટ અભિપ્રાયો આપી દીધા હતા કે અરજણને કોઈ શારીરિક કે માનસિક તકલીફ ન હતી. આ બધું જાણ્યા પછી વડા ગુરુનું અનુમાન હતું કે અરજણ બાળવયે જ ઊભા રહેવાનું કે ચાલવાનું શીખતાં પડી ગયો હશે અને આમ તેના મનમાં પડી જવાના ભયની એક કાયમી ગ્રંથિ બંધાઈ ગઈ હશે. વડાગુરુએ અરજણને તેના આ લઘુ ભયમાંથી મુક્ત કરવા તેને મોટા ભયનો આંચકો આપવાની મનોવૈજ્ઞાનિક થેરાપી વિચારી હતી.

આ પ્રયોગ વખતે હાજર એવા અરજણના માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષકે અરજણને તેની માતા તરફ દોડી જવાની ઝડપને જોઈને અનુમાન કર્યું કે જો તેને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે તો ભવિષ્યે તે કદાચ ઓલિમ્પિક મેરાથોન દોડવીર પણ બની શકે અને પુનરાવર્તિત સુવર્ણચંદ્રકો જીતી લાવીને ભારતનું ગૌરવ વધારી શકે!

-વલીભાઈ મુસા

(તા. ૧૯-૦૧-૨૦૧૩)

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to દોડવીર!

  1. શ્વાસ અધ્ધર થઇ જાય એવી સ્થિતિ પછીનો અણધાર્યો સુખદ ચમત્કાર ખુબ આશાસ્પદ સંદેશ આપે છે…

    Like

  2. માનસોપચાર આધારીત વાર્તા ઘણી ગમી. શરૂઆતથી અંત સુધી રહસ્ય જાળવીને આપે વાર્તાને રસપ્રસ બનાવી છે.

    Like

    • નરેન્દ્રભાઈ, પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. ભારત ખાતે સજોડે આવશો તે જાણીને આનંદ થયો. આપને યાદ અપાવું છું કે આપણે પાલનપુર, દાંતીવાડા વગેરે સ્થળોની મુલાકાત લેવાની જ છે; અને એ પ્રમાણે આયોજન કરીને જ આવજો.

      Like

  3. Ramesh Patel says:

    મનોવૈજ્ઞાનિક રીતે કોયડાનો નિકાલ, જોખમ અને સમજણના સમન્વયને વાર્તામાં આદરણીયશ્રી વલિભાઈએ ચોટદાર રીતે મઢી દીધો. આવું પણ બને! સરસ વાર્તા લેખન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. ગજબનાક વર્ણન. આ સત્યકથા હોય તો, ગજબનાક વાત.
    આવી જ એક વાત આશરે ૧૯૫૬-૫૭ માં અમદાવાદના સેન્ટ્રલ સિનેમામાં અંગ્રેજી ફિલ્મો જોવાનો ચસકો પડ્યો હતો ત્યારે જોયેલી એક વેસ્ટર્ન મુવીના ખેડૂતના દિકરાની વાત જોઈ હતી. જો કે, તે આવા જ કોઈ કારણસર જન્મથી જ બહેરો મુંગો હતો; અને તેનો બાપ કટોકટીની સ્થીતિમાં આવી જતાં; તેને ચેતવવા બૂમ પાડી, બોલતો થઈ ગયો હતો; એવી વાર્તા હતી.

    Like

Leave a comment