લખુડી

‘એય…લખુડી આવી…ઈ…ઈ…’ શેરીના નાકે સાદ પડે છે.

આ લખુડી કોણ છે એવું ગામમાં કોઈ પૂછે તો નહિ જ, કેમ કે કોઈ તેનાથી અજાણ ન હતું, જન્મથી આધેડ વય સુધી પહોંચેલી, અસલી સોનાનાં ઘરેણાંથી સજ્જ, પણ પોતાનાં રોજિંદાં સાદગીપૂર્ણ વસ્ત્રો જ પરિધાન કરતી, ગામની શેરીએ શેરીએ રેંકડીમાં શાકભાજી-ફળફળાદિની ફેરી ફરતી, એની ફોઈના પાડેલા નામે મૂળ ‘લક્ષ્મી’ જ હતી; જે પરણ્યા પછી પણ તેના ધણીને આ ગામમાં ખેંચી લાવી હતી. હૂલામણા સંબોધને લક્ષ્મીમાંથી ‘લખુ’ બનેલી અને હવે ‘લખુડી’ નામે લોકપ્રિય બનેલી તે પોતે પણ પોતાની જાતને ‘લખુડી’ તરીકે ઓળખવતાં આનંદ અને ગર્વ અનુભવતી.

ગૃહિણીઓ તેના નામનો કાને સાદ પડતાં જ લખુડીની રેંકડી તરફ દોડી આવતી. તેના જાદુઈ વ્યક્તિત્વના કારણે તેનો વેપાર અન્યો કરતાં અધિક રહેતો. અન્ય રેંકડીવાળાં કે ફેરિયાઓ તેમના માલનાં નામોથી સાદ પાડતાં, જ્યારે આ તો માત્ર શેરીનાકે આવી ગયાની પોતાના નામની આલબેલ પોકારતી. ‘લખુડી’ તેના વેપારનું બ્રાન્ડ-નેઇમ બની ગયું હતું. ગુણવત્તાવાળો માલ, પ્રમાણિત વજન અને વધારામાં નમતું, વ્યાજબી ભાવ, ગ્રાહકે યાદ રાખવાની શરતે ઉધાર-સુધાર અને એવાં ઘણાંય બધાં પાસાં વણભણ્યે તેના સફળ બિઝનેસ-મેનેજમેન્ટનાં પાયાનાં સૂત્રો બન્યાં હતાં.

સામાન્ય રીતે કોઈને આદરપૂર્વકના સંબોધને બોલાવવું એ સંસ્કારિતાની નિશાની ગણાય, પણ લખુ પોતે જ જ્યારે પોતાને સામે ચાલીને ‘લખુડી’ સંબોધન કરે-કરાવે તેમાં તેની માનસિક એ કવાયતનો વિચાર લાવી શકાય કે તે પોતાના પક્ષે જ સૌની વહાલી રહેવાનો પ્રયાસ કરે છે અને તેથી જ તે માત્ર બે જ ધોરણ સુધી ભણેલી હોવા છતાં આત્મસૂઝથી પોતાના વેપારને બહોળો બનાવવા માટે સફળ પુરવાર થઈ હતી. આમ છતાંય તે જાણે કે સર્વોદયવાદના સૂત્ર ‘જીવો અને જીવવા દો’ને અનુસરતી હોય તેમ હરીફોને તેમનો માલ વેચી શકવાની મોકળાશ પણ આપતી હતી. અન્ય બકાલુ કે ફળફળાદિ વેચતાં ફેરિયાજન સૌ જ્યારે મહેલ્લામાં ઘેરઘેર ટહેલ નાખીને પોતાનો વેપાર કરતાં હોય ત્યારે તે મહેલ્લાનો છેડો જ પકડી રાખે છે અને કદીય વધુ વેપારના લોભમાં સપડાતી ન હતી.

પરંતુ આજે તો લખુડીએ પોતાના સાદનો રણકો સાવ બદલી નાખીને ‘એય…લક્ષ્મી આવી…ઈ…ઈ…’ બોલી, ત્યારે મહેલ્લાનાં છેડાનાં ઘરોના લોકોને આશ્ચર્ય થયું. અવાજ તો એ જ હતો, પણ ‘લખુડી’ ઉચ્ચારમાં જે ઉલ્લાસ હતો, ત્યાં ‘લક્ષ્મી’ ઉચ્ચારમાં ભારોભાર ગંભીરતા ભરેલી હતી. મહેલ્લાના નાકા ઉપર રહેતાં મરિયમકાકી રેંકડી ભણી આવતાં બોલી ઊઠ્યાં, ‘હેં અલી, તું ‘લખુડી’માંથી ‘લક્ષ્મી’ ક્યારની થઈ ગઈ?’

લખુડીએ જવાબ આપવામાં થોડો વિલંબ એટલા માટે કર્યો કે મહેલ્લામાંથી બીજી પાંચસાત ગ્રાહક સ્ત્રીઓ  આવી રહી હતી. પોતાના નવીન નામે સંબોધનની વાતની જાહેરાત થોડાંક વધુ જણ આગળ થાય તો એ વાત ગામમાં જલ્દી ફેલાય તેવું તે ઇચ્છતી હતી. દશેક જણ ભેગાં થતાં લક્ષ્મીએ મરિયમકાકીના પ્રશ્નનો જવાબ વાળ્યો, ‘એ તો કાલે વહુને તેડી લાવી એટલે મને થયું કે હવે આ ‘લખુડી’ નામ શોભે નહિ. એના સાંભળતાં કોઈ મને ‘લખુડી’ કહીને બોલાવે તો મારું માનસન્માન શું રહે?’

‘હવે તારું માનસન્માન રહે કે ન રહે, પણ અમારી જીભ ‘લખુડી’ કહેવાને ટેવાઈ ગયેલી છે તેનું શું?’ ચંપામાસી બોલ્યાં.

‘એ તો પરેક્ટીસ પાડવી પડે!’

‘શું પાડવું પડે, અલી? મને તો કંઈ સમજાયું નહિ!’ ચંપામાસીએ તેમની અજ્ઞાનતા જાહેર કરી.

‘એટલે એ આદત કેળવવી પડે એમ એનો અરથ થાય.’ મરિયમકાકીએ જ ખુલાસો કર્યો.

‘મને તો બળ્યું તું હમણાં જે નામ બોલી એ બોલવું તો ફાવે જ નહિ ને! મેં બે ચોપડી ફાડી ત્યારે મારા શાએબ વાંચવા ઊભી કરે, ત્યારે મને તો જોડિયા અક્ષર બોલતાં આવડે જ નહિ. મારું બેટું મારી જીભ વળે જ નહિ ને! હેં અલી, હું તને ‘લછમી’ના બદલે ‘લખુ’ કહું તો ચાલે કે નહિ?’ અમીના ડોશીએ બધાંને હસાવ્યાં.

‘હા, ‘લખુ’ કહી શકો છો, પણ ‘લખુડી’ નહિ હોં કે!’ લક્ષ્મીએ ચુકાદો આપતી હોય તેમ કહ્યું.

આવું કેટલાક દિવસ ચાલ્યું. લક્ષ્મીને ‘લખુડી’ ફોબિયા થઈ ગયો. એ તેના ધંધાની વાત કરતાં વધારે વાત તેના નવીન સંબોધન ‘લક્ષ્મી’ વિશે જ કરતી હતી. હવે તો તે હરતી ફરતી પાઠશાળા થઈ ગઈ હતી. એ તો બસ લોકોને ‘લક્ષ્મી’ અને ‘લખુ’ શિખવવામાં જ રચીપચી રહેતી હતી. પરંતુ એ બિચારીને ક્યાં ખબર હતી કે લોકોમાં એ બે નામોનો જેટલો વધુ પ્રચાર થતો હતો, તેટલું જ ‘લખુડી’ નામ લોકોના માનસમાં વધારે દૃઢ થતું જતું હતું. લક્ષ્મીના માનસમાં  ‘લખુડી’ નામનો એટલો બધો ભય વ્યાપી ગયો હતો કે તે તેની પુત્રવધુ ‘સરસ્વતી’ને પોતાની રેંકડી તરફ ફરકવા પણ દેતી ન હતી. કોઈવાર કોઈ કામકાજના કારણે એ રેંકડી ઉપર આવી જતી તો તેને ધમકાવીને કાઢી મૂકતી હતી. તેને સતત એ ડર રહ્યા કરતો હતો કે રખે ને સરસ્વતીના સાંભળતાં કોઈ તેને ‘લખુડી’ નામે બોલાવી ન દે!

આમ ધીમે ધીમે લક્ષ્મીનું ચિત્ત ધંધા તરફથી ઘટવા માંડ્યું અને પરિણામ એ આવ્યું કે તેનો વકરો ઘટવા માંડ્યો હતો. એક દિવસ તો એવો ફ્લોપ ગયો કે તેને પાઈનો પણ વકરો થયો ન હતો. વેપાર ઘટવાના કારણે પહેલાં જે તાજું શાકભાજી કે ફળફળાદિ લાવી શકાતાં હતાં એ સ્થિતિ હવે રહી ન હતી. અગાઉ ‘લખુડી’ જે બોલવામાં ‘મીઠડી’ કહેવાતી હતી તે હવે કર્કશ બની ગઈ હતી. જો કોઈ ભૂલથી પણ તેને ‘લખુડી’ નામે બોલાવી બેસે તો તે ઝઘડો કરતી હતી. નિશાળિયાંને ખબર પડી કે તે ‘લખુડી’ નામથી ચિડાય છે એટલે તેમણે તેને એ જ નામે બોલાવીને ચિડવવાનું શરૂ કર્યું. અધૂરામાં પૂરું લખુડી તેના દીકરા ગણેશના લગ્નપ્રસંગે ત્રણેક દિવસ સુધી રેંકડી કાઢવાની ન હતી એટલે તેનાં ગ્રાહકોએ ત્રણેય દિવસની તેની પાસેથી ખરીદી કરી લીધી હતી એટલે તેના હરીફોની એ દિવસો દરમિયાન થોડીક વધારે આવક થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. આમ તેના તરફના કંઈક ગુસ્સા અને કંઈક ઈર્ષાના કારણે એ બધા હરીફો છોકરાંને એકાદું જામફળ કે બોરની લાલચ આપીને તેમની પાસે ‘લખુડી’ બોલવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું. એક વખતે તો તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં એક છોકરા તરફ તેના તોલમાપનું કાટલું ફેંક્યું હતું. જો કે સદ્ભાગ્યે તેણે નિશાન ચુકાવી દેતાં તેને કોઈ ઈજા થઈ ન હતી. લખુડીની આવી હિંસક હરકતના કારણે પણ તેનાં કેટલાંક સારાં ગ્રાહકોએ તેના તરફથી મોં ફેરવી લીધું હતું. આમ લખુડીની માનસિક હાલત દિનપ્રતિદિન ખરાબ થવા માંડી હતી. તે તોલમાપ અને હિસાબની ગણતરીમાં ભૂલો કરવા માંડી હતી અને તેથી એ બાબતે પણ ગ્રાહકો સાથે ઝઘડા થતાં તેનો ધંધો લગભગ પડી ભાંગ્યો હતો. હવે તો તે કપડેલતે પણ લઘરવઘર રહેવા માંડી હતી. તેણે દરદાગીના પહેરવાનું પણ બંધ કરી દીધું હતું અને સૂકાભઠ્ઠ  માથાના વિખરાયેલા બાલને લઈને ભૂત જેવી લાગતી હતી.

કેટલાક દિવસો સુધી તો લખુડીનાં ઘરવાળાંને તેના બદલાઈ ગયેલા સ્વભાવની અને લોકો સાથેના તેના તોછડા વ્યવહારની જાણ ન થઈ. પરંતુ રેંકડી ઉપરનો વકરો સાવ નજીવો થઈ ગયો અને જથ્થાબંધ ખરીદેલાં ફળફળાદિ સડવા માંડ્યાં, ત્યારે લખુડીનો ધણી પરથી અને દીકરો ગણેશ બદલાયેલી ધંધાની પરિસ્થિતિની જાતતપાસ કરવા ગયા, ત્યારે તેમણે જોયું કે ધંધાની આખી સિકલ જ બદલાઈ ગઈ હતી. અગાઉ જે લખુડી ટંકશાળની જેમ ધંધામાં નોટો છાપતી હતી તે ચિત્ર સાવ બદલાઈ ગયું હતું. લખુડી પણ બદલાઈ ગઈ હતી અને એનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. તેનાં ગ્રાહકો કે જે એક સમયે તેનાં પ્રશંસક હતાં, તેઓ પણ તેની અવગણના કરવા માંડ્યાં હતાં.

લખુડીની રેંકડી એ બાપબેટા પરથી અને ગણેશનાં વાડીમાંનાં શાકભાજીની પેદાશને છૂટક વેચવા માટેના મોબાઈલ સેલ્સ ડેપોની ગરજ સારતી હતી. લખુડીને માત્ર ફળફળાદિ જ બહારથી ખરીદવાં પડતાં હતાં. આમ તો પહેલાં ઘરનાં બધાંયનો લખુડીની જેમ રેંકડી ફેરવવાનો વ્યવસાય હતો. પરંતુ છેલ્લાં બેએક વર્ષથી તેમણે કોન્ટ્રેકટ ઉપર એક વાડીની ખેતી લીધી હતી. લખુડીની રેંકડી એ તેમના કારોબારની જીવાદોરી સમાન હતી. આ જીવાદોરી કમજોર થતાં તેની સીધી અસર વાડીની આવક ઉપર પડી રહી હતી.

ગણેશે તેની વહુ સરસ્વતીને ધંધાની જવાબદારી સોંપવાનું વિચારીને લખુડીને તે ના-ના કહેતી હોવા છતાં ધંધામાંથી ફરજિયાત નિવૃત્તિ અપાવીને ઘરે આરામ કરવા જણાવ્યું હતું. સરસ્વતી શહેરની છોકરી હતી અને નવ ધોરણ સુધી ભણેલી પણ હતી. તેની શહેરી શુદ્ધ ભાષા અને તેના પ્રભાવશાળી વ્યક્તિત્વને કામે લગાડીને લખુડીના માંદા પડેલા ધંધાકીય એકમને બેઠું કરવાનું હતું. વ્યાવહારિક સૂઝબૂઝ ધરાવતી સરસ્વતીએ સર્વ  પ્રથમ લખુડીના ધીકતા ધંધાની થયેલી દુર્દશાનાં કારણો જાણવા માટેનું વિચાર્યું. આ માટે  તેણે ગણેશને સાથે રાખીને ગ્રાહકોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેણે ગામના સૌથી મોટા મહેલ્લાને પ્રથમ પસંદગી આપી અને તેમણે ખાનગીમાં તપાસ કરીને ભોળિયાં એવાં અમીનાકાકીની પહેલી મુલાકાત લીધી.

‘કાકી, આપ તો અમારાં જૂનાં ગ્રાહક છો એટલે અમે જાણવા માગીએ છીએ કે મારાં સાસુ તો સૌ કોઈને ખૂબ જ વહાલાં હતાં અને આમ અચાનક બધાંએ તેમને કેમ છોડી દીધાં?’

‘જો બેટા, ખોટું ન લગાડે તો કહું કે આ માટે તારો વાંક છે.’ અમીનાકાકીએ છીંકણીનો સડાકો ભરતાં કહ્યું.

‘અરે માડી, હું તો પરણીને આવી ત્યારથી તેમણે મને રેંકડી ઉપર ફરકવાય દીધી નથી અને મારો વાંક કઈ રીતે ગણાય?’

‘બસ, ત્યાં જ અસ્સલ વાત છે. તારી સાસુ આ ગામમાં મોટી થઈ, પરણી અને તારા સસરાને ધીકતા ધંધાની લાલચ બતાવીને અહીં જ રહી પડી. આજે આધેડ વય સુધી જે પોતાને જ લખુડી તરીકે ઓળખાવવામાં નાનમ ન અનુભવતી હોય અને ગામ આખુંય તેને ‘લખુડી’ તરીકે બોલાવતું હોય તે આમ અચાનક તેને તેના ખરા નામે બોલાવવા માગે એ કંઈ થાય ખરું?’

‘આમ અચાનક તેમનું ‘લખુડી’માંથી ‘લક્ષ્મી’ કે ‘લખુ’ તરીકે ઓળખાવાનું કારણ હું જ છું એમ તમારું કહેવાનું થાય છે, ખરું ને ? એમને એમ ચિંતા થતી હશે કે મારા સાંભળતાં તેમને કોઈ ‘લખુડી’ કહી ન જાય એમ જ ને?

‘હા એ જ તો. તમારાં લગ્ન પતી ગયા પછી લખુ જ્યારે ધંધા ઉપર પહેલીવહેલી આવી ત્યારે તેણે પોતાનો સાદ પાડતાં ‘લખુડી’ના બદલે ‘એય…લછમી આવી…ઈ…ઈ…’ બોલી, ત્યારે અમે લોકોએ તેને પૂછ્યું હતું કે ‘અલી, તું લખુડીમાંથી લછમી ક્યારની થઈ ગઈ?’ તો તેણે જવાબ આપ્યો હતો કે ‘વહુ લાવી છું એટલે  હવે આ ‘લખુડી’ નામ સારું લાગે નહિ. એના સાંભળતાં કોઈ મને ‘લખુડી’ કહીને બોલાવે તો મારી તેના આગળ શી ઈજ્જત રહે?’ બસ, ત્યારથી ‘લછમી’ તરીકે બોલાવવા લોકો સાથે ઝઘડા કરવા માંડી. વધારામાં છોકરાં પણ તેને સતાવવા માંડ્યાં. મારી તો સલાહ છે કે તમે કોઈ દાક્તરને બતાવો. બીજું કે મેં જે લછમી લછમી  કહ્યું તે જોડિયા અક્ષર લચ્છમી જેવું કંઈક બોલતી હતી. બળ્યું જોડિયા અક્ષર બોલવામાં મારે તો જીભે લોચા વળે છે!’

‘એ લક્ષ્મી કહેતાં હશે, લછમી નહિ. કાકી તમારો ખૂબ ખૂબ આભાર.’

સરસ્વતીએ ગણેશના સામે જોઈને આંખોથી કંઈક એવો ઈશારો કર્યો જેનો મતલબ કદાચ એમ થતો હતો કે ‘હું નહોતી કહેતી?’

સરસ્વતીએ કહ્યું, ‘કાકી, હવે તો એમનો ઈલાજ હું જ કરીશ. ગણેશ, હવે આપણે કોઈને મળવું નથી, ચાલ સીધાં ઘરે જઈએ.’

બંને એ વિદાય લીધી.

* * *

ઘરે ગયા પછી સરસ્વતીએ તેની સાસુનો સંવેદનશીલ કેસ કોઠાસૂઝથી હાથ ઉપર લેવાનું નક્કી કર્યું. સર્વ પ્રથમ તો તેણે ખૂબ જ સમજાવીને તેમને સ્નાન કરાવ્યું અને પછી તેમના માથામાં તેલ નાખીને માથું ઓળતાં તેણે સહજ વાત શરૂ કરી.

‘માડી, વાડીમાં ઘણાં શાકભાજી ઉતારવાનાં થયાં છે. પાંચેક દિવસથી આપણી રેંકડી પણ ફરી નથી. શાકભાજીનો ફાલ જ્થ્થાબંધ વેપારીને વેચીએ તો એ લોકો મફતના ભાવે માગે છે, જે આપણને પોષાય નહિ; માટે જો રજા આપો તો હું રેંકડી ફેરવવા જાઉં. ગણેશે અને મારા સસરાએ હા પાડી છે. બોલો, શું કહો છો?’

‘હું ક્યારનીય કહું છું કે મને ધંધે જવા દો, પણ કોઈ મારી વાત સાંભળતું નથી અને બસ બધાંય મને આરામ કરવાનું કહે છે. સાંભળ, તારે તો રેંકડી ફેરવવાની વાત સુદ્ધાં નથી કરવાની. મારે તો તને રાણીની જેમ રાખવાની છે. તું અમને તારી શહેરી ખાણું રાંધીને ખવડાવે એટલે અમારા માટે ઘણું થઈ ગયું.’

બાજુના ઓરડામાં બેઠેલા ગણેશ અને પરથી એક બીજાના સામે જોઈને સરસ્વતીની ‘લખુડી’ને પ્રેમથી પળોટવાની વાત સાંભળીને સંતોષનો ભાવ અનુભવી રહ્યા હતા.

‘ના, મા. તમે કેવાં સાવ લેવાઈ ગયાં છો! હું અને ગણેશ ગામમાં ગયાં હતાં. એ લોકો તમને ખૂબ યાદ કરે છે, હોં!’

‘એ તો યાદ કરે જ ને! આપણાં વાડીનાં તાજાં શાકભાજી આપણા સિવાય બીજું કોણ તેમને આપવાનું હતું!’

લખુડી થોડીક ચિત્તભ્રમ હોઈ તે પોતાના ધંધાના સુવર્ણકાળના સંદર્ભે જ બોલતી હતી. સામાન્ય રીતે મનોરોગીઓ ભૂતકાળને જ ખૂબ વાગોળતાં હોય છે અને સરસ્વતી આત્મસૂઝથી એ જ હકીકતને ધ્યાનમાં રાખીને બોલી હતી કે લોકો તેમને ખૂબ યાદ કરે છે!

સરસ્વતીએ હસતાં હસતાં લખુડીની આગલી વાતનો તંતુ પકડીને કહેવા માંડ્યું કે, ‘બા, તમે મને રાણીની જેમ રાખવા માગો છો; પણ આપણે તો સાવ સીધુંસાદું ઘર છે. હું તો તમે લોકો મહેલ ન બનાવી આપો ત્યાં સુધી રાણી નહિ બનું, હોં!’

લખુડી મલકી પડી અને બોલી, ‘તારી વાત ખરી, હોં! હાલ તો આપણા ખોરડાની રાણી હું છું અને જો ને તું દાસીની જેમ મારા માથામાં તેલ નાખે છે, મારું માથું ઓળે છે. જા, મહેલ બને પછી તું રાણી થજે અને હું મહારાણી થઈશ અને આપણાં બંનેનાં માથાં આપણી દાસીઓ ઓળશે!’

ગણેશ અને પરથી એકચિત્તે સાસુવહુની વાતચીત સાંભળી રહ્યા હતા. રાણીવાળી વાત સંભળીને બંને મલકી ઊઠ્યા.

‘તો બા, મને રેંકડી ફેરવવાની રજા આપો છો કે?’

‘હરગિજ નહિ, હું જીવું છું ત્યાંસુધી તો નહિ જ!’.

સરસ્વતીને વાત કાબૂ બહાર જતી લાગી, તોય તેણે કહેવા માંડ્યું, ‘તો બા, એમ કંઈ મહેલ ઘેર બેઠેબેઠે થોડો થશે. મહેનતમજૂરી કરીને કંઈક રળવું તો પડે ને!’

‘એટલે જ તો કહું છું કે મને ધંધા ઉપર જવા દો; અને સાંભળ, બીજી વાત કે તું મને રાજકુંવર ક્યારે આપશે?’

સરસ્વતી શરમાઈ ગઈ અને મલકતા મુખે બોલી, ‘એ તો ભગવાનના હાથની વાત છે. પણ બા, હું તો આપણા રાજકુંવરનો મહેલ મારી કમાણીમાંથી જ બનાવવા માગું છું. બોલો, ધંધા ઉપર જવાની રજા આપો છો કે નહિ, નહિ તો હું તો રિસાઈને પિયર જતી રહીશ. આમેય મારા ભણતરમાં પણ આવતું હતું કે લક્ષ્મી અને સરસ્વતી કદીય સાથે રહી શકે નહિ.!’ સરસ્વતીએ લાગ જોઈને દાણો ચાંપ્યો.

‘ના, ના, બેટા એવું ના કરીશ. તું તો મારી એકની એક વહુ છે. આપણે શા માટે છૂટાં પડીએ? આપણે બંને રાણી અને મહારાણી સાથે જ રેંકડી કાઢીએ તો?.’

‘પણ લોકો તો મને મેણાં મારશે ને કે જુઓ પેલી રાણી બિચારી મહારાણી પાસે  રેંકડી ખેંચાવે છે! હું તો લાજી મરું, મા!’

‘તો એમ કર, તું એકલી જા અને હું મહારાણી આપણું રસોડું સંભાળીશ!’

સરસ્વતીએ પોતાના હેતુ ઉપર કામિયાબ થયાનો સંતોષ અનુભવતાં કહ્યું, ‘ના, બા. હું તો ધંધો અને રસોડું બંને સંભાળીશ.’

’જા એમ કરજે, પણ હા, મને યાદ આવ્યું કે તું ભિખારીની જેમ ઘેરઘેર રેંકડી લઈને જતી નહિ. આપણે તો સારો માલ આપવાનો છે, એટલે લોકો ખેંચાઈને પણ આપણી રેંકડી ઉપર આવશે. મારી જેમ તારે મહેલ્લાના નાકે જ ઊભી રહીને સાદ પાડવાનો, હોં! પણ તું સાદ કેવી રીતે પાડીશ?’

સરસ્વતી લખુડીને આ જ વાત ઉપર લાવવા માગતી હતી. તેને લાગ્યું કે હવે લોઢું બરાબર ગરમ થઈ ગયું છે અને તેને ટીપી નાખવામાં જરાય વિલંબ નહિ ચાલે.

સરસ્વતીએ ઝડપથી જવાબ આપી દીધો, ‘મારો સાદ, વળી તમારી જેમ જ હશે ને!’

‘એટલે?’

‘એય…સરુડી આવી…ઈ…ઈ…’

‘હેં, સરુડી? ના, બિલકુલ નહિ; તારે રેંકડીએ જવાનું નથી. અલ્યા, બાજુમાં ગણેશિયો કે પરથીડો છો કે? અલ્યા, સાંભળો છો કે? આ જુઓ ને, સરુ કેવો સાદ પાડવાનું કહે છે? જે રાણી બનીને ‘સરસ્વતીજી’ તરીકે બોલાવાને હકદાર છે, તે પોતાની જાતે જ આમ સરુડી તરીકે તેને ઓળખાવે એ શું વ્યાજબી છે?’

સરસ્વતીને બાજી હાથમાંથી સરકતી લાગી તેમ છતાંય તેને સંભાળી લેતાં લાગણીસભર અવાજે કહ્યું કે ‘બા, એ તો રેંકડી ઉપર જે હોય તે નામનો જ સાદ પાડવો પડે ને! મારે તો આપણો મહેલ થાય પછી જ રાણી બનીને હિંચોળે હિંચવાનું છે ને! ‘સરસ્વતીજી’ કહેવડાવવા પહેલાં ‘સરુડી’ તો બનવું જ પડે ને! મારો નાનકો ભાઈ મને સરુડી કહીને બોલાવતો હતો, જે મને ખૂબ જ ગમતું. જો તે સરસ્વતી, સરુબહેન એવા નામે બોલાવે તો હું સાંભળતી જ નહિ ને! આપણાં વહાલાં હોય એ લોકો જ આપણને એવી રીતે બોલાવે!!’

લખુડી એકદમ રડી પડતાં ખૂબ જ વહાલથી બોલી, ‘જો બેટા, મેં તો લક્ષ્મી કે જે ફોટાઓમાં કમળના ફૂલ વચ્ચે જ ઊભેલાં દેખાય છે તે ફૂલને મારા જ હાથે મસળી નાખ્યું હતું અને ‘લક્ષ્મી’માંથી લખુડી બની ગઈ હતી, જેનો મને હજુય પસ્તાવો છે. તું ‘સરસ્વતી’ પણ એક દેવી સમાન છે અને તું એ નામને ‘સરુડી’ તરીકે બગાડી નાખે એના કરતાં મારું બગડેલું નામ જ આપણે કાયમ રાખીએ અને બધાં રાજીખુશીથી રજા આપો તો હું જીવું છું ત્યાં સુધી મારાં વહાલાં ઘરાકોને સાચવવા માગું છું. ઈશ્વરને ખાતર મારાં ભાડુંડાં એવાં મારાં ઘરાકોથી મને દૂર ન કરો.’

લખુડી ધૂસ્કે ધ્રૂસ્કે એવી રડવા માંડી કે બાજુના ઓરડામાંથી પરથી અને ગણેશ પણ આંસુંભરી આંખે ધસી આવ્યા. ગણેશે તો લખુડીને બાઝી પડીને કહી દીધું,’મા રડીશ નહિ. તું તારે ખુશીથી કાલે રેંકડી લઈને જજે. તારે ધંધાની નવેસરથી શરૂઆત કરવાની છે અને અમીનાકાકીથી જ તારી બોણી કરજે. એમના પૈસા તું લઈશ પણ નહિ.’

બીજા દિવસે ગામના મોટા મહેલ્લાના નાકેથી એ જ ઉલ્લાસ અને ઉમળકાભર્યો અવાજ રણક્યો, ‘એય…લખુડી આવી…ઈ…ઈ…!’

વલીભાઈ મુસા

(આ વાર્તા નર્મદ સાહિત્ય સભા, સૂરત દ્વારા સંચાલિત ‘કેતન મુનશી વાર્તા સ્પર્ધા –૧૦ : ૨૦૧૭’ના ઘોષિત પરિણામમાં ઈનામપાત્ર વાર્તાઓ ઉપરાંત પસંદગીપાત્ર જાહેર થયેલી વાર્તાઓ પૈકીની એક છે.)

* * *

પ્રતિભાવ :

(હળવી શૈલીમાં લખાયેલી શ્રી વલીભાઈ મુસાની વાર્તા ‘લખુડી’માં લખુડી ઊર્ફે લક્ષ્મી ગામમાં શાકભાજીની રેંકડી ફેરવે છે. એ ગ્રાહકોમાં પ્રિય છે, પરંતુ પુત્રવધૂ આવતાં એ ‘લખુડી’માંથી લક્ષ્મી બની જાય છે, ચીડિયાં કરે છે, ગુસ્સો કરે છે, ઝઘડા કરે છે. પરિણામે ધંધો ઠપ થઈ જાય છે. એ ધંધાને વળી પાછો પાટા પર લાવવા પુત્રવધૂ સરસ્વતી, પુત્ર ગણેશ અને પતિ પૃથ્વી પ્રયત્નો કરે છે, તેનું રસપ્રદ આલેખન છે.  વાર્તા દ્વારા શ્રમજીવીઓને પણ મહેલમાં રહેવાની એષણા હોય છે એ સ-રસ રીતે કહેવાયું છે. – સતીશ ડણાક, ‘જલારામદીપ’, જુલાઈ-૨૦૧૮)

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, FB, SM, WG and tagged , , . Bookmark the permalink.

1 Response to લખુડી

  1. vimla hirpara says:

    નમસ્તે વલીભાઇ, સરસ વાર્તા. માનવસ્વભાવનું એક પાસુ ઉજાગર કરે છે. માણસને પોતાના સહાયકો સમક્ષ પોતાનું સ્થાન હલકુ થાય એ માનહાની માથાઉપરવટ લાગે છે. બાળકોને એમના મિત્ર સમક્ષ, પતિ કે પત્નીને એના પરિચિતો સમક્ષ ટીકા પાત્ર થવુ ન ગમે. એટલે જ કયારેક બાળકો પોતાના ગરીબ કે અભણ માબાપને સ્કુલમાં કે મિત્રો સમક્ષ રજુ કરવામાં ક્ષોભ અનુભવે છે. અંહી લક્ષ્મી કે લખુડીને પોતાની વહુ સમક્ષ પોતાનું નામ આ રીતે બોલાય એ ન ગમે એ સમજવા જેવું છે. એટલે જ ઘણા પતિપત્ની એક જ સ્થળે સાથે નોકરી કરવાનું પસંદ કરતા નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s