પહેલો અને આખરી દાવ

‘રક્ષાબંધનના તહેવારને બે જ દિવસ બાકી છે અને હજુસુધી રમીલા ન આવી. પાછલાં બે વર્ષથી તે કંઈકને કંઈક બહાનું બતાવતી આવી છે. આ વર્ષે પણ જો એ ન આવે તો, બેટા, તારે તેને તેડવા જવું પડશે. આ તે કેવું કે વર્ષ આખામાં બેચાર દિવસ પણ આ તહેવારના બહાને એ પિયરમાં ન આવે! ગામની બધી વર્ણની બહારગામ પરણેલી દીકરીઓ ભાઈ પાસે રાખડી બંધાવવા આવે છે અને આપણાવાળી જ એવી તે કેવી સાવ ઘરરખું થઈ ગઈ છે કે બબ્બે વરસથી આ તરફ ફરકતીય નથી! હેં તરભા, ભાણિયો પણ ખાસ્સો મોટો થઈ ગયો હશે, નહિં?’ કુંવરબાએ છીંકણી સૂંઘતાં જોડા બનાવી રહેલા દીકરા ત્રિભુવનને કહ્યું.

‘હજુ તો બે દિવસ બાકી છે. રાહ તો જો, બા. એ આવે તો માથાભેર અને ન આવે તો આપણે શું કામ એને તેડવા જવું પડે? જેવી એની અને હરિની ઇચ્છા! તને ખબર તો છે કે એની સાવ સસ્તીય સાડી તથા ભાણિયા માટે કપડાંની જોડ અને એકાદું રમકડું ખરીદવાની પણ આપણી ત્રેવડ છે ખરી?’ ત્રિભુવને પાણીની કુંડીમાં પલાળેલો ચામડાનો ભીનો કકડો એરણી ઉપર મૂકીને બત્તા વડે ટીચી નાખતાં હળવો બળાપો કાઢ્યો.

કુંવરબા બિચારાં છોભીલાં પડ્યાં અને દીકરાની અકળામણ પારખી જતાં વિચાર બદલીને મનોમન પ્રાર્થી બેઠાં કે ‘ઓણ સાલ પણ રમીલા ન આવે તો સારું!’ એમને સમજાઈ ગયું કે ‘પેટની ભીડ અને ઘરની ભીડ પોતાના સિવાય કોઈ ન જાણે, એવું કહેવાવાળાએ જે કહ્યું છે તે સાચું છે!’ વળી એમને એ પણ સમજાઈ ગયું કે ત્રિભુવનની ચીડ પણ યથાર્થ જ છે અને રમીલા આ વર્ષે પણ ન આવે તેમાં જ બાંધી મુઠ્ઠી લાખની છે!

પરંતુ ત્રિભુવનને ક્યાં ખબર હતી કે એ જ્યારે એમ બોલ્યો હતો કે ‘જેવી એની અને હરિની ઇચ્છા’ ત્યારે તો રમીલા મહેલ્લાના નાકે આવી પહોંચી હતી. આગલી રાતે જ એની અને હરિની ઇચ્છાનો સરવાળો થઈ ચૂક્યો હતો અને સરવાળે અહીં આવવાનો નિર્ણય પણ લેવાઈ ગયો હતો!

રમીલાએ આંગણામાં પ્રવેશતાં જ ‘ઓ મારી માડી રે!’ કહીને પોક મૂકી, ત્યારે કુંવરબા હાથમાંની છીંકણીની ડબ્બી ભોંય ઉપર ફેંકીને દોડતાં રમીલાને બાઝી પડ્યાં. ત્રિભુવને પણ હાથમાંની ચામડાને છોલવાની ફરસી  પડતી નાખીને દોડી જતાં રમીલાના માથે હાથ ફેરવીને ભાણિયાને ઊંચકી લીધો.

રમીલા ઘરમાં ફરી વળી. તેનાં ચકોર ચક્ષુઓએ ક્યાસ કાઢી લીધો કે પોતે છેલ્લી પિયરે આવી હતી ત્યારથી હાલ સુધીમાં બાના ઘરમાં દરિદ્રતાએ વધુ ઘેરો રંગ પકડી લીધો હતો. મોટાભાઈ અને ભાભી તેમનાં બે બાળકો સમેત ગંધાતા ચામડા સાથેના વારસાગત વ્યવસાય સાથેનો છેડો ફાડીને દૂરના ગામે હાઈસ્કૂલની ચોથા વર્ગના સેવક સહાયક (Support Worker) તરીકેની મામુલી પગારવાળી નોકરી ઓ.બી.સી. ઉમેદવાર તરીકે મેળવી લીધી હતી, જે પાંચ વર્ષ પછી પૂરા પગારવાળી થવાની આશા હતી. તેમના કુટુંબના ચાલ્યા જવાથી અર્ધું ઘર ખાલી થઈ ચૂક્યું હતું. નાની ભાભી પહેલી સુવાવડ અર્થે પિયર ગઈ હોઈ હાલમાં તો બા અને ભાઈ ત્રિભુવન માત્ર જ કુટુંબમાં બાકી રહ્યાં હતાં. બાપુજી તો પોતે સૌથી નાની એવી બે વર્ષની હતી ત્યારે જ દેવલોક પામ્યા હતા. પિતાના અવસાન પછી બંને ભાઈઓએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને અભ્યાસ છોડી દીધો હતો. રમીલાને ભાઈઓએ એસ.એસ.સી.સુધી ભણવા દીધી હતી. આટલો ઓછો અભ્યાસ છતાં રમીલાની વિચારશક્તિ પ્રબળ હતી. તેને સરકારી સૂત્ર ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ’ અહીં ભ્રામક લાગતું હતું. રોજીરોટીની સરળ ઉપલબ્ધતા જ કુટુંબને સુખી બનાવી શકે, નહિ કે કુટુંબનું કદ; એવી એની માન્યતા દૃઢ બની. 

કુંવરબાએ રમીલાને પાણીનો ગ્લાસ ધર્યો, જે પીતાંપીતાં તેણે જાહેરાત કરી દીધી કે સાંજની બસમાં તે પાછી ફરશે. સમજુ રમીલાએ નક્કી કરી લીધું કે પોતે બેપાંચ દિવસ પણ અહીં રહીને આ લોકોને બોજારૂપ નહિ થાય.

‘આટલા ટૂંકા ગાળા માટે તારે આવવું જોઈતું જ ન હતું. જો બા તને ધરેલો પાણીનો ગ્લાસ તું બેએક ઘૂંટડા પાણી પીએ ન પીએ અને ખેંચી લેં તો તને કેવું લાગે? હું તને આગલી રાતે ન કહું, ત્યાંસુધી તારે રોકાવાનું છે. હજુ રક્ષાબંધનને બે દિવસની વાર છે, એટલે એ બે દિવસ તો ખરા જ; અને ત્યારપછી પણ મારી મરજી મુજબ તારે રોકાવું પડશે. એટલી ખાત્રી આપું કે તને પાંચ દિવસથી વધારે નહિ રોકું, બસ!’ ત્રિભુવને ભાવવાહી અવાજે કહ્યું.

રમીલાને એ સમજતાં વાર ન લાગી કે ભાઈ પાંચ દિવસની સમયાવધિ શા માટે માગી રહ્યો છે. સામાજિક વ્યવહારના ભાગરૂપે બહેનને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવી કોઈક ભેટસોગાદ ખરીદવા માટે તેને     એટલો સમય તો જોઈએ જ, કેમ કે તે પિયરમાં માવઠાની જેમ ઓચિંતી જ ટપકી પડી હતી ને!

* * * * *

જગતમાં વિવિધ ધર્મો અસ્તિત્વ ધરાવે છે અને તેમના ઓછી કે વધતી સંખ્યામાં અનુયાયીઓ પણ હોય છે. ધર્મોએ માનવીઓનું કલ્યાણ કર્યું છે કે નહિ તે નિશ્ચિતપણે કહી ન શકાય, પણ હતાશ માનવીઓને એ ધર્મોએ તેમની બલવત્તર આસ્થાના કારણે બળ તો અવશ્ય પૂરું પાડ્યું હોય છે. જીવનથી હારેલોથાકેલો માનવી છેવટે પોતાના ધર્મના શરણે જતો હોય છે અને પોતાના ઈષ્ટ દેવદેવીને પ્રાર્થતો હોય છે. કોઈક દોહરામાં વિપત ટાણે ઉદ્યમ કરવાની વાત સમજાવાઈ છે, પણ આપણા ત્રિભુવન જેવાઓને ઉદ્યમ કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં ઉદ્યમ જ ન મળે અને મળે તો અપૂરતો મળે ત્યારે કૌટુંબિક આવક-ખર્ચના બે ટાંટિયા સરખા કરવા દુષ્કર બની જતા હોય છે. અહીં ત્રિભુવનને પણ નાણાંભીડ સતાવી રહી હતી. એની તાતી જરૂરિયાત પણ એવી કોઈ મોટા આંકડામાં ન હતી, બસોત્રણસો રૂપિયા મળી જાય તો એનું કામ તાત્કાલિક નીકળી જાય તેમ હતું. ‘અંધા ચાહે દો આંખે’ની જેમ રમીલા આગળ નાદાર જાહેર ન થઈ જવાય તે માટે તે ગામના પાદર નજીક આવેલા દેવમંદિરે નાકલીટી તાણી આવ્યા પછી બસસ્ટેન્ડની ચાની કેન્ટિને ત્રિભુવને અડધી ચાનો ઓર્ડર આપ્યો.

કેન્ટિનવાળા કાસમે કહ્યું, ‘તરભા, બીજો કોઈ અર્ધી ચાનો ઘરાક આવે પછી ચા બનાવું છું; પણ હું તને પૂછું છું કે સવારસાંજ નહિ અને આમ કવેળાનાં દેવદર્શન! ભક્તને કોઈ ભીડ પડી કે શું?’

‘અલ્યા કાસમ, તું ત્રિકાળજ્ઞાની લાગે છે! તને મારી ભીડની શી રીતે ખબર પડી?’

“જો તરભા, આપણે એક મહેલ્લામાં રહીએ છીએ. સાથે ભણતા હતા, સાથે નિશાળ છોડી. આપણે બચપણના દોસ્તો છીએ. આપણા બેઉના સંજોગો પણ સરખા છે. ભણવામાં આવતી પેલી કડી યાદ છે? ‘દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે, અને જો સમજી શકે તો જગતમાં દુ:ખ ન રહે.’ હમણાં જ આપણી બહેન રમીલા બસમાંથી ઊતરી. તને જવલ્લે જ મંદિરે જતો જોયો છે. આજે તને જોયો અને વાતનો તાળો બેસી ગયો. ઘણાં વર્ષે આવી છે, નહિ? શોભતું કંઈક એને આપજે; અને જરૂર પડે તો મારા ગજા પ્રમાણે તને મદદરૂપ થવાની મને તક પણ આપજે.’

‘તેં વગર કહ્યે અને વગર માગ્યે આટલું કહ્યું એટલે મને જાણે બધું મળી ગયું. જો કાસમ, મારા ગમે તેવા સંજોગો હોય; પણ મને લાગે છે કે આખાય ગામમાં મારા જેવો કોઈ માણસ સુખી નહિ હોય! બોલ, તારા માથે પાંચપચીસનું પણ દેવું હશે કે નહિ? મારા માથે પાઈનું પણ દેવું નથી; પણ હા, ખિસ્સાં ખાલી હોં કે!’ આમ કહેતાં ત્રિભુવન હસી પડ્યો.

‘તારી વાત સાચી છે, તભુ. આ કાળઝાળ મોંઘવારીમાં બે છેડા સરખા રાખીને ટકી રહેવું એ તારા જેવો કોઈ વીરલો જ એમ કરી શકે. તું ઈરાદાનો પાકો છે તે હું બચપણથી જાણું છું. પરંતુ મારી નાનકડી મદદને તારે દેવું નહિ સમજવાનું અને મને વિના સંકોચે કહેજે; પણ તરભા, કહી શકે તો જણાવ કે તારું બજેટ શું છે?’  કાસમે લાગણીભર્યા અવાજે પૂછ્યું.

‘તારા સાઈડ ધંધાની ભાષામાં કહું તો મારે પાંચ રૂપિયાની ડબલ જેટલાની જરૂર છે.’

‘ઓહો, ત્રણસો પચાસ રૂપિયા! સિત્તેરના ભાવે, ખરું ને ?’

કાસમ ગામના વરલી મટકા જુગારના બુકી એવા એક શેઠિયાના સબ એજન્ટ તરીકે કમિશનથી કામ કરતો હતો. કાસમે પોતાના આ સાઈડ ધંધાના એક ઉસુલને જાળવી રાખ્યો હતો કે રૂપિયે બે આના જેટલા કમિશનથી સંતોષ માની લેવો અને કદીય એક પાવલીનો પણ પોતે આંકડો રમવો નહિ. એનું કામ લોકોને જુગાર રમાડવાનું હતું, નહિ કે તેણે જુગાર રમવાનો હોય. બસ સ્ટેન્ડની ચાની કીટલી એ તો નામ પૂરતી તેની બેઠક માત્ર જ હતી. કાસમ પોતાના બાળગોઠિયા ત્રિભુવનને માનની નજરે જોતો હતો એટલા માટે કે તે પેટે પાટા બાંધીને પણ હલાલ કમાણીથી પોતાનું ગુજરાન નભાવતો હતો, જ્યારે પોતે મજહબે હરામ ઠરાવેલા એવા જુગારમાંથી કમાણી કરતો હતો. કાસમનો અંતરાત્મા કકળતો તો હતો, પણ હલાલ કમાણી મેળવવા માટેનો કોઈ સ્રોત હાથ ન લાગે ત્યાંસુધી આ કામ સિવાયનો તેની પાસે કોઈ વિકલ્પ પણ ન હતો.

‘કાસમ, મારી જરૂરિયાતને તારી જુગારની ભાષામાં જણાવી એ બદલ હું શરમિંદગી અનુભવું છું. તને હરહંમેશ આ અનીતિનો ધંધો છોડી દેવાની સલાહ આપનારા એવા મારા માટે આવું બોલવું પણ શોભાસ્પદ તો ન જ ગણાય. ખેર, બીજી અડધી ચાનો કોઈ ઘરાક આવ્યો તો નહિ, પણ મારી આખી ચા કરી નાખ અને આપણે બેઉ ભેરુડા અડધીઅડધી પી નાખીએ.’

‘એય તરભલા, તેરા હો ભલા; મેરી ચાયકી કીટલી, ઓર તું મેરેકુ ચાય પિલાયેગા! કમબખત, ઐસા બોલતે તુઝે શર્મ આની ચાહિએ! ચલ, મૈં દૂધમેં પાની ડાલે બિના અપન દોનોં કે લિયે અખ્ખે દૂધકી અખ્ખે અખ્ખે  દો કપ ચાય બનાતા હું. આજ તો બસ, યે મેરી ઓરસે હો જાય!’

‘અબ મૈં ભી તેરી બોલીમેં બોલું તો સૂન; બેટે, પારલે બિસ્કીટકી એક પેકેટ ભી હો જાય!’ બંને જણ ખડખડાટ હસી પડ્યા.

* * * * *

બસનો કોઈ સમય ન હતો અને બપોર થઈ ગઈ હોઈ કોઈ ગ્રાહક પણ ન હતું. ત્રિભુવનના ગયા પછી કાસમ વિચારે ચઢી ગયો હતો. ત્રિભુવનની આર્થિક સંકડામણ તેને પીડતી હતી. તેને એ પણ ખબર હતી કે ત્રિભુવન કોઈની પાસે ઉછીના પૈસા માટે હાથ લંબાવશે નહિ અને કોઈની મદદ સ્વીકારશે પણ નહિ. પરંતુ, હા, કદાચ એમ પણ બની શકે કે તે દોસ્તીના નાતે ગામ આખાયમાં માત્ર તેની પાસેથી જ હાથઉછીની મદદ લે, અને એ પણ દોસ્તીભંગની ધમકી આપવામાં આવે તો જ કદાચ! એ પોતે ત્રિભુવનની તાત્કાલિક જરૂરિયાત માટે શું કરી શકે તેની ગડમથલમાં પડી ગયો. ત્રિભુવનની બાનું નામ કુંવરબા હતું. ઘરના વડીલ તરીકે તેઓ જ હતાં. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું શામળિયાએ શેઠ સગાળશા બનીને પતાવી આપ્યું હતું. આ કુંવરબા એ પોતાનાં બા સમાન છે અને તેમની ઈજ્જત સાચવવી એ પોતાની ફરજમાં આવે છે તેવું તે માનવા માંડ્યો. ત્રિભુવનને મદદરૂપ થવા માટે પોતાનું કાળું ધન કામ આવી શકે તેમ ન હતું. વળી કાળું તો કાળું પણ એવુંય ફાજલ ધન પણ પોતાની પાસે ક્યાં હતું? ચાની કીટલીની કમાણી તો નહિવત્ હતી અને વરલી મટકાના કમિશનની આવક પણ અનિશ્ચિત હતી. એ તો સદ્ભાગ્યે સિલાઈકામ જાણતી પત્ની મળી હતી એટલે તેની પૂરક આવકથી માંડ ઘર નભતું હતું.

કાસમના માનસપટ ઉપર રામકથાકારના એક કથનની યાદ આવી ગઈ. શુભ આશયે બોલાતું અસત્ય એ સત્ય કરતાં પણ અનેકગણું ચઢિયાતું બની શકે છે. આ વિચારમાત્રથી તેનો ઉદ્વેગ શાંત પડ્યો. તેના મનમાં એક વિચાર ઝબક્યો. શાહેદાની સિલાઈકામની બચતનાં નાણાં મહેનતનાં અને પ્રમાણિકપણે કમાયેલાં છે અને એમાંથી પોતે મદદ કરી રહ્યો છે એવા અસત્યનો સહારો લેવો પડે. પરંતુ વાસ્તવમાં તો એવી બચત તેની પાસે નથી. પોતાની ચાની કીટલીની અને જુગારના કમિશનની આવક ભેગી ભળી જતાં એ બધાં નાણાં અપવિત્ર જ બની જાય. ભલે ને એ અપવિત્ર જ હોય, તોયે એની પાસે એવી ત્રણસો ચારસોની બચત પણ ક્યાં હતી? એક ચેક વટાવી શકાય તેમ હતો અને તે હતો વરલી મટકાના બુકી શેઠ પાસેથી નાણાં ઉછીનાં લેવાનો. શેઠ ના તો ન જ પાડી શકે, કેમ કે પોતે તેમનો કમાઉ દીકરા સમાન હતો. વળી પાછો વિચાર બદલાયો કે એ ચેક નાછૂટકે વટાવવાનું રાખીને ત્રિભુવનના નામે પાંચ રૂપિયાની ડબલ ખેલી નાખું તો! તો તો ત્રણસો પચાસ રૂપિયા આસાનીથી મળી જાય, ભલે ને પોતાના જુગાર ન રમવાના ઉસુલનો અપવાદ રૂપે ભંગ કરવો પડે! જો ડબલ લાગી જાય તો ત્રિભુવનને એટલી જ રકમ આપવામાં આવે તો કદાચ એ વહેમાય પણ ખરો. શાહેદા પાસે દોઢસો રૂપિયા જેટલી બચત તો હશે જ. એમ થાય તો તેને પાંચસો રૂપિયા આપી શકાય. વળી એટલી પણ તેની મહેનતની કમાણી હરામના પેલા ત્રણસો પચાસ રૂપિયામાં ભળે તો પારસમણિના સ્પર્શની જેમ બધાં નાણાં પવિત્ર બની જાય.

કાસમ મનોમન હસી પડ્યો, પોતાના મૂર્ખ વિચારો ઉપર. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવો પોતાનો શેખચલ્લી જેવો તર્ક હતો તેવું તેને લાગ્યું વળી તેને પાછો યકિન પણ થવા માંડ્યો કે ત્રિભુવન જેવા ભગવાનના માણસના નસીબે એ ડબલ લાગી પણ જાય. પાંચ રૂપિયાના બદલે ગણતરી કરીને થોડું વધારે ખેલી નાખવામાં આવે તો શાહેદા પાસેથી દોઢસો રૂપિયા ઉછીના લેવા પણ ન પડે. પણ ના, ના. પૂરા પાંચસો રૂપિયા માટે શાહેદાનું નામ વટાવવાનું છે, તો તેની પાસેથી દોઢસો રૂપિયા કઢાવવા સારા; કેમ કે તેમ કરવાથી પૂરું નહિ તો અર્ધ સત્ય તો ગણાશે જ. બસ, તો પાંચની ડબલ ખેલી જ નાખવી. પાંચ રૂપિયાનું જોખમ લેવું એ કંઈ મોટી વાત ન હતી. વળી એ ડબલ ન લાગે તો શેઠવાળો બેરર ચેક તો છે જ.

કાસમે હવે સટોડિયાઓના જાતજાતના તર્કની જેમ એક અને માત્ર એક જ ડબલ કાઢવાની હતી, જે તેના માટેનો પહેલો અને આખરી દાવ હતો અને એ પણ તેના દિલોજાન મિત્ર ત્રિભુવન માટે જ તો વળી! કાસમના માનસ ઉપર ઝાઝું વિચાર્યા વગર જ વીજળીક ગતિએ બાવીસની ડબલ અંકિત થઈ ગઈ. આ અંક માટેનું કાસમનું સીધું ગણિત એ હતું કે ત્રિભુવનના ઘરમાં માદીકરો બે જ હતાં અને રમીલા અને ભાણિયો એમ નવાં બેનું  આગમન થયું. કાસમે શેઠને આપવાની આંકડાઓની ચબરખીમાં ૨૨ના આંક સામે પાંચ રૂપિયા નોંધી દીધા.

એ રાત્રે બરાબર આઠ વાગે ઊઘડતો આંક બે આવ્યો અને અગિયાર વાગે બંધ આંક પણ બે જ આવ્યો અને કાસમની ડબલ પાકી થઈ ગઈ. બીજા દિવસે સવારે નવ વાગે કાસમ જ્યારે વલણ (ચૂકવણા)નો હિસાબ કરવા શેઠના ત્યાં ગયો ત્યારે પરિણામ એ જાણવા મળ્યું કે આગલા દિવસના ખેલાડીઓના તમામ પ્રકારના આંકડાઓ સિંગલ, ડબલ, પાનું, પેટી વગેરે નિષ્ફળ રહ્યા હતા અને એક માત્ર ૨૨નો આંક જ વિજેતા નીવડ્યો હતો.

કાસમે અઠવાડિક પોતાના કમિશનનાં નાણાં શેઠજીના ચરણોમાં પાછાં ધરી દઈને માત્ર રૂપિયા ત્રણસો પચાસ જ પોતાના ગજવામાં મૂકતાં તેમને અદબભેર જણાવી દીધું કે પોતે રાજીખુશીથી વરલી મટકાના કમિશન એજન્ટ તરીકેનું કામ છોડી દે છે!

-વલીભાઈ મુસા

(તા.૨૦૦૯૧૫)

(‘ઓપિનિયન’ તા.૨૭૦૯૨૦૧૫)

 

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s