ગ઼ાલિબી ખયાલ અચ્છે તો હૈ ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૦)

આ વખતે રાષ્ટ્રને સાદાસીધા રાષ્ટ્રપતિ મળ્યા. એ મધ્યમવર્ગી ખેડૂત સમુદાયના હતા. રાષ્ટ્રપતિ ભવનમાં એક અલાયદા ઓરડામાં કુટુંબ સાથે રહે. ગામડેથી ઘરવખરી મંગાવી દીધેલી; વાણ ભરેલા ખાટલા, માટલાં,  કલેડું, ઓરસિયો, વેલણ, જમવા માટેની થાળીઓ, પાણીના લોટા-ગ્લાસ-ડોયો, લૂગડાંલતાં, ગોદડાં-પાથરણાં વગેરે. પાંચ વર્ષની હોદ્દાની અવધિ હતી, એટલે ભણતાં છોકરાંને પણ રાજધાનીએ લાવી દીધાં હતાં. હાઈ-ફાઈ શિક્ષણસંસ્થાઓને બદલે તેમણે સરકારી સ્કૂલો અને કોલેજોમાં તેમને પ્રવેશ અપાવી દીધો હતો. છોકરાં માટેની વાહનસુવિધાઓ અંગેની સેક્રેટરીની તમામ વિનંતીઓને ફગાવી દઈને તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટની સવલત સ્વીકારી લીધી હતી. વિદેશી મહેમાનો સાથેના ભોજનસમારંભમાં તેઓ યજમાનની ભૂમિકાએ બેસતા ખરા, પણ માત્ર સાદું પાણી કે લીંબુપાણી જ લેતા અને આમ જ હોદ્દાની ગરિમાને જાળવી રાખતા. જાહેરમાં રાષ્ટ્રપતિને છાજે એવાં વસ્ત્રપરિધાન કરતા, પણ પોતાના એ વસવાટના ઓરડામાં તો એ જ પોતાના ગ્રામ્યજીવનના કલ્ચરને બધી રીતે જાળવી રાખતા. એમનાં ધર્મપત્ની તો સાદગીનાં એટલાં બધાં આગ્રહી હતાં કે એમણે પોતાના નિવાસના ઓરડાઓમાંની વાતાનુકૂલિત વ્યવસ્થાને સ્થગિત કરાવી દીધી હતી. છોકરાંઓનાં માનસોમાં પણ એવી કોઈ મોટાઈની ભાવના પ્રવેશી ન હતી. એમણે પગારભથ્થાં લેવાનો ઈન્કાર કરી દીધો હતો. પોતાના સંયુક્ત કુટુંબની ખેતીવાડી સંભાળતા તેમના નાના ભાઈ દર મહિને જરૂરી ખર્ચનાં નાણાં તેમને વતનમાંથી મોકલી આપતા હતા. પોતાના વસવાટના ઓરડાઓ માટે વપરાતી વીજળી માટેનું એક સબ-મીટર તેમણે મુકાવી દીધું હતું અને એ પ્રમાણે પોતાની વીજવપરાશનું બિલ પણ પોતે અંગત રીતે ચૂકવી દેતા હતા.

મને લાગે છે કે આપણા આ રાષ્ટ્રપતિ વિષેની આટલી અંગત ઓળખ પૂરતી થઈ રહેશે. અતિવિસ્તાર કરવા જતાં અત્રે એમના એક મહત્ત્વના કાર્યની અને તેના પ્રત્યાઘાતની વાત ગૌણ બની જશે.

એમણે એક દિવસે પોતાના અંગત સેક્રેટરીને સૂચના આપી કે તેઓ અનૌપચારિક રીતે બંને ગૃહોના સદસ્યોને રાષ્ટ્રપતિભવનમાં પોતાના અંગત ખર્ચે ભોજન માટે નિમંત્રવા માગે છે. ભોજનનું મેનુ પણ એમણે સમજાવી દીધું હતું; જેમાં ઘઉં અને બાજરીના ગરમાગરમ કોરા રોટલા અને  દાળભાત ઉપરાંત કાંદા, કાચાં લીલાં મરચાં, ગોળનો એક નાનકડો ગાંગડો અને  છાશ માત્ર હશે, કે જે દેશનાં લાખો ગામડાંઓના કરોડો માણસોનો હંમેશનો ખોરાક છે. ગળી વાનગી અને શાકભાજીને બાકાત રાખવાનાં હતાં.

રાષ્ટ્રપતિજીની સૂચના પ્રમાણે ભોજન સમારંભનું આયોજન થઈ ગયું. ભોજન શરૂ કરવા પહેલાં તેમણે બધાને ટૂંકા સંબોધને આવકાર્યા અને કિચન મેનેજરે ભોજનના મેનુની પ્રાથમિક સમજ આપતાં જણાવ્યું કે શુદ્ધ શાકાહારી ખાણામાં મુખ્યત્વે દાળ-ભાત-રોટલી છે. બાજરી એ જાડું ધાન્ય હોઈ કદાચ કોઈને અપાચ્ય લાગે તો વૈકલ્પિક ઘઉંની રોટલીની વ્યવસ્થા છે. દક્ષિણ ભારતીઓ માટે ભાત સાથે આમલી-પાણી (રસમ)ની પણ સુવિધા રાખવામાં આવી છે.  કોઈને કાંદા વર્જ્ય હોય તો લીલા મરચાને માણી શકે છે. કોઈને કાચું લીલું મરચું તીખું પડે તો સાથે ગોળનો ઉપયોગ કરી શકે છે. આજના ભોજનમાં ગળી વાનગી અને શાકભાજીને રાખવામાં આવ્યાં નથી. તમામ વાનગીઓ અનલિમિટેડ હોઈ જેને જે રીતે ફાવે તે રીતે તેમના સ્વાદને માણી શકે છે.

બધાએ હોંશેહોંશે ભોજનકાર્ય પતાવ્યું. તમામના માટે રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રામ્યભોજન માણવા માટેનો આ અનોખો અનુભવ હતો અને સાથે સાથે એમને એ પણ લાગ્યું હતું કે રાષ્ટ્રપતિજીએ આ ભોજનની સાથે સાથે એક ગુપ્ત સંદેશો પણ પીરસાવી દીધો હતો.

છેલ્લે પોતાના મિતભાષી અભિભાષણમાં રાષ્ટ્રપતિ મહોદયે જણાવ્યું હતું કે આજે સૌને પીરસવામાં આવેલું ભોજન આપણા દેશના મધ્યમવર્ગી નાગરિકોનું ભોજન છે. આ થાળીમાં ગળી વાનગી અને બેચાર જાતનાં શાકભાજી ઉમેરાય તો તે ધનિકનું ભોજન બની શકે. આપણે યાદ રાખવું ઘટે કે મધ્યમવર્ગની નીચે ગરીબ અને તેનાથીય નીચે ગરીબી રેખાથી નીચે જીવનારા એવા લાખો કરોડો લોકો છે. આપણે એ વિચારવાનું રહે છે કે આ ભોજનની થાળીમાંથી શું બાકાત કરવામાં આવે તો ગરીબનું ખાણું બની શકે; અને વળી એમાંયથી પણ શું બાદ કરવામાં આવે અથવા તો શું બાકી રહે કે જે પેલા BPL નાગરિકોનું માત્ર એક જ ટંકનું ખાણું બની રહે.

ભ્રષ્ટાચાર અને દેશી કે વિદેશી કાળા ધન સબબે બોલતાં મહાનુભાવે માત્ર સંત કબીરના આ દોહાને કહી સંભળાવીને પોતાના વક્તવ્યને સમાપ્ત કર્યું હતું.   :

બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય,
જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય.

આમ જનતાને રાષ્ટ્રપતિના આ ભોજનસમારંભની અસર બીજા દિવસે જાણવા મળી હતી, જ્યારે કે  વડા પ્રધાને પાર્લામેન્ટમાં નીચે મુજબની ઘોષણાઓ કરી હતી.

  • સંસદસભ્યો અને ધારાસભ્યોના પગાર અને ભથ્થાંઓમાં ૮૦ ટકાનો કાપ અને પેન્શનની સંપૂર્ણ નાબુદી.
  • કેન્દ્ર અને રાજ્યોની સરકારી કર્મચારીઓની બિન પેન્શનપાત્ર થયેલી નવીન ભરતીઓને પેન્શનપાત્ર ગણવી.
  • પાંચ વર્ષ માટેની ઓછા પગારથી સહાયક તરીકેની દેશભરના તમામ સરકારી કર્મચારીઓની નિમણૂકોને પૂરા વેતનમાં ફેરવી દેવી અને ઓછો ચુકવાયેલો પગાર પૂરેપૂરો ચૂકવી દેવો.
  • પ્રધાનો અને રાજ્યોના મુખ્ય મંત્રીઓના વિદેશપ્રવાસોને નિયંત્રિત કરવા.
  • દેશભરની સેલ્ફ ફાયનાન્સ શિક્ષણસંસ્થાઓની ૯૦ ટકા બેઠકોને ઓપન સીટો જાહેર કરવી અને શિક્ષણ ફી નિયંત્રિત કરવી.
  • ખેડૂતોને વીજળી અને નહેરોનાં પાણી મફત પૂરાં પાડવાં અને ખાતર-બિયારણ ઉધાર ધીરવાં, જેના સામે તેમની પાસેથી તેટલા જ મૂલ્યનાં ખેતઉત્પાદનો પોષણક્ષમ ભાવોએ સ્વૈચ્છિક લેવી (Levy) રૂપે સ્વીકારવાં.
  • ઉદ્યોગપતિઓ અંગત રીતે બજારમૂલ્ય ચૂકવીને ખેડૂતો પાસેથી જમીન પ્રાપ્ત કરી શકશે. સરકાર તરફથી ભૂમિ હસ્તગત કરવામાં નહિ આવે.
  • સરકારી ખાતાંઓ અને મંત્રાલયોના ભ્રષ્ટાચારોને યુદ્ધના ધોરણે નાબૂદ કરવા અને ફરજમોકૂફી કે બરતરફીથી ખાલી પડતી જગ્યાઓએ શિક્ષિત બેકારોની ભરતી કરવી.
  • ઝડપી ન્યાય માટે ન્યાયતંત્રની કાર્યક્ષમતા દસગણી વધારવી.

ઉપરોક્ત યાદી ધારીએ તેટલી લાંબી થઈ શકે. રાજપુરુષો વચનોની લહાણી કરી શકતા હોય તો આપણે નાગરિકોએ આકાંક્ષાઓ સેવવામાં શા માટે કસર છોડવી  જોઈએ !

દિલકો બહલાને કે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે તો હૈ !

-વલીભાઈ મુસા

 

 

 

 

 

 

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, લઘુકથા, MB and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s