દિવ્યા – મા, દાદી કે વડદાદી ?

પ્રાસ્તાવિક

(“દિવ્યા – મા, દાદી કે વડદાદી?” એ મારા મતે એક અનોખી વાર્તા છે. વાર્તાકાર પોતાનાં પાત્રોનો ભાગ્યવિધાતા હોય છે. જે તે પાત્રને જે કોઈ અંજામ પ્રથમવાર અપાઈ જાય તેને સર્જક પોતે ઈચ્છે તો પણ પાછળથી બદલી શકે નહિ!. વાર્તા પૂરી લખાઈ ગયા પછી હું પોતે જ એવો તો વિષાદમાં ઘેરાઈ ગયો હતો કે મને સ્વસ્થ થતાં ખાસ્સો એવો સમય લાગ્યો હતો.)

 દિવ્યા – મા, દાદી કે વડદાદી ?

‘પપ્પા, આજે તો એક વાર્તા કહો.’ બોલે લાડલી!

’સમય નથી!’

’હેં ‘, શું નથી?’

’સમય નથી!’ લાડલીના પપ્પા વદે.

’સમય એ શું વળી?’

’આ ઘડિયાળ બતાવે તે!’

‘ઘડિયાળ જ કેમ સમય બતાવે? તમે સમય ન બતાવી શકો?’પૂછે ચિબાવલી, જો કે તેનું નામ તો દિવ્યા!

’હા, હું પણ બતાવી શકું, પણ ઘડિયાળ બતાવે તો જ ને!’

’પણ મમ્મી સમય બતાવે, તો તમે ના બતાવી શકો?’

’મમ્મી પોતે પણ ઘડિયાળ નથી, એ પણ ઘડિયાળ બતાવે તો જ સમય બતાવી શકે!’

’તો દાદી ઘડિયાળ છે?’ દિવ્યા પૂછે, હવે તો જાણે હદ કરી રહી હોય તેમ!

’દીકરી, ઘડિયાળ તો વસ્તુ કહેવાય, જ્યારે આપણે તો કહેવાઈએ માણસો!

’તો ગધેડું માણસ કહેવાય?’ ગાલો ઉપર ખંજનસહ સ્મિત રેલાવતી દિવ્યા ઉચ્ચરે!

’ઓ મારી મા, ગધેડું માણસ ન કહેવાય; પણ માણસ ગધેડું કહેવાય, જો તેનામાં અક્કલ ન હોય તો!’ માથું ખંજવાળતાં દિવ્યાના પપ્પા દેવેન વદે!

‘અક્કલ એ શું વળી? અને તમારામાં છે કે નહિ?’

’જાણીને શું કરીશ, બેટા?’

’ખબર પડે ને કે તમે ગધેડા કહેવાઓ કે નહિ?’

‘તારી બાને પૂછજે ને! એ કહેશે કે હું શું કહેવાઉં, માણસ કે ગધેડો?’ દેવેનજી વાત ટાળતાં પૂછે છે!

’હવે મને ખબર પડી કે અક્કલ એટલે શું?’

’એકદમ, બેટા, તને કેવી રીતે ખબર પડી ગઈ? હમણાં તો ‘અક્કલ શું?’ એ પૂછતી હતી!’

’પોતે માણસ છે કે ગધેડો એ બીજા કોઈને પૂછવાનું કોઈ કહે, તો સમજી જ લેવાનું કે તેનામાં અક્કલ નથી!’ પપ્પાજી ચોંકી ઊઠે છે!

’બેટા, તારું મોં ખોલજે! હું જરા જોઈ લઉં કે તારે ડહાપણની દાઢ ફૂટી છે કે નહિ?’

’પપ્પા, તમે વાત ફેરવી કાઢીને મારી માગણી ભૂલવવા માગો છો! પણ, આજે તમને હું નહિ છોડું! મારી બાએ તમને ભળાવી છે!’

‘મને લાગે છે તું કંઈક સાબિત કરવા માગે છે, નહિ?’

’હંઅ.. હવે તમારામાં થોડી થોડી અક્કલ આવતી હોય તેમ લાગે છે!’ બોલે દિવ્યા હસતાં મરકમરક!

‘એ છોકરી, મને રમાડ્યા વગર કહી દે ને તું શું સાબિત કરવા માગે છે?

’એ જ કે આપણી વાતની શરૂઆતમાં જ તમે જૂઠ્ઠું બોલ્યા હતા કે ‘સમય નથી!’

‘તે ખરી વાત છે, બેટા. સાચે જ મારી પાસે તને વાર્તા કહેવાનો સમય નથી જ!’

’તે હું પણ એ જ કહું છું કે ‘તમારી પાસે વાર્તા જ કહેવાનો સમય નથી’, બાકી સમય તો છે, છે અને છે જ!’

‘તું જે સાબિત કરવા માગતી હોય તે સીધેસીધું કહી દે, મારી દાદી!’ દયામણા ચહેરે દેવેનજી ઉવાચ!

’તમારી પાસે સમય તો છે, પણ વાર્તા કહેવા માગતા નથી! તમારી પાસે સમય હોવાની સાબિતી એ છે કે ક્યારના તમે મારા આડાઅવળા પ્રશ્નોના જવાબ આપ્યે જ જાઓ છો, તે શું સમય વગર?’ મલકી પડે છે ઢીંગલીશી લાડલી દિવ્યા!

‘હવે તો મારે તને મારી વડદાદી કહેવી પડશે! ભણીગણીને કોઈ વકીલ તો થઈશ જ નહિ, નહિ તો તું કોર્ટોના ન્યાયાધીશોને ગાંડા કરી મૂકીશ!’

‘એ તો હું મોટી થાઉં તો અને ત્યારે વાત! પણ જો તમે મને વાર્તા નહિ કહો, તો હાલ તો તમારું મગજ ખાઈને તમને ગાંડા જ કરી નાખીશ!’ અર્થસૂચક નજરે જોતી દિવ્યા ખંધુ હસે છે!

‘ના, ના, બેટા! ગાંડા થવા કરતાં વાર્તા કહી દેવી સારી! પણ, મારી એક શરત છે કે તારે મને સળંગ વાર્તા કહેવા દેવી. વચ્ચે વચ્ચે પ્રશ્નો નહિ પૂછવાના, સમજી?’

‘એ તો કંઈ ન સમજાય, તો વચ્ચે પૂછવું ય પડે!’

‘જા પૂછજે, પણ વચ્ચે નહિ! છેલ્લે એક સાથે પૂછી નાખવાનું, બરાબર? આગળ વળી અન્ય શરત એ કે હાલ આપણે ઘરમાં બે જ જણ છીએ. ઘરમાં ત્રીજું કોઈ આવે કે એકી ઝાટકે વાર્તા તરત કટ કરવાની અને તે વાર્તા ભવિષ્યે ફરી સંધાશે પણ નહિ!’

‘મંજૂર! પણ પપ્પા, તમે વાર્તા શરૂ કરો તે પહેલાં મારી એક વાત સાંભળી લો.’

‘બોલ દીકરા!’

‘દાદી કામનું બહાનું કાઢીને ગામડે કેમ જતાં રહ્યાં છે, તેની મને ખબર છે! તમે એમના દીકરા અને છતાંય કેવા મજ્બૂત મનોબળવાળા! દાદી તો સાવ ઢીલાં, વાતવાતમાં રડી જાય, નહિ!’

‘એક ગમ્મતની વાત પૂછું? મારાં બા સાવ ઢીલાં, તો તારી બા કેવી?’

‘તેની તો વાત જ રહેવા દો! મજબૂત મનવાળી હોવાનો દેખાવ તો કરવા જાય, પણ પકડાઈ જાય! હી..હી!’

‘તારી વાત પૂરી થઈ ગઈ હોય તો તારી માગણી મુજબની વાર્તા શરૂ કરું?’

‘ના પપ્પા! હજુ મારે થોડુંક કહેવાનું બાકી છે, પણ મને શ્વાસ કેમ ચઢે છે? ખેર, દાદીને ફોન કરી દો ને કે તે હવે આવી જાય!’

‘તું વધારે બોલે છે અને મને પણ બોલાવે છે! જો મને પણ બોલતાં શ્વાસ ચઢે છે! બીજું કે દાદી વહેલી સવારની બસમાં ગામડેથી અહીં આવવા નીકળી ગયાં છે, એકાદ કલાકમાં તે આવ્યા ભેળાં જ છે!’

‘ચાલો, હું બોલવાનું બંધ કરું અને તમે પણ વાર્તા કહેવાનું માંડી વાળો! બાનો ડોક્ટર પાસેથી પાછા આવવાનો સમય થવા આવ્યો છે, તો ચાલોને પપ્પા, આપણે ખોટુંખોટું ઊંઘવાનો ઢોંગ કરીએ! બાના આવ્યા પછી આપણે એકદમ હસી પડીને તેને સરપ્રાઈઝ આપીશું!’

‘તારો વિચાર છે તો મજાનો! સાંભળ, આંગણાનો દરવાજો ખખડ્યો! એક કામ કર, તું એકલી આંખો બંધ કરીને બે પલંગ વચ્ચેની તારી ખાટલીમાં ઊંઘવાનો ઢોંગ કર અને હું મારા પલંગમાં સૂતો સૂતો વાર્તા સંભળાવું! મમ્મી વિચારશે કે તું વાર્તા સાંભળતાં સાંભળતાં ઊંઘી ગઈ છે અને પછી…. છીઈઈઈ..ચૂપ!’

દેવેને અધવચ્ચેથી વાર્તા શરૂ કરી, ‘પછી તો કદલીફલત્વચા (કેળાની છાલ) ઉપર એ ભાઈનો પગ લપસ્યો અને જમીન ઉપર પડતાંની સાથે જ દંડ પીલવાની કસરત શરૂ કરી દીધી, એમ બોલતા બોલતા કે ‘બસ, કસરતનો ટાઈમ એટલે ટાઈમ!’

‘ઓ બાપ રે! મારી દીકરીને શું થઈ ગયું? ઊઠો..ઊઠો!’ કુમુદે ઓરડામાં પ્રવેશતાં જ દેવેનને નખશિખ ધ્રૂજાવી નાખતી કારમી ચીસ પાડી.

દેવેનને એ સમજતાં વાર ન લાગી કે તેમની એ લાડલી લ્યુકેમિઆના દુષિત લોહીને પોતાની નસોમાં થીજાવી નાખીને હંમેશ માટે ચિર નિદ્રામાં પોઢી ગઈ હતી!

 – વલીભાઈ મુસા 

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in કુટુંબ, ટૂંકી વાર્તા, MB, PL, SM and tagged , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to દિવ્યા – મા, દાદી કે વડદાદી ?

  1. આને વાર્તાનો કયો પ્રકાર કહેવાય, તે જ ખબર ના પડી. સરપ્રાઈઝ હોય; પણ છેક આવું?
    હવે આ વાર્તાનું રસદર્શન કરાવતો બીજો લેખ લખો; તો કાંઈક ગેડ બેસે.

    Like

  2. વાર્તાનો કોઈ પ્રકાર હોતો નથી, વાર્તા એટલે વાર્તા જ ગણાય ! હા, વિષયવસ્તુ, કથનશૈલી, ઘટનાની સમયાવધિ, કદ ઇત્યાદિ ઘટકોમાં વિભિન્નતાઓ હોઈ શકે. પન્નાલાલ પટેલનું સર્જન ‘વળામણાં’ કદમાં લઘુનવલ લાગે, પણ તે એક જ સમય અને ઘટનાને સમાવતી હોઈ કેટલાકે તે એક માત્ર લક્ષણે તેને ‘દીર્ઘ નવલિકા’ તરીકે ઓળખાવી છે. કદ અંગે તો ગાંડપણમાં ખપે એવા પ્રયોગો થયા છે, દા.ત. અંગ્રેજી છ શબ્દોની વાર્તા : “For Sale: Baby Shoes, Never Worn”.by Ernest Hemingway

    આ જ બ્લોગ ઉપરનો મારો ત્રિસંવાદીય નાટકનો પ્રયોગ “બિચારા બધિરજન !” વાંચી શકો છો.

    સસલાનું ચિત્ર દોરીને તેની નીચે બિલાડું લખી નાખો તો કોણ ના કહેશે, પણ કોઈના ગળે એ વાત ઊતરે ખરી ?

    આ વાર્તા વિષે કહું તો છેક સુધી ઉલ્લાસમય સંવાદોથી આગળ વધતી જતી આ વાર્તા કારુણ્યમાં અંત પામે છે. કરુણ અંત એમ અચાનક આવી જતો નથી. દેવેન અને દિવ્યાના કેટલાક સંવાદો પરોક્ષ રીતે આવનારા અંતનો ઈશારો તો કરે જ છે. શાણી દિવ્યા અને પ્રેમાળ દેવેન એકબીજાને હૈયાધારણ આપવાનો પ્રયત્ન કરે છે; જે અંગેના સંવાદો અહીં હું ટાંકતો નથી પુનર્વાંચન કરી લેવા ભલામણ છે.

    ‘પ્રાસ્તાવિક’માંનું આ વાક્ય મારી તે વખતની મનોદશા બતાવે છે : “વાર્તા પૂરી લખાઈ ગયા પછી હું પોતે જ એવો તો વિષાદમાં ઘેરાઈ ગયો હતો કે મને સ્વસ્થ થતાં ખાસ્સો એવો સમય લાગ્યો હતો.”

    એરિસ્ટોટલે સમજાવેલી ‘Tragedy’ ની વિભાવનાને સમજવામાં આવે તો ખ્યાલ આવે કે સાહિત્યમાંનો કરુણ રસ ભાવકને દુ:ખી નથી કરતો હોતો, તે પણ એક અન્ય દૃષ્ટિકોણે આનંદ આપનારો જ હોય છે.

    તથાસ્તુ.

    Like

  3. chandravadan says:

    Suresh’s Comment & Valibhai’s Response….I stay away when 2 are exchanging the ideas.
    Nice Post !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

  4. pragnaju says:

    મારા જેવડી એક આખી પેઢી જે બાળપણમાં દાદીમાની વાર્તા સાંભળ્યા વગર કદી રાતે સૂતી જ નથી,
    યાદ છે ?
    વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા;
    ચપટી બોર લાવતા, છોકરા રે સમજાવતા;
    એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો;
    કોઠી પડી આડી, છોકરે રાડ પાડી;
    અરરર..માડી!
    આ જોડકણું લગભગ બધાને કંઠસ્થ નહીં, હૃદસ્થ હતું. આનો અત્યારના સંદર્ભમાં અર્થ કરીએ તો જીવન એક વાર્તા જ છેને યાર જેમાં રાજા-રાણી બદલતાં રહે છે. ભાભો ઢોર ચારતા – ભાભો અર્થાત્ વડીલ. કેસ બગડવા ન દે તેને વડીલ
    અને અમે લાઈટ,નળ,પાકારસ્તા વગરના ગામડામાં.વાળુ કરી પરવારીએ અને છોકરાઓ વીંટાઇ વળે…વારતા અને વહેલી પડે સવાર
    તે વારતા ૪૫-૫૦ વર્ષે રંગ લાવી. તેમા ચિ પરેશ–યામિનીને ખાસ.અમે વારતા કહી હતી તેના મૂળ શોધતા ઓ’હેનરીની વારતાઓ અનુવાદકરી વલીબાપુ જેમ સમજાવવા માંડી–તે પ્રૅઝનટેશન કહે! અસ્મિતા પર્વમા પણ વારતા કહી આવ્યો(યુ ટ્યુબ પર પણ મૂકી) પુસ્તકની ત્રીજી એડીશન છપાશે અને કોલમીસ્ટ લખે ઘટના/શબ્દ/વારતા પર…ચિ યામિનીએ વારતાથી શરુઆત કરેલી
    અને આ વલીદા બડા પાક્કા છે.પ્રજ્ઞા ને બદલે દિવ્યા
    મારી વારતાઓ ખુદ મને જ કહી સંભળાવીને,
    હું ખુશ થઈને વાહ વલીદા, વાહ જનાબ કરતી રહી.

    Like

  5. pragnaju says:

    અને આ ચિર નિદ્રા
    અમારા પડોશમા નાની છોકરીની ખબર પૂછવા ગ ઇ હતી.
    તેની મા કહે આખી રાત ખૂબ દરદ થયું…સવાર પડતા કળ વળી અને સૂઇ ગઇ છે
    મને તુરત ખ્યાલ આવ્યો કે તે ચિર નિદ્રા મા સુતી છે અને ઘરના વડીલોનું ધ્યાન દોર્યું

    Like

    • આવો જ મારો અનુભવ છે. અમારા ગામના અમે જેમના ઘરાકવટામાં હતા એવા નાઈકાકાનો પાલનપુરના દવાખાને ગેંગ્રીનના કારણે પગ કાપવામાં આવ્યો હતો. હું તેમની તબિયત પૂછવા ગએલો હતો. જનરલ વોર્ડમાં તેમના ખાટલાની જ પાસે એક રાજસ્થાની કાકા સૂતેલા જેવા લાગે અને તેમનાં પત્ની કપડાથી મચ્છર ઊડાડે. કાકીને ખબર પડી નહિ, કદાચ શાંત મૃત્યુ થયું હશે કે કોઈના મોતનો કોઈ પ્રત્યક્ષ અનુભવ નહિ હોય ! મને કાકાની નિર્જીવ ખુલ્લી આંખો જોતાંની સાથે દૂરથી જ ખ્યાલ આવી ગયો હતો કે kaaka was no more ! મેં દૂર ઊભેલી નર્સની પાસે જઈને જાણ કરી. નર્સ દોડતી આવી,જોઈ લીધું, પથારીની આજુબાજુ પડદા કરી લીધા; તો ય પેલી કાકી બોલતી જ રહી,’હેં બોન, મારો ડોહો બોલતો કિમ નીં હે!’મને લાગ્યું કે ડોશી કેવી ભોઠ કહેવાય ! નર્સે માત્ર એટલું જ કહ્યું કે ‘પુરુષ સગાવહાલાઓને બોલાવી લો, ડોશી મા; કાકાની તબિયત વધુ બગડી છે !’ આટલું કહેવાયું હોવા છતાં ડોશી તો એમ જ કહેતી રહી, ‘હમણાં લગણ અમે વાત્યું કરી હે અને મારો ડોકરો તો નિંદરમાં પોઢ્યો હે ! એ બોન, ફોડ પાડીને વાત કર્ય તો મને કાંઈ હમજ પડે !’ વિધિની કેવી વિચિત્રતા !!!

      Like

  6. સુશ્રી વિમલાબેન હિરપારાના મેઈલ દ્વારા મળેલા પ્રતિભાવને અત્રે રી-પોસ્ટ કર્યો છે. -લેખક

    માનનીય વલિભાઇ, તમારી’,દિવ્યા’ વાર્તાનો પ્રતિભાવ લખુ છુ.મુત્યુ શબ્દ આંભળતા અનેક સ્પંદન જગાડે છે. સ્વજનોથી માંડી ને અજાણ્યાને ય અમુક સંજોગોમા વિચલિત કરી દે છે. માસુમ બાળકોને નોધારા છોડીને મુત્યુ પામતા મા કે બાપ, ઘરનો આધારસ્તંભ કે મોભીએવો દિકરો યુવાન વયે અચાનક ચિરવિદાય લે ત્યારે વૃધ્ધ માબાપની કેવી હાલત થાય? એ સમયે ત્રાહીતને ય આકરુ લાગે ને ભગવાનને પુછવાનુ મન થાય કે આવી ક્રુરતા શા માટે? એમા ય કુમળી કળી જેવા માસુમ વડિલોની નજર સામે આથમી જાય એ બહુ આઘાત
    જનક લાગે હુ મારા શબ્દો મારી લાગણી આ પ્રમાણે વ્યકત કરુ છુ’
    ‘ખરે પાન પાનખરે.એ તો કદીક વિસરે ‘
    ‘ ‘પણ કુણી કુપળ ખરી પડે એ તો કદી ના વિસરે’ એ જ વિમલા હિરપારા (By Mail)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s