(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે. વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત આ રચના છે.)
અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !
બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના આળસુ, કામધંધો કરે નહિ. બંનેનાં બૈરાં સિલાઈકામ, પાપડ વણવા વગેરે જેવી દિવસરાત મહેનત કરીને ઘર નિભાવે. એક દિવસે બંનેએ ઘરે જલેબી બનાવીને તોલત્રાજવાં સાથે પેલા બેને જલેબી વેચવા બગીચે મોકલ્યા. સુરદાનાં ઘરવાળાંએ તેમને રોકડો એક રૂપિયો આપ્યો. વલદાના ઘરે કડકી હતી એટલે તેમને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું. બંનેને તાકીદ કરવામાં આવી કે બપોરે જમવાના સમયે વારાફરતી નજીકની લોજમાંથી અડધું અડધું ભાણું ખાઈ આવવાનું (સોંઘવારીના દિવસો હતા) અને કોઈએ વેચવાના માલમાંથી ખાવું નહિ અને માલ વેચાઈ ગયા બાદ પૂરેપૂરો વકરો ઘરે લાવવાનો.
બપોર થવા સુધી પાશેર કે નવટાંક જલેબીનું પણ કોઈ ઘરાક લાગ્યું નહિ. સુરદાએ વલદાને કહ્યું, ‘ભાઈ વેપાર થવો હોય તો થાય, પણ હું તો મારો રૂપિયો લઈને લોજમાં જમી આવું.’
‘અરે મૂર્ખના સરદાર, લોજવાળાને રૂપિયો ખટાવે, એના કરતાં અહીં જ વકરો કરાવ ને!’
‘અલ્યા, તારી વાત સાચી છે વલદા!’
લાડુભક્ત સુરદાએ તો અવલોકનથી મનોમન સાબિત કરી લીધું કે જલેબી એ તો ગળપણના ગુણધર્મે લાડવાનું જ બીજું રૂપ કહેવાય અને વળી થોડીક ખટાશ તો વધારામાં! વાલીડાએ વલદાને વિવેક પણ કર્યો નહિ અને જલેબીથી પોતાનું પેટ ભરી લઈને નળે જઈને પાણી પણ પી આવ્યો.
વલદાએ કહ્યું કે ‘મને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું છે, તો બોણી થઈ ગઈ છે એટલે એક રૂપિયો ઊછીનો લઉં?’
‘હા, ભલે! વેવારની વાત છે. પણ, તુંય મારી જેમ રૂપિયાની જલેબી જમી લે ને! એટલે બે રૂપિયાનો તો વકરો થઈ ગયો ગણાયને! આપણે હિસાબખિતાબ કાયદેસર સમજી જ લેવાનો છે.’
વલદાએ પણ રૂપિયાની જલેબી ખાઈ લીધી.
કોઈ ઘરાક લાગે નહિ અને એકલી જલેબીથી ભૂખ થોડી સંતોષાય! થોડીથોડી વારે બંનેને ભૂખ લાગતી જાય, વારાફરતી પેલો રૂપિયો ઊછીનો લેતા જાય અને જલેબી ખાતા જાય! સાંજ સુધીમાં તો થાળ ખાલી અને હરખાતા હરખાતા ઘરે જઈને પોતાના નવીન ધંધાના પહેલા દિવસની બધો જ માલ વેચાઈ ગયાની કામયાબીની વધાઈ પણ ખાઈ લીધી અને પેલીઓના હાથમાં વકરાનો રૂપિયો પણ પકડાવી દીધો. વળી ડંફાસ પણ મારી દીધી કે બસ આ જ રીતે ભારત અને ચીનને હજારો વર્ષો સુધી મંદીનો સામનો નહિ કરવો પડે, કેમ કે ઉત્પાદનોના સ્થાનિક ઉપભોક્તાઓ તેમને મળી જ રહેવાના!
પેલી બે બાઈઓ જરાય ગુસ્સે ન થઈ કેમ કે પેલા બેની છેલ્લી વાત ઉપરથી એમને પાકો વિશ્વાસ થઈ ગયો કે ભલે ને તેઓ કામધંધો ન કરતા હોય, પણ એક દિવસ એવો તો આવશે જ કે અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ એ બંનેને સંયુક્ત રીતે મળ્યા વગર રહેશે નહિ!
-વલીભાઈ મુસા
જલેબીનો ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે. ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે આ મોગલ શાસન કાળ દરમ્યાન થયેલા સાં સ઼્ર્તિક ભેળમાં ભારત આવી હોવાનું મનાય છે . ભારતીય સાહિત્યમાં આનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૪૫૦માં જીનસુરા રચિત જૈન રચના – પ્રિયમકર્ણર્પપકથા માં મળી આવે છે. ૧૭મી સદીના રઘઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તક ભોજન-કુતુહલ માં પણ ઉપરના સંદર્ભનો ઉલ્લેખ છે.આની ઉપરથે એમ પાકી રીતે કહી શકાય કે કમ સે સકમ છેલ્લાં ૫૦૦ વર્ષોથી જલેબી ભારતીય ઉપમહા દ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે. પણ આવો અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઇઝમળે તેવો ઊપયોગ કોઇએ કર્યો નથી!!
તમારુ અર્થશાસ્ત્ર અપનાવાય તો એક રુ.ના ૭૦ $ આવે!
LikeLike
મને ખબર છે કે અસલમાં આ એક ટૂચકો છે પણ તમારી કળા તેની ઘટનામાં નહિં. એના નિરુપણમાં છે. અભિનંદન-રજનીકુમાર પંડ્યા
LikeLike
૧૯૪૭માં ૧ રૂ. બરાબર ૧$ ડોલર હતો, ૧૯૭૨માં ૬ રૂ. હતો, ૧૯૮૬માં ૧૨ રૂ. હતો, ૧૯૯૨માં ૨૯ રૂ. હતો, અત્યારે ૬૨ અને ૬૮ વચ્ચે ઝોલા ખાય છે……!!!! અનેઅર્થતંત્રનું “નોબેલ ઈનામ” મળશે તો પણ, સોનિયા ગાંધી કે ચીદંબરમ લઈ જશે….!!!!!!, કોઈ સુરદા-વલદા કે સામાન્ય માણસને અથવા તો ભારતના કોઈ અર્થશાસ્ત્રીને પણ નહીં મલે એટલે રૂપિયામાં “ફેરફાર” થવાની સંભાવના બીલકુલ નથી અને તેથીજ ભારત સરકારની કમાણી બધી લોકોમાં વપરાવાને બદલે આવા બધા રાજકારણીઓ અંદરોઅંદર(સુરદા-વલદાની જેમ) જ ભાગ પાડીને(બાપાનો માલ સમજીને) લઈ જાય છે……… એટલેજ “સુરદા-વલદા” જીંદાબાદ……..જીંદાબાદ……..
LikeLike
આતો મોનેટરી ઈકોનોમિક્સનું ઈક્વેશન થયું! જેમાં નાણાંની જેટલી હેર ફેર વધારે તેટલી અર્થતન્ત્રની સફળતા વધે. સાચે જ બન્ને ભાઈઓને અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ!
વાર્તા વાંચવામાં ખુબ મઝા આવી. આવી સુંદર કટાક્ષ વાર્તા લખવા માટે ખુબ અભિનંદન!
રક્ષા
LikeLike
Khub khub abhinandan – surda ane varda ne
LikeLike
સલામ હજાર,લાખ,અસંખ્ય.
LikeLike