મૂર્ખતા

વાર્તાસ્રોતની સફરે :

(હું મારી અહીં રજૂ થનારી કૃતિના કથાવસ્તુનો ખરો જશ મારા વતનના જ એક હાથશાળના કારીગરની તરફેણમાં આપી દેવા માગું છું કે જેની પાસેથી વર્ષો પહેલાં રમુજી ટુચકાના રૂપમાં મેં એ વાર્તાને સાંભળી હતી. વળી આ તબક્કે હું એક બીજું રહસ્ય પણ છતું કરી દેવા માગું છું કે લગભગ આવી જ લોકકથા, પણ જુદા ઘટનાક્રમમાં, મને આ આર્ટિકલ લખવા પહેલાંના ઈન્ટરનેટ ઉપરના મારા સર્ફીંગથી મને જાણવા મળી છે. ઈ.સ. ૧૮૦૫-૧૮૭૫ ના સમયગાળામાં થઈ ગએલા ડેન્માર્કના હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન (Hans Christian Andersen) કે જે મોચીના દીકરા હતા અને તેમણે પોતાના પુસ્તક ‘Fairy Tales’ માં ‘The Emperor’s New Robes’(સમ્રાટનો નવો પોષાક) શીર્ષકે એક વાર્તા આપી છે.

મને નવાઈ લાગે છે કે સાવ અભણ જેવા એ ટુચકાકારે કેવી રીતે અને કયા સ્રોતથી એ વાર્તાને જાણી હશે! આ કેવું નવાઈ પમાડનાર આપણને લાગે કે સાહિત્યને  દુનિયાભરમાં ફેલાવા માટે કોઈ સરહદો નડતી નથી હોતી! સાહિત્ય એ સ્થળાંતર કરતાં પક્ષીઓ જેવું હોય છે કે જે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી કોઈપણ જાતના અવરોધ કે પ્રતિબંધ વગર ઉડ્ડયન કરી શકે. અહીં આ વાર્તા આપવા હું જઈ રહ્યો છું તે ઉપરોક્ત બંને સ્રોતથી જાણવા મળેલ વાર્તાઓનું એવું ત્રીજું  સંયોજિત સ્વરૂપ છે,  જેમાં મેં મારા પક્ષે કંઈક વધારો કે ઘટાડો પણ કરેલ છે. લોરેન્સ લેસીગ (Lawrence Lessig) નામના સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નીઆ (USA) ના કાયદાશાસ્ત્રના પ્રોફેસરના મતે ‘મિશ્રણ કે સંયોજન એ સાંસ્કૃતિક અધિકાર છે.’ અહીં હું મને એવો કોઈ અધિકાર હોવાનો દાવો કરતો નથી, પણ સહજ જ કહું છું કે મારા આ નમ્ર પ્રયત્નમાં મેં થોડીક સ્વતંત્રતા તો જરૂર લીધી છે.)

મૂર્ખતા

કેટલાંય વર્ષો પહેલાં એવો એક રાજા થઈ ગયો કે જે પોતાના દરબારમાં વિશિષ્ટ પ્રતિભાઓ ધરાવતી વ્યક્તિઓને એકત્ર કરવાનો શોખીન હતો, જેવી રીતે કે ભારતનો મોગલ બાદશાહ મહાન અકબર જે જુદાંજુદાં ક્ષેત્રોમાં ઝળહળતી કારકિર્દી ધરાવતા માણસોને દરબારી રત્નોના ઈલ્કાબ વડે નવાજતો હતો. પણ, અહીં આપણી વાર્તાના રાજાના કિસ્સામાં તો ઘણા સ્થાનિક પ્રજાજનો ઉપરાંત વિદેશીઓ અને સાવ અજાણ્યા માણસો પણ રાજાના દરબારની મુલાકાત લેતા અને પોતપોતાનો દાવો રજૂ કરતા કે તેઓ પણ કંઈક વિશિષ્ટ પ્રતિભાઓ ધરાવે છે અને તેમને પણ વિશિષ્ટ વ્યક્તિઓ તરીકે બિરદાવવામાં આવે.

એક દિવસે રાજાના દરબારમાં બે ઠગ આવ્યા કે જેમણે પોતાની જાતની દૂર પૂર્વના કોઈક દેશના હાથશાળ કાપડ વણાટના કારીગર અને દરજી તરીકેની ઓળખાણ આપી. તેમણે કહ્યું, ‘અમે કલ્પના બહારનું, માત્ર રંગ કે ડિઝાઈનમાં જ નહિ પણ અસાધારણ  ખૂબીવાળું એવું, અદૃશ્ય કાપડ વણી શકીએ છીએ કે જે લુચ્ચા, બેઈમાન અને ચારિત્ર્યહીન માણસોને દેખાય નહિ! જો અમને હાથશાળ, સીવવાનું મશીન, રેશમનો  કાચો માલ,  સોનાચાંદીના તાર અને વ્યાજબી મહેનતાણું આપવામાં આવે તો આપ નામદાર માટે ભવ્ય પોષાક તૈયાર કરી શકીએ તેમ છીએ.’

‘ખરેખર! તો તો પછી એ પોષાક તો ભવ્ય લાગશે!’ રાજાએ કહ્યું અને તરત જ ખજાનચીને હૂકમ કરી દીધો કે પેલા વણકરો ઊર્ફે દરજીઓને તેઓ માગે તેટલું નાણું આપવામાં આવે!

પેલા વણકરોએ તો ખૂબ જ મોટી રકમ ઊપાડી લીધી અને પોતાના વતન ભેગી કરી દીધી. મહિનાઓ પસાર થઈ ગયા અને ખજાનચીએ અચકાતાં અચકાતાં રાજાને વિનંતીપૂર્વક  કહ્યું કે કોઈ જવાબદાર અધિકારીને પેલાઓ પાસે મોકલવામાં આવે અને તપાસ કરવામાં આવે કે કાપડ વણવાનું કામ કેટલે આવ્યું છે, હવે કેટલો સમય લેશે અને હજુ તેમને કેટલાં નાણાંની જરૂર પડશે!

રાજાએ પોતાના પાટવી કુંવરને જ બે હેતુઓ ધ્યાનમાં રાખીને મોક્લ્યો; એક તો પોતાના અવસાન પછી રાજા બનવાની યોગ્યતા ધરાવે છે કે કેમ, અને બીજું એ પણ જાણવા મળે કે કાપડવણાટની પ્રક્રિયામાં કેટલી પ્રગતિ થઈ છે તેનો અહેવાલ જાણવા મળે.

રાજકુંવર તો ત્યાં ગયો અને જોયું કે પેલા કારીગરો તો તેમની ખાલી શાળો ઉપર બેઠેલા હતા. તેને કશું જ દેખાતું ન હતું, તેમ છતાંય પોતાનું શિથિલ ચારિત્ર્ય ઊઘાડું ન પડી જાય એવા ભય હેઠળ કંઈપણ કહેવાની હિંમત કરી શક્યો નહિ. તેણે પોતાના ચહેરા ઉપર મનનો સાચો ભાવ ન ડોકાઈ જાય તેવી તકેદારી રાખતાં ઢોંગપૂર્વક કહ્યું, ‘અરે, વાહ! કાપડ તો ખૂબ જ આકર્ષક છે! હા હા, હું નામદાર રાજાસાહેબને અહેવાલ આપીશ કે કામકાજ બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે!’

થોડાક દિવસો પછી રાજાએ બીજા સક્ષમ અધિકારીઓને એ જાણવા માટે મોકલ્યા કે કામ કેવી રીતે આગળ ધપી રહ્યું છે અને હવે પોષાક જલ્દી તૈયાર થઈ જશે કે કેમ! તે લોકોએ પણ રાજકુંવરના જેવો જ પ્રતિભાવ આપ્યો એમ છતાંય કે તેમને પણ હાથશાળ ઉપર કશું જ દેખાતું ન હતું!

રાજાના રાજ્યાભિષેકની ઉજવણીનો દિવસ નજીક અને નજીક આવી રહ્યો હતો. આખાય રાજ્યમાં રાજાના કથિત વિશિષ્ટતાવાળા ભવ્ય પોષાકની વાત ફેલાઈ ગઈ હતી. ઉજવણીના એ ખાસ દિવસે જ પ્રયોગાત્મક રીતે પહેરાવવા માટેનો રાજાનો પોષાક તૈયાર થઈ રહ્યો હતો. પેલા ઠગોએ જાણી લીધું હતું કે રાજા પોતાના સમગ્ર જીવનકાળમાં એક વખત પોતે પહેરી લીધેલો પોષાક બીજીવાર પહેરતો નથી અને તેમના માટે એ એક જ દિવસ પસાર કરવાનો પ્રશ્ન હતો. તેમને વિશ્વાસ હતો કે એ કટોકટીભર્યો દિવસ પણ સરળતાથી પસાર થઈ જશે અને તેમને અંગરખાના બટનહોલમાં લગાવવા માટેનો નાઈટહુડનો ચંદ્રક એનાયત કરવામાં આવશે તથા, એટલું જ નહિ, તેમને ‘દરબારી વણકર’ નું બિરૂદ પણ આપવામાં આવશે.

છેવટે લગભગ બે વર્ષ બાદ, પેલાઓએ જાહેર કર્યું કે રાજાના પોષાકને સીવવા માટેનું કાપડ તૈયાર થઈ ગયું છે. તેમણે હાથશાળ ઉપરથી કાપડને ઊતારી લેવાનો,  હવામાં મોટી કાતર વડે તેને કાપી કાઢવાનો અને કોઈ દોરા પણ દેખાતા ન હોવા છતાં સોઈ વડે પોતે જાણે કે રાજાનો પોષાક સીવતા હોય તેવો અભિનય માત્ર કર્યો. આ બધી કહેવાતી કામગીરી દરમિયાન તેઓ આમ બોલ્યે જતા હતા કે ‘અહીં જૂઓ,  હવે રાજાનો જાંબુડિયા રંગનો ડગલો તૈયાર છે! જૂઓ, બગલાની પાંખ જેવો સફેદ તેમનો પાયજામો પણ પૂરો થઈ ગયો! અને પાઘડી! મોરની ડોક જેવો કેવો તેનો વાદળી રંગ છે!’

એ મહાન દિવસ આવી ગયો. વણકરોએ કહ્યું, ‘આપ નામદાર હવે મહેરબાની કરીને આપનાં પહેરેલાં કપડાં ઊતારશો? હવે આપ આ મોટા અરીસા સામે ઊભા રહો કે જેથી અમે આપને પોષાક પહેરાવીએ ત્યારે આપ જોઈ શકો કે આ ભવ્ય નવા પોષાકમાં આપ કેવા દેખાઓ છો!’

હવે, રાજા પોતાના બદન ઉપર માત્ર લંગોટી પહેરીને ઊભો હતો! પેલાઓએ રાજાને એક પછી બીજું એમ વસ્ત્રો પહેરાવવાનો દેખાવ જ કર્યે રાખ્યો અને છેવટે તેના માથા ઉપર પાઘડી વીટાળતા હોય તેવો અભિનય પણ કરી લીધો.

રાજા અરીસાની સામે ગોળગોળ ફૂંદડી ફર્યે જતો હતો અને આંતરિક રીતે તો ખચકાટ અનુભવતો હતો, પણ બાહ્ય રીતે તો એવો ઢોંગ કરતો હતો જાણે કે તે પોતાના નવા પોષાકથી ખૂબ જ ખુશ હતો.

રાજાનું દરબારમાં આગમન થઈ રહ્યું હોવાની છડી પોકારનાર માણસે મોટા અવાજે એલાન કર્યું, ‘નામદાર રાજાસાહેબ દરબારમાં પધારી રહ્યા છે!’ દરબારીજન સાવ ફિક્કા છતાંય મુસ્કુરાતા ચહેરે રાજાને માન આપવા પોતાની બેઠકો ઉપરથી ઊભા થયા. દરબારના સભાખંડના ઝ્રૂરૂખાઓમાં બેઠેલી રાણીઓ મનોમન મૂંઝાતી હતી અને દિવાના જેવા લાગતા રાજાને જોઈને શરમાતી હતી. તેઓ એ જાહેર કરવાની હિંમત કરી શકતી ન હતી કે રાજાએ પોતાના શરીરે માત્ર લંગોટી જ ધારણ કરેલી હતી!

રાજકવિએ પોતાની શીઘ્ર કવિતા દ્વારા રાજાનાં યશોગાન ગાયાં, તેણે રાજાના ભવ્ય પોષાકની પણ ભરપૂર પ્રશંસા કરી. વળી એટલું જ નહિ તેણે પેલા બે વણકરો કે જે રાજાના દરબારમાં ‘દરબારી રત્ન’ તરીકે નવીન ઉમેરાયા હતા તેમનાં પણ ગુણગાન ગાઈ સંભળાવ્યાં.

-વલીભાઈ મુસા

વિશેષ નોંધ :

આ વાર્તાના બંને સ્રોતોમાં અંત જુદાજુદા છે. એન્ડરસન (Andersen) લખે છે કે આ ઠગાઈનું રહસ્ય એક બાળકે ખુલ્લું પાડ્યું હતું. જ્યારે મૌખિક રીતે મને રમુજી ટુચકો સંભળાવનાર મારા પેલા ગ્રામબંધુના કહેવા પ્રમાણે એ રહસ્ય રાજાની પટરાણીએ જાહેર કર્યું હતું. મેં બંને પ્રકારના આ વાર્તાના અંતને અવગણ્યા છે અને પેલા ઠગોને પોતાની યોજનામાં સફળ થએલા બતાવ્યા છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન (Albert Einstein) નું ‘મૂર્ખતા’ ઉપરનું એક અવતરણ છે : “બે વસ્તુઓ અમર્યાદ (અનંત) છે, બ્રહ્માંડ અને મૂર્ખતા; પણ હું બ્રહ્માંડ વિષે એટલો બધો ચોક્કસ નથી!”

આ લોકકથા આપણને એ હકીકત ઉપર વિચારતા કરતાં અંત પામે છે કે બધા જ (બધા જ એટલે કે બધા જ સિવાય કે વાર્તામાંના પેલા બે ઠગ અને આપણે વાચકો) મૂર્ખ હતા. તેઓ આંધળાઓની જેમ ઓછામાં ઓછું કપડાને પોતાની ચપટીઓમાં લઈને તેના અસ્તિત્વને નક્કી કરી શક્યા હોત ! પેલાઓના કહેવા પ્રમાણે કાપડ કદાચ અદૃશ્ય હોઈ શકે, પરંતુ અસ્પર્શ્ય તો હોઈ શકે નહિ જ ને !

સામાન્ય રીતે આવી લોકકથાઓ કે દંતકથાઓ કંઈક ને કંઈક ઉપદેશ આપતી હોય છે. મેં આ વાર્તામાંના ઉપદેશને નક્કી કરવાનું વાચકો ઉપર છોડ્યું છે. આ વાર્તા પાછળનો મારો આશય તો એ જ રહ્યો છે કે મારે વાચકોને મનોરંજન પૂરું પાડવું અને મને ખબર નથી કે હું મારા એ આશયમાં કેટલા અંશે સફળ રહ્યો છું. !   ધન્યવાદ.

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM and tagged , , , . Bookmark the permalink.

3 Responses to મૂર્ખતા

 1. જ્યાં બધા જ લુચ્ચા, બેઈમાન અને ચારીત્ર્યહીન હોય ત્યાં ઉપદેશ કેવો ને વાર્તા કેવી? મેં કોમેન્ટ આપી શરુઆત કરી છે. છતાં મારો નમ્બર તો બીજો છે.

  Like

 2. Yes, you are at liberty to publish this post on ‘Hasy Darbar”. Moreover, continue rest parts of ‘HasyMoti-no-KanthHaar’ on HD subsequently. My following general permission is already there on Right Side Bar of my HomePage.

  નિજાનંદ માટે સર્જાએલી આ બ્લોગની મારી પોતાની લખેલી સઘળી વાર્તાઓને આપ આપના બ્લોગ ઉપર આપના વાચકોના વાંચન માટે મારી જાણ હેઠળ Reblog કરી શકો છો.

  Like

  • Thanks to Valida,
   Duragir
   “Editor of Hasyadarbar” = Dhavalrajgeera = Ratri = RT……

   Dr. Rajendra M. Trivedi, MD Life Member BPA and Honorary Coordinator, Resource Mobilization – (U.S.A.) CCA AND PAIN CENTER 6 Rock Glen Road, Medford, Massachusetts, USA 02155-1935 Telephone: 781 391 3639
   http://www.bpaindia.org

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s