ભાગ્યપલટો !

એ ત્રણ ઠાકોર કોમના સગા ભાઈઓ હતા – મામાજી, અદાજી અને વિજાજી. વિજાજી નાનકો, પણ ભણતરમાં મોટો; અદાજી વચેટ, પણ ગણતરમાં મોટો; અને મામાજી મોભી, પણ ઘડતરમાં મોટો ! બરાબર નહિ સમજાયું, ખરું ? તો સમજી લો કે ત્રણેયે કિશોરવયે જ પિતાજી વાલજીને ગુમાવ્યા હતા, વિધવા માતા જીવીમાએ પેટે પાટા બાંધીને ત્રણેયને ઊછેર્યા હતા. મોટા મામાજીએ મા સાથે ઘરની જવાબદારીમાં પોતાનો ખભો આપ્યો હોઈ તે દુનિયાદારીમાં પૂર્ણપણે ઘડાઈ ચૂક્યો હતો, એટલે એ ઘડતરમાં પણ મોટો કહેવાયો ! બેઉ મોટા તો ભણ્યા જ ન હતા, પણ વચેટ અદો આતમસૂઝથી લેવદદેવડની ગણતરીઓ મોંઢે જ કરી શકતો, એટલે એ ગણતરમાં મોટો કહેવાયો ! જો કે તે માત્ર ગાણીતિક ગણતરીઓ પૂરતો જ નહિ, પણ વ્યવહારમાં પણ તેનું કામકાજ ગણતરીપૂર્વકનું રહેતું હતું.  નાનકો વિજાજી સૌનો લાડલો હોઈ તેને પરાણે ભણવા મોકલવામાં આવ્યો હતો અને તેથી જ તો તેણે ચઢાવો થતાંથતાં સાત ધોરણ સુધી ભણ્યા પછી નિશાળ છોડી દીધી હતી. આમ ગમેતેમ તોયે તે બેઉ મોટા ભાઈઓની સરખામણીએ ભલે ભણવામાં અધકચરો  તોય ભણતરમાં તો મોટો જ ગણાય ને ! 

અઢીથી ત્રણ હજારની વસ્તીવાળું એ ગામ. ખેતીકામમાં એ ત્રણેય જણા પાવરધા; પણ ખેતમજૂર, ખેતસાથી કે ખેતભાગિયા તરીકે જ તેમને રોટલો રળી લેવો પડતો હતો, કેમ કે ખાટલી ઢાળી શકાય તેટલી પણ તેમની પાસે પોતીકી જમીન ન હતી. સમયાંતરે કૂવાઓનાં પાણી ઊંડાં જતાં અને પાતાળકૂવા પણ નિષ્ફળ જતાં ગામની ખેતીવાડી ઓસરતી ગઈ અને તેની જગ્યાએ પાકી ઈંટોના ભઠ્ઠાઓનો ઉદ્યોગ વિકસતો ગયો. ગામની સીમની ચારે તરફ નજર નાખતાં ધુમાડા ઓકતી ઈંટોના ભઠ્ઠાઓની ઊંચીઊંચી ચિમનીઓ જ માત્ર દેખાતી હતી. ઈંટવાડાઓમાં મજૂરીકામ મળી રહેતું; પરંતુ પેલી કહેવત છે ને કે ધન રળે ત્યાં ઢગલા થાય, પણ હાથ રળે ત્યાં માંડ પેટ ભરાય ! મોટાઓએ નિર્ણય કરી લીધો કે વિજો ભણેલો હોઈ તેને નસીબ અજમાવવા મુંબઈ મોકલી દેવો અને તેમણે જીવીમા પાસે  મંજૂરીની મહોર પણ મરાવી દીધી હતી. ગામના કેટલાક મોમના લોકો મુંબઈમાં નાનીમોટી હોટલોના અને તબેલાઓના કારોબાર ધરાવતા હતા, પણ ત્રણેય ભાઈઓએ સંકલ્પ કર્યો હતો કે ભલે એ હમવતનીઓનો અન્યત્ર નોકરી મેળવવામાં તેમની લાગવગ કે ભલામણોનો લાભ લેવામાં આવે, પણ કોઈનાય ત્યાં સીધી નોકરી તો ન જ કરવી. આ સોનેરી સલાહ પેલા ગણતરબાજ અદાની હતી. અદાજીનું માનવું હતું કે ગામનો કોઈપણ માણસ ભાઈ વિજો મુંબઈમાં કંઈ કમાય છે કે ભૂખે મરે છે તે જાણતો હોવો જોઈએ નહિ. અદાની બાંધી મુઠ્ઠીની આ યોજના પાછળનું રહસ્ય એ હતું કે ધીમેધીમે તેઓ મુંબઈની આસામી ગણાવા માંડે અને આમ ભર્યા ભરમે વારાફરતી ભાઈઓનાં સગપણો થવા માંડે. જ્ઞાતિમાં કોઈ માણસો પોતાની દીકરીઓને જીવીમાના ત્યાં કાળી મજૂરીઓ કરાવવા તો કંઈ ન વરાવે ને !

* * * * *

મુંબઈ લોકલ ટ્રેઈન એકેએક સ્ટેશને થોભતીથોભતી આગળ વધી રહી હતી. ભાડામાં ફાયદો થાય તે માટે જ તો વિજાએ લોકલ ટ્રેઈનની સફર પસંદ કરી હતી. જિંદગીમાં પહેલીવાર અનિશ્ચિત એવા લાંબા સમય માટે વતન છોડવું તેને ભારે પડી રહ્યું હતું. માની આંખમાંનાં આંસુ અને તેની વળામણા ટાણેની ભલામણો વિસરાતી ન હતી. ખાધેપીધે દુ:ખી ન થવાની, તબિયત સાચવવાની અને નિયમિત કાગળ લખતા રહેવાની એવી એકની એક વાત જીવીમા ઘરેથી નીકળી અને ટ્રેઈન  ઊપડી ત્યાં સુધી કેટલીય વાર બોલી ચૂક્યાં હતાં. ભાઈઓ તો અશ્રુભીની આંખે એક જ વાત દોહરાવતા હતા કે જો તેને મુંબઈમાં જરાપણ ન ફાવે તો કોઈને પણ જાણ કર્યા સિવાય તેણે ચૂપચાપ પહેલી જ ગાડી પકડીને ઘરે પાછા ફરવું.

ગાડી આવી અને ઊભી રહી ન રહી કે તરત જ ઊપડી ગઈ હતી. જીવીમા તો ગાડી દેખાતી બંધ થઈ તો પણ પોતાની જગ્યાએ ઊભાં જ રહી ગયાં હતાં અને ખસવાનું નામ લેતાં ન હતાં. બંને મોટાઓએ મહાપરાણે તેમને સમજાવી-પતાવીને ગામભણી ચાલતાં કર્યાં હતાં. જીવીમા અદાને અને મામાને સંબોધીને એટલું જ બોલી શક્યાં હતાં કે ‘તમે બંને પણ મને જરાય દવલા નથી, પણ નાનકો તો મારે મન નાનકો જ છે ને ! અહીં આપણે સુખચેનથી મજૂરી કરીને રળી ખાતાં હતાં અને એવી તે કેવી આપણને લાલસા થઈ કે એ બિચારા વિજાને આપણે પરદેશ ધકેલી દીધો !’ પેલા બંનેએ કોઈ જવાબ ન વાળતાં માત્ર તેમના માથે અને પીઠ ઉપર હાથ ફેરવતાં  મૂકપણે ઘણુંબધું કહી નાખ્યું હતું.

* * * * *

વિજાજીએ એકાદ અઠવાડિયું પોતાના ગામના જ ભેંશોના તબેલાવાળા એ હાજીપુરા શેઠના ગોરેગાંવના તબેલે જ ગાળ્યું હતું. હાજીપુરા શેઠની વતનની ખેતીવાડી જીવીમાના પરિવારે એકાદ દસકા સુધી ઈમાનદારીપૂર્વક સંભાળી હતી. ખેતીવાડી સમેટી લેવાના નિર્ણય પછી તેમણે ચારેય જણ માટે મુંબઈ ખાતે પોતાના તબેલે કામે આવી જવાની દરખાસ્ત મૂકી હતી, પણ જીવીમાએ ‘વતન ભલું’ એવી દલીલ આપીને તેનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ આજે વિજો જ્યારે મુંબઈ ખાતે હાજીપુરા શેઠના ત્યાં આવી જ ગયો હતો, ત્યારે તેમણે તેને ભણેલોગણેલો અને ઘરના જેવો જ માણસ સમજીને એકાદ હજાર ભેંશોના તબેલામાં જવાબદારીની નોકરી આપવા માટે નાણી જોયો હતો, પણ તેણે તેમની દરખાસ્તનો પ્રેમપૂર્વક અસ્વીકાર કર્યો હતો. આમ છતાંય હાજીપુરા શેઠે વિજાને તે ઈચ્છે ત્યાં કામ કરવાની છૂટ તો આપી જ અને વધારામાં તબેલામાં કામ કરતા  કામદારોને રહેવા માટેની ઓરડીઓ પૈકીની એક ફાજલ ઓરડી પણ તેને વગર ભાડે ફાળવી આપી હતી. વળી એટલું જ નહિ, તેમણે છૂટક દૂધવિક્રેતા એવા પોતાના દાદર ખાતેના જથ્થાબંધ દૂધના ગ્રાહક એક બિનગુજરાતી દુકાનદાર અમોલ ગવળીના ત્યાં પોતાની ખાતરી આપીને તેને સારા પગારવાળી નોકરી પણ અપાવી દીધી હતી. આગામી મહિનાની પહેલી તારીખથી નોકરીએ જોડાવાનું હોઈ હાજીપુરા શેઠે વિજાને મુંબઈ ફરી લેવા માટે એક હજાર રૂપિયા બક્ષિસ અને સાથે ભોમિયા તરીકે એક નોકરને સોંપી દીધો હતો. હાજીપુરા શેઠે વિજાની પીઠ થાબડતાં લાગણીસભર અવાજે કહ્યું હતું, ‘બેટા, આ અઠવાડિયું મુંબઈ ફરી લે. પછી તો કામની ઘરેડમાં પડ્યા પછી એકેય દિવસ રજાનો નહિ મળે, કેમ કે તારી નોકરી દૂધની દુકાને છે.’

* * * * *

વિજાજીને ગોરેગાંવથી દાદર વચ્ચેનો સબર્બ ટ્રેઈનનો માસિક પાસ કઢાવી અપાયો હતો. તે તેની નોકરીનો પહેલો દિવસ હતો. હાજીપુરા શેઠે અમોલ ગવળી સાથે ફોન ઉપર વાતચીત કરી દીધી હતી. વિજાજીને નોકરી ઉપર હાજર કરવા માટે હાજીપુરા શેઠે પોતાના એક મહેતાજીને સાથે મોકલ્યો હતો. અમોલ શેઠે વિજાજીના ખભે હાથ મૂકીને દુકાનની કામગીરીઓ અને જવાબદારીઓ તેને સમજાવી દીધી હતી. પડછંદ કાયા ધરાવતા અમોલશેઠે વિજાને છાતી સરસો ચાંપતાં પ્રેમપૂર્વક કહ્યું હતું કે ‘આ દુકાન તારે સંભાળવાની છે. દુકાનના પાંચેય નોકરોનો મેનેજર હવે તું. ધીમેધીમે તને બધું કામ સમજાઈ જશે. તું આ દુકાનનો નોકર નહિ, પણ માલિક છે તેમ જ તારે સમજવાનું, સમજ્યો ? હાજીપુરા શેઠ સાથે અમારે દસકાઓ જૂનો વેપારીસંબંધ છે. તેમણે પોતે જ જ્યારે તારી ખાતરી આપી હોય ત્યારે અમારે બીજું કશું જ વિચારવાનું ન હોય. જ્યારે મહાનગરપાલિકાના  કોઈ તપાસઅધિકારી કે બીજા કોઈ ખાતાના સાહેબો આવે અને પૂછે કે આ દુકાનના માલિક કોણ છે; ત્યારે તારે બેધડક કહી દેવાનું કે હું જ આ દુકાનનો માલિક છું, સમજ્યો બેટા !’

અમોલ શેઠ અને વિજાજી વચ્ચે આ વાતચીત ચાલી રહી હતી ત્યારે પેલા પાંચ નોકરો પૈકીના સિનિયર નામે પ્રભાકરના ચહેરા ઉપર તેના મનોભાવોને સમજવા બાકીના ચાર જણા મરકમરક સ્મિત કરતા પોતાની નજરો નાખ્યે જતા હતા. પ્રભાકરનો ખિન્ન ચહેરો એ વાતની ચાડી ખાતો હતો કે આમ પોતાને અચાનક નીચી પાયરીએ જવું પડશે તે તેની કલ્પના બહાર હતું. ખંધા રાજકારણિયાઓ પોતાની ગંદી રાજરમતો રમવા ભોળા નાગરિકોનાં માનસોમાં ભિન્નભિન્ન પ્રકારના સંકુચિતતાના વાદોને એવા ઠાંસીઠાંસીને ભરી દેતા હોય છે કે જેમાં પ્રભાકર જેવા અસંગઠિત કામદારો પણ બાકાત રહી શકે નહિ ! પ્રભાકરનું કદાચ સીધુંસાદું માનવું એ હશે કે મુંબઈ એ પોતાની ભૂમિ, અમોલ શેઠ એ પોતાના જ પ્રદેશના જાતિભાઈ, પોતાની આગવી પ્રાદેશિક ભાષા અને આ વિજો આમ અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યો કે તે રાતોરાત પોતાનો બોસ બની બેઠો !

સામા પક્ષે વિજાજી પણ પ્રભાકરના ચહેરાના ભાવોને વાંચીને  અપરાધભાવ અનુભવતો એમ વિચારી રહ્યો હતો કે અમોલ શેઠે પ્રભાકરને આમ નીચી પાયરીએ ન ઊતારી દેવો જોઈએ. વિજાજીએ અન્ય એક રહસ્યમય અવલોકન કર્યું હતું કે જ્યારે અમોલ શેઠે તેને એમ કહ્યું હતું કે ‘તેઓ પૂછે કે આ દુકાનના માલિક કોણ છે; ત્યારે તારે બેધડક કહી દેવાનું કે હું જ આ દુકાનનો માલિક છું, સમજ્યો બેટા !’’, ત્યારે પેલા ચાર જણા પણ એકબીજાની સામે આંખો મીંચકારતા સ્મિત કરી રહ્યા હતા. વિજો ભોળિયો હતો એટલે તેને આ બધું સમજાયું નહિ, પણ તેની જગ્યાએ તેનો ભાઈ અજો કે મામો હોત તો એ લોકો પેલાઓના સ્મિતના રહસ્યને પારખી ગયા હોત !

* * * * *

મહાનગરપાલિકાના ભેળસેળ નિયંત્રણ ખાતાના અધિકારીઓની ટુકડી પોલીસની ડબ્બાગાડી સાથે દૂધની ગુણવત્તાની ચકાસણી કરવા માટે આવી પહોંચી હતી. લેબટેક્નિશિયનને દૂધભરેલાં કેટલાંક કેનમાંના દૂધની  લેક્ટોમીટર વડે પ્રારંભિક ચકાસણી કરતાં બે કેન વાંધાજનક લાગતાં બબ્બે બોટલમાં દૂધના નમૂનાઓ લઈને તેમને સીલ કરી દીધી હતી. ફુડ ઈન્સપેક્ટરે  મોટા અવાજે પૂછ્યું, ‘આ દુકાનનો માલિક કોણ છે ?’

વિજાએ ગભરાતા અવાજે જવાબ આપ્યો, ‘હું માલિક છું, સાહેબ.’

‘જાઓ, પેલી પોલીસગાડીમાં જઈ બેસો. મહાનગરપાલિકાની લેબમાં ફેટ કાઢવાના મશીન ઉપર દૂધના નમૂનાની પાકી ચકાસણી કરવામાં આવશે. જો નિર્ધારિત માત્રાથી ઓછા  ફેટનું દૂધ હશે તો તમને કાચા કામના કેદી તરીકે જેલમાં મોકલી દેવામાં આવશે, અન્યથા છોડી મૂકવામાં આવશે.  આવતી કાલે રવિવાર હોઈ પરમ દિવસે તમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. દારપણાના દાખલા સાથેના તમારા જામીનની જામીનગીરી ઉપર કોર્ટ તમને છોડશે, નહિ તો કેસ ચાલે ત્યાં સુધી જેલની હવા ખાવા માટે તૈયાર રહેજો, સમજ્યા શેઠસાહેબ ! અલ્યા સાંભળો છો કે બાકીના બધા ? તમારાં શેઠાણીને જાણ કરી દેજો કે તેઓ આ બધી તૈયારીમાં રહે !’ ફુડ ઈન્સ્પેક્ટરે વ્યંગમાં કહ્યું. તેમને ખબર હતી જ કે જેનો માંડ મૂછનો દોરો પણ ફૂટ્યો ન હોય તે કદીય શેઠ હોઈ શકે નહિ અને તેને શેઠાણી પણ ક્યાંથી હોઈ શકે !

વિજાને હવે સમજાઈ ગયું હતું કે ગવળી શેઠે તેને શા માટે દુકાનના શેઠનું બિરુદ આપ્યું હતું ! વળી એ બિરૂદની જાહેરાત ટાણે સાથી કર્મચારીઓ એક્બીજાની સામે આંખો મીંચકારતા કેમ ભેદી સ્મિત કરી રહ્યા હતા, તેનો પણ વિજાને હવે ખ્યાલ આવી ગયો હતો. અપાર વેદના અનુભવતા વિજાને લાગ્યું કે ગવળી શેઠે તેને ગામડિયો સમજીને તેની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. હાજીપુરા શેઠે બક્ષિસ આપેલા સેલ ફોન વડે વિજાએ તેમને જાણ કરી દીધી કે તેઓ ગવળી શેઠને જાણ કર્યા સિવાય તાત્કાલિક મહાનગરપાલિકા ખાતે આવી જઈને પોતાને છોડાવી જાય. બીજી તરફ મહાનગરપાલિકાના મશીન ઉપર દૂધના લીધેલા નમૂનામાં એસિડ નાખ્યા પછી ફેટની ચકાસણી કરવામાં આવી રહી હતી. હાજીપુરા શેઠના આવવા પહેલાં વિજાને છોડી દેવામાં આવ્યો હતો, કેમ કે નમૂનાના દૂધના ફેટ બોર્ડરલાઈન ઉપર આવ્યા હતા અને કાયદાની જોગવાઈ મુજબ આવા સંજોગોમાં શકનો લાભ આપીને દૂધને ભેળસેળમુક્ત પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.

હાજીપુરા શેઠની પહેલાં ગવળી શેઠ મહાનગરપાલિકાની ઓફિસે પહોંચી ગયા હતા કારણ કે દાદરથી પ્રભાકરે તેમને બનાવની જાણ કરી દીધી હતી. વિજાજી હાજીપુરા શેઠની રાહ જોતો ગેટ આગળ જ ઊભો હતો.

‘કેમ બેટા, અહીં ઊભો છે ?’ ગવળી શેઠે પૂછ્યું.

‘એ લોકોએ છોડી મૂક્યો.’ ગળગળા અવાજે વિજો માત્ર આટલું જ બોલી શક્યો.

‘ચાલ, મારી ગાડીમાં બેસી જા.’

‘હાજીપુરા શેઠને મેં ફોન કરી દીધો છે. તેઓ મને લેવા આવે છે.’

‘હું પણ તને લેવા જ આવી ગયો છું ને ! આવ, ગાડીમાં બેસી જા અને હું હાજીપુરા શેઠને ફોન કરી દઉં છું કે તેઓ ન આવે.’

‘ના શેઠજી, મને માફ કરો; પણ, હું તમારી સાથે નહિ આવું !’ વિજો બે હાથ જોડીને માફી માગતાં ધ્રૂસકેધ્રૂસકે રડી પડ્યો.

ગવળી શેઠ કંઈક કહેવા જાય તે પહેલાં તો હાજીપુરા શેઠ આવી ગયા. તેમણે વિજાના માથે હાથ ફેરવીને તેને છાનો રાખતાં કહ્યું, ‘વિજા બેટા, દૂધના ધંધામાં આ બધું તો સામાન્ય ગણાય ! જો તને છોડી મૂક્યો ને !’

‘શેઠ, ગવળી શેઠને કહી દો કે મારે તેમની દુકાનના શેઠ નથી બનવું ! તેઓ મને અબઘડીએ છૂટો કરે. બીજું કે, મારી વહેલામાં વહેલી ગાડીની ટિકિટ મંગાવી આપો કે જેથી હું આપણા ગામડે ઘરભેગો થઈ જાઉં !’ આટલું બોલતાં તો વિજો પોક મૂકીને રડી પડ્યો.

ગવળી શેઠ અપરાધભાવ અનુભવતા ભીની પાંપણે એટલું જ બોલી શક્યા, ‘જો બેટા, હું બહાર હતો તો તને અંદર થતો અટકાવી શક્યો. જો હું જ અંદર થઈ જાઉં, તો તમે લોકો મને છોડાવી શકો ખરા ! સરકારી તંત્રવાળાઓને સાચાઓ સાથે પણ પોતાની કામગીરી દેખાડવા અને પક્ષપાતના આક્ષેપોથી બચવા આવા ખેલ પાડવા પડતા હોય છે. બેટા, તું નવોનવો છે એટલે આ બધું તને ધીમેધીમે સમજાશે.’

‘જૂઓ શેઠ, મારે હવે તમારી નોકરી કરવી પણ નથી અને એ બધું સમજવું પણ નથી. હાલ તો મને એક વાત સમજાઈ ગઈ છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે ! જૂઓ શેઠજી, હાજીપુરા શેઠને પૂછી જૂઓ કે ભલે અમે ગરીબ માણસો રહ્યા, પણ આબરૂદાર છીએ. અમારી અગાઉની બેએક પેઢીઓ સુધી ભલે અમે ચોરીચખાલી કે દેશી દારુનો ધંધો કરતી બદનામ કોમ હતા, પરંતુ આજે અમે ઈજ્જતની જિંદગી જીવી રહ્યા છીએ. એકાદ કલાક માટે પોલીસની ગાડીમાં બેસવા માત્રથી મારી આ હાલત થઈ છે, પણ જો બે રાત હવાલાતમાં ગુજારવી પડી હોત તો મારી શી વલે થાત !’

વિજો ફરી ડૂમે ભરાયો.

‘હાજીપુરા શેઠ, આ છોકરાને સમજાવો ને  કે તે ધારી બેઠો છે તેવો ખરાબ માણસ હું નથી !’

‘જૂઓ શેઠ,  હાજીપુરા શેઠ સમજાવે તે પહેલાં હું જ કહી દઉં કે તમે સારા માણસ છો એમાં કોઈ બે મત નથી. પણ, તમારે મને આ સઘળી વાતમાં અંધારામાં રાખવો જોઈતો ન હતો. મને મારા વિષેનું દુ:ખ તો છે, પણ વધારે દુ:ખ તો તમારા વિષેનું છે. અઠવાડિયા પહેલાં તમારા ત્યાં મારી નોકરી પાકી થઈ હતી, ત્યારે મારી મા અને મારા ભાઈઓને તમારા વિષેના મારા ઊંચા અભિપ્રાયની મોટીમોટી વાતો મેં કાગળમાં લખી હતી. અમારા ઘરમાં અમે કોઈ વાત એકબીજાથી છૂપી રાખતાં નથી. હવે જ્યારે આજની ઘટનાની જાણ એ લોકોને થશે ત્યારે, શેઠ તમે, તેમની નજરમાંથી કેવા નીચા ઊતરી જશો ! બસ, આ વાતનું દુ:ખ મને હું પોલીસની ડબ્બાગાડીમાં બેઠો ત્યારથી કોરી ખાય છે !’

‘તો સાંભળી લે, દીકરા. જો આ જ વાત હોય તો હું તારા ઉપર ગર્વ લઉં છું. આપણા હાજીપુરા શેઠ ઉપર એ વાત  છોડું છું કે તેઓ મારી દાદરવાળી દુકાનની જે કિંમત મૂકવી હોય તે  મૂકે અને તું આ ઘડીએથી એ દુકાનનો ખરેખરો માલિક, બસ ! મુંબઈમાં મારે આવી દૂધની દસ દુકાનો છે; જે પૈકીની આ એક તારી, જા. તારે કમાઈકમાઈને મને એ દુકાનની કિંમત ચૂકવવાની. હાજીપુરા શેઠ તને દૂધ પૂરું પાડશે અને જરૂર લાગે તો ધંધાકીય મદદ માટે તું તારા ભાઈઓને અને રાંધી ખવડાવવા તારી માને ગામડેથી બોલાવી શકે છે. મારી આ ઓફરને સ્વીકારીને તું મારા ઉપર અહેસાન કર !’ અમોલ શેઠ બંને હાથ જોડીને કરગરતા હોય તેમ એકી શ્વાસે બોલી ઊઠ્યા.

‘અરે, અરે શેઠ ! આમ હાથ જોડીને મને શરમાવશો નહિ ! હું ઓછું ભણેલો અને કાચી ઉંમરનો સાવ ગામડિયો માણસ છું. વર્ષોથી જામેલી આવી મોટી દુકાનને સંભાળવાનું મારું ગજું નહિ. આપની મહાનતા અને ઉદારતા બદલ ધન્યવાદ, શેઠજી.’

‘જો વિજા, આનું નામ ભાગ્ય ! કશાયનો વિચાર કર્યા સિવાય તું આ ઓફરને સ્વીકારી લે. વળી તારા આખા કુટુંબે મહેનત અને ઈમાનદારીથી અમારાં ખેતરોમાંથી અનાજના ઢગલેઢગલા કમાઈ આપ્યા છે તેની કદરરૂપે મારો ખાલી પડેલો માહિમ ખાતેનો વધારાનો ફ્લેટ હું તમને લોકોને બક્ષિસ આપું છું. વળી ધંધામાં તું પોતે બરાબર તૈયાર ન થાય ત્યાં સુધી તને મદદરૂપ થવા તને મારા સ્ટાફમાં એક  હોશિયાર માણસ આપીશ, હવે બીજું તારે શું જોઈએ બોલ !  ’

વિજો લોટરીનો કોઈ જેકપોટ લાગ્યો હોય તેમ એકદમ હેબતાઈ જતાં આંખોમાં ઝળહળિયાં સાથે  વારાફરતી બંને શેઠિયાઓને પગે લાગીને હાથ જોડીને ઊભો જ રહી ગયો. મહાનગરપાલિકાના પાર્કીંગ લોટમાં વિજાના  ભાગ્યપલટાના વિધાતાના અનેરા ખેલનું એક દૃશ્ય  ભજવાઈ ગયું !

-વલીભાઈ મુસા  

 

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to ભાગ્યપલટો !

  1. pragnaju says:

    ઘણીવાર અનિચ્છાએ પણ જીવનમાં ઘણા સંઘર્ષ કરવા પડે છે. ભાગ્યોનો સાથ જ નથી મળતો, પણ દુર્ભાગ્ય નિરંતરક પીછો કરતું રહે છે

    Like

  2. Harnish Jani says:

    બહુ જ સરસ. સ–રસ એટલે એક જ બેઠકે વંચાય તે.( ભાગ્યપલટો)

    – હરનિશ જાની (By Mail)

    Like

  3. આ સત્યકથા છે ? મને યાદ આવે છે કે, આવી જ એક વાત તમે રૂબરૂ કહી હતી.

    Like

    • વાર્તાબીજ સત્ય ઘટના ઉપર આધારિત છે. આપણી વચ્ચેની વાતચીતમાં કદાચ આનો ઉલ્લેખ થયો પણ હોય !

      Like

  4. રવિવાર સવારની ચા સાથે આપની લઘુકથા વાંચું છું. આજની કથા હરનીશભાઇની જેમ એકી બેઠકે વાંચી કાઢી. બહુ ગમી.

    Like

  5. બહુ જ સરસ. સ–રસ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s