રતલામ સ્ટેશનના એ પ્લેટફોર્મ ઉપર એક વાસ્તવિક અર્ધાંકી નાટિકા ભજવાવાની તૈયારી થઈ ચૂકી હતી. અમે ત્રણ પાત્રો હતાં; હું, તું અને રતનિયાની જેમ હું, ઘનશ્યામ અને ટિકિટ ચેકર. અમારા સંવાદો મિતાક્ષરીય અને છતાંય નક્કર હતા.
‘ટિકિટ ?’
‘લ્યો સાહેબ!’
’ફ્રન્ટિઅરમાંથી ઊતર્યા?’
‘જી,સાહેબ !’
‘કયા વર્ગના ડબ્બામાં બેઠા હતા !’
’ત્રીજા વર્ગનાજ તો ! ટિકિટો અમારી ત્રીજા વર્ગની જ છે ને !’
’સાચું બોલજો, હોં ! બીજા કે પહેલા વર્ગમાં તો ન્હોતા બેઠા ને ?’
‘ના જી. અમે જૂઠ્ઠું શા માટે બોલીએ ? વિદ્યાર્થીઓ છીએ !’
’એમ ? તો વિદ્યાર્થીઓ જૂઠ્ઠું ના બોલે ? અમે તો વિદ્યાર્થી હતા ત્યારે ખૂબ જૂઠ્ઠું બોલતા હતા !’ બિલાડી પકડેલા ઉંદરને આરોગવા પહેલાં થોડોક રમાડે તેમ પેલો ટિકિટ ચેકર અમને રમાડી રહ્યો હતો અને તેની પાસેની ડાયરીમાં ઉપર કંઈક લખી રહ્યો હતો. અમને લાગ્યું કે તે પોતાની ફરજ અંગેની ડાયરી લખી રહ્યો હશે ! પરંતુ, કોથળામાંથી બિલાડું નીકળ્યું.
‘દરેક જણ રૂ|. ૧૮૩/- લેખે ખિસ્સાં હળવાં કરવા માંડો ! તમે વડોદરાથી રતલામ સુધી ત્રીજા વર્ગમાં ગેરકાયદેસર સફર કરી છે !’
’અરે સાહેબ, ત્રીજા વર્ગની ટિકિટથી ત્રીજા વર્ગની કરેલી સફર ગેરકાયદેસર કેવી રીતે ગણાય?’
‘પાંચસો કિલોમીટરની સફર થતી નથી!’
‘સાહેબજી, જરા ધ્યાનથી ટિકિટો તપાસો અને અમે કેટલાંય રેલવે સ્ટેશનોએ પૂછતાપૂછતા આવ્યા છીએ. બધાએ એક જ અવાજે અમારી ટિકિટોને કાયદેસર ગણાવી છે.’
‘ટિકિટો તો કાયદેસર જ ગણાય. એમણે સાચી માહિતી આપી છે. પણ તમારે વડોદરાથી રતલામ ફ્રન્ટિઅર અને ડીલક્ષ સિવાયની અન્ય કોઈ ટ્રેઈનમાં સફર કરવી જોઈએ. નિયમ એવો છે કે તમારા પાંચસો કિલોમીટર ફ્રન્ટિઅરના કે ડીલક્ષના રૂટ મુંબઈ અને દિલ્હી વચ્ચે જ થવા જોઈએ.’
‘મારા મિત્રની કહેવામાં ભૂલ થાય છે. અમે ટિકિટ કાયદેસર કે ગેરકાયદેસર એમ પૂછ્યું ન હતું. એ તો કાયદેસર જ ગણાય, કેમ કે અમે રેલવેની ટિકિટબારીએથી જ ટિકિટો લીધી હોઈ એ ખોટી ન હોય ! વળી ટિકિટો ઉપર અંતર સાથે ક્યાંથી ક્યાં સુધી એમ લખેલું હોય અને આજની તારીખ પણ પ્રેસ કરેલી હોઈ આપે માની લીધું તે મતલબનું અમે પૂછ્યું નથી. અમને પાંચસો કિલોમીટરના કાયદાની ખબર હતી અને અમે તમામ જગ્યાએ એ પૂછ્યું હતું કે અમારી સળંગ ટિકિટ પાંચસો કિલોમીટર કરતાં વધારે થાય છે અને અમે વડોદરાથી રતલામ ફ્રન્ટિઅરમાં સફર કરી શકીએ કે કેમ એવું સ્પષ્ટ પૂછ્યું હતું.’
‘ગમે તે પક્ષે ગમે તે ભૂલ હોય અને એ ભૂલ કોની હશે તે મારે નક્કી કરવાનું નથી. મારે તો મારી ફરજ બજાવવાની હોય ! જીભાજોડીનો કોઈ મતલબ નથી. મારો સમય બગાડ્યા વગર વાતનો પાર લાવો.’
’પણ સાહેબ, રેલવેના એ જવાબદાર અધિકારીઓના જવાબ ઉપર અમે શું ભરોંસો ન મૂકી શકીએ !’
ટિકિટ ચેકરે ઉડાઉ જવાબ આપતાં કહ્યું, ‘ભરોંસો જરૂર મૂકી શકાય. પણ, જો ભરોંસાની ભેંશ પાડો જણે તો એ સાહેબો ઉપર કેસ જરૂર મૂકી શકાય !’
‘સાહેબ, તમે ગુજરાતી છો?’
‘શી રીતે ખબર પડી. આપણે તો હિંદીમાં વાતો કરીએ છીએ !’
‘આપ ભરોંસાની ભેંશવાળી કહેવત બોલ્યા ને !’
’હવે ગુજરાતી તરીકે મને મારી ફરજમાંથી ડગાવવાની વાત ભૂલી જાઓ અને નાણાં ઢીલાં કરો, નહિ તો હું તમને રેલવે પોલિસને સોંપી દઈશ. રેલવેની કોર્ટમાં તમારે જે કહેવું હોય તે કહેજો, સમજ્યા?’
’અરે પણ સાહેબ, અમારી પરીક્ષાનું કાલે વહેલી સવારે પહેલું જ પેપર છે. અમારે દશેક દિવસ ઈંદોર હોટલમાં રોકાવાનું છે અને આપ કહો છો તેટલો દંડ ભરીએ તો અમારાં ખિસ્સાં ખાલી થઈ જાય અને અમારે અજાણી જગ્યાએ ભીખ માગવનો વારો આવે !’
‘તો ભીખ માગી લેજો, અહીં તમને કોણ ઓળખવાનું છે ?’
અમને ટિકિટ ચેકરની ભીખ માગી લેવાની સલાહ ઉપર ગુસ્સો તો ચઢ્યો હતો, પણ અમે લાચાર હતા. તેની કડકાઈ જોતાં અમને લાગતું હતું કે કાં તો તે અમને નહિ છોડે અથવા તે લૂખી હુલ આપીને અમારી પાસેથી રોકડી કરી લેશે. પરંતુ એટલો વિશ્વાસ હતો કે તે અમને પોલિસને હવાલે તો નહિ જ કરે, જ્યાં સુધી કે અમે દંડની પાવતીના પૈસા ન ભરીએ !
ટેલિપથી થઈ હોય તેમ ઘનશ્યામે ત્વરિત ટિકિટ ચેકરને જણાવી દીધું, ‘સાહેબ, બીજો કોઈપણ માર્ગ કાઢો, પણ અમારા ઉપર દયા ખાઓ !’
’તમે લાંચ આપવાની વાત કરી રહ્યા છો, પોલિસને બોલાવું ?’
‘અરે સાહેબ એવું નથી. અમે ગેરમાર્ગે દોરવાયા હોઈ અજાણતાં રેલવેનો ગુનો કરી બેઠા છીએ. મારો કહેવાનો મતલબ છે કે આપ વડોદરા અને રતલામ વચ્ચે સેકન્ડ ક્લાસની જેટલી રકમની ટિકિટ થતી હોય તેવી કોઈ બેનામી પાવતી ફાડીને અમને રાહત આપો તો અમારા ખિસ્સામાં એટલા વધુ પૈસા બચે ! આ તો અમે પરદેશી માણસો છીએ, રાહત માગીએ છીએ.’
‘જૂઓ છોકરાઓ, તમારે મને કંઈપણ સમજાવવાની જરૂર નથી. હજુ તમારે ઈંદોર જવાનું છે. રસ્તામાં ગમે તે ચેકરથી આ ટિકિટથી તો ઝડપાવાના જ, કેમ કે હાલમાં એવી કોઈ ટ્રેઈનનો સમય નથી કે જે તમારી ટિકિટને યોગ્ય ઠેરવી શકે. માટે શાણા થઈ જાઓ. આ છેલ્લી તક આપું છું, નહિ તો મારી સાંકેતિક વ્હીસલ વગાડીને રેલવે પોલિસને બોલાવી લઉં છું.’
’સોરી સાહેબ, પણ જરા અમને સમજાવશો કે આટલો બધો દંડ કેવી રીતે થાય ?’
‘તમે લોકોએ વડોદરાથી રતલામ ફર્સ્ટ ક્લાસ એ.સી.માં સફર કરી છે તેમ માની લઈને તેમાંથી તમારી ત્રીજા વર્ગની ટિકિટનું ભાડું મજરે આપીને તેના બમણા કરતાં અને વધારામાં દંડની રકમ ઉમેરતાં તમારા દરેક જણના રૂ|. ૧૮૩/- થાય છે. તમારી ટિકિટથી સાબિત થાય છે કે તમે વડોદરાથી જ બેઠા છો એટલે જ આ રકમ ઓછી થાય છે, નહિ તો મુંબઈથી રતલામ સુધીની તમારી સફર ગણાઈ જાત અને વિમાનના ભાડા જેટલો તમારો દંડ થઈ જાત. હવે તમે વધારે દલીલબાજી ન કરીને ચૂપ રહેવાની ખાત્રી આપતા હો તો તમને વિદ્યાર્થી સમજીને વડોદરાથી રતલામનું સેકન્ડ ક્લાસની ટિકિટનું ભાડું ગણું તો પણ તમારે દરેકે રૂ|. ૧૪૪/- તો ચૂકવવા જ પડશે.’
‘જૂઓ સાહેબ, આપનો આભાર માનીએ છીએ અને એ મુજબની પાવતીઓ બનાવી દો. પણ અમે થોડુંક વધારે જે કંઈ કહીએ તેને, પ્લીઝ, દલીલબાજી ન સમજતા !’
ટિકિટ ચેકરે પાવતી બનાવવી શરૂ કરતાં કહ્યું, ‘ બોલો.’
મેં તેમના બેઝ ઉપર તેમનું નામ ‘ભાનુપ્રસાદ પંડ્યા’ વાંચી લીધું હતું. હું હજુ પણ વ્યર્થ હવાતિયાં મારતો હોઉં, તેમ બોલી પડ્યો, ‘પંડ્યા સાહેબ, સેકન્ડ ક્લાસની આ પાવતીઓનો હવે મતલબ શો ? અમારી સફર તો પૂરી થઈ ગઈ છે, આ તો ઊલટી ગંગા જેવી વાત થઈ ન ગણાય !’
‘તમે લોકો વિદ્યાર્થી છો, તો તમે ભૂગોળમાં એમ સુધારી લેજો કે ગંગા નદી બંગાળના ઉપસાગરમાંથી નીકળીને હિમાલયના ગંગોત્રી શિખરને જઈ મળે છે. બોલો, બીજું તો હું તમને શું કહી શકું ?’ ટિકિટ ચેકર ભાનુપ્રસાદ પંડ્યા મલકી પડ્યા હતા.
‘જૂઓ સાહેબ, અમારું થવાનું હતું તે થઈ ગયું. હવે આપ અમારા ગુજરાતી ભાઈ છો, તો આપની સલાહ માગીએ છીએ કે અમારી આજની ઘટનાને અખબારનાં પાને ચમકાવીએ, તો આપને કોઈ વાંધો ખરો ?’
’બેશક, લ્યો મારો બેઝ નંબર અને નામ તો તમે જાણી જ લીધું છે, વધારામાં મારું હેડ ક્વાર્ટર ભાયખલા સ્ટેશન જણાવજો. છોકરાઓ, બીજો વિકલ્પ એ પણ છે કે તમે આ પાવતીના આધારે અમારી ચર્ચગેટની ઓફિસે અરજી દ્વારા ફરિયાદ પણ કરી શકો છો. ત્યાંથી તમને ન્યાય ન મળે તો કાયદાની અદાલતોમાં તમે સુપ્રીમ સુધી જઈ શકો છો. મુકદ્દમા ખર્ચ સાથેનું તમને વળતર પણ મળી રહેશે. પરંતુ, આપણા ન્યાયતંત્રની તમને ખબર કદાચ નહિ હોય ! તમારે તમારા કેસનો ચુકાદો મેળવવા ઈશ્વર પાસે બીજો જન્મ માગવો પડશે, સમજ્યા ? બોલો, હવે બીજું કંઈ પૂછવાનું છે ?
’બીજું કંઈ પૂછવાનું તો રહ્યું નથી, પણ એક જ એ માત્ર કહેવાનું બાકી રહ્યું છે કે અમે લોકો સુખી ઘરના છીએ, એટલે ભીખ તો માગીશું નહિ; પણ ટેલિગ્રામ મનીઓર્ડરથી હોટલના સરનામે ઘરેથી પૈસા મંગાવી લઈશું. હવે આપ ઈન્સાનિયત નામની કોઈ વાતને માનતા હો તો, તમારે રેલવે ફોન મફત હોઈ, તમે વડોદરા, અમદાવાદ, પાલનપુર અને ગાંધીધામ સ્ટેશનોએ પૂછપરછ બારીના જવાબદારોને અજાણ્યા થઈને આ કાયદાની જાણકારી માટે પૂછી જોજો, ત્યાર પછી જ આપને અમારી નિર્દોષતાનો ખ્યાલ આવશે. આવા બિનકાર્યક્ષમ રેલવે કર્મચારીઓના પ્રતાપે અમારા જેવા કેટલાય બિચારા નિર્દોષ મુસાફરો દંડાતા હશે !
પંડ્યા સાહેબ ગળગળા થઈ ગયા અને બોલ્યા, ‘ છોકરાઓ, હું તમારી માફી માગું છું. મારે આવાં કડવાં વેણ ન બોલવાં જોઈએ. ચુસ્ત ઈમાનદારીનો જુસ્સો અને બ્રાહ્મણ તરીકેના થોડાક તામસી સ્વભાવના કારણે આમ અશોભનીય બોલાઈ ગયું છે. તમને બંનેને ગુરુ માનીને મારો સ્વભાવ સુધારવા પ્રયત્ન કરીશ. આજે બીજું એ પણ જાણવા મળ્યું કે બધા ખુદાબક્ષ મુસાફરો બેઈમાન નથી હોતા, કેટલાક સંજોગોને આધીન ખુદાબક્ષ બનતા હોય છે. મૂર્ખાઓ, પેલી ટેલિફોનિક ખાત્રી કરી લેવાનું વહેલું બોલ્યા હોત, તો ચારમાંથી એક જગાએથી પણ તમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે તે જાણવામાં આવતાં હું તમને બંનેને છોડી દેત અને ઈંદોર સુધી તમને કોઈ હેરાનગતી ન થાય તેવી હું તમારી ટ્રેઈનના ગાર્ડને ભલામણ પણ કરી દેત ! ખેર, જે થવાનું હતું તે થઈ ગયું! પાવતીઓ ફાટી ગઈ હોઈ હું રીફંડ તો ન જ આપી શકું. હું ઈમાનદાર રેલવે કર્મચારી છું અને મધ્યમ વર્ગનો માણસ છું; એટલે માંડી વળવાની ગણતરીએ તો નહિ, પણ ઊછીના તરીકે તમારે જોઈએ તેટલા પૈસા હું અંગત રીતે મારી પાસેની રોકડમાંથી આપી શકું. તમે લોકો મારા સરનામે મ.ઓ.થી તે પરત મોકલી શકો છો.’
ઘનશ્યામને પૈસાની કોઈ જરૂર ન હતી અને મેં TMO ની કોઈ ઝંઝટમાં ન પડવા અને પંડ્યા સાહેબને અજમાવી જોવા રૂ|. ૧૦૦/- ઊછીના માગ્યા અને તેમણે પોતાના અંગત વોલેટમાંથી મને તરત જ આપી પણ દીધા હતા.
‘હવે જ્યારે આપણી વચ્ચે આટલી આત્મીયતા બંધાઈ જ ગઈ છે, તો અમારા સામાન્ય જ્ઞાનને અસામાન્ય બનાવવા માટે થોડુંક પૂછી લઈએ કે આવી ટ્રેઈનોમાં તૃતીય વર્ગનો એક જ ડબ્બો અને તે પણ વળી નાનકડો જ કેમ રાખવામાં આવતો હશે?’ મેં પૂછ્યું.
‘આપણી આ બે ટ્રેઈનો અને એવી દેશભરની બીજી ટ્રેઈનો જે દિલ્હી જતી હોય છે તેમને વી.આઈ.પી. ટ્રેઈનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ તૃતીય વર્ગના ડબ્બામાં, જો કોઈ શેઠિયાઓ હોય તો તેમના નોકરો અને ઉચ્ચ અધિકારીઓ હોય તો તેમના હાથ નીચેના ચોથા વર્ગના કર્મચારીઓ, બેસતા હોય છે. મોટાભાગના આ ટ્રેઈનના મુસાફરો લાંબા અંતરની જ સફર ખેડતા હોય છે. આપણને આઝાદ થયાને થોડાંક જ વર્ષો થયાં છે અને હજુ આપણી માનસિકતા અંગ્રેજો જેવી જ રહી છે. તમે જોશો તો છેલ્લા ડબ્બાના આ કર્મચારીઓ જે જે મોટાં સ્ટેશનોએ થોડીક વધારે વાર ટ્રેઈન ઊભી રહેતી હોય, ત્યાં તેઓ બિચારા તેમના શેઠિયાઓ કે સાહેબોના કોઈ કામકાજ કે સરભરા માટે દોડતા જે તે ડબ્બે પહોંચી જતા હોય છે. આ ટ્રેઈનોના ડ્રાઈવરો પણ ગાડી ઊપડે ત્યારે એટલી બધી ધીમી ચલાવતા હોય છે કે જેથી પેલા બિચારાઓ આસાનીથી પોતાના ડબ્બામાં ચઢી શકે અને આમ તેમને પોતાના ડબ્બા તરફ દોડતા પાછા ન ફરવું પડે. તમારા જેવા આમ મુસાફરો આ ટ્રેઈનનો લાભ લઈ શકે અને એ એક જ ડબ્બામાં ભીડ વધી ન જાય તે માટે લઘુતમ પાંચસો કિલોમીટરના અંતરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચાલો છોકરાઓ, મારે બીજી ટ્રેઈનો સંભાળવાની છે અને તમારી ટ્રેઈનનો પણ સમય થઈ ગયો છે. Wish you the best of success in your examination. Bye.
અમે પણ ભીની પાંપણે પંડ્યા સાહેબને ‘Bye, Thank you !’ કહીને તેમનાથી છૂટા પડ્યા.
(સમાપ્ત)
-વલીભાઈ મુસા
(તા. ૧૦-૦૪-૨૦૧૩)
(નિજાનંદ માટે લખવામાં આવેલી સત્યઘટનાત્મક સ્વાનુભવલક્ષી આ કથામાં કોઈ અતિશયોક્તિ કરવામાં આવી નથી; પણ હા, તે સુભોગ્ય અને રસપ્રદ બની રહે તે માટે તેને સાહિત્યિક ઓપ જરૂર આપવામાં આવ્યો છે. ધન્યવાદ.)
(પૂર્વાર્ધ માટે અકીં ક્લિક કરો)