ચૌબીસ ઘંટે

એ મારો કોલેજકાળના બી.એ.ના બીજા વર્ષની યુનિવર્સિટી પરીક્ષાનો કમનસીબ પહેલો દિવસ હતો. પરીક્ષાના સમગ્ર કાર્યક્રમમાં એ દિવસ જ એવો બુંદિયાળ હતો કે અમારે બે પેપર હતાં. રાત્રે બાર વાગ્યા સુધી અર્થશાસ્ત્ર – ૧ નું વાંચન કર્યા બાદ પાંચેક કલાકની ઊંઘ મળી રહે તે માટે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકીને સૂઈ ગયો. મારો રૂમ પાર્ટનર સાયન્સનો વિદ્યાર્થી હોઈ તેની પરીક્ષા મોડેથી હોવાના કારણે વાંચન માટે તે વતનમાં ગયો હતો અને રૂમમાં હું એકલો હતો. તે દિવસે બપોરે મારું બીજું પેપર ઈતિહાસ – ૧ નું હતું. સવારે હોસ્ટેલની લોબીમાં કોલાહલના કારણે હું ઝબકીને જાગી ગયો અને મનમાં નરસિંહ મહેતાનું એક પ્રભાતિયું શબ્દાંતરે ગવાઈ ગયું કે ‘જાગીને જોઉં તો એલાર્મની ઠેસી નીચી દીસે નહિ!’. એલાર્મ ન વાગવાનું કારણ મને સમજાઈ ગયું હતું.

ઘડિયાળમાં સાત વાગી ચૂક્યા હતા. હું રઘવાયો થઈને મળત્યાગ કોટડીએ  પ્રવેશ્યો. શૌચક્રિયાનો પ્રારંભ થઈ ગયા પછી  ‘પાણી પીને ઘર પૂછવા’ જેવું આત્મજ્ઞાન થયું. નળમાં પાણી આવે છે કે નહિ તેની ચકાસણી કરવા ગરમ અને ઠંડા એમ બંને પ્રકારના નળોને અજમાવી જોયા. પાણીના બદલે હવા નીકળતાં હાઈસ્કૂલ સુધીના વિજ્ઞાનના જ્ઞાને ‘દિલકો બહલાનેકે લિયે ગાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી કલ્પના કરાવી કે કાશ બંને નળમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુઓ નીકળતા હોત તો ઓક્સિજનવાળો અડધો અને હાઈડ્રોજનવાળો પૂરો નળ ખોલીંને ધડાકા સાથે હું પાણી મેળવી શક્યો હોત.

લગભગ સવારના સાત અને આઠની વચ્ચે  હંમેશાં આમ જ બનતું હોય છે, કારણ કે હોસ્ટેલના મોટા ભાગના સૂર્યવંશીઓ આ સમયગાળામાં જ સ્નાન કરતા હોઈ ટાંકીનું તળિયું દેખા દેતું હોય છે. સદભાગ્યે હું અર્થશાસ્ત્રની નોટબુક લઈને અંદર ગયો હોઈ પાણી આવ્યું  ત્યાં સુધીમાં મેં મારા વિહંગાવલોકને આજના અર્થશાસ્ત્ર – ૧નું  રિવિઝન કરી લીધું હતું. આમ મારા મુલ્યવાન સમયનો દુર્વ્યય થયો ન હતો, પરંતુ શેક્સપિઅરની કવિતાની પેલી કડી કે ‘Sweet are the uses of adversity’ ની જેમ મેં સમયનો સદુપયોગ કરી લીધો હતો. ઈતિહાસ – ૧નું પેપર બપોર પછી હોઈ રિસેસનો એક કલાક તેના ઉપર નજર ફેરવી લેવા માટે પૂરતો રહેશે તેમ માનીને ઇતિહાસના પુસ્તકને હું સ્પર્શ્યો પણ ન હતો.

હું એચ.કે. કોલેજનો વિદ્યાર્થી હતો, પણ મારો બેઠક નંબર એચ.એ. કોલેજમાં હતો. મેં દસ વાગે હોસ્ટેલમાં જઈને ઝડપથી જમી લીધું અને તૈયાર થઈને રસ્તા ઉપર જઈ એક ઓટો ઊભી રખાવીને મેં તેને એચ.એ. કોલેજે લઈ જવાનું કહીને મેં મારું વાંચવાનું ચાલુ કરી દીધું. મારા દુર્ભાગ્યે ઓટોવાળાએ મને એચ.એલ.ના દરવાજે ઊભો કરી દીધો. પોણા અગિયાર વાગી ચૂક્યા હતા અને સદભાગ્યે મેં એ ઓટો જતી ન્હોતી કરી.

મેં એને કહ્યું, ‘અરે ભાઈ, આ તો એચ. એલ. કોલેજ છે. જૂઓ ભાઈ, આપણે કોઈ બહસ કરવી નથી કે આપણા બેમાંથી કોની ભૂલ છે, પણ હવે કોઈને પણ પૂછીને તમે જલ્દી મને એચ.એ. કોલેજે પહોંચાડો.

તેણે કહ્યું, ‘મારે એ કોલેજનું કોઈનેય શા માટે પૂછવું પડે? મને ખબર જ છે કે તે લો ગાર્ડન સામે છે. ભલા માણસ, તમે વાંચવાની ધૂનમાં એચ.એલ. કોલેજ જ બોલેલા અને તમને હું અહીં લાવ્યો છું.’

‘મેં તમને કહી જ દીધું છે કે આપણે બહસ કરવી નથી અને મારી પાસે તે માટે સમય પણ નથી. ભાઈ, ઓટો જલ્દી હંકારો. મારી જિંદગીનો અને કેરિયરનો સવાલ છે.’ મેં કહ્યું.

અગિયાર અને દસ મિનિટે હું પરીક્ષાખંડમાં દાખલ થયો અને સુપરવાઈઝરે મને ઉત્તરવહી અને ઇતિહાસનું પ્રશ્નપત્ર આપી દીધું. મેં કહ્યું, ‘અરે સાહેબ, તમારી ભૂલ થાય છે. આજનું પહેલું પેપર તો અર્થશાસ્ત્રનું છે!’ વર્ગમાંના બધા વિદ્યાર્થી ખડખડાટ હસી પડ્યા હતા.

મારી પરીક્ષાના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું મારે થયું. ખેર, મેં મારા મષ્તિષ્કની બોધાવસ્થાની ઉપલી સપાટી ઉપર અંકિત થએલી અર્થશાસ્ત્રની અટપટી વ્યાખ્યાઓ અને આંકડાઓની માયાજાળને નીચેના સ્તરે ધકેલીને ઇતિહાસના વાંચનને સજીવન કરવાનો પ્રયત્ન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે સંભવત: સ્વર્ગસ્થ મુરે અને પંડિત સુંદરલાલ જેવા ઇતિહાસકારોના આત્માઓએ મારા ચિત્તપ્રદેશ ઉપર એવો જડબેસલાક ચોકીપહેરો ગોઠવી દીધો હતો કે પેલા અર્થશાસ્ત્રના વિચારો માથું ઊંચકી શકે નહિ. આમ સમય પૂરો થવાના બપોરના બે વાગ્યા સુધી હું ઉત્તરવહીમાં કોણ જાણે પણ શુંનું શું લખતો જ રહ્યો. મારા સુપરવાઈઝર વચ્ચે વચ્ચે મારા લખાણને જોવા આવતા હતા અને સ્મિત કરતા કરતા પાછા પોતાની ખુરશીમાં ગોઠવાઈ જતા હતા. તેઓશ્રી થોડીકવાર માટે પોતાની આંખો બંધ કરીને જાણે કે મારા માટે પ્રાર્થના કરતા હોય તેવું મને લાગ્યું હતું. તેમની પ્રાર્થના કદાચ વદ્યસ્તંભ ઉપર સ્થિત એવા ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના જેવી હોઈ શકે કે ‘હે સરસ્વતી દેવી, તું તારી સહાયક એવી પરીક્ષાદેવીને આ વિદ્યાર્થી વતી ભલામણ કરી દેજે કે તેણી આ છોકરાને માફ કરી દે, કેમ કે તે શું લખી રહ્યો છે તેની તેને બિચારાને કોઈ ખબર હોય તેવું મને લાગતું નથી!’

દસ મિનિટ પહેલાં સમય પૂરો થવા આવ્યાની ચેતવણીના બે ડંકા પડ્યા ત્યારે તો મેં છેલ્લો પ્રશ્ન લખવો જ શરૂ કર્યો હતો. છેલ્લે આખો ઘંટ પડ્યા પછી પણ સુપરવાઈઝર અને મારી વચ્ચે ખેચંખેચના કારણે ઉત્તરવહી ફાટી ન જાય ત્યાં સુધી તેને પકડી રાખીને લખ્યા જ કર્યું હતું.

ખેર, મારી વધારે કરૂણ દાસ્તાન તો હવે શરૂ થાય છે. વચ્ચે એક કલાકની રિસેસ હતી. ગાર્ડનમાંની ‘Busy Bee’ રેસ્ટોરન્ટમાંની એક કડક મીઠી આખી ચા મારા પેટમાં ઠાલવીને હું બગીચાના એક ખૂણા તરફ ગયો. ત્યાં એક ઝાડના છાંયા નીચે બેસીને મારી અર્થશાસ્ત્રની નોટનાં પાનાં ઊથલાવતો હતો, પણ વહેલી સવારથી હાલ સુધીના મારા છબરડાઓ વિષેના વિચારો મારો પીછો છોડતા ન હતા. મારી વિચારકડીઓને ઉચ્છેદવા માટે મેં બગીચાની લોન ઉપર લંબાવીને સહજ રાજયોગની જેમ મારી ભૃકુટી વચ્ચે મારા ધ્યાનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. હું પરીક્ષાના માનસિક દબાણ હેઠળ હોવા છતાં મારી રાત્રિઓના ઉજાગરાના કારણે કે પછી ગમે તે કારણે હું ચિર નિદ્રામાં પોઢી ગયો હતો. છેક સાંજે લગભગ છએક વાગ્યે બગીચામાં ટહેલવા આવેલાઓના અવાજોના કારણે હું ઝબકીને જાગી ઊઠ્યો. મને કોઈએ કહેવું ન પડ્યું, પણ હું સમજી ગયો હતો હું મારું અર્થશાસ્ત્ર-૧ નું પેપર ગુમાવી બેઠો હતો. જેમ ઢોળાએલા દૂધ અને વેડફાએલા પાણી ઉપર અફસોસ કરવો વ્યર્થ ગણાય, બસ તેમ જ, મેં મારા મનને મનાવી લીધું હતું.

પછી તો હોસ્ટેલે જઈને સરસામાન તૈયાર કરીને વતનના ગામડે ચાલ્યા જવા માટે હું ગીતામંદિર બસ સ્ટેન્ડે થરાદવાળી બસમાં બેસી ગયો હતો. મેં સિદ્ધપુરની ટિકિટ માગી તો મશ્કરા કંડક્ટરે હસતાં હસતાં કહી સંભળાવ્યું કે ‘તમારો આ જ બસમાં સિદ્ધપુર જવાનો આગ્રહ હોય તો માત્ર સોએક રૂપિયાની ટિકિટ થશે અને આવતી કાલે બપોરે તમે સિદ્ધપુર પહોંચી શકશો. મારા ભાઈ, આ તો થરાદ-સુરત બસ છે, નહિ કે સુરત-થરાદ!’

હું કટાણું મોં કરીને બસમાંથી નીચે ઊતરી જઈને બસસ્ટેન્ડના બાંકડે જઈ બેઠો. થોડીવાર પછી શટલિયા જીપગાડીનો કમિશન એજન્ટ આવ્યો, તેણે બસભાડાના ભાવેભાવ બસ કરતાં એકાદ કલાક વહેલો સિદ્ધપુર પહોંચાડી દેવાની લોલીપોપ બતાવીને અને મારો સરસામાન ઊંચકી લઈને  મને રીતસર હાઈજેક જ કરી લીધો હતો. આજનો આખો દિવસ એક એકથી ચઢિયાતા છબરડાઓમાં પસાર થયો હોઈ મને લાગ્યું કે હું ઘરે એકાદ કલાક વહેલો પહોંચી જઈશ અને રાહતનો દમ લઈશ; પણ ના, હજુ સુધી મારી પરેશાનીઓ મારો પીછો છોડવા માગતી ન હતી, કલાકેકની અમારી જીપયાત્રા થઈ હશે અને અમારી જીપગાડીના ટાયરને પંક્ચર થયું. અમને બધાને જીપગાડીમાંથી નીચે ઊતરી જવાનો આદેશ થયો. જીપગાડીના ડ્રાઈવરના સહાયકે ચપટી વગાડતાં કહ્યું કે ટાયર બદલવાનું મારા માટે તો દસ જ મિનિટનું કામ, પણ આ શું? સ્પેર ટાયરમાં હવા જ ન હતી. બીજા મુસાફરો તો એક પછી એક  એમ કરીને નાનાં કે મોટાં વાહનોને રોકતા ગયા અને રવાના થતા રહ્યા. અમારી જીપગાડીમાં ડ્રાઈવર, તેનો સહાયક અને હું એમ ત્રણ જ જણ છેલ્લે વધ્યા હતા. મારી પાસે મારા ગાદલાનો વીંટો હતો અને આ પરિસ્થિતિમાં હું કોઈ બીજું વાહન પકડી શકું તેમ ન હતો. આખરે પેલો સહાયક પંક્ચર પડેલા મૂળ ટાયરને નજીકના હાઈવે ઉપરના કોઈક સ્થળે જઈને  ઠીક કરાવી લાવ્યો. આમ મારી પેલી કહેવાતી એક કલાકની સમયબચત ધોવાઈ ગઈ હતી.

લગભગ અડધી રાતે આમ સરસામાન સાથે મને ઘરે આવેલો જોઈને માતાપિતા અને ભાઈભાભી પરેશાન હતાં. મારી ભૂખ મરી ગઈ હોઈ મેં જમવાની ના પાડી દીધી હતી. ‘આમ અચાનક કેમ આવવાનું થયું?’ ના જવાબમાં  તેમને સવારે ખુલાસાવાર વાત કરવાની હૈયાધારણ આપીને મેં પથારીમાં લંબાવ્યું હતું, ત્યારે ભીંતઘડિયાળે રાતના બારના ટકોરા પાડ્યા હતા. એ કાળે હાલની સેમેસ્ટર પદ્ધતિ પ્રચલિત ન હોઈ મારે એક વર્ષ સુધી કૌટુંબિક ખેતીના વ્યવસાયમાં બળદિયાઓનાં પૂંછડાં આમળીને મદદરૂપ થવાનું હતું.

આ છે મારી છબરડાઓની પરંપરાના અપશુકનિયાળ એ એક જ દિવસની કરમકહાણી! મને પેલી ઉક્તિ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે કે ‘ જેની ચા બગડી તેની સવાર બગડી, દાળ બગડી તેનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો તેનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું; પરંતુ જેની સાસુ/વહુ બગડી તેનો જન્મારો બગડ્યો!’ મારી દાસ્તાન ખરેખર પેલી ‘ચૌબીસ ઘંટે’ જેવી જ બની રહી. કોઈક સરક્યુલર રૂટની બસના પાટિયામાં જેમ લખેલું હોય કે ‘લાલ દરવાજાથી લાલ દરવાજા’ અથવા ‘પાલનપુરથી પાલનપુર’; બસ, તેવી જ રીતે હું મારી ચોવીસ કલાકની દાસ્તાનને પણ ‘રાતના બારથી રાતના બાર સુધી’ તરીકે ઓળખાવું છું.

હું ધૂમ્રપાનના હુક્કાના ધ્વનિ જેવા કાલ્પનિક તાળીઓના ગડગડાટ વચ્ચે મારો પોતાનો જ  બરડો થાબડતાં મારી ત્રિપરિમાણીય  સિધ્ધિ બદલ ગર્વભરી મુખમુદ્રાએ આપ સૌ વાચકોનું અભિવાદન ઝીલતાંઝીલતાં હું અત્રેથી વિરમું છું.

-વલીભાઈ મુસા

(‘હાસ્યદરબાર’ માટે મહેમાન બ્લોગર તરીકે ‘હાસ્યદરબારની અસાધારણ સાધારણ સભાના અસાધારણ ઠરાવો (પ્રહસન – ૪)’ શીર્ષકે મારી  જ લખેલી રચનાનું વાર્તામાં રૂપાંતરણ)

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM, WG and tagged , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to ચૌબીસ ઘંટે

  1. valadaano vaartaavaibhav ma વલદાનો વાર્તા વૈભવ ‘ ચોબીસ ઘંટે” વાંચી લખાયેલી કોમેન્ટ્સ :૧૯-૫-૧૩
    અમારા હિન્દીના સાહેબ/શિક્ષક …’જયસુખલાલ ધોળકિયા ‘( [જી.ટી..હાઈસ્કૂલ”,માંડવી-કચ્છ) એક અંગ્રેજી વાક્ય બોલેલા,: આજ દિવસ સુધી યાદ છે… ” વ્હેન મીઝરીસ કામ ધે કામ ઈન બટાલિયન”.તો તમારું એવું જ કંઈક થયું કેમ?…રસ-સભર રજૂઆત!
    મારેય સી.એ. પ્રિલમીનરી પરીક્ષા વખતે આવુંજ કઈ થયું’તું . ૧૯૬૭માં જી.સી.ડી.કર્યા પછી,.મે ,૧૯૬૯, પરીક્ષાનો છેલ્લો દિવસ , કોમ્યુનીટી હોસ્ટેલ (વડાલા)–,માટુંગાથી ચર્ચગેટ, જયહિન્દ કોલેજ માં બીજે માળે …બે પેપર:-“જ્યોગ્રાફી” અને ” ઇન્ડિયન એડમિનીસ્ત્રે શન” બેઉ મારા અણગમતા, વીક વિષયો. આખી રાત ઉજાગરો કરી તૈયારી કરી. એક દમ કોન્ફીડન્ટલી ગયો. .૧૦.૦૦ વાગ્યે પેપર હાથમાં આવ્યું.વાંચતા માથું ભમવા માંડ્યું….ચક્કર આવ્યા જેવું થયું … દસ મીનીટ આંખ બંધ કરી બેઠો રહ્યો સાવ બેભાન શો! સુપરવાઈઝરે આવી પૂછ્યું : “બેટા કઈ તકલીફ છે?” મે હકીકત કહી.સજ્જન સદ્-ગ્રહસ્થે કહેવાથી સોડા મંગાવી આપી.અડધો કલાક પછે કંઈક રાહત જણાઈ.ધીમેકથી પ્રશ્નોત્તરો લખવાની શરૂઆત કરી . ૫૦:૫૦ ચાન્સીસ હતા પાસ થવાના, કમનસીબે ૨૪+૧૫=૩૯ માર્ક્સ આવ્યા .ઇકોનોમિક્સમાં ૩૦.બે વિષયોમાં ના-પાસઅને પહેલો પ્રયત્ન “ફેઈલ”..પછી સંજોગો કંઈ એવા હતા કે……ટેક્ષટાઈલમાં નોકરી ચાલુ હતી… આગળ ન ભણી શકાયું.રીટર્ન યાત્રા વખતે ટી.સી. એ પકડ્યો રેલ્વે પાસ હોસ્ટેલમાં ભૂલે ગયેલો .તેમને વિનંતિ કરી “સ્ટુ ડન્ટ છું, આ રિસ્ટ-વોચ’ રાખો ,અડધો કલાકમાં પાછો આવી પાસ બતાવી લઇ જઈશ.એમને મારી આંખોમાં આંખો નાખી બે ઘડી જોયું….નિર્દોષતા .
    સાચુકલાપણું દેખાયા હશે ,તે માની ગયા …પછી પાછો બોલાવી કહે :” હવે પ્હે ધ્યાન રાખજે,આજે છોડી દઉં છું. ” આમ ઈશ-કૃપાથી રાહત થઇ.
    I am really ,thankful to you, for BEING INSTRUMENTAL IN this short journey thru’ memory-by-Lanes of PAST…AND Sharing has given me immense pleasure too. // -La’ / 19-5-13

    Like

  2. chandravadan says:

    આ છે મારી છબરડાઓની પરંપરાના અપશુકનિયાળ એ એક જ દિવસની કરમકહાણી! મને પેલી ઉક્તિ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે કે ‘ જેની ચા બગડી તેની સવાર બગડી, દાળ બગડી તેનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો તેનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું; પરંતુ જેની સાસુ/વહુ બગડી તેનો જન્મારો બગડ્યો!’ મારી દાસ્તાન ખરેખર પેલી ‘ચૌબીસ ઘંટે’ જેવી જ બની રહી.
    Valibhai,
    Your Varta reminded me of the College/Hostel days….the days of the Examination.
    Your Chaubika Ghante illustrated from the morning Tea to Dal ..and even going futher to months..year…to the Lifetime is REALLY nice.
    Enjoyed !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

    Like

    • Harnish Jani says:

      It is very difficult to read white letters in Black background- May be its me. I don’t know. However nice write up.

      Like

      • સ્નેહીશ્રી હરનિશભાઈ,

        આપના Theme બદલવાના સૂચન બદલ આભાર. અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી વાર્તાઓ રસ પૂર્વક વાંચે અને માતૃભાષા ગુજરાતી સાથેનો તેમનો સંપર્ક જળવાઈ રહે તેવો આશય મારા આ બ્લોગ પાછળ રહેલો છે. કાળી સ્લેટ ઉપર સફેદ ચોકથી લખાણ ઠીક રહેશે તેવી મારી ગણતરી હતી અને એવી કાળા બેકગ્રાઉન્ડવાળી બેએક Theme અજમાવી જોઈ, પરંતુ આપની જેમ બીજા કેટલાક મિત્રોએ મોટી ઉંમરના વાચકોને આંખો ખેંચાવાના કારણે માફક નહિ આવે તેવી સૂચના મળી પણ હતી. Theme બદલી દીધી છે.
        ફરી એકવાર આભારસહ,

        સ્નેહાધીન,

        વલીભાઈ

        Like

  3. pragnaju says:

    સુંદર
    તબિબિ વાત…
    એક એવા ડૉકટર જેનો બુંદિયાળ દીકરો દરેક પરીક્ષામાં દુબારા-ત્રિબારા કરીને માંડ ડૉકટર થયેલો.
    આ દીકરો બીજે કયાંય તો ચાલે એવો નહોતો એટલે પોતાના દવાખાનામાં જ ટ્રેનિંગ માટે બેસાડતો.
    આ જનરલ પ્રેકિટશનરનો કમ્પાઉન્ડર હોશિયાર તેથી કામ ચાલતુ

    Like

  4. Pingback: ચૌબીસ ઘંટે – વલીભાઈ મુસા | હળવા મિજાજે

  5. મૂળ કળાકારનું નામ આપશો ! એમને વંદન કરવા જ પડશે !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s