“Rohini” which was published in a Gujarati Magazine ‘Chandni’ is represented here. The story is related to a happy family. Some minor issues, sometimes, disturb the harmony of the family and; in absence of compromise from either side; they become the prestige issues making the marriage as failure. Human nature is somewhat complicated to be understood. Male and female are humans, but there is the peculiarity of their nature and mood. Generally, the male is found aggressive and the female defensive. Male becomes extremist and female remains moderate in sensitive cases. In a family life, mutual understanding and consciousness of respecting the dignities of each other are very essential.
My ideas are my own and they are not, at all, binding to others. I have presented my ideas here in general. In particular cases, the nature and mood of male and female may be found contradictory to mentioned above. What they may be, we have no concern with them here. This is the preface of my story and at the end of the story, my Readers will realize how the female i.e. Rohini with her defensive and moderate attitude or understanding saved her family from breaking or becoming unhappy.
My Readers, please read the story and try to co-relate it with my previous Article“Divorce – legal but undesirable”.
[મારી વાર્તા ‘રોહિણી’ કે જે ગુજરાતી મેગેઝિન ‘ચાંદની’માં પ્રસિદ્ધ થઈ હતી, તેને અહીં રજૂ કરવામાં આવે છે. વાર્તા એક સુખી પરિવાર સાથે સંબંધિત છે. કેટલીકવાર કોઈક સામાન્ય મુદ્દાઓ કુટુંબની સંવાદિતાને ખલેલ પહોંચાડતા હોય છે. કોઈ એક પક્ષે આવા મુદ્દાઓનું સમાધાન કરવાની પહેલ થતી ન હોવાના કારણે ધીમેધીમે જે તે મુદ્દો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતો જાય છે અને લગ્નજીવન ભંગાણના આરે પહોંચી જતું હોય છે. માનવ સ્વભાવને સમજવો કંઈક અંશે મુશ્કેલ છે. પુરુષ અને સ્ત્રી છેવટે તો માનવીઓ છે, પણ તેમના મિજાજ અને સ્વભાવમાં કેટલીક વિશિષ્ટ ખાસિયતો હોય છે. ઘણું કરીને પુરુષ આક્રમક જણાયો છે, જ્યારે સ્ત્રી સ્વરક્ષણાત્મક માલુમ પડી છે; પુરુષ અંતિમવાદી હોય છે, જ્યારે સ્ત્રી સંવેદનશીલ બાબતોમાં સમધારણ મનોવૃત્તિ ધરાવતી હોય છે. કુટુંબજીવનમાં પતિપત્નીએ પરસ્પરના સન્માનને જાળવવાનાં હોય છે અને તે માટે તેમણે સમજદારી અને સભાનતા કેળવવાં જ રહ્યાં.
મારા સ્ત્રી અને પુરુષ વિષેના ઉપર દર્શાવાએલા વિચારો મારા પોતાના છે અને અન્યોને જરાયે બંધનકર્તા નથી, કેમ કે એ સઘળા સર્વસામાન્ય વિચારો માત્ર જ છે. કોઈ વિશિષ્ટ કિસ્સાઓમાં પુરુષ અને સ્ત્રીના મિજાજ અને સ્વભાવ ઉપર દર્શાવ્યા કરતાં વિપરિત પણ હોઈ શકે. એ ગમે તે હોય, પણ આપણે અહીં તે બાબત સાથે કોઈ લેવદેવા નથી. આ એક મારી વાર્તાની પ્રસ્તાવના માત્ર છે અને વાર્તાના અંતે મારા વાંચકમિત્રો જાણી શકશે કે કેવી રીતે સ્ત્રી એટલે કે રોહિણી પોતાના સ્વરક્ષણાત્મક અને સમધારણ વર્તન કે સમજદારી વડે પોતાના કુટુંબજીવનને ભાંગી પડતું કે દુ:ખી થતું અટકાવી દે છે.
મારા વાંચકોને વિનંતી કે તેઓ આગળ વાર્તા વાંચે અને મારા અગાઉના આર્ટિકલ “છૂટાછેડા -કાયદેસર, પણ અનિચ્છનીય”સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરે.
આપનો સહૃદયી,
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)]
(‘ચાંદની’ – ૧૯૮૦)
રોહિણી
હું ઑફિસે જવા માટેનાં કપડાં પહેરી રહ્યો હતો. મહેન્દ્ર અને અશોક પણ તેમના નિશાળના યુનિફૉર્મમાં ખભે પુસ્તકોના થેલા સાથે તૈયાર હતા. તેઓ મારી જ તૈયાર થવાની રાહ જોઈ રહ્યા હતા, કેમ કે અમે હંમેશાં એક જ બસમાં જતા. વચ્ચે તેમની નિશાળ આવતાં તેઓ ઊતરી પડતા, જ્યારે હું આગળ વધતો.
થોડીવારમાં રોહિણી અંદરના ખંડમાંથી આવી અને આવતાંવેંત હંમેશની ટેવ મુજબ તેણે બંનેના ગાલો ઉપર ચુંબન જડી દીધાં. સામાન્ય રીતે તેના રોજિંદા આ કાર્યક્રમટાણે કાં તો હું મોજાં પહેરતો હોઉં યા બૂટની દોરી બાંધતો હોઉં, કે પછી બુશશર્ટનાં બટન બીડતો હોઉં. હું ચહેરા ઉપર સ્મિત સાથે તેના તરફ જોઈ લેતો, તો વળી તે પણ તીરછી નજરે મારા સામે જોઈને હસી પડતી. આમ અમારાં સ્મિતમાંથી પેલાં ચુંબનોનો જ આનંદ ઉદભવતો.
જો કે આજે તો મેં ઊંચે નજર કર્યા સિવાય જ મોજાં પહેરવાનું ચાલુ રાખ્યું. મારા કાનોએ વારાફરતી થયેલાં બંને ચુંબનોના બુચકારા સાંભળ્યા પણ ખરા, પરંતુ આજે અમારી વચ્ચે સાવ પારદર્શક કહી શકાય તેવી અને કાગળથી પણ પાતળી એવી એક દિવાલ આવી ગઈ હતી. ગઈ રાતે તેણે મારા આગળ એક સામાન્ય માગણી મુકેલી અને મેં તેનો પ્રેમપૂર્વક ઈન્કાર કરી દીધો હતો.
આજ પહેલાં મારા કોઈ વાતના ઈન્કારટાણે મને અનુકૂળ થઈ જનારી એ જ રોહિણીએ પોતાની માગણીને ભારપૂર્વક દોહરાવી હતી. તો વળી મેં પણ તેટલા જ ભારપૂર્વક મારા ઈન્કારને પણ દોહરાવ્યો હતો. તેની માગણી હતી, તેના પિયરના ગામે પાડોશીના ત્યાં લગ્નપ્રસંગે મહાલવા જવાની !
મારા મતે પાડોશીના સંબંધોનું કોઈ મહત્ત્વ મને ન દેખાયું. જો કે ગામડાંઓમાં પાડોશીના સંબંધો સગા ભાઈ કરતાં પણ અધિક ગણાતા હોય છે. હું પણ ગામડાનો જ વતની હતો, પણ અભ્યાસ અને નોકરી અર્થે શહેરોમાં જ ફર્યો હોઈ ગામડાંના એ પાડોશીઓની લાગણીનો મને ખાસ અનુભવ થયો પણ ન હતો. એટલે જ તો મેં રોહિણીની માગણીને વજૂદ વિનાની ગણીને તેની બેચાર દિવસની પણ ગેરહાજરી અમારા માટે કેટલી બધી પ્રતિકૂળતાઓ સર્જી દેશે તેની એક મોટી યાદી રજૂ કરી દીધી હતી. ત્યારે તો તેણે જો કે ‘ભલે’ કહીને મારી વાતને આવકારી પણ હતી, પણ તેના ચહેરા ઉપર મારા ઈન્કારથી અંકાયેલા ગમગીનીના ભાવ સ્પષ્ટ વંચાતા હતા.
મેં બંને દીકરાઓને બસસ્ટૉપ તરફ રવાના થવાનું સૂચન કરીને રોહિણીને એકાંત આપ્યું કે જેથી તેને જે કહેવાનું હોય તે કહી શકે. આ અનુકૂળતા આપવાનું પ્રયોજન એ ન હતું કે મારે મારો નિર્ણય ફેરવવાનો હતો. ગઈ રાતની મારી ના છતાં તેણે એની એ જ વાતને પકડી રાખી હોય તેવા અનુમાનના કારણે મારા જિદ્દી માનસને તે રુચ્યું ન હતું. એટલે તો મેં ઇચ્છ્યું કે એ ત્રીજીવાર એ જ વાત મૂકે તો મારે એ જ નન્નો સંભળાવવો, પણ આ વખતે થોડા ગુસ્સા સાથે ! વળી કદાચ શાંત સ્વભાવની એવી રોહિણી ગુસ્સામાં ભભૂકી ઊઠે તો મારે કદાચ તેનાથી પણ વધારે ઊંચા અવાજે બોલી નાખવું પડે અથવા બોલી જવાય તો છોકરાઓની હાજરી ઠીક નહિ રહે, તેમ માનીને જ મેં તેમને વહેલા વિદાય કરી દીધા હતા.
બંને દીકરાઓ માઢના દરવાજા બહાર નીકળી ગયા જાણીને હું કંઈક કહેવા જતો હતો, પણ મેં માંડી વાળ્યું; કેમ કે મારે શરૂઆત કરવાની ન હતી. બસસ્ટૉપ ઉપર પહોંચવાની એક મિનિટને બાદ કરતાં અને રોહિણીની ચૂપકીદીમાં એક મિનિટ પસાર થઈ ગયા પછી હવે ત્રણ જ મિનિટ બાકી રહી ગઈ હતી, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તે કંઈ જ ન બોલી. છેવટે હું જ બોલ્યો, ‘રોહિણી, આજે પટાવાળા સાથે ‘કોરા કાગઝ’ની બે ટિકિટો મંગાવી લઉં છું. યાદ છે તને કે આ અગાઉ આપણે આ ચલચિત્ર જોવાનું ચૂકી ગયેલાં ? જો કે ત્યારપછી હું ઑફિસકામે અમદાવાદ ગયો હતો, ત્યારે મેં તો જોઈ જ લીધું હતું. મને એ ખૂબ ગમેલું અને ત્યારે જ નક્કી કરેલું કે આ તો તને બતાવીશ જ. બે દિવસ પૂરતું જ ‘ઑસ્લો’માં લાગ્યું છે, તો ઘરકામથી વહેલી પરવારી જજે.’
આમ વાતને ફેરવી તોળીને હું ઝડપભેર ‘અચ્છા તો બાય’ કહીને ઘર બહાર નીકળી ગયો, પણ રોજની જેમ જમણા હાથની આંગળીઓ હલાવતાં રોહિણી તરફથી મને પ્રત્યુત્તરરૂપે ‘બાય’ શબ્દ સાંભળવા ન મળ્યો. મને મારું સ્વમાન હણાતું લાગ્યું. દસેક ડગળાં આગળ વધ્યા પછી ઇચ્છા થઈ આવી કે પાછો ફરીને તેના ગાલ ઉપર ચણચણતો તમાચો જડીને જ જાઉં, કદાચ જીવનમાં પહેલી વાર; પણ મેં સ્વસ્થતા ધારણ કરી લીધી.
ઑફિસે ગયા પછી હું મારા કામમાં ચિત્ત ન પરોવી શક્યો. બસમાંથી ઊતરતી વેળાએ છોકરાઓએ ‘બાય…બાય, ડેડી’ કહીને બંને જણાએ ‘બાય’ શબ્દ ચાર વાર સંભળાવ્યો હોવા છતાં રોહિણીના મુખે એક જ વખતના ‘બાય’ શબ્દની ખોટ વળી શકી ન હતી.
કૉલબેલ વગાડીને મેં પટાવાળાને બોલાવ્યો, પાણી મંગાવ્યું અને પછી મેં તેને ‘કોરા કાગઝ’ની બે ટિકિટો લાવી દેવા માટે દસ રૂપિયાની નોટ આપી. વળી પાછો રોહિણી પરત્વેનો સદભાવ મારા મનમાં જાગૃત થવા માંડ્યો. પાડોશી વિનાનું માઢનું સાવ એકાકી ઘર યાદ આવી ગયું.
અહીંનાં સાત વર્ષમાં કદાચ સાતસો વાર સારા પાડોશવાળું નવું ઘર મેળવી લેવાની રોહિણીની વિનંતિઓ યાદ આવી ગઈ. મને લાગ્યું કે જો કદાચ રોહિણીની માગણી પ્રમાણેનું ઘર મેળવી શકાયું હોત, તો પાડોશીની લાગણીના મહત્ત્વની મને પિછાન થઈ શકી હોત; અને તો કદાચ રોહિણીના પિયરના પાડોશી ચીમનકાકા પ્રત્યેની લાગણીને હું સમજી શક્યો હોત અને તેને આજે મેં પિયર જવાની અનુમતિ આપી દીધી હોત. આમ વાતનું વતેસર થતું અટકી ગયું હોત.
જો કે વાતનું વતેસર તો મારા પક્ષે જ થયું હતું. મેં જ એક સામાન્ય પ્રશ્નને ગંભીર બનાવી દીધો હતો. રોહિણી બિચારીએ તો મૌન જ સેવ્યું હતું. મેં પણ બાહ્ય રીતે મૌન સેવ્યું હોવા છતાં મારા અંતરમાં કેટલો બધો કોલાહલ વ્યાપી ગયો હતો ! મારી આ આંતરિક અસ્વસ્થતા માટે જવાબદાર બન્યો હતો, પેલો ‘બાય’ શબ્દનો રોહિણીમુખે અભાવ.
* * * * *
સાંજે હું ઑફિસેથી પાછો ફર્યો, ત્યારે ઘર બંધ હતું. મને ધ્રાસકો પડ્યો કે કદાચ રોહિણી ઉપરવટ થઈને તો નહિ જતી રહી હોય ! પરંતુ આમ માની લેવું મને ઉતાવળ કરવા જેવું લાગ્યું, કેમ કે તે બજારમાં કંઈક ખરીદી કરવા પણ ગઈ હોય. મારા પાસેની ડુપ્લીકેટ ચાવીથી બારણું ખોલીને અંદર પ્રવેશું છું, તો સામે જ ટેબલ ઉપર પેપરવેઈટ નીચે મારા લેટરપેડનું લખાણવાળું પાનું પડેલું દેખાયું.
મારી શંકા સાચી પડતી લાગી. મેં બહાવરા બનીને ચિઠ્ઠી વાંચવા માંડ્યું, જેમાં લખ્યું હતું :
“વહાલા સુધીર,
આ ચિઠ્ઠી પૂરી ન વંચાઈ રહે ત્યાંસુધી મારા વિષે કોઈ ગેરસમજ બાંધવા અધીર ન થઈ જતા. ગઈકાલે સાંજે પિયરથી આવેલો પત્ર મળ્યો, ત્યારથી આજે તમે ઑફિસે જવા ઉપડ્યા ત્યાંસુધી હું મારી ચીમનકાકાના ઘર સાથેની કુટુંબ જેવા સંબંધોની લાગણીને વાચા આપી શકી ન હતી; કેમ કે મને તમારા હૃદયની લાગણી સાચવવી વિશેષ મહત્ત્વની લાગી હતી. તમે એકવાર ‘ના’ કહ્યા પછી ‘હા’ કહેવાને ટેવાયેલા નથી તેની મને ખાતરી હોવાના કારણે જ તો મેં વ્યર્થ પ્રયત્નો કરવાનું માંડી વાળ્યું હતું.
પરંતુ તમારા ગયા પછી મને એમ જ લાગ્યા કર્યું કે છોકરાઓને બસસ્ટૉપ તરફ વહેલા રવાના કરીને જાણે કે તમે મને ફરીવાર માગણી મૂકવાની તક આપી હતી, પણ મારા સ્વાભિમાને મને એ તક ઝડપવા ન દીધી. પછી તો તમે મને જે પેલા હેમ્લેટની વાત કહી સંભળાવી હતી, તેના જેવું જ મારે થયું, ‘જાઉં કે ન જાઉં’ના મનોમંથન પછી ‘જાઉં જ’ એવા છેવટના નિર્ણય પર આવી અને હું જાઉં છું, ગઈ છું.
મારા જવાના આખરી નિર્ણય વખતે ઘડિયાળમાં અઢી વાગી ચૂક્યા હોઈ તમારી ઑફિસ આગળથી રિક્ષામાં પસાર થઈને તમારી રજા મેળવી લેવાનું શક્ય લાગતું નથી. આમ તમારી રજા મળી જવાની અપેક્ષાએ અથવા રજા મળી જ ગઈ છે તેમ માનીને આ ચિઠ્ઠી લખીને જાઉં છું.
બે જ દિવસમાં પાછી ફરીશ. બાર વર્ષના આપણા દાંપત્યજીવન દરમિયાન હું પહેલી જ વાર સભાનપણે ઉપરવટ થઈને વર્તું છું, તે બદલ ક્ષમા આપશો. સ્ટેશને પહોંચ્યા પછી જો સમય રહેશે તો પબ્લિક કૉલઑફિસેથી તમારો સંપર્ક સાધીશ, નહિ તો પછી બાય…બાય !
તમારી જ
રોહિણી”
ચિઠ્ઠી પૂરી થઈ, ત્યારે તો મારો ક્રોધ ચરમ સીમાએ પહોંચી ગયો હતો. મારા સ્વામીત્વભાવે રોહિણી પ્રત્યેની લાગણીને જાણે કે મસળી નાખી અને લગભગ અભાનપણે મારી ચપટીમાં ‘કોરા કાગઝ’ની ટિકિટો પણ
ફાટીને મસળાઈ ગઈ. હું ભણતો હતો ત્યારની મારા સંસ્કૃત શિક્ષકની એક વાત યાદ આવી ગઈ, “છોકરાઓ, તમે ગૃહકાર્ય લાવતા નથી, ત્યારે મને શિક્ષા કરવાના બદલે માફ કરી દેવાની ઇચ્છા થઈ આવે છે; પણ પછી ડર લાગે છે કે ‘ડોશી મરી જાય તેનો વાંધો નહિ, પણ જમ પેંધી જાય તો !’”
મને એમ જ લાગ્યું કે બાર વર્ષના દાંપત્યજીવનમાં ભલે રોહિણીએ પ્રથમવાર જ મારી આજ્ઞાનો અનાદર કર્યો હોય, પણ તેને માફ તો ન જ કરી શકાય. વળી તેની કબૂલાત છે, આ ચિઠ્ઠીમાં કે ‘મારા સ્વાભિમાને જ એ તક ન ઝડપવા દીધી.’. આમ તેનામાં સ્વાભિમાન તો છે જ અને આ સ્વાભિમાન દિનપ્રતિદિન પાંગરતું જાય તો પણ નવાઈ નહિ. ત્યારપછી તો કદાચ અમારું સંવાદી જીવન વિસંવાદિતામાં પરિણમે, આવા સંઘર્ષો રોજની ઘટનાઓ પણ બની જાય !
છેવટે મેં નક્કી કરી જ લીધું કે ‘રોહિણીને આની શિક્ષા થવી જ ઘટે.’
મેં ટેબલના ખાનામાંથી લેટરપેડ કાઢીને લખી નાખ્યું :
“રોહિણી,
મારી આજ્ઞાનું તારું ઉલ્લંઘન મને અસહ્ય થઈ પડ્યું છે. તારા અનાદરને હું હરગિજ ચલાવી લઈ શકું તેમ નથી. આમેય તું પિયર ગઈ છે, તો ભલે ગઈ. હવે તારે ત્યાં જ રહેવનું છે – અનિશ્ચિત સમય માટે, સમજી ? મને ઠીક લાગશે ત્યારે અને માત્ર ત્યારે જ હું તને લેવા આવીશ. તારી મેળે આવવાની કોશિશ કરીશ નહિ. હાલ પૂરતાં મારા ઘરનાં દ્વાર તારા માટે બંધ છે.
લિ. સુધીર નહિ, પણ અધીર”
પરબીડિયામાં પત્ર બીડીને હું ચોક આગળના પોસ્ટના ડબ્બામાં નાખી આવ્યો. મારું માથું ગરમ થઈ ગયું હતું. છોકરાઓને આવવાને હજુ થોડી વાર હતી. હું રસોડામાં ગયો. નાસ્તા માટેના ડબ્બાઓ ફેંદી વળ્યો. બધા જ ડબ્બા છાપાના કાગળમાં ઠાલવ્યા, જેમાં તીખીમીઠી પૂરીઓ હતી, સક્કરપારા હતા. રોહિણીના હાથનું સઘળું રાંધેલું હું બહાર ફેંકી દેવા માગતો હતો. અથાણાની બરણી પણ હાથમાં લીધી. તે પણ ફેંકી દેવા તૈયાર થયો, પણ માંડી વાળવું પડ્યું; કેમ કે એટલામાં તો બંને છોકરા આવી ગયા હતા.
નાના અશોકે રસોડામાં ધસી આવતાં પૂછી નાખ્યું, ‘પણ મમ્મી કેમ દેખાતી નથી અને પપ્પા છાપામાં નાસ્તો કેમ કાઢ્યો છે ?’
મેં જવાબ વાળ્યો, ‘કૂતરાએ બગાડ્યો છે !’ ‘કૂતરા’ શબ્દોચ્ચારથી હું પોતે જ થોડો ચમકયો, જાણે કે મેં મારી જાતને જ આ સંબોધન ન કર્યું હોય !
મહેન્દ્રે પણ વળી એ જ પ્રશ્નો દોહરાવ્યા, પરંતુ હું તેમના પ્રશ્નોના સાચા જવાબો આપી શકું તેમ ન હતો. એમને શી ખબર હતી કે આજે ‘કોરા કાગઝ’ જોવાના બદલામાં અમે બંનેએ સામસામા બબ્બે કોરા કાગળો ચીતરી કાઢ્યા હતા ! રોહિણીને ‘કોરા કાગઝ’ બતાવવા પાછળનો મારો આશય એ જ હતો કે અમારા દાંપત્યજીવનમાં આજસુધી એવું બન્યું તો ન હતું, પણ ભવિષ્યે એ ચલચિત્રનાં નાયકનાયિકાના જેવો મતભેદ અને તેમાંથી મનભેદ અમારી વચ્ચે ઊભો ન થાય. પરંતુ દુર્ભાગ્યની વાત એ બની ગઈ કે તેને એ ચલચિત્ર બતાવવા પહેલાં જ એક સામાન્ય બાબત ઉપર અમારી વચ્ચે હાલ તો એક અભેદ્ય દિવાલ ચણાઈ ગઈ હતી.
છેવટે મેં છોકરાઓને આપી શકાય તેવો જવાબ તો આપી દીધો કે, ‘તમારાં મમ્મા તમારા મામાના ઘરે ગયાં છે. હવે ચાલો, આપણે રસોઈ બનાવી દઈએ.’ મેં તેમના આગળ મારા મનોભાવ પ્રગટ થવા ન દીધા. આમ અશોક શાક સમારવા માંડ્યો અને મહેન્દ્રે સ્ટવ સળગાવવો શરૂ કર્યો. હું પેલો નાસ્તો બહાર ફેંકી આવીને ડબ્બામાંથી આટો કાઢવા માંડ્યો.
થોડીક વાર થઈ ન થઈ અને ત્યાં તો કૉલબેલ વાગી. મારા ‘કોણ’ પ્રશ્નનો જવાબ મને મળ્યો ‘રોહિણી !’
હું ચમક્યો. દરવાજો ખોલતાં જ મને સ્મિત કરતી રોહિણી દેખાઈ. હું વિસ્ફારિત નયને તેના સામે જોઈ રહ્યો. મારા આટાવાળા હાથ જોઈને એ સીધી જ રસોડામાં ગઈ અને તેણે ત્યાંનો તમાશો જોઈ લીધો.
અશોકે તો ‘મમ્મી આવી, મમ્મી આવી’ કહીને ઘર ગજવી દીધું. મહેન્દ્રે મારે પૂછવાનો પ્રશ્ન રોહિણીને પૂછી નાખ્યો, ‘કેમ મમ્મા, ગાડી ચૂકી ગયાં કે શું ?’
રોહિણીએ સ્ટવના અવાજમાં હું જ સાંભળી શકું તેમ મારા સામે આંખો ઉલાળતાં જવાબ આપ્યો, ‘ના, ગાડી ચૂકી ગઈ નથી !’ આમ કહેતાં તે મરકમરક હસી પડી. હું સમજી ગયો કે સાચે જ રોહિણીએ જવાનું માંડી વાળીને અથવા ગાડી ચૂકી જઈને અમારા મધુર દાંપત્યજીવનની ગાડીને બરાબરની પકડી જ રાખી હતી, મારા-અમારાં સહપ્રવાસી તરીકે ચાલુ રહેવા માટે જ તો !’
મેં ઘડિયાળ સામે જોયું, તો સાંજનો મેઈલ પકડી શકાય તેમ હતો. મેં મહેન્દ્રને સ્ટવ હોલવી નાખવાની સૂચના આપીને આદેશ ફરમાવી દીધો, ‘આપણે બધાંએ જવાનું છે !’
રોહિણીએ આશ્ચર્યચકિત થઈને પૂછી નાખ્યું, ‘પણ બધાં ?’
મેં કહ્યું, ‘હા, પછી તને વિગતે વાત કહીશ.’
* * * * *
રાત્રિના અંધકારને ચીરતો મેઈલ ઝડપભેર આગળ વધી રહ્યો હતો. ઉપરની બર્થ ઉપર છોકરાઓ ઊંઘી ગયા હતા. અમારી વચ્ચે સાંજની વાત છેડાવી શરૂ થઈ.
મેં શરૂઆત કરી કે, ‘જો રોહિણી, આપણી સાથેસાથે જ કદાચ આ જ મેઈલમાં તારા પર લખાયેલો મારો પત્ર સફર કરી રહ્યો હશે. તારા પિતાના ઘરે આપણે કાલે સવારે પહોંચીશું, જ્યારે એ પત્ર આપણને બપોરે મળશે. એ પત્ર તારે ટપાલી પાસેથી સીધો જ મેળવીને મને અકબંધ સોંપી દેવાનો છે, સમજી ? એ પત્ર મેળવવા અને તેની ગુપ્તતા તારાં બા-બાપુજી આગળ ખૂલી ન જાય તે પૂરતાં જ આપણે ત્યાં જઈ રહ્યાં છીએ. ચીમનકાકાની દીકરીનાં લગ્ન હાલ તો ગૌણ છે, મુખ્ય હેતુ તો છે એ પત્રને કબજે કરવાનો !’
‘પણ એ પત્રમાં એવું શું છે ? કંઈ અજુગતું છે કે શું ?’ રોહિણી ગંભીર બની ગઈ.
‘જે છે તે ઠીક છે. તને બતાવીશ ખરો, પણ ત્યાંથી પાછાં ફર્યા પછી જ; એ સ્થળે તો નહિ જ !’
‘પણ એ પત્ર ખૂલ્યા વગર જ રિડાયરેક્ટ થઈને આપણને પાછો મળી જાત, કેમ કે મારાં બા-બાપુજી એ કદીય ખોલે નહિ.’
‘તારી વાત સાચી, પણ પત્ર મોકલનાર તરીકે મારું નામ જુએ અને પછી માની લે કે તારા નીકળ્યા પછી જ આ પત્ર લખાયેલો હશે. પત્ર પહોંચે અને તું ત્યાં ન હોય તો સ્વાભાવિક છે કે તેમને ફિકર થાય કે વચ્ચે મુસાફરીમાં કોઈ દુ:ખદ ઘટના બની હશે કે શું ? આમ તું ઘરેથી ક્યારે નીકળી હશે એ વાતનો તાગ મેળવવાના આશયથી કદાચ પત્ર ફોડી નાખે અને જો એમ બને તો જિંદગીભર તારાં બા-બાપુજીથી મારે શરમાતા રહેવું પડે; વળી તેમનાં દિલોને ઊંડો આઘાત પણ પહોંચે !’
રોહિણીના ચહેરા ઉપરથી ક્ષણભર રંગ ઊડી જતો દેખાયો, પણ વળી પાછી સ્વસ્થ થતાં બોલી, ‘તો તો આપણે જવું સારું. પણ હવે તમને પૂછું છું કે મારી ચિઠ્ઠી વાંચ્યા પછી તમને શા શા વિચારો આવેલા ?’
‘એ વાત પછી. પહેલાં તું બતાવ કે ચિઠ્ઠી લખીને ગયા પછી તું પાછી કેમ ફરી ?’
રોહિણી હસી પડી અને બોલી, ‘મેં થોડી જવા માટે ચિઠ્ઠી લખી હતી ! મારે તો માત્ર તમારા પ્રત્યાઘાત જાણવા હતા. બાકી મેં તો ગઈ રાતે જ જવાનો વિચાર માંડી વાળ્યો હતો. બજારમાંથી ખરીદી કરીને આવ્યા પછી બહાર વરંડામાંથી કોલસાની બોરી ઉપર ચઢીને જાળીમાંથી ઘરનો તમાશો જોવાની મારી ઇચ્છા હતી; પણ બન્યું એવું કે બધી બસ ભરચક આવવાના લીધે હું અડધોએક કલાક મોડી પડી, એટલે હું તમાશાની શરૂઆત જોઈ ન શકી. છેલ્લે જ્યારે તમે બધા ચૂપચાપ રસોડામાં કામ કરી રહ્યા હતા, ત્યારે મેં કૉલબેલ વગાડી. આમ તમારો બગડેલો મુડ અને તમારા હાથની જે કંઈ ભાંગફોડ થઈ હોય તે મને જોવા ન મળ્યાં.’
હું હસ્યો, મોકળા મને હસ્યો. મારા સ્વભાવની હું પોતે જ દયા ખાઈને મારી મજાક કરતો હું ખડખડાટ હસતો રહ્યો. પછી તો મેં મારાં પરાક્રમોનું રજેરજ બયાન કરી દીધું.
વચ્ચેવચ્ચે તે પણ ખડખડાટ હસતી રહી. અમારી આસપાસ બેઠેલા મુસાફરોના કુતૂહલનો વિષય અમે બની રહ્યાં હોવા છતાં અમે અમારામાં જ ખોવાઈ ગયાં હતાં.
-વલીભાઈ મુસા
‘ચાંદની’ (૧૯૮૦)