પીરા યારા (પૂર્વાર્ધ)

I-1[આ વાર્તાને ‘નવનીત સમર્પણ’ સામયિક ઉપર પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવી હતી, પરંતુ સદરહુ વાર્તા તંત્રીશ્રીની આ નોંધ “પ્રિય ભાઈશ્રી, આપની સત્યઘટના આધારિત વાર્તા ‘પૂર્વ આફ્રિકાના ….’ મળી છે, પણ ‘નસ’ માટે એ ખાસી લાંબી થાય તેથી સ્વીકારી શકાઈ નથી. આપ કુશળ હશો. દીપક દોશી” સાથે પરત મળી હતી. મારા બ્લોગના સુજ્ઞ વાચકો માટે આ વાર્તા બે વિભાગમાં પ્રસિદ્ધ કરતાં હું આનંદ અનુભવું છું. ધન્યવાદ, વલીભાઈ મુસા (‘વલદા’)]

* * * * *

એ રવિવારી સવારના નવના સુમારે હું મિ. જેફના ઘરે પહોંચી ગયો હતો. આગલા દિવસની સાંજે વોલીબોલના મેદાનેથી છૂટા પડતાં તેમણે મને તેમના ઘરે નિમંત્ર્યો હતો. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાનાં મસિન્ડી અને લિરા નામનાં  શહેરો ખાતે  સ્થિર થએલા એ મારા હમવતની ભાઈ વર્ષો બાદ વતનની મુલાકાતે આવ્યા હતા. ઉંમરમાં મારાથી આઠેક વર્ષ મોટા અને એકબીજાથી અમે સાવ અજાણ એવા અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટી રહ્યા હતા. હું તેમના ઘરમાં દાખલ થયો, ત્યારે તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાંનાં ક્રોસ વર્ડનાં ખાનાં ભરી રહ્યા હતા. તેમણે એ કામ પડતું મૂકીને ઊભા થઈને મને આવકાર્યો હતો.

પછી તો અમે બંને વાતોએ વળ્યા. થોડીકવાર પછી તેઓ  પોતાની શુટકેસમાંથી એક મોટું ફોટો આલ્બમ લઈ આવ્યા. આલ્બમનાં પાનાં ફેરવતા જતાં તેઓ દરેક ફોટાનું વર્ણન કરતા જતા હતા. એ ફોટાઓમાં યુગાન્ડા નેશનલ પાર્ક અને ત્યાંનાં વન્યપ્રાણીઓની અનેરી સૃષ્ટિ, એ પ્રાણીઓમાંય વળી હાથીઓનાં ટોળેટોળાં, નાઈલ નદીનાં મનોહર દૃશ્યો, મર્ચિસન ફોલની ભવ્યતા, નાઈલ નદીનું ઉદગમ એવા ચારે બાજુના પહાડો વચ્ચેનું વિશાળ વિક્ટોરિયા સરોવર અને તેમાંનાં બોટ દ્વારા થતાં  મચ્છીમારી (Fishing) નાં દૃશ્યો, વિશાળકાય મોટાંમોટાં માછલાં અને અન્ય જળચરો, ત્યાંના સ્થાનિક આફ્રિકનો અને તેમનાં નૃત્યોના ફોટાઓ વગેરે જોતાં જોતાં હું એ અદભુત દુનિયામાં ખોવાઈ ગયો હતો. વચ્ચે એક જગ્યાએ પોતે અટક્યા  કે જે મસિન્ડી શહેરથી થોડે દૂર આવેલી એક હોટલનો ફોટો હતો. એ ફોટાને બરાબર જોઈ લેવાનું કહ્યા પછી, બાકીના ફોટાઓ બીજા દિવસે બતાવવાનું કહીને, તેમણે એ હોટલ વિષે કંઈક કહેવા માટે આલ્બમને બંધ કરી દીધું હતું.

વચ્ચે શ્રીજાફરભાઈ વિષેની થોડીક વિશેષ જાણકારી મેળવી લઈએ, તો ‘જેફ’ એ તેમનું હૂલામણું નામ હતું. તેમણે સાત વર્ષના પ્રાથમિક શિક્ષણ દરમિયાન છેલ્લાં ત્રણ વર્ષો સુધીના અંગ્રેજી શિક્ષણ સાથે પ્રાથમિક શાળાંત પરીક્ષા (પી.એસ.સી.) અહીં ખાતે વતનમાં જ ઉત્તીર્ણ કરી હતી. તેઓ ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અંગ્રેજીના અભ્યાસુ જીવ હતા. તેમનું બહોળું કુટુંબ મુખ્યત્વે મસિન્ડી ખાતે વેપારધંધામાં વ્યસ્ત હતું. મિ. જેફ એકલા જ લિરા ખાતેની  કોઈક ગુજરાતી પટેલની ખાનગી બસ કંપનીના સારી એવી ટકાવારીના શેર હોલ્ડર, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ટ્રાન્સપોર્ટ જનરલ મેનેજર હતા.  યુગાન્ડાના મસિન્ડી અને લિરા ખાતેના વસવાટ દરમિયાન તેઓ દરરોજ સાંજે વોલીબોલ રમતા હતા. તેઓ ત્યાંના સ્થાનિક આફ્રિકન યુવકોને પણ વોલીબોલ ટીમમાં સામેલ કરતા હતા. એમાંના ઘણા ધર્માંતર કરીને ખ્રિસ્તી બન્યા હતા અને તેમણે એ લોકોના જેવાં જ પોતાનાં નામો ધારણ કરી લીધાં હતાં. એ સહખેલાડીઓએ જ તો જાફરભાઈને ‘જેફ’ એવું ઉપનામ આપ્યું હતું.

મિ. જેફ આલ્બમમાંના પેલી હોટલના ફોટા ઉપરની કોઈક વાત ઉપર આવવા પહેલાં મને થોડીક પૂર્વભૂમિકા સમજાવી રહ્યા હતા. યુગાન્ડા પણ તે દિવસોમાં ભારતની જેમ બ્રિટીશ શાસન હેઠળ હતું અને છેક ૧૯૬૨માં આઝાદ થયું હતું. દક્ષિણ આફ્રિકાની જેમ ત્યાંના ગોરાઓ પણ રંગભેદમાં ચુસ્ત રીતે માનતા હતા. તેઓ આફ્રિકાના મૂળ નિવાસીઓ અને એશિયનો સાથે માત્ર આભડછેટ જ નહિ, તેમને તિરસ્કૃત પણ કરતા હતા. તેઓ તેમના કહેવાતા માનભંગના પ્રસંગે બધા જ અશ્વેતો સાથે તેઓ માત્ર લડતા-ઝગડતા જ ન હતા, પરંતુ તેમને મારઝૂડ પણ કરતા હતા. ગુસ્સાના આવેશમાં આવી જઈને આત્મરક્ષાના ખોટા બહાના હેઠળ, પણ ધાક જમાવવાના મલિન આશયે,  ગોળીબાર કરીને કેટલાક અશ્વેતોને મારી નાખ્યાના દાખલાઓ પણ નોંધાયા હતા. કોર્ટોના ગોરા ન્યાયાધીશો પક્ષપાતપૂર્ણ ન્યાય આપીને તેમના જાતભાઈઓને નિર્દોષ છોડી મૂકતા હતા, જ્યારે અશ્વેતોને સામાન્ય પ્રકારના અપરાધો  અથવા તેમના ઉપરના ખોટા આક્ષેપો  હેઠળ તેમને આકરી સજા કરવાનું તેઓ ભાગ્યે જ ચૂકતા હતા !

હવે આપણે મિ. જેફના પોતાના જ શબ્દોમાં મસિન્ડી શહેર બહારની એ હોટલ અને તેના સાથે સંકળાએલી તેમની કોઈક વાત તેમના જ શબ્દોમાં સાંભળીએ :

‘મિ. વિલિયમ, ફોટામાંની હોટલ વિષે તમને કંઈક કહેવા માટે લાંબો સમય સુધી લટકાવ્યા તે બદલ ક્ષમાયાચના. આપણા જ ગામના વતની એવા એ મરહુમ પીરભાઈ યારભાઈ તાજુવાલા કે જેમને લોકો પીરા યારા તરીકે ઓળખતા હતા, તેઓ પણ મસિન્ડી ખાતે રહેતા હતા. એ સમયગાળામાં અમારા બહોળા પરિવાર ઉપરાંત કેટલાંક નાનાં કુટુંબો અને પીરા યારા તથા આપણા જ ગામના નાઈબંધુઓ જેવા કેટલાક પોતાનાં કુટુંબો વગર એકલદોકલ રહેતા હતા. પીરા યારા આપણા ગુજરાતી દેશી વેપારી ભાઈઓનાં વેપારનાં છૂટક નામાં લખતા હતા. ત્યાંના અંગ્રેજ શાસનમાં વેપારીઓને પોતપોતાની ભાષાઓમાં નામાંઠામાં લખવાની છૂટ હતી. માત્ર ઈન્કમટેક્ષ અને સેલ્સટેક્ષનાં ફોર્મ તેમણે અંગ્રેજી ભાષામાં ભરવાનાં રહેતાં હતાં અને એ કામ આપણા દક્ષિણ ભારતીય સનદી વકીલો કરતા હતા, કેમ કે એ લોકો સરસ અંગ્રેજી જાણતા હતા. પીરા યારા  આપણા જ ગામમાં ગુજરાતી પાંચ ધોરણ અને અંગ્રેજી એક ધોરણ સુધી ભણેલા હતા. આમ છતાંય મારે કબૂલવું પડશે કે તેઓ મારા કરતાં પણ સારુ અંગ્રેજી બોલી શકતા હતા. હા, એટલું ખરું કે તે માત્ર અંગ્રેજી બોલી શકતા હતા, પણ અંગ્રેજીમાં લખી શકતા ન હતા.’

આટલા સુધીમાં મિ. જેફની વાત પેલા પીરા યારા અને મસિન્ડીની હોટલની આસપાસ ગૂંથાએલી હોય તેમ મને લાગ્યું અને મારી જાણવાની ઉત્સુકતાનો વહેલો અંત આવે તે આશયે મેં મિ. જેફને વચ્ચે કંઈપણ પૂછવાનું  ટાળ્યું અને તેમને અવિરત બોલવા દીધા. તેમણે પોતાનું કથન આગળ લંબાવ્યું :

‘ઈન્કમટેક્ષ અને સેલ્સટેક્ષની પ્રેક્ટિસ કરતા ગોરા અને કેટલાક દક્ષિણ ભારતીય સનદી વકીલો સાથે પીરા યારાને  વધારે પડતા સહવાસમાં આવવું પડતું હોઈ તથા આપણા કેટલાક દેશી વેપારીઓની એવી આદતના કારણે તેઓ  દારૂના વ્યસનમાં સપડાઈ ગયા હતા. તેમના કુટુંબમાં તેમનાં પત્ની અને એક માત્ર દીકરો વતનમાં હતાં અને આમ કુટુંબની મર્યાદાનો અહીં કોઈ પ્રશ્ન ન હોઈ તેઓ વિના રોકટોકે છતાંય મર્યાદિત પ્રમાણમાં ઘણીવાર એકાદ પેગ ગટગટાવી લેતા હતા. તેમની એક રીતભાત સારી હતી કે તેઓ કદીપણ નશાની હાલતમાં અમારાં કે અન્ય એવાં નિર્વ્યસની કુટુંબોમાં કદીય પગ સરખો પણ મૂકતા ન હતા.

નાતાલના દિવસોની એ રજાઓ હતી અને તે દિવસે પીરા યારા મેં આલ્બમમાં બતાવી એ છેક ઈ.સ. ૧૯૩૨માં શરૂ થએલી ‘Hotel Royal Masindi’’ નાં પગથિયાં  ચઢી ગયા હતા. તે દિવસે એમણે કદાચ બે પેગ ચઢાવી દીધા હશે કે શું, પણ તેઓ ભાન ભૂલ્યા હતા કે એ હોટલ ફક્ત ગોરાઓ માટેની જ હતી. મેનેજરે તેમને બાવડેથી પકડીને બહુ જ ધીમા અવાજે વિનંતી કરતાં તેમને ખુરશી ઉપરથી ઊભા કરવાની કોશીશ કરી હતી. મેનેજરને ખબર પડી ગઈ હતી કે પીરા યારા દારૂના નશામાં હોટલમાં પ્રવેશી ગયા હતા. પણ ત્યાં તો વાત વણસી અને મેનેજરને પરખાવી દીધું, ‘How dare you touch my arm, O Gentleman ! – (તમે મારું બાવડું પકડવાની કઈ રીતે હિંમત કરી શકો, અય સજ્જન !)’. હોટલમાં કામ કરતા એશિયન નોકરો દોડી આવ્યા અને વાત આગળ વધવા પહેલાં તેમણે તેમને  સમજાવી-ફોસલાવીને હોટલની બહાર લાવી દીધા હતા. આમ તો પીરા યારા સાવ બેભાન હાલતમાં તો ન જ હતા અને તેથી જ તો પેલા નોકરોએ જ્યારે પોતાની રોજીરોટી જોખમમાં મુકાવાનો ભય બતાવ્યો હતો, ત્યારે તેઓ તરત જ માની ગયા હતા ! આમ છતાંય તેમણે મનોમન એ હોટલના માલિકને કોર્ટમાં પડકારવા માટેનો સંકલ્પ તો કરી જ લીધો હતો.’

મિ. જેફે આ રસપ્રદ ઘટનાની વાતનો દૌર આગળ લંબાવતાં કહ્યું, ‘સામાન્ય રીતે સ્થાનિક કોર્ટમાં કેસોનો એટલો બધો ભરાવો ન રહેતો હોઈ પીરા યારાએ કોર્ટમાં અરજીના રૂપમાં દાખલ કરેલો કેસ અઠવાડિયામાં જ બોર્ડ ઉપર આવી ગયો હતો. આ રસપ્રદ કેસના કારણે મસિન્ડીના તમામ એશિયનો અને સ્થાનિક આફ્રિકનો ઉત્સાહમાં આવી ગયા હતા. આ લડત પાછળ ગોરાઓની એ હોટલમાં બિનગોરાઓએ પ્રવેશવાનો માત્ર હક્ક   મેળવી લેવો એવો  કોઈ સંકુચિત આશય ન હતો. વળી ‘મનુષ્ય માત્ર, પ્રવેશને પાત્ર’ એવું હોટલના પ્રવેશદ્વાર આગળ બોર્ડ લાગી જાય એમાં જ આ લડતની ફલશ્રુતિ આવી જતી ન હતી. પરંતુ આ લડતમાં જો પીરા યારાની જીત થાય તો આ ચુકાદાની દુરગામી અસરો ઘણી જગ્યાએ પડી શકે તેમ હતી. પીરા યારાના વિજયમાં સમગ્ર યુગાન્ડાની બાગબગીચા, ક્લબો, સ્કૂલો, દવાખાનાં એવી જાહેર જગ્યાઓએથી રંગભેદનો સંપૂર્ણ સફાયો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી. બધાયના સદનસીબે સ્થાનિક અદાલતના ન્યાયાધીશ બિનગોરા હતા. જો કે આ કોર્ટમાં જીત થઈ જવી એ કંઈ સર્વસ્વ ન હતું. સામેવાળાઓ આગળ અપીલમાં જાય તો કોઈક તબક્કે તેમને ગોરા ન્યાયાધીશો મળી જ જવાના હતા. જો કે બધા જ ગોરા ન્યાયાધીશો પક્ષપાતી હોય એવું માનવું પણ ભૂલભરેલું હતું.

લડત માટેના ખર્ચને પહોંચી વળવા આપણા લોકોની ખુલ્લી ઓફરો હતી. પીરા યારાએ સ્થાનિક કોર્ટ સુધીની લડત ચલાવવા માટે એક પણ શિલિંગની જરૂર નથી તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું. તેઓ પોતાના આત્મવિશ્વાસથી કેસ જાતે લડી લેવાના મુડમાં હતા અને કોઈ વકીલ પણ કરવા માગતા ન હતા. આપણા કેટલાક એશિયન વકીલોએ વગર ફીએ કેસ લડી આપવાની તૈયારી બતાવી હોવા છતાં પીરા યારા પોતાના ઈરાદા ઉપર મક્કમ હતા. આમ છતાંય તેમણે કહ્યું હતું કે ઉપલી અદાલતોમાં કેસ  લડવાની નોબત આવશે તેવા સંજોગોમાં પોતે વકીલની સેવાઓ લેશે અને નાણાકીય ફંડ પણ સ્વીકારશે.’

[ક્રમશ : (ઉત્તરાર્ધ)]

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to પીરા યારા (પૂર્વાર્ધ)

  1. અલબામાની રોઝા પાર્ક્સ યાદ આવી ગઈ.
    http://en.wikipedia.org/wiki/Rosa_Parks
    માર્ટિન લ્યુથર કિન્ગની પહેલી સફળ લડત.
    બીજા ભાગની આતુરતાથી રાહ જોઉં છુ.
    નોંધ :- (By Mail) આ વાર્તા ટૂંકાવીને ‘નસ’ માં મોકલો તો?

    Liked by 1 person

    • ના, ભાઈ ના. હવે તો બ્લોગ ઉપર પણ પૂર્વાર્ધ મુકાઈ ચૂક્યો છે. ઉત્તરાર્ધ ૧૪મી એપ્રિલ માટે Scheduled કરી દીધો છે. તે વાંચ્યા પછી જ આપને ખ્યાલ આવશે કે ભાગ-૨ કોર્ટનું જીવંત દૃશ્ય છે અને ભાગ-૧ તેની પૂર્વભૂમિકારૂપ છે. બ્લોગીંગની મજા જ આમાં છે કે તમે પોતાનું ગમે તેવું લખાણ મૂકી શકો. આ તો બધું નિજાનંદ માટે જ છે. આખી વાર્તા વાંચ્યા પછી ખ્યાલ આવશે કે નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને અબ્રાહમ લિંકનની હરોળમાં આવી શકે તેવી અદના માણસ એવા મારા મહેલ્લાના જ પીરા યારા (નામ બદલ્યું છે, કેમ કે એક વાત નકારાત્મક છતાં સાચી છે, જે ચોક્કસપણે તેમના વારસોને પસંદ ન જ પડે!)ની રંગભેદ સામેની લડત છે. બીજી વાત કે પીરા યારાની બીમારીમાં સેવાચાકરી કરનાર જાફરભાઈનાં ૯૫ વર્ષની વય ધરાવતાં માતુશ્રી, તેમના નાનાભાઈ અને તેમનાં પત્ની હાલમાં ભારતની મુલાકાતે છે. એ જ જાફરભાઈ કે જેના દીકરા મહંમદ રઝાના ત્યાં આપણે હ્યુસ્ટન ખાતે સાંજનું જમણ લીધું હતું.

      Like

  2. ગાંધીજીએ “આફ્રીકા”માં રંગભેદની નાબુદીની ચળવળ ચલાવી તેને આખી દુનિયાએ અકલ્પ્ય માનભરી રીતે વધાવી લીધી, જ્યારે આ ભાઈ “પીરા યારા”એ એના જેવીજ લડત ચલાવી તો, દુનિયાની તો ખબર નથી, પણ, તમારા લખ્યા મુજબ જો “નવનીત સમર્પણે” વાર્તા પાછી કરી એ ખરેખર તો ગાંધીજી પ્રત્યેનો, માર્ટીન લ્યુથર કીંગ જેવા પ્રત્યેના કામનો અનાદર કર્યો કહેવાય…..જે “પીરા યારા” ગાંધીજીના પગલે ચાલ્યા અને “નવનીતે” તેમના કાર્યને બીરદાવવાને બદલે જાકારો દીધો એ ખરેખર તો એક અન્યાય જ નહીં પણ “માત્ર ગોરાઓ માટેની હોટેલ”ના પાટિયા મુજબની નીતિ અજમાવીને એક ગુનો પણ કર્યો કહેવાય….”નવનીતે” પણ, માત્ર રાષ્ટ્રિય ફલક ઉપર મોટા પદ ઉપર આવે તેમનાજ પ્રસંગો લેવાના…..એક નાના માણસના આખા રાષ્ટ્રને હચમચાવી મુકનારા અને તેની દૂરગામી પરિણામો લાવી શકે તેવા પ્રસંગો ભારતના “ભારતિયો” માટે નહીં છપવાના……..!!!!!!?????? “નવનીત”માં તો લાંબે લાંબી વાર્તાઓ છપાયજ છે અને તેમાં એક વખત તો “હપ્તે હપ્તે નવલકથા” પણ આવતી હતી.

    Like

    • માનનીય ગાંધીભાઈ,

      આપને આ વાર્તા ગમી તે બદલ આનંદ અનુભવું છું. દરેક સામયિકનાં કોઈક ને કોઈક ધોરણો હોય છે. મારી વાર્તા લાંબી હોવી એ જ એની મર્યાદા હતી અને એને હું ટૂકાવી શકું તેમ પણ ન હતો. આમ એટલે જ તો મારા આ બ્લોગમાં મેં આને બે વિભાગમાં પ્રસિદ્ધ કરી છે.મારી વાર્તાના બીજા ભાગના અંતે આપે વાંચ્યું હશે કે મારી આ વાર્તાને સળંગ રીતે ‘ઓપિનિયન’ સામયિકે સ્વીકારી જ છે. મેં તેમને બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું જણાવ્યું હોવા છતાં તેમણ સળંગ જ છાપી નાખી હતી. તેના તંત્રી જીવનનાં ઘણાં વર્ષો સુધી આફ્રિકા રહી ચૂક્યા હતા અને તેમને વાર્તા પસંદ પડી જતાં તેમણે મને નહિ પણ મારી વાર્તાને માન આપ્યું છે. પીરા યારા જેવા ઘરદીવડાઓએ હંમેશાં જગતને ઉજાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. આવા અદના માણસોને પ્રસિદ્ધિનો પણ કોઈ મોહ હોતો નથી.

      Like

  3. Pingback: (૩૭૨) એપ્રિલ ફૂલ ! | William’s Tales (Bilingual Multi Topic Reads)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s