ભ્રમ ખોટો પડ્યો!

I-24કુવૈત એરવેઝની બોઈંગ ૭૦૭ ફ્લાઈટ મુંબઈથી સમયસર ઊપડી હતી. મારું આખરી ઉતરાણ ન્યુયોર્ક હતું. એકંદરે બાવીસેક કલાકની લાંબી સફર દરમિયાન વચ્ચે એકાદેક કલાકનાં કુવૈત અને લંડન ખાતેનાં એમ બે રોકાણ હતાં. ફ્લાઈટની બારી પાસે મારી બેઠક હતી. મુંબઈથી સૂર્યોદય ટાણે ઉપડેલી અમારી ફ્લાઈટ ન્યુયોર્ક સુધી દિવસ સાથે જ સંકળાએલી રહેવાની હતી. ન્યુયોર્ક પહોંચતાં અમને એમ જ લાગવાનું હતું કે અમે મુંબઈથી સવારે ઉપડ્યા અને જાણે સાંજે જ ત્યાં પહોંચી ગયા છીએ. અમે રસ્તામાં જાણે કે અમારી રાત ક્યાંક ખોઈ બેઠા હોઈએ તેવો અહેસાસ અમને થવાનો હતો.

આ બધી ભ્રાંતિઓ તો અમને જે-એફ-કે એરપોર્ટ ઉપર ઉતરાણ કરતાં થવાની હતી; પરંતુ વર્તમાન સમયનું બારી બહારનું આકાશનું દૃશ્ય જે નજરપટે દૃશ્યમાન થઈ રહ્યું હતું તે તો કોઈ ભ્રાંતિ નહિ, પણ હકીકત સમાન અને છતાંય વર્ણનાતીત હતું. ચોમાસાની એ ઋતુ હતી. મને એમ લાગતું હતું કે અમારી ફ્લાઈટનો પાયલોટ પિંજારો છે, અમારું ફ્લાઈટ એ પિંજણ છે; અને ફ્લાઈટના પંખાઓ થકી તે આકાશમાંના રૂના ઢગલેઢગલાઓને પીંજીને પોલ રૂપે નીચે ફેલાવતો જાય છે. સામાન્ય રીતે આપણે ધરતી ઉપર હોઈએ ત્યારે વાદળાંની નીચે અને પહાડ ઉપર હોઈએ ત્યારે વાદળાંની આસપાસ આપણી જાતને અનુભવતા હોઈએ છીએ; પરંતું અહીં તો આપણે આકાશની નીચલી સપાટીએ તરતાં વાદળાંની પેલે પાર અને દૂરદૂર સુધી વિસ્તરેલા અમાપ અને અગાધ એવા નિરભ્ર અવકાશ એમ બેઉની વચાળે માનવસર્જિત વિમાન રૂપી મહાવિહંગની પાંખો તળે ભરાઈ રહીને આપણે અલ્પવિહંગો સમાં આપણાં ઉડ્ડયનો થકી વિહરતાં હોઈએ તેવું લાગ્યા કરે!

મારી હવાઈયાત્રાની સાથેસાથે વિચારયાત્રામાં ખોવાએલા એવા મને મારી જોડેની બેઠકમાં બેઠેલો યુવાન કોણ છે તે જાણવાની પણ કોઈ ઉત્સુકતા થઈ ન હતી. જો કે મારી ખામોશીને ન્યાયી ઠેરવતું મારું સબળ કારણ એ હતું કે આ મારી કંઈ આમોદપ્રમોદની સફર (Pleasure Tour) ન હતી કે જેથી હું તેની સાથે કોઈ ટોળટપ્પા કે મજાકમશકરી કરું! યુવાન વયે અવસાન પામેલા વ્યવસાયે ડોક્ટર એવા મારા નાના ભાઈની મરણોત્તર ધાર્મિક વિધિઓ બજાવવા તથા તેનાં કુટુંબીજનોને સાંત્વન આપવાના હેતુસર હું અમેરિકા જઈ રહ્યો હતો. હું મરહુમના જીવન અને તેના સંઘર્ષને ચલચિત્રની જેમ નિહાળી રહ્યો હતો. તેની વ્યાવસાયિક કારકીર્દિ અને આર્થિક સદ્ધરતાનો સૂર્ય હજુ તો મધ્યાહ્ને તપી રહ્યો હતો અને ત્યાં જ હૃદયરોગના પ્રથમ અને આખરી હુમલે તે સૂર્ય અચાનક આથમી ગયો હતો.

આમ ગમગીનીના દરિયામાં ગળાડૂબ એવા મારા માટે અને મારા મતે મારી ખામોશી વ્યાજબી હોઈ શકે, પણ મારા જોડેની બેઠકવાળા મારા સહયાત્રી એ યુવાનની ચૂપકીદીનું શું કારણ હોઈ શકે તેનું તો મારે અનુમાન કરવું જ રહ્યું. એ કદાચ સ્વભાવે અંતર્મુખી હોઈ શકે, કેમ કે હજુ તેના પક્ષે પણ મારા માટે કોઈ ‘હેલો-કેમ છો’ જેવી કોઈ ઔપચારિકતા પણ થઈ ન હતી. ત્રણેક કલાકની સફર દરમિયાન એરહોસ્ટેસોએ અનેક વાર હળવા નાસ્તા, સોફ્ટ ડ્રીંક્સ કે ચાકોફી થકી અમારી સરભરાઓ કરી હતી. હવે લન્ચનો સમય થયો હોઈ એરહોસ્ટેસો બેઠકો વચ્ચેના પેસેજમાં ટ્રોલીઓ લઈને આમથી તેમ ફરતી હતી. ગરમાગરમ અન્નની સોડમ ફ્લાઈટમાં પ્રસરી રહી હતી, જે પૂરક ક્ષુધોદ્દીપક (Appetizer) તરીકેનું કામ કરી રહી હતી. વતનથી દસેક હજાર માઈલ દૂર અમેરિકાની ધરતીમાં સમાઈ ચુકેલા જિગરના ટુકડા સમા એ મારા મરહુમ કડિયલ જુવાન એવા પુત્ર સમાન નાના ભાઈનો ચહેરો નજર સામે આવ્યા કરતો હતો અને હું ગમગીનીપૂર્ણ નિસાસા નાખ્યા કરતો હોવા છતાં એક મજહબી ઈસમ હોવાના સબબે નિયતિના એ કૃત્યને ‘જે જાયું (જન્મ્યું) તે જાય!’ સિદ્ધાંતને અનુસરીને સ્વીકાર્ય ગણી લેતો હતો.

મારી ભોજન લેવાની કોઈ રુચિ ન હોવા છતાં એક વ્યવહાર કરવા ખાતર પણ જમી લેવાનું મેં વિચારી લીધું હતું. આગલી બેઠકના પાછલા ભાગે ભોજનસામગ્રી મૂકવા માટેનાં ચિપકાવેલાં પાટિયાંને અમે સમતલ કરી લીધાં હતાં. અમારાં નિકાલપાત્ર (Disposable) એવાં ભોજનનાં પાત્રોમાં અમારી એર ટિકિટોમાં નોંધાએલી એવી શાકાહારી કે બિનશાકાહારી ખાદ્યસામગ્રીઓ ગોઠવાએલી હતી. મારી પાસે બેઠેલા પેલા યુવાનની ખાદ્યચીજો જોતાં મને સમજાઈ ગયું હતું કે તે શાકાહારી હતો. સામાન્ય રીતે વિમાનો, ટ્રેઈનો કે સ્ટીમરોમાં પીરસવામાં આવતા બિનશાકાહારી ભોજનમાં એવી આઈટમો પસંદ કરવામાં આવતી હોય છે કે જે થકી પાસે બેઠેલા કોઈ શાકાહારી માણસને સૂગ ચઢે નહિ. અમે બંનેએ પોતપોતાના ભોજનને ન્યાય આપી દીધો.

હાલ સુધીમાં નવાઈની વાત એ રહી હતી અમે બંનેએ એકબીજા સાથે એક શબ્દની પણ આપલે કરી ન હતી. જમી લીધા બાદ તેણે મને હિંદી ભાષામાં પૃચ્છા કરી, સાવ નમ્ર અને ધીમા અવાજે ગુજરાતીમાંના આ મતલબના શબ્દોમાં કે ‘મારે આમ પૂછવું તો ન જોઈએ, પણ સહજ રીતે માત્ર જાણવા ખાતર પૂછું છું કે આપ?’

‘મુસ્લીમ, મારું નામ હસનૈન, અમદાવાદમાં રહું છું, બિઝનસમેન છું. ઓટો ઈલેક્ટ્રિકલ્સ – રિટેલ અને હોલસેલનો કારોબાર છે. મૂળ વતન તો સાબરકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ.’ હું મારી દાઢીને મશીનથી ટ્રીમ કરતો હોઈ અને કેટલાક મુસ્લીમોના કપાળમાં નમાજના સિજદાઓના કારણે પડતું કાળાશ પડતું એવું કોઈ નિશાન મારે ન હોઈ, મારા બિનશાકાહારી ભોજનના કારણે મારી નાતજાત વિષેના પોતાના અનુમાનને પાકું કરવાના આશયે તે પૂછતો હોવો જોઈએ તેમ માનીને મેં મારા એક જ જવાબમાં મારો સઘળો પરિચય આપી દીધો હતો.

મારે પૂછવું પણ ન પડ્યું અને તેણે પણ પોતાનો પરિચય મારા જ જેવા મિતભાષી શબ્દોમાં અને મને નવાઈ પમાડે તેવી ફાંકડી ગુજરાતી ભાષામાં આપી દીધો કે ‘મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, શૈલેષ મારું નામ, કુટુંબનાં મોટા ભાગનાં સભ્યો ખાનગી અને સરકારી નોકરીઓમાં મુંબઈમાં જ, વડવાઓ મૂળ સાંગલી નજીકના એક ગામડાના વતની. હું લંડનમાં આઈ.ટી. કંપનીમાં જોબ કરું છું.

અમારી વચ્ચે વિઝિટીંગ કાર્ડ્ઝની તથા પોતપોતાના ધંધાકીય અને વ્યાવસાયિક વિચારોની આપલે થઈ. ઈ. સ. ૧૯૬૦ પહેલાં મુંબઈ રાજ્યનું અસ્તિત્વ હોઈ ગુજરાત અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક સામ્યની વાતો થઈ. મેં પુના બોર્ડથી આપેલી જૂની મેટ્રિકની પરીક્ષાની વાત કરી. શૈલેષે પણ પોતાના વ્યવસાયને લગતા પોતાના અનુભવો અને ઈન્ટરનેટની અલૌકિક દુનિયા વિષેની રસપ્રદ માહિતીઓ આપી. અમારા ત્રણેક કલાકના પરસ્પરના મૌનનું સાટું એકાદેક કલાકની અમારી વાતચીતથી વળી ગયું. બેએક કલાક પછી કુવૈત આવવાનું હતું. ત્યારપછીના સાતેક કલાકના ઉડ્ડયન બાદ શૈલેષ લંડન ઊતરી જવાનો હતો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મારી બેએક વખતની હવાઈ ટૂંકી સફર પછીની આટલી લાંબી સફર હું પ્રથમ વાર ખેડી રહ્યો હતો. જમ્યા પછીની મારી વામકુક્ષિની સ્થિતિમાં મારી દુકાનના પાછલા ભાગે સોફામાં ઝોકું મારી લેવાની આદતના કારણે મને બગાસાં ખાતો જોઈ શૈલેષે ચૂપકીદી સેવી લીધી હતી અને પોતાની બેઠકને પુશબેક કરીને તેણે પણ આંખો મીંચી લીધી હતી. થોડાક સમય પછી મારી આંખ ઊઘડી ગઈ, પણ શૈલેષ તો હજુ સુધી ઊંઘી રહ્યો હતો.

* * *

કુવૈત છોડ્યા પછી લંડન તરફની અડધી મંઝિલે વળી પાછી ડિનર માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અમારી બેઠકોની હરોળ પાસે ટ્રોલી આવી. શૈલેષની અને મારી ડિશ મુકાઈ ગયા પછી ટ્રોલી આગળ વધી. મેં મારું જમવાનું શરૂ કર્યું, પણ શૈલેષ તો અદબ વાળીને બેસી જ રહ્યો. તેના ચહેરા ઉપર કોઈક મૂંઝવણ વર્તાતી હતી. હું તેને કંઈ પૂછું તે પહેલાં તેણે કહ્યું, ‘ હસનૈન અંકલ, મને લાગે છે કે મારી ડિશમાં એ લોકોથી કંઈક ગરબડ થઈ લાગે છે! આપણું બંનેનું ખાણું એક સરખું જ લાગે છે. મારું ખાણું તમારા જેવું બિનશાકાહારી તો નહિ હોય!’

‘શૈલેષ બેટા, એ પણ શક્યતા હોઈ શકે કે મારી ડિશ બદલાઈને શાકાહારી થઈ ગઈ હોય! જો ને તારી જોડેની બેઠકવાળાં બહેનને અને તારે સવારે એક જ જેવું શાકાહારી જ હતું અને હાલમાં આપણું ત્રણેય જણનું એક જ જેવું એટલે કે શાકાહારી જ છે. હવે મેં ખાવાનું અજીઠું કર્યું હોઈ મારે બદલાવવાનું હોય નહિ અને તેમ કરવાની જરૂર પણ નથી, કેમ કે મારે તો બંને પ્રકારનાં ખાણાં ખપે, જ્યારે તારે તો બિનશાકાહારી ન જ ચાલે ને! વળી જો પેલાં બહેન તો ઝાપટવાય મંડી પડ્યાં! હવે, વહેમ કર્યા સિવાય ઈશ્વરનું નામ લઈને શરૂ થઈ જા!’

‘પણ અંકલ, એર હોસ્ટેસને પૂછી લઈને ખાત્રી કરવામાં આપણું શું જાય છે? વળી એમ પણ બને કે એ બહેનના કિસ્સામાં પણ મારા જેવું જ બન્યું હોય!’ આમ કહીને એ કોલબેલનું બટન દબાવવા જતો હતો, ત્યાં તો મેં તેના હાથને પકડી લેતાં હસતાં હસતાં રહસ્ય છતું કરી દીધું, ‘દીકરા તું ઊંઘતો હતો, ત્યારે મેં મારી ડિશ બદલી નાખવાની સૂચના એર હોસ્ટેસને આપી દીધી હતી. લન્ચ વખતે આપણને એકબીજાનો પરિચય થયો ન હતો, એટલે એ વખતની વાત જુદી હતી. હવે આપણે એકબીજાને ઓળખતા થયા, ત્યારે હું તારી ધાર્મિક લાગણીનો આટલો પણ વિચાર ન કરું એમ બને ખરું? વળી એકાદ ટંક શાકાહારી ખાઈ લેવામાં મારા માથે થોડું કંઈ આસમાન તૂટી પડવાનું હતું! આમેય અમે લોકો કાયમી બિનશાકાહારી ખોરાક લેતા નથી હોતા, સિવાય કે કોઈ વારતહેવાર હોય અથવા અમારા ત્યાં એવા બિનશાકાહારી મહેમાન હોય! આ તો મારા મસ્કતસ્થિત જમાઈએ મુસ્લીમ દેશની ફ્લાઈટની ટિકિટ એટલા માટે બુક કરાવી હતી કે આમાં ‘પીક્લાસ’વાળાઓનો ત્રાસ રહે નહિ અને અમારું ખાણું પણ હલાલ મળી રહે! હલાલ એટલે કે મજહબી રીતે માન્ય એવું ખાણું!’

આટલું સાંભળતાં જ શૈલેષની આંખોમાં ઝળહળિયાં ડોકાઈ ગયાં. પોતાની બેઠક ઉપરથી ઊભો થઈ જતાં મારા બંને હાથોને તેના હાથોમાં દબાવતાં તે માત્ર એટલું જ બોલી શક્યો, ‘અંકલ, વિશેષ તો શું કહું હું; પણ, મારો ભ્રમ ખોટો પડ્યો!’

-વલીભાઈ મુસા
(તા.૨૭-૦૨-૨૦૧૩)

 

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM and tagged , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

11 Responses to ભ્રમ ખોટો પડ્યો!

  1. Munira Ami says:

    કાકા
    કુશળ હશો।
    આપનો નવો બ્લોગ “વલદા નો વાર્તા વૈભવ” આજે નિરાંતે માણ્યો।
    ખુબ મોડા મોડા પણ દિલથી દીધેલા અભિનંદન સ્વીકારશો
    મુનિરા
    (By Mail)

    Like

  2. હિન્દુઓ અને મુસલમાનો એકબીજા તરફના ભ્રમને કારણે જ લડ્યા કરે છે. બન્ની એકબીજા માટે ઇમેજ બનાવી રાખી છે અને આ ઇમેજો લડ્યા કરે છે.

    Like

    • સામેવાળાની લાગણી ન દુભાય એટલો માત્ર ખ્યાલ રાખવામાં આવે તો અનૈક્યના કોઈ પ્રશ્નો ઉદભવે જ નહિ.

      Like

  3. Ramesh Patel says:

    આદરણીય શ્રી વલિભાઈ

    સસ્નેહ વંદન

    નવા બ્લોગના શુભારંભે ખૂબ ખૂબ વધાઈ. આપની ઊર્મિઓની રસધારા વહાવતી કલમ , આપની આ હવાઈ સફરની જેમ ઉંચાઈ પર વિહરી,

    ધરતી સાથે જોડતી રહે. સબરસ પરની વાર્તા દ્વારા દીધેલા પગરવનો ગુંજારવ માણતા જ રહીશું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. P.K.Davda says:

    ઈન્સાન અને ઇન્સાનિયતની કથાનું કથન એક ઇન્સાનિયતવાળા ઇન્સાનની કલમે વાંચીને આનંદ થયો.

    Like

    • નેકનામ પુરુષોત્તમભાઈ,

      કુશળ હશો. આપના ભાવાત્મક પ્રતિભાવથી હૃદય ભીંજાયું. હું તો મારી જાતને એ સર્વશક્તિમાન સર્જનહારના એક નાચીજ બંદા તરીકે મુલવું છું. સત્ય ઘટના ઉપર આધારિત આ કથાચિત્રમાં સર્જક તરીકે થોડાક વિશેષ રંગો કદાચ પુરાયા હશે, પણ સાચે જ એ જ નામધારી અદના એ માણસ સાથેની મારી પહેલી જ પ્રત્યક્ષ મુલાકાત વખતે મારા માનસપટમાં એ વાર્તાબીજ રોપાઈ ચૂક્યું હતું, જે કોણ જાણે કેટલાંય વર્ષો બાદ હમણાં ઊગી નીકળ્યું !

      સ્નેહાધીન,

      વલીભાઈ

      Like

  5. Pingback: (૩૭૨) એપ્રિલ ફૂલ ! | William’s Tales (Bilingual Multi Topic Reads)

  6. ખરી વાત છે…સામેવાળાની લાગણી ન દુભાય એટલો માત્ર ખ્યાલ રાખવામાં આવે તો અનૈક્યના કોઈ પ્રશ્નો ઉદભવે જ નહિ. હિન્દુઓ અને મુસલમાનો એકબીજા તરફના ભ્રમને કારણે જ લડ્યા કરે છે. બન્નેએ એકબીજા માટે ઇમેજ બનાવી રાખી છે અને આ “માત્ર” ઇમેજો જ લડ્યા કરે છે. ખરેખર તો સામાન્ય લોકો કોઈ એટલો બધો ભેદભાવ નથી રાખતાં, વેપારીઓ, કલાકારો, મજુરવર્ગ વગેરેને અણગમતાં ભેદભાવ નથી હોતાં. હોય છે માત્ર રાજકિય લોકોને અને કટ્ટર ધાર્મિક મુલ્લાઓ-ધર્મગુરુઓને……

    Like

    • માનનીય ગાંધીભાઈ,

      આપે પણ સર્વથા સાચી વાત કહી બતાવી. આજકાલ મિડિઆ પ્રભાવક માધ્યમ ગણાય છે, પણ ઘણીવાર તે પોતાનો ધર્મ ભૂલી જાય છે. નકારાત્મક હકીકતોને ઊછાળવી અને સકારાત્મક હકીકતોને દબાવી દેવી એ તેમની આદત બની ગઈ હોય છે. કાયદાની છટકબારીઓના ભાગરૂપે તેઓ એક જૂથ અને બીજું જૂથ એવા શબ્દોનો સહારો લઈને રિપોર્ટીંગ તો એવું સરસ કરતા હોય છે કે કોઈ તેમને પહેલી નજરે એમ ન કહી શકે કે તેઓ કોઈકને ઉશ્કેરી રહ્યા છે; પરંતુ આગળ જતાં વર્ણનમાં ચાલાકીભરી રીતે એવા વિસ્તારને કે લત્તાને ઉલ્લેખ કે પછી ભોગ બનનારાઓનાં નામો આપી દેતા હોય છે કે જેથી સમજવાવાળા સમજી જ જાય. સ્વામી સચ્ચિદાનંદજીએ એક વક્તવ્યમાં પોતાના વિચારો આમ વ્યક્ત કર્યા હતા કે અશાંત પરિસ્થિતિમાં સમાજમાં બે પ્રકારના માણસો ફરતા રહેતા હોય છે; એક પ્રકારના એવા કે જે હાથમાં પાણીની ડોલ લઈને ફરનારા હોય છે કે જે આગને ઠારવાના પ્રયત્નો કરતા હોય છે અને કેટલાક બીજા પ્રકારના પણ હોય છે કે જે પેટ્રોલ, કેરોસીન જેવાં જ્વલનશીલ પ્રવાહી થકી આગને વધારે ભડકાવનારા હોય છે. આ બંને પ્રકારના માણસોના પ્રમાણનો વિચાર કરતાં સકારાત્મક વિચારો ધરાવતા માણસો ઓછા પ્રમાણમાં હોઈ પેલા બહુમતિ નકારાત્મક વિચારોવાળા તેમના શાંતિ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ઉપર પાણી ફેરવી દેતા હોય છે. કોઈપણ શાંતિપ્રિય માણસને મરવું કે માર્યા જવું કદીય પસંદ હોય નહિ અને છતાંય જ્યારે ચારે બાજુ આગ ભભૂકતી હોય છે ત્યારે તેઓ બિચારા પણ ભોગ પણ બની જતા હોય છે ! માનવસર્જિત આવી આફતોથી કેટલાં કુટુંબો બરબાદ થઈ જતાં હોય છે તેનો ખ્યાલ કરવામાં આવે અને એવાં બરબાદ થતાં કુટુંબોમાં પોતાનું કુટુંબ આવી ગયું હોવાની કલ્પના માત્ર કરવામાં આવે તો પણ જનમાનસમાં બદલાવ લાવવાનું એક મહત્ત્વનું કદમ બની રહે. તહેવારોની ઉજવણીઓમાં શાંતિ જાળવવાના ભાગરૂપે અને ઉદભવી ચૂકેલી અશાંત પરિસ્થિતિઓને ઠારવા માટે સરકારને બિનઉત્પાદક કરોડો રૂપિયાનું આંધણ કરવું પડતું હોય છે. લોકોને ખબર નથી હોતી કે મોંઘવારીના વધારામાં સરકારી કરવેરા પણ એટલા જ જવાબદાર હોય છે. હવે પ્રજા જ જ્યારે સરકારને ખર્ચના ઊંડા ખાડા તરફ ધકેલતી હોય, ત્યારે જે તે સરકારોએ પ્રજા ઉપર વિશેષ કરવેરા તો લાદવા જ પડે ને ! કોઈપણ તહેવારના કેટલાક દિવસો પહેલાં સંવેદનશીલ શહેરોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પંદરેક દિવસ પહેલાંથી મિલિટરી ગોઠવાવી શરૂ થઈ જતી હોય છે. મિલિટરીનાં અસંખ્ય વાહનોમાં જવાનોને સ્થળાંતરિત કરવામાં આવતા હોય છે. મિલિટરીમાં મોટા ભાગનાં વાહનો પેટ્રોલથી ચાલતાં હોય છે. કેટલાંક એવાં હેવી વાહનો હોય છે કે જેમની એવરેજ એક લિટરમાંથી માંડ પાંચેક કિલોમીટરની હોય છે. અમારું શાંતિપ્રિય ગામ હાઈવે નજીક હોઈ અમે દાંતીવાડા કેમ્પની મિલિટરીની આવી અવરજવર અનેકવાર જોઈ હોય છે અને અમારો જીવ બળી જતો હોય છે ! અહીં એક અન્ય બાબતનો આપણે શાંતિથી વિચાર કરીએ કે ઈશ્વર ન કરે અને આવા સમયે જ્યારે કે આપણું લશ્કર આંતરિક શાંતિ જાળવવા માટે રોકાએલું હોય અને તે જ તકનો લાભ દુશ્મન દેશો લઈ લે તો આપણું લશ્કર સરહદો સંભાળે કે શેરીઓ સંભાળે !

      ગાંધીભાઈ, મારા જવાબી પ્રતિભાવનો અતિ વિસ્તાર થઈ ગયો નહિ ? ભલે થયો હોય, પણ મને સંતોષ એ વાતનો છે કે આપના પ્રતિભાવથી મને આ લખાણ લખવાની પ્રેરણા મળી અને તેનો શુભ આશય તો એ છે કે વાચકોને જાણ થાય કે દેશની તરક્કી સરકારોના હાથમાં નથી, પ્રજાના હાથોમાં છે. મારા આ વાક્યમાંના ‘હાથ’ અને ‘હાથો’ શબ્દો સૂચક છે. બધાં જ રાજ્યો અને કેન્દ્ર સરકારના મળીને એક જ હાથ જેટલી તેમનામાં શક્તિ હોય છે, જ્યારે પ્રજાના ૨૫૦ કરોડ હાથ ગણીએ તો દેશના ભલા માટેનું કેટલું ઝડપી અને સુંદર કામ થઈ શકે ! આપણને નથી લાગતું કે આઝાદી પછીનાં આટલાં બધાં વર્ષો દરમિયાન આપણે આપણા રૂપિયાના મૂલ્યને પણ જાળવી શક્યા નથી ? આપણે પ્રજાએ રૂપિયાને તોડવામાં કોઈ કસર રાખી નથી અને તૂટતા રૂપિયાના પરિણામે આપણે સૌ દિનપ્રતિદિન આર્થિક રીતે તૂટતા જ જઈએ છીએ.

      આપણા દેશના આર્થિક સુધારા માટેના અનેક માર્ગો અર્થશાસ્ત્રીઓ ભલે બતાવે, પણ વ્યવાહારુ માર્ગો થકી જ આપણે રાષ્ટ્રીય કરકસરને અસરકારક બનાવી શકીએ. અહીં એક જ સૂચન કરીશ. ઓવરલોડ માલવાહનો કે વધુ પડતા મુસાફરોને લઈ જતાં વાહનોના ઉપર કાયદાકીય પગલાં જેમ લેવાઈ રહ્યાં છે, તેમ ક્ષમતા કરતાં ઓછી સંખ્યામાં માણસોને બેસાડીને કે બેસીને ફરતાં ખાનગી વાહનો ઉપર પણ કેસ થવા જોઈએ. આપણું મોટાભાગનું હૂંડિયામણ પેટ્રોલિયમની પેદાશો પાછળ વેડફાય છે. મારી ઉંમરના માણસોને ખ્યાલ હશે કે જ્યારથી પેટ્રોલિયમના ભાવો ઊંચકાવા માંડ્યા છે, ત્યારથી દુનિયાભરના અવિકસિત અને અર્ધવિકસિત દેશોની પાયમાલી શરૂ થઈ ગઈ છે. ખાનગી વાહનોવાળા અઠવાડિયામાં માત્ર એક જ દિવસ માટે પોતાના વાહનને ઘર બહાર ન કાઢવાનો સંકલ્પ કરે તો પણ ધાર્યું પરિણામ મળી શકે તેમ છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s