આજે ૬ઠ્ઠી માર્ચ એ મારા પૌત્ર આબિસનો નવમો જન્મ દિવસ છે. મારા સંયુક્ત પરિવારમાં ગુરુતમ વયે હું, તો લઘુતમ વયે તે આવે છે. સૈદ્ધાંતિક રીતે હું માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે તેમ માનતો આવ્યો છું અને મારાં ભાઈબહેનો, ભત્રીજાભત્રીજીઓ, પુત્રીપુત્રો, પૌત્રોપૌત્રીઓ, પ્રપૌત્રોપ્રપૌત્રીઓ અને હું પોતે (અપવાદરૂપ વિદેશોમાં જે જન્મ્યાં કે સ્થળાંતર કરી ગયાં તેમના સિવાયનાં) એમ સઘળાં ગુજરાતી માધ્યમમાં ભણ્યાં છીએ. ગુજરાતી માધ્યમમાં ભણવા-ભણાવવાથી અમારા બહોળા પરિવારમાં કોઈનીય શૈક્ષણિક કે વ્યાવસાયિક કારકીર્દિ ઉપર કોઈ વિપરિત અસર પડી નથી. કુટુંબમાંથી ડઝનેક જેટલાંએ મેડિકલ – પેરામેડિકલ અને એન્જિનિયરીંગની વિદ્યાશાખાઓમાં પોતપોતાની જ્વલંત સિદ્ધિઓ મેળવી છે.
આ લેખના પ્રારંભિક ફકરાના વાંચન સુધી સૌને સહેજે પ્રશ્ન થાય કે આબિસના જન્મદિવસને અને આ બધી શિક્ષણના માધ્યમ અંગેની વાતોને કોઈ સંબંધ ખરો? તો જવાબ છે, હા. ભારતમાં રહીને ભણનારાં મારા કુટુંબનાં સઘળાં સભ્યો પૈકી હાલ સુધીમાં સૌનો લાડલો આબિસઅલી અને હાલમાં કોમ્પ્યુટર વિષય સાથે એન્જિનિયરીંગમાં ભણતા મારો દૌહિત્ર રાહિલ એવા બે જ માત્ર અપવાદો છે કે જેમને ઉચ્ચ્તર માધ્યમિક કક્ષા સુધી અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવામાં આવ્યા છે કે આવી રહ્યા છે. આબિસઅલી હાલમાં ગ્રેડ-૩માં ભણી રહ્યો છે. અમારા કુટુંબમાં લોકશાહી ઢબનું વાતાવરણ હોઈ જે તે નિર્ણયો લેવા અંગે સલાહ-સૂચન-માર્ગદર્શન અને આપસઆપસમાં ચર્ચાવિચારણાના અંતે જે તે આખરી નિર્ણયો જે તે નિકટતમ જવાબદારો દ્વારા જ લેવામાં આવતા હોય છે. આમ આબિસઅલી માટેના ભણતરના માધ્યમનો નિર્ણય તેનાં માબાપે (Immediate Parents) અર્થાત્ શબાના અને મહંમદઅલીએ લીધો છે.
ઘરમાં માતૃભાષા બોલાતી હોય, ત્યારે આવાં અંગ્રેજી માધ્યમમાં ભણતાં છોકરાં સાવ બોલચાલની જ ભાષાથી કેવાં દૂર થઈ જતાં હોય છે તેનાં બેએક ઉદાહરણો મારા કુટુંબમાંથી જ આપીશ. શિયાળાના દિવસોમાં ઘરમાં આવતા ઠંડા પવનને રોકવા માટે મારા દૌહિત્રને કહેવામાં આવ્યું કે ‘રાહિલ, કમાડ બંધ કર.’ તો તેણે ‘કમાડ એટલે શું?’ એમ પૂછ્યું. અમે વૈકલ્પિક શબ્દો ‘દરવાજો’ અને ‘બારણું’ આપ્યા, તો પણ તે અમારા સામે જોઈ જ રહ્યો. હવે વિચારવાનું રહે છે કે ઓછા પ્રચલિત એવા ‘દ્વાર’ ને તો એ સમજી જ શકવાનો ન હતો. આખરે જ્યારે તેને ‘Door’ શબ્દ કહેવામાં આવ્યો ત્યારે તેણે પોતે ખડખડાટ હસતાંહસતાં ‘કમાડ(!)’ બંધ કર્યું અને ઘરમાં સઘળાંને પણ એક હળવા મનોરંજનનો લ્હાવો મળી ગયો હતો. આવી જ વાત આબિસઅલીની પણ છે કે તેને જ્યારે ‘Fifty Five’ બોલી સંભળાવવામાં આવ્યું, ત્યારે જ તે ‘પંચાવન’ સંખ્યાને સમજી શક્યો હતો. જો કે ત્રીજા ધોરણથી તેને ગુજરાતી અને હિંદી બંને ભાષાઓ શીખવવામાં આવે છે, પણ તેમને પોતે અન્ય ભાષા (Second Language) તરીકે જ શીખશે અને એ ઉંમરે તેને ત્રણત્રણ ભાષાઓનો બોજ વેંઢારવો પડે કે ન પડે તેનો જવાબ શિક્ષણશાસ્ત્રીઓ જ આપી શકશે.
હવે આજના આ લેખના મૂળ આશયે આવું તો હું આજરોજે મારો એક નવીન બ્લોગ ‘વલદાનો વાર્તાવૈભવ’ શરૂ (Launch) કરી રહ્યો છું. આ બ્લોગ ઉપર મારી એક નવી વાર્તા સાથે નીચે Link તરીકે એક જૂની એમ ક્રમિક રીતે વાર્તાઓ આપતા જવાની નેમ છે. સામાન્ય રીતે વાચકોને વાર્તાઓ વાંચવામાં વધુ રસ પડતો હોય છે તે બાબતને ધ્યાનમાં લઈને આ બ્લોગ માત્ર મારા કુટુંબ પૂરતા સીમિત ભાવથી નહિ, પણ અંગ્રેજી માધ્યમમાં જે કોઈ ભણેલાં હોય તેવાં સઘળાંઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બાળવાર્તાઓ નથી, પણ જુદાજુદા ધીરગંભીર વિષયો ઉપરનો વાર્તાઓનો બ્લોગ જ છે, જે હાલમાં નહિ તો ભવિષ્યે પુખ્ત વયે પહોંચ્યા પછી પણ તેમને ઉપયોગી નિવડી શકશે.
આ પેજના સમાપન પૂર્વે હું મારા બ્લોગના નામકરણ અંગે નિખાલસ ભાવે લખું તો મને ‘વૈભવ’ શબ્દ પસંદ પડ્યો નથી. આ શબ્દથી આત્મશ્લાઘા થતી હોવાનો અપરાધભાવ હું અનુભવું છું, કેમ કે હું પોતે જ મારી વાર્તાઓને ‘વૈભવ’ શબ્દપ્રયોગથી જોડીને કઈ રીતે મારા ખભા ઊંચા કરી શકું! આમ છતાંય મારા બ્લોગના ‘વલદાનો વાર્તાવૈભવ’ નામકરણને હું બદલી નથી શકતો, કેમ કે ‘વલદા’, ‘વાર્તા’ અને ‘વૈભવ’ શબ્દોમાંની ‘વ’ની પુનરાવૃત્તિની ચમત્કૃતિ મારા હૃદયને સ્પર્શી ગઈ છે!
મારા પૌત્ર આબિસની માતૃભાષાની સમસ્યાને લઈને આ બ્લોગ શરૂ કરવાનો વિચાર સ્ફૂર્યો હોઈ હું મારા આ બ્લોગને હું ‘આબિસઅલી’ ને જ અર્પણ કરું છું.
ધન્યવાદ.
– વલીભાઈ મુસા
કમાડ, દરવાજો, બારણું, દ્વાર. પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર, તારા બાલુડાના કાજે….
LikeLike